સ્વતંત્રતા પ્રેમની જનેતા—–સ્પાર્ક–વત્સલ વસાણી—ગુજરાત સમાચાર રવિ પૂર્તિમાંથી

સ્વતંત્રતા પ્રેમની જનેતા—–સ્પાર્ક–વત્સલ વસાણી—ગુજરાત સમાચાર રવિ પૂર્તિમાંથી

પરમાત્મા તમને તમારા પાપનો બદલો આપે છે એ વાત બિલકુલ ખોટી અને વાહિયાત છે. પરમાત્માના પ્રેમ સામે તમારા પાપનો કોઈ હિસાબ નથી.

પોતાને કોઈ પ્રેમ કરે એવી ઈચ્છા અને ઝંખના તો અનેક લોકોમાં હોય છે પણ પ્રેમની સાચી સમજ અને પરખ તો ભાગ્યે જ કોઈ વિરલ વ્યક્તિમાં હોઈ શકે. પ્રેમ વિનાનું જીવન નિસ્સાર અને વ્યર્થ છે. જેણે જીવનમાં પ્રેમનો સ્વાદ જ નથી લીધો એવી વ્યક્તિ જગતમાં સૌથી વધુ દીન અને દયનીય છે. તમારું હૃદય કોઈ માટે ધડકતું જ ન હોય તો એવા હૃદયમાં અને પથ્થરમાં ફરક શો છે ? અહંકાર જેટલો વધે એટલા પ્રમાણમાં હૃદય આપોઆપ કઠોર થતું જશે. અહંકાર જેટલો ઘટે હૃદય એટલું તરલ, પ્રવાહી અને પારદર્શી બની જશે. અહંકાર નિશેષ થાય એ ક્ષણે હૃદય પૂરેપૂરું પ્રેમમય અને પ્રવાહી બની જાય છે. એમાં ક્યાંય અવરોધ, કશી અપેક્ષા કે શર્ત હોતી નથી.
સ્વતંત્રતા પ્રેમની જનેતા છે. તમે જેને ચાહો તેને પૂરેપૂરી મુક્તિ આપો તો જ એનો પ્રેમ જીવંત રહી વિકસી શકે. પ્રેમમાં સ્વતંત્રતા તો જ શક્ય બને જો પ્રેમ પાત્ર પર ભરોસો અને શ્રધ્ધા હોય. જેના પર ભરોસો જ ન હોય એવી વ્યક્તિને તમે પ્રેમ કરો છો એવું કહી ન શકાય.
ઊંડો ભરોસો, બન્ને પાંખો સાથે મુક્ત ગગનમાં ઊડવા છતાં પક્ષીને પોતાના નીડ સાથે બાંધી રાખે છે. એ ક્યાંય પણ જાય, નીડ એના હૃદયમાં કેન્દ્ર સ્થાને હશે. કોઈ એક અદ્રષ્ય તંતુ પેલા પક્ષીને આ કેન્દ્ર સાથે જોડેલું જ રાખશે. કેમકે નીડમાં પરમ વિશ્રામ છે. પૂરેપૂરી હૂંફ અને આત્મીયતા એને એ સ્થળ પર જઈને જ મળે છે. પક્ષી પાંખો ફફડાવીને ઊડે ત્યારે નીડના અંતરમાં લેશમાત્ર થડકો કે ફડકો નથી હોતો. કે પક્ષી પાછું ફરશે કે નહીં ?… એની બેશર્ત પ્રતીક્ષા જ થાકેલા પક્ષીને પાછું ફરવા માટે પ્રેરે છે.
પરમાત્મા આવો જ એક નીડ છે. પ્રાણી માત્રને એ પરમ સ્વતંત્રતા આપે છે. એની કોઈ શર્ત કે અપેક્ષા જ નથી અને એ કારણે જ સંસારમાં ગમે તેટલું ભટકો પરમ વિશ્રામ માટે પરમાત્માના ખોળે પાછું ફરવું જ પડશે. પરમાત્માની કરૃણા અપાર છે. પંડિત પુરોહિત ભલેને કહેતા ફરે કે આપણા પાપ પુણ્યનો પ્રભુના દરબારમાં ચોપડો હોય છે. પણ સમજે એના માટે એ વાત સાચી નથી. પરમ પ્રેમમાં ક્યારેય કોઈ શર્ત, અપેક્ષા કે વિનિમય વૃત્તિ હોતી નથી. એ બેશર્ત છે. માતા જેમ પોતાના નબળા બાળકનું વધુ ધ્યાન રાખે છે, એમ જ પરમાત્મા આપણી નબળાઈઓ પ્રત્યે વધુ કરૃણાવાન હોય છે.
જિસસ ક્રાઈસ્ટ કાયમ કહેતા : પોતાના ઘેટાં બકરાને લઈને જંગલ કે સીમમાં ગયેલો રબારી સંધ્યા ટાણે પાછો ફરવા લાગે ત્યારે પૂરા ટોળા પર એક નજર નાખી ગણતરી કરી લે છે. અને જેવો એને ખ્યાલ આવે છે કે એકાદ ઘેટું ઓછું છે તો ટોળાને ત્યાંનું ત્યાં છોડી બેટરી લઈ એને શોધવા માટે જંગલમાં નીકળી પડે છે અને શોધતાં શોધતાં એ નબળું ઘેટું મળી જાય તો પગપાળા હંકારીને નહીં પણ એને ખભા પર નાખીને પાછું ઉપાડી લાવે છે.
એક સામાન્ય ભરવાડ પણ નબળા ઘેટા માટે આવું કરી શકતો હોય, હૃદયમાં વાત્સલ્ય લઈને જીવતી માતા નબળા કે અણસમજુ બાળક તરફ વધુ પ્રેમ પૂર્ણ હોય તો પરમાત્મા શું એનાથી પણ પાછળ હોઈ શકે ? એક ભરવાડ જેટલી પણ એની પાસે સમજ નહીં હોય ? અને આથી જ પંડિત પુરોહિતની વિરુદ્ધ જઈને પણ સંતો સદૈવ કહેતા રહ્યા છે.
પરમાત્મા પરમ કરૃણાવાન છે. તમારી નાની નાની ભૂલોનો ત્યાં કોઈ હિસાબ નથી. આવી બધી ગણતરી તો સાંસારિક મનમાં જ ચાલે. પરમાત્માનું જગત ગણિતથી નહીં પ્રેમથી ચાલે છે. એના બેશર્ત અને પરમ પ્રેમના કારણે જ પ્રકૃતિમાં આટલી વ્યવસ્થા, કરૃણા અને સુંદરતા છે. તમે થોડું ઘણું મદ્યપાન કરી લીધું તો પરમાત્મા નારાજ થઈ જશે એ વાતમાં કોઈ માલ નથી.
તમારા ધુમ્રપાન સાથે પરમાત્માને કશી જ લેવા દેવા નથી. હા, આવું બધું કરવાથી તમને પોતાને જ નુકસાન પહોંચે છે. એ વાત સાચી છે. કેન્સર જેવા ભયંકર રોગમાં સપડાવું હોય તો જ બેફામ ધૂમ્રપાન કરવું. મગજ પરનું સંતુલન ગુમાવી નાખવું હોય તો જ નશાના માર્ગે જવું. તમે શું ખાવ છો, શું પીઓ છો, કેવી રીતે જીવો છો એની અસર પરમાત્માના પ્રેમ પર સહેજેય પડતી નથી. પણ પરમાત્મા તરફ જવાના તમારા માર્ગમાં એ કારણે જરૃર અવરોધ ઊભો થાય છે.
તમારી દ્રષ્ટિ ધુંધળી બની જાય છે. પગનું જોર ઘટી જાય છે. શ્રદ્ધા અને આત્મવિશ્વાસ પણ ડગમગી જાય છે. કેમકે તમે તમારા શરીર અને મન પર અત્યાચાર કરી રહ્યા છો. જેટલા પ્રમાણમાં ધન પાછળ દોડશો એટલા પ્રમાણમાં ધ્યાન ઘટતું જશે. જેટલા પ્રમાણમાં વાસનાના વમળમાં ફસાશો એટલા પ્રમાણમાં સામે પાર જવામાં વિલંબ થવાનો છે. નુકસાન તમને પોતાને અને તમારા તરફથી જ થવાનું છે.
પરમાત્મા તમને તમારા પાપનો બદલો આપે છે એ વાત બિલકુલ ખોટી અને વાહિયાત છે. પરમાત્માના પ્રેમ સામે તમારા પાપનો કોઈ હિસાબ નથી. કરૃણા સાગર પરમાત્મા સામે તમારા જિંદગીભરના પાપો પાણીના તુચ્છ ટીપાં કરતાં ય નાના અને નહીંવત્ છે. એના કારણે જે નુકસાન થઈ રહ્યું છે કે તમને જે પીડા પહોંચી રહી છે એની જવાબદારી એક માત્ર તમારી અને તમારી જ છે. તમે દુખી છો તો તમારા કારણે. તમારા કર્મનું જ એ પરિણામ હોઈ શકે. પણ પરમાત્મા નવરો પડીને તમારી ક્ષુલ્લક વાતોની નોંધ રાખ્યા કરે છે અને તમને એની સજા ફટકારતો રહે છે.
એવી વિચારણા પરમાત્માને નહીં સમજી શકનારા લોકો દ્વારા જન્મી છે. નૈતિક – ઉપદેશકોએ જ આવો ભય ફેલાવ્યો છે. પરમાત્મા તો પરમ સાક્ષી છે. દ્રષ્ટા ભાવમાં સ્થિત વ્યક્તિમાં પણ જો કોઈ પ્રતિક્રિયા જાગતી ન હોય તો પરમાત્મામાં એવી વૃત્તિ ક્યાંથી જન્મે ? એમને શું કશું કામ જ નથી ? દુનિયાભરના લોકો જે કાંઈ કરતાં રહે એનો શું એ હિસાબ રાખવામાં જ સમય પસાર કરે ? એક કલાર્ક કે હિસાબનીશથી વિશેષ શું પરમાત્માનું કોઈ કામ નથી ?
ઓશો કહે છે : આ આખીય જાળને તોડી નાખવા જેવી છે. ધર્મ અને અધ્યાત્મના નામે પંડિત પુરોહિત તમારું શોષણ કરે છે. મનમાં ભરેલા ભયથી મુક્ત થાવ. પરમાત્માને તમે નાળિયેર વધેરો કે ન વધેરો, એની બાધા આખડી રાખો કે ન રાખો, એનો પ્રેમ અપાર અને બે શર્ત છે. એ તમને ચાહેજ છે. તમને સુખ પહોંચે એમાં જ એને રસ છે. પરમાત્માને નહીં સમજવાના કારણે જ જગતમાં આટલા બધા ક્રિયા કાંડ, ધાર્મિક દુકાનદારી અને વ્યર્થની વાતો છે.
એક વાત ચોક્કસ સમજી લો : તમે સુખી હો કે દુખી. તમારું મન શાંત હોય કે અશાંત એની જવાબદારી પૂરેપૂરી તમારી જ છે. જગતમાં એક મહાનિયમ છે : કર્મ અને તેના ફળનો. કર્મ પોતે જ પરિણામ લાવનારું બની જાય છે. માટે આનંદની ઈચ્છા હોય તો કસુંક એવું કરો જેમાંથી અને જેના કારણે આનંદ મળે. શાંતિ જોઈતી હોય તો જે કારણે શાંતિ આવે એ રીતે જીવો. દુખી ન થવું હોય તો દુખના બીજ વાવવાનું બંધ કરો. બહાર બહાર ભટકવાથી દુખ મળે છે. વધુ વધુની દોડ તમને અશાંતિ આપે છે. વાસના દુષ્પૂર છે. અને એને પૂરી કરવાની દોડમાંથી જ ટેન્શન અને ડિપ્રેશનનો જન્મ થાય છે.
ધર્મના જગતના તમામ દલાલોને નમસ્કાર કરો અને સુખદુખ માટે પોતાની જવાબદારીને સ્વીકારી જ્યાં જવું હોય તે રસ્તે ચાલવાનું શરૃ કરો. તમારા સિવાય તમારો ઉદ્ધાર કરનારું આ જગતમાં કોઈ નથી.
ક્રાન્તિબીજ
નવાજેશ જવાનીની થઈ હો તમો પર
તો એનો સમયસર સદુપયોગ કરજો,
નજર નીચી રાખી કોઈ વાર નીરખે
ઊભા એવા થોડાંક સંજોગ કરજો.