ઝાકળ બન્યું મોતી – કુમારપાળ દેસાઈ

ઝાકળ બન્યું મોતી – કુમારપાળ દેસાઈ

 

ધર્મમાં સિધ્ધિનું પ્રદર્શન નહીં, શ્રધ્ધાનું દર્શન જોઈએ ! દોઢ હજાર વર્ષ પહેલાં બોધિધર્મ નામના એક ભિક્ષુક ભારતમાંથી ચીનની યાત્રાએ ગયા. અહીં ચીનના રાજા વૂ સાથે એમનો મેળાપ થયો. સમગ્ર ચીનમાં રાજા વૂ એમના ભવ્ય ધર્મકાર્યો માટે વિખ્યાત હતા. એમણે અનેક મંદિરો અને મૂર્તિઓ બનાવ્યાં હતાં. રાજ્યમાં સર્વત્ર એક ધાર્મિક વ્યક્તિ તરીકે સૌ રાજાનો આદર અને વંદન કરતા હતા. રાજાને ખબર પડી કે ભારતથી કોઈ બૌદ્ધ ભિક્ષુ પોતાના દેશમાં આવે છે, તો એમને મળવા માટે ગયા. એમણે બોધિધર્મને પૂછ્યું, ”હે બોધિ ! મેં અનેક ભવ્ય મંદિરો બનાવ્યાં છે, એક એકથી ચઢિયાતી અને કિંમતી મૂર્તિઓ સ્થાપી છે. ધર્મની પાછળ મેં અપાર ધન ખર્ચ્યું છે. આપે પણ મેં રચેલા મંદિરો જોયા હશે અને મારાં ધર્મઅનુષ્ઠાનો જાણ્યાં હશે.” બોધિધર્મએ કહ્યું, ”હા, મેં એ મંદિરો જોયાં અને મૂર્તિઓ પણ જોઈ છે. તમારી ધાર્મિકતાની ઘણી લોક પ્રચલિત કથાઓ પણ સાંભળી છે.” આ સાંભળી રાજા વૂને મનમાં અહંકાર જાગ્યો અને એને મૃત્યુ પછી નિર્વાણ કે કોઈ મહાપદ મળશે એવું બોધિધર્મ કહે એવી અપેક્ષાથી પૂછ્યું, ”આટલા બધા ધર્મકાર્યોને પરિણામે મને શું પ્રાપ્ત થશે ?” બોધિધર્મએ કહ્યું, ”કશું જ નહીં.” બોધિધર્મનો આ ઉત્તર સાંભળીને રાજા સ્તબ્ધ થઈ ગયા. એમણે તો આવા જવાબની કલ્પના પણ કરી નહોતી. એમણે ફરી પૂછ્યું, ”એવું કેમ ? હું ધાર્મિક વ્યક્તિ છું. મોકળે હાથે દાન આપું છું, મંદિરો અને ધાર્મિક કાર્યોમાં ધન આપવા માટે ગમે તેટલો વિરોધ થાય તો પણ એની પરવા કરતો નથી. તેમ છતાં મને આપે આવું કેમ કહ્યું ?” રાજાની વાત સાંભળી બોધિધર્મ બોલ્યા, ”એ માટે કહ્યું કે તેં આ બધા કાર્યો પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે કર્યાં છે. તેં ભવ્ય મંદિરો બંધાવીને તારા અહંકારને વધુ મોટો અને ભવ્ય બનાવ્યો છે. તેં કીમતી મૂર્તિઓની રચના કરી છે, પરંતુ તેની પાછળ તારો આશય પ્રજાને મૂર્તિઓના દર્શન કરાવવાનો નહિ, પરંતુ મૂર્તિની બહુમૂલ્યતા દર્શાવવાનો હતો. તેં ધર્મકાર્યમાં જેટલું ધન ખર્ચ્યું, એથી વધુ પ્રશંસાની અપેક્ષા રાખી છે, આથી તને કશું પ્રાપ્ત થશે નહીં.” રાજા વૂએ કહ્યું, ”હે બોધિ ! મારી ભૂલ મને સમજાય છે. મારે કઈ રીતે ધર્મકાર્ય કરવાં જોઈએ.” બોધિધર્મએ કહ્યું, ”રાજન ! તારે શ્રધ્ધાથી ધર્મકાર્ય કરવા જોઈએ. જો તેં શ્રદ્ધા અને સમર્પણથી ધર્મકાર્ય કર્યા હોત, તો તારા મનમાં એવો પ્રશ્ન ક્યારેય જાગ્યો ન હોત કે આ બધાથી તને શું મળશે ? તારી શ્રદ્ધા અને સમર્પણે જ એ સઘળા સંશયોને નષ્ટ કરી નાખ્યા હોત.”

 

Leave a comment