એક બખત કી બાત બતાયે, એક બખત કી… જબ શહર હમારો સો ગયો થો, રાત ગજબ કી ! અનાવૃત – જય વસાવડા

વ્હાલા મિત્રો અને વડિલો,
આજના ગુજરાત સમાચારની “શતદલ” પૂર્તિમાં શ્રી જય વસાવડાનો દેશમાં ભ્રષ્ટાચાર વિરૂધ્ધ શ્રી અન્ના હઝારે તથા બાબા રામદેવ દ્વારા શરૂ કરેલ આંદોલન વિષે કોંગ્રેસ સરકારની નીતિ રીતિઓ વિષે ખૂબ જ સરસ વિશ્લેષ્ણ કરતો લેખ પ્રસિધ્ધ થયેલ છે જે આપ સૌને રસ પૂર્વક વાંચવો ગમશે તેમ માની અત્રે ગુજરાત સમાચાર અને શ્રી જય વસાવડાના સૌજન્ય અને આભાર સાથે રજૂ કરેલ છે.
સ-સ્નેહ
અરવિંદ

એક બખત કી બાત બતાયે, એક બખત કી… જબ શહર હમારો સો ગયો થો, રાત ગજબ કી! અનાવૃત – જય વસાવડા

સલામ, સબકો સલામ,
જેના હાથમાં દંડો તેને સલામ,
લાતના ભયથી
ડાબો હાથ કૂલા પર રાખીને
જમણે હાથે સલામ,
જોનારને સલામ,
ન જોનારને સલામ,
વેચાતું લેનારને સલામ,
વેચાતું લેવાનો ઈશારો કરનારને સલામ,
સલામ ભાઈ સબકો સલામ.
ડોળા કાઢેલી દરેક આંખને સલામ,
સંિદૂર થાપેલા દગડને સલામ,
લાખો ખર્ચીને બાંધેલા દેવળને સલામ,
દેવાલયના દેવીની ધાકને સલામ,
દેવ અને ધર્મનો કૉન્ટ્રેક્ટ લેનારને સલામ,
ખાલી હાથમાંથી ભસ્મ કાઢનાર બુવાને સલામ,
હવામાંથી વીંટી કાઢનાર મોટા બાવાને સલામ,
શનિને સલામ,
મંગળને સલામ,
ભીતિના પ્રત્યેક કૉન્ટ્રૅક્ટટરને સલામ,
મા પર જંિદગીભર ધૂરકનાર બાપને સલામ,
બાપા પર ધૂરકતા સાહેબને સલામ,
સાહેબને ફાડનાર તેના સાહેબને સલામ.
જેના હાથમાં અખબાર તેને સલામ,
ભાષણોનો, સભાઓનો ફોટા સાથે રિપોર્ટ કરે તેને સલામ,
અખબારના માલિકને સલામ,
તેની નથ પકડનાર રાજ્યકર્તાઓને સલામ,
જેની સામે માઇક્રોફોન તેને સલામ,
તેમાંથી થંભ્યા વિના બોલનારને સલામ,
લાખોની ગિરદીને સલામ,
ગિરદીને ડોલાવનારને જાદુગરને સલામ,
નાકા પરના દાદાને સલામ,
હાથભઠ્ઠીવાળાને સલામ,
સ્મગલરને સલામ,
મટકાવાળાને સલામ,
તેમણે આપેલા હપતાને સલામ,
લોકશાહીને સલામ,
ઠોકશાહીને સલામ,
સત્તાની ટ્રક ચલાવનારને સલામ,

ટ્રક નીચે ચગદાયેલાં અળસિયાંને અને કુત્તાઓને સલામ,
જેના હાથમાં ચાકુ તેને સલામ,
વિમાનમાંથી બૉમ્બ ફેકનારને સલામ,
શસ્ત્રાસ્ત્રના પ્રચંડ વેપારીઓને સલામ,
કાળાબજારિયાઓને સલામ,
તેને ફાંસી દેવાની ઘોષણા કરનારઓને સલામ,
ગટરના પાણીથી ઇન્જેકક્ષન ભરનારને સલામ,
ઠાઠડીનો સામાન વેચનારને સલામ,
ઠાઠકી ઊંચકનાર ખભાઓને સલામ,
મોત સસ્તું કરનારા સર્વને સલામ.
દરને સલામ
દરના ઉંદરને સલામ,
ઘરના વાંદાઓને સલામ,
ખાટલાના માંકડોને સલામ,
દરારવાળી ભીંતોને સલામ,
કંતાયેલી પત્નીને સલામ,
દોઢ ખોલીમાં છૈયાંછોરાંને સલામ,
ગાડીમાં ચગદાતી ગિરદીને સલામ,
સડેલા ધાનને સલામ,
કાણા પડેલા પીળાં ગંજીફરાકને સલામ,
ધંધાના માલિકને સલામ,
યુનિયનના લીડરને સલામ,
હડતાલને સલામ,
ઉપવાસને સલામ,
સર્વ રંગના સર્વ ઝંડાઓને સલામ,
ચાલીચાલીના ભરાયેલા સંડાસના લીંડાઓને સલામ,
ડોક પકડનાર પ્રત્યેક હાથને સલામ.
આ મારા પરમ પવિત્ર ઇત્યાદિ દેશને સલામ,
આ દેશની સુ-ઉદાત્ત સુ-મંગળ, સુ-પરંપરાને સલામ,
સર્વ ઉસ્તાદી ઘોષણાને સલામ,
જાતિભેદના ઉકરડાને સલામ,
આ ઉકરડામાંથી સત્તાનો પાક માણનારને સલામ,
ઉપનિષદો અને વેદોને સલામ,
સાકર-કારખાનાંના દાદાઓને સલામ,
તેમની સેંકડો લોરીને સલામ,
ચૂંટણીને સલામ,
ચૂંટણીફડને સલામ,
અદ્રશ્ય મુક્કાને સલામ,
મતના આંધળા સિક્કાને સલામ,
સસલું હાથમાં હોય એવા પારધીને સલામ,
તેની તહેનાતમાં રહેલા ભાડૂતી સૈનિકને સલામ,
હરિજનો પર અત્યાચાર કરનારાઓને સલામ,
આ બાતમી વાંચનાર સર્વ ષંઢોને સલામ,

સત્તા સંપતિના ભ….(દલાલો)નો દેશ કહું,
તો માથું ફોડી નાખશે,
હલકટ લાચારોનો દેશ કહું,
તો રસ્તા પર ઝૂડશે,
ખરીદવામાં આવનારાઓનો દેશ કહું,
તો રસ્તો રોકાશે.
દેવધર્મ વિશે, નેતાઓ વિશે ખરાબ બોલું
તો નાકા પર પકડીને ઠોકશે,
શોષણ કરનારાઓનો દેશ કહું,
તો નોકરી પરથી કાઢશે,
એટલે મારાં નપુંસકત્વને સલામ,
પછી ઠોકી શકનાર પ્રત્યે હાથને સલામ,
અને તે પછી અલબત્ત જ
આ મારા
પરમ પવિત્ર ઉદાંત્ત સુમંગલ દેશને સલામ,
આ દેશની મહાન પરંપરાને સલામ,
સલામ, પ્યારે ભાઈઓ ઔર બહેનો સબકો સલામ.
અનેક હાથ હોત તો,
અનેક હાથથી કરી હોત સલામ,
લેકિન માફ કરના ભાઈઓ
હાથ તો બે જ
અને તેમાનો ડાબો
લાતના ભયથી રાખેલો કૂલા પર
એટલે ફકત જમણા હાથે સલામ
સલામ સબકો સલામ,
ભાઈઓ ઔર બહેનો, સબકો સલામ.
મંગેશ પાડગાંવકર જેવા દિગ્ગજ કવિની આ જૂની મરાઠી કવિતાનો અનુવાદ (સુરેશ દલાલ) આજે ય તાજો લાગે તેવો છે. કારણ કે, આ દેશમાં આમ આદમીએ તો વર્ષોથી લાતના ભયથી બધે સલામો જ ઠોકવી પડે છે. કવિતા લાંબી છે, પણ ચાવી ચાવીને વાંચવા જેવી છે. વાંચીને વાગોળવા જેવી છે. ભારતનો નાગરિક, મુઘલ પાદશાહોને અને અંગ્રેજ લાટસાહેબોને ડરી ડરીને સલામો ભરતો આવ્યો છે. પછી એ આઝાદ થયો છે, એટલે હવે પોતાના જ ભાઈલોગોને સલામ ઠોકવા પૂરતો ગુલામીમાં ફેરફાર થયો છે. ૧૯૫૧માં ય પહેલો વરસાદ પડતો ને લાઈટ જતી રહેતી. ૧૯૭૧, ૧૯૯૧ અને ૨૦૧૧માં ય હજુ વરસાદ પડે છે, અને લાઈટ જતી રહે છે. હા, સેવાઓમાં સુધારો નથી થતો, પણ ભાવમાં વધારો થતો જ જાય છે ! હજારો વરસોથી આ દેશના નાગરિકોને મારી મારીને બીવડાવવામાં આવે છે. ખાદી અને ખાખી એમના પૈસે ઘર ચલાવે છે, છતાં ય એમના પર જ એ કીડામકોડા કાનખૂજરા હોય, એમ રોફ મારે છે ! લોકો દબાતા કચડાતા પીડાતા આવ્યા છે. કંટાળીને સૂઈ જાય છે, અને જો જાગે તો સ્વર્ગાધિપતિઓના ઇન્દ્રાસન ડોલતા એ ફરી ફરી એમનું ગળું દબાવી, એમની પાસે સલામો ઠોકાવે છે. સલામ ન ભરે, તો ગુલામની જેમ ભગાડે છે. ચાબૂક મારીને, સૉટી ફટકારીને, રોવડાવીને, મધરાતના વિજેતા પાંડવોની છાવણીમાં ધૂસેલા હતાશ હારેલા અશ્વત્થામાની માફક સ્ત્રીઓ અને બાળકોને ઠમઠોરીને !
ક્યાં સુધી આ અમીર દેશના નાગરિકો ગરીબીમાં જ સબડતા રહેશે ? ક્યાં સુધી વિદેશના રંગબેરંગી પાર્કસના ઝગમગતા ફોટો આંખો ફાડી ફાડીને આ દેશના નાનકડાં ભૂલકાંઓ જોયા કરશે ? એમનો ગુનો એ કે એમણે અહીં જન્મ લીધો ? આ દેશના સેંકડો સામાન્ય માણસો ચોર નથી. લૂંટારા નથી. ચાર રૂપિયાની ખારી શંિગ લઈ પાંચનો સિક્કો આપો, તો રૂપિયો પાછો આપે છે. પણ આ દેશના નેતાઓ અને અધિકારીઓ લાખો લૂંટી લીધા પછી સલામો ન ભરો, તો દંડૂકા ફટકારે છે. જેમ કાયરની માફક જાણે જનરલ ડાયરનું રાજ હોય તેમ મધરાતે દિલ્હીમાં કાળા નાણા માટે ઉપવાસ કરતા નાગરિકો પર કાળો કેર વર્તાવવા પોલિસ તૂટી પડી તેમ !

બાબા રામદેવ દૂધે ધોયેલા નથી, તો દારૂમાં ઝબોળાયેલા પણ નથી. ચેનલોના માઘ્યમે એમણે એકલપંડે જે બ્રાન્ડંિગ કર્યું, એ તો માર્કેટંિગની ગ્લોબલ કિતાબોમાં ભણાવી શકાય તેમ છે. એમના જૂનવાણી, એકાંગી અને કેવળ યોગ જ રોગ ભગાવે કે મલ્ટીનેશનલ કંપનીઓ જ બધા પાપનું મૂળ છે કે ભારતમાં જ જે કંઈ છે તે જ મહાન છે – ઈત્યાદિની ટીકા થવી જોઈએ અને આ લખનારે તો ઉઘાડેછોગ કરી છે. એમની દવાઓનો વેપાર પણ ટેક્સવાળા બિલ વિના થાય છે, અને ભગવા કપડાંને પૂજતી પ્રજાએ એમને હજારો કરોડોના સ્વામી બનાવ્યા છે. બાબા સ્માર્ટ છે. પોલિટિકલ અને કોર્પોરેટ દાવપેચના ઉસ્તાદ છે, બોલવામાં અન્ના હજારે જેવા બફાટિયા નથી – ચાલાક છે.
લેકિન, ઝેરનું મારણ ઝેર. બાબાનાં આ તમામ દોષ માટે સરકારે સ્વતંત્ર તપાસ કરી, કામ કરવું જોઈએ. મિડિયા સ્ટંિગ ઑપરેશન કરે અને અદાલત ભલેને ફાંસીએ ચડાવી દે. બાબાની ટીકાટિપ્પણ કરવાનું આ લોકશાહી દેશમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે, એમ બાબા કે બાબાના સમર્થકોને રામલીલા મેદાનમાં શાંતિથી ઉપવાસ કરીને ભારતે જોયેલી સૌથી વઘુ ભ્રષ્ટ અને નકામી સરકારની ટીકા કરવાનો હક નથી ? જો સરકારને બાબાનો હઠયોગ જોખમી લાગતો હતો તો મંજૂરી આપી આવવા જ કેમ દીધા ? મિનિસ્ટરોને મોકલી કૂલડીમાં ગોળ ભાંગવાની કોશિશ કેમ કરી ? માનો કે, બાબા રાજકારણ રમે છે. તો ભારતના બંધારણ મુજબ રાજકારણમાં ઝૂકાવવું કંઈ ક્રિમિનલ એક્ટિવિટી છે કે એ માટે અશ્રુગેસના ટોટા ફોડવા પડે ? તો તો કોઈ જ નેતાને ચૂંટણીસભા યોજવાની પણ છૂટ ન હોવી જોઈએ !
મુદ્દો એ છે જેને સિફતપૂર્વક ભૂલાવી દેવા આ ત્રાગડો રચવામાં આવ્યો છે. મુદ્દો છે કેન્દ્રમાં બેઠેલા ઘૃતરાષ્ટ્રોની આંખ મીંચામણા નીચે ચાલતો ભ્રષ્ટાચાર ! સોરી, આવી સરખામણી ન કરવી જોઈએ. હસ્તિનાપુર પર વર્ષો રાજ કરનાર દુર્યોધને પાંડવોની સાથેની માથાકૂટ વિના પ્રજાને રંજાડી નથી. યુદ્ધ હારતા હોવા છતાં રાજા તરીકે સૈનિક છાવણી પર પણ સશસ્ત્ર હુમલો કરવાના આદેશ આપ્યા નથી. યુદ્ધ સામી છાતીએ લડ્યો છે. રાવણે પણ વાનરસેનાની મહિલાઓને ખદેડવા રાતના સેના નથી મોકલી. અને રાવણની સોનાની લંકા હજારો કરોડો કૌભાંડથી બનેલી નહોતી. ક્રાંતિકારીઓ સામે સખ્તાઈ કરતા ગોરા બ્રિટિશરોએ પણ ઉપવાસ પર ઉતરેલા ગાંધીજીના સમર્થકોને મારીમારીને ઝૂડી નાખીને ખદેડી નાખ્યા નથી ! ગાંધીજી કે બાબા રામદેવની સરખામણી નથી પણ કોઈ પણ લોકનેતા અંતે તો પબ્લિકના જનસમર્થન પર મહાન બને છે.
રામલીલા મેદાનમાં ચાલતા જનઆંદોલનમાં શું કંઈ કાશ્મીરના ગિલાનીની માફક દેશવિભાજનની ઉશ્કેરણી કરતી સભાઓ હતી ? શું ત્રાસવાદીઓના માનવઅધિકારોની તરફેણ હતી ? જ્ઞાતિવાદી ધોરણે અનામતના લાભ માંગવાનું બ્લેકમેઇલંિગ હતું ? રામદેવબાબાની આયુર્વેદિક દવાઓની પ્રચારસભા હતી ? શું ગુનેગારોને છોડી દેવાની માંગણી હતી ? કોઈ નેતા-અભિનેતા-કંપનીનો વિરોધ હતો ? અરે, લાખો નાગરિકોએ મારા-તમારા તમામના હકના લૂંટાઈને વિદેશ જતા પૈસા પાછા લઈ આવવા માટે કેવળ શાંતિપૂર્વક ઉપવાસનો સત્યાગ્રહ કર્યો હતો. સશસ્ત્ર ક્રાંતિ નહિ ! (અંગ્રેજોએ પણ પોતાની પ્રજા સાથે આવો વર્તાવ નથી કર્યો બ્રિટનમાં, પણ આપણા લોહીતરસ્યા રાજકારણીઓએ ઇન્દિરાશાઈ કટોકટીનો, અનુભવ કામે લગાડયો પૂરેપૂરો !) તો શું સરકારને કાળા નાણાં અંગે કે ભ્રષ્ટાચાર અંગે સવાલ પૂછવો એ ત્રાસવાદથી મોટો ગુનો છે ?
સમજો બરાબર. મધરાતના સરકારે ૫૦૦૦ પોલિસ અને રેપિડ એકશન ફોર્સ કેવળ વિરોધનો ચૂપચાપ મત પ્રદર્શિત કરી વઘુ સ્વચ્છ શાસનની માંગણી કરતા લાખો દેશવાસીઓને વિખેરવા છૂટી મૂકી દીધી, આટલી ઝડપથી કલમાડી, રાજા, પવાર – એ લોકોના કૌભાંડ સપાટી પર આવ્યા, ત્યારે કેમ પોલિસ છૂટી મૂકીને મધરાતના તત્કાળ એમને જેલભેગા ન કર્યા, અને તમામ પુરાવા સગેવગે કરવા મહિનાઓનો સમય આપ્યો ? આટલી ત્વરાથી કસાબ કે અફઝલ કે ભુલ્લરની ફાંસીના નિર્ણયો ટાળમટોળ મૂકી સરકાર કેમ લેતી નથી ? જો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ચાલતા ટેરરિસ્ટ કેમ્પમાં આવી રીતે ઓપરેશન કર્યું હોત તો ત્રાસવાદી હંિસામાં સેંકડો-નિર્દોષોના જીવ જતા બચી ગયા હોત ! લાદેન અને ઈલિયાસ કાશ્મીરીને-અમેરિકાએ ઉડાવી દીધા છે. પાકિસ્તાની શાસકોને ક્રિકેટ મેચ જોવા બોલાવતી સરકારે પોતાની જ શાંત જનતાને ધોઈ નાખી, તો ત્રેવડ હોય તો બળ અહીં કેમ ન બતાવ્યું ?
કારણ કે, સરકારને ‘જાનહાનિ’ની નહિ પોતાની ‘માનહાનિ’ની અને ‘ધનહાનિ’ની ચંિતા છે ! અન્ના હજારેનું આંદોલન ફક્ત લોકપાલ બિલનું હતું. બાબા રામદેવની માંગમાં સ્વીસ બેન્કમાંથી ભારતના લાચાર ગરીબોના કલ્યાણ માટેના ઉડાવી દેવાયેલા પૈસા પાછા માંગવાની વાત હતી. એમાં એવું તો શું છે કે રામદેવ વઘુ મોટા હીરો બને અને પોતાની સરેઆમ આબરૂનું લીબિયાના ગદ્દાફી, ઇજીપ્તના મુબારક જેવું લિલામ થાય એ જોખમે પણ યુપીએ સરકારના નેતાઓ છૂપાવે છે, અને સવાલ પૂછનારને ચીનના ટાઈનાનમેન સ્કેવર પર ચાલતી ટેન્કોની અદામાં ચૂપ કરે છે ? આવી સખ્તાઈ કાળા નાણાંની, ભ્રષ્ટાચારની દુખતી રગ દેખાય ત્યારે જ શા માટે ? જાહેર શિસ્ત, ગંદકી કે બીજા મુદ્દામાં તો કદી જરૂરી હોવા છતાં ય સરકાર કડક નથી ! દિલ્હીમાં બળાત્કાર થાય ત્યારે તો આ પોલિસ ઉંઘતી હોય છે, ને અપરાધીઓ જાગતા હોય છે !

રાતના આવી કાર્યવાહી જ સરકારની લુચ્ચાઈ છે. ધાર્યું હોત તો સવારે કે સાંજે પણ મંજૂરી રદ કરી ધરપકડ કે વિખેરવા માટેની વ્યવસ્થા થઈ શકત. રાતના આવી રીતે તાલિબાની અદામાં તૂટી પડવાનું કારણ એ જ કે બીજા દિવસની અખબારી હેડલાઈન્સ ન બને. સૂતેલા નિર્દોષ નાગરિકોનો અહંિસક વિરોધ હંિસાથી બંધ કરાવવાની ચેષ્ટા મધરાતે એટલે કે રવિવારે કોર્ટ બંધ હોય. અને ટીવી પરની કે ઈન્ટરનેટ પરની ડિબેટસમાં તો પરસ્પર વિરોધી અભિપ્રાયોનો કોલાહલ વધારી બ્લેક મની અને કરપ્શનવાળી આખી વાત આડે પાટે ચડાવી શકાય. રામદેવબાબાની ઉસ્તાદી તો સરકાર જાણે છે, એટલે સ્તો છૂપા સમાધાન કરવા તૈયાર થઈ અને પછી ભયભીત થઈને પોતાની જ આબરૂ જાય એવા એકશન લેવા લાગી ! રામદેવબાબા તો આમ પણ ‘મેઈડ ઈન મિડિયા’ છે, એટલે મિડિયાનો ઉપયોગ કરે એ પહેલા જ રાતના માફિયાની જેમ એમને તગેડી મૂકાયા !
મુદ્દો બાબા રામદેવ નથી. મુદ્દો છે શાંત વિરોધપ્રદર્શનથી ભ્રષ્ટાચારનો વિરોધ કરતી પ્રજા પર ‘ઉલટા ચોર કોટવાલ કો ડાંટે’ની અદામાં શિકારી વરૂઓની માફત તૂટી પડેલા ભ્રષ્ટ શાસકોનું અભિમાન ! બાબા રામદેવના ઉપવાસ જો નાટક હોય, તો શરદ પવાર શું તપસ્યા કરી રહ્યા છે ? કેન્દ્ર સરકારમાં સરેઆમ જે સ્ટ્રિપટિઝ શો જેવી નૌટંકી ચાલે છે, તેનું શું ? આ દેશની પોતાના જ પ્રશ્નો અંગે ઉંઘતી પ્રજાને થોડા પોતે ભેગા કરેલા પૈસા કે પોતાને ફાવતી લોકશાહી તરકીબથી જગાડવી એ એવો તો કેવો અપરાધ છે ? ગુજરાતમાં આવા માત્ર નિવેદન પણ ભિન્નમતની સામે થાય તો મગરના આંસુઓથી દરિયો ભરી દેનાર કેન્દ્ર સરકાર હુલ્લડ, કટોકટી, ત્રાસવાદ, કુદરતી આપત્તિ વિના કેવળ શાંતિથી ઉપવાસ કરી વિરોધ કરનારા નાગરિકોના દમન વખતે ગોળ ગોળ ગુલાબજાંબુ ફિલસૂફીની ચાસણીમાં ડૂબાડીને ચટાડવા લાગ્યા છે. છાવણીમાં ભારતના નાગરિકો ભેગા થાય, તો એમાં ડર કોને લાગે છે ? ચૂંટણી સભાઓમાં ય પોતપોતાની વિચારધારા મુજબ ટોળા ભેગા નથી થતા ? ઉપવાસ કે સત્યાગ્રહનો આવો જવાબ પરદેશી શાસકોએ ભારતમાં આપ્યો નથી, અને આપ્યો છે ત્યારે એ શાસકો ખલનાયકો પુરવાર થયા છે. યોગગુરૂને પણ સંવિધાન મુજબ રાજકારણ કે ચૂંટણીમાં પડવાનો હક છે, અને નપાવટ નઘરોળ નેતાઓની સાપેક્ષે એને સમર્થન આપવાનો જવાબદાર અને સમજદાર જાગૃત નાગરિકને અધિકાર છે.
આ લેખના શીર્ષકમાં ગુલાબ ફિલ્મનું ગીત છે, તેમાં પિયુષ મિશ્રા આગળ લખે છે – સબ જગત યે પૂછેગા જબ ઈતના સબ કુછ હો ગયો થો, તો શહેર તમારા કાય બાઈ સા આંખ મૂંદ કે સો રિયો થો, તો શહેર બોલિયો નીંદ કે ઝપકી ઐસી આઈ રે, જીસ રાત શહર મેં વિપદા છાઈ રે….! કયારેક ભર્યા પેટનો સુખી ઓડકાર બોમ્બ બ્લાસ્ટથી વઘુ નુકસાનકારક હોય છે, અને ક્રાંતિની ચીસ જવાળામુખીના લાવા કરતા વઘુ દઝાડનારી પણ હોય છે. ક્રૂર, કાતિલ, કબાડાબાજ નેતાઓએ કાનૂનને કોઠા પર બેસાડ્યો છે, પણ જે દિવસે પેલો આ બઘું ચૂપચાપ સહન કરતા સામાન્ય માણસનો સલામ ભરતો હાથ તમાચો ઠોકતો થશે – પછી રાહુલબાબા કે રામદેવબાબા કોઈના ટેકાની આ ‘સ્વ’ તંત્ર દેશને જરૂર નહિ પડે !

2 comments

    1. ભાઈશ્રી મંગેશ
      બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર. ફરી પણ અનુકૂળતાએ મુલાકાત લેતા રહી પ્રતિભાવ જણાવતા રહેશો !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

Leave a comment