બુદ્ધિનો ઉપયોગ કયારે થશે?— વિચાર વિહાર – યાસીન દલાલ

વિચાર વિહાર – યાસીન દલાલ
બુદ્ધિનો ઉપયોગ કયારે થશે?— વિચાર વિહાર – યાસીન દલાલ

જે દેશમાં દરરોજ કયાંકને કયાંક ધર્મને નામે બે પાંચ માણસોને મારી નાખવામાં આવે, એ દેશને ધાર્મિક કહેવડાવાનો અધિકાર ખરો?

આપણે સતત, રાત – દિવસ, ઊઠતાં – બેસતાં, આપણી ધર્મપ્રિયતા, આપણી પરંપરાઓ, આપણી પ્રાચીન સંસ્કૃતિના ગુણગાન ગાતા રહીએ છીએ. આપણી કહેવાતી સિધ્ધિઓ વિષે વારંવાર આપણે આપણી પીઠ થાબડીએ છીએ, અને આપણી જાતને પ્રમાણપત્ર આપતા રહીએ છીએ. પશ્ચિમની સંસ્કૃતિ પતીત છે.
ત્યાં નૈતિક મૂલ્યો નથી, આધ્યાત્મિક સુખ નથી, મનની શાંતિ નથી અને આપણે ત્યાં ધર્મ છે, આધ્યાત્મિકતા છે, મનની શાંતિ છે, એવી થિયરીનો પ્રચાર આપણે ઢોલ વગાડીને વર્ષોથી કરતા આવ્યા છીએ. આપણાં ગામો અને શહેરોમાં સતત નવાં નવાં મંદિરો, દેરાસરો ઊભા થતાં રહે છે, એના ઉદઘાટન સમારંભો યોજાય છે, એના ઉપર વિમાનોમાંથી પુષ્પવૃષ્ટિ કરવામાં આળે છે. ધાર્મિક શોભાયાત્રાઓ અને શતાબ્દીઓ અને દ્વિશતાબ્દીઓ પાછળ પણ અઢળક ધન ખર્ચાય છે, અને હવે તો સરકાર પણ એમાં જાહેર તંત્ર અને સગવડો આપે છે.
આવી ધાર્મિકતાના જાહેર પ્રદર્શનના પડદા પાછળ આપણે ત્યાં કેવો અધર્મ સતત, બિનરોકટોક, બેશરમ રીતે ચાલે છે? કુરિવાજો, ક્રૂરતા, બર્બરતાને ધર્મના નામે આપણે રક્ષણ આપીએ છીએ. દરેક પ્રકારની કુરૃઢિને પરંપરા અને ધર્મના આદેશનું કવચ ઓઢાડી દઈએ છીએ.
કોઈ સ્ત્રીને પતિના મૃત્યુ પછી એની સાથે જ જીવતી સળગાવી દેવામાં આવે અને એની સાથે ધાર્મિક આસ્થાને જોડી દેવાય એટલે પત્યું! કોઈ સ્ત્રીને એનો પતિ ત્યજી દે છતાં એને ભરણપોષણ મળતું હોય તે અમાનવીય રીતે બંધ કરી દેવામાં આવે, ને એની પાછળ ધર્મના આદેશનું બહાનું ધરવામાં આવે.
ધર્મને નામે જાહેર જમીન મિલકતો ઉપર પેશકદમી કરવાની છૂટ. ધર્મને નામે રસતાની વચ્ચે બધાને નડે એ રીતે કોઈ ધર્મસ્થાન ઊભું કરી શકાય. ધાર્મિક પર્વોની ઉજવણીના નામે ઘોંઘાટ અને કોલાહલ સર્જી શકાય. ઉત્સવોને નિમિત્ત બનાવીને અમૂલ્ય લાકડું અને બળતણનો વ્યય કરી શકાય. આખા રસ્તાઓ બંધ કરી શકાય. એક ધર્મસ્થાનમાં એક મોટા વાસણમાં પકવેલું ભોજન ખાવાલોકો એ વાસણમાં આખા અંદર ઉતરી જાય છે!
આપણે માણસ સિવાય દરેક પ્રાણીને પૂજીએ છીએ. પથ્થરને પણ પૂજીએ છીએ. એક પશુની હત્યા થાય એટલે ગામ આખામાં તંગદિલી ફેલાય, એને પગલે જે તોફાનો ફાટી નીકળે એમાં થોડા માણસો મરે ત્યારે એ તંગદિલી હળવી થાય! ધર્મ પ્રગટયો ત્યારે એક વિધાયક ઘટના તરીકે પ્રગટયો હતો. આજના વિશ્વમાં ધર્મ જેવી નકારાત્મક ઘટના કોઈ નથી. ધર્મે માણસમાં રહેલા એના પોતીકા વ્યક્તિત્વને મારી નાખ્યો. એના સ્વત્વને હણી લીધું, એની ખુદ્દારી અને ખુમારીને ખતમ કરી નાખી. કદાચ એટલે જ ગાલિબે કહ્યું હતું, બંદગી મેં મેરા ભલા ન હૂઆ.’
આપણે આપણા પડોશીના ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં એનાં ધર્મ, જ્ઞાાતિ પ્રદેશ બધું બરાબર જાણીલઈએ છીએ. એના ઘરનું પાણી પીવાય એમ છે કે નહીં, એને ધર્મની સરાણ ઉપર ચડાવીને નક્કી કરી લઈએ છીએ. એના ઘરમાં બેસીને સુફિયાણી વાતો કરી આવીએ છીએ આવા પરિચય, આવા મિલનમાં માત્ર ઔપચારિકતા અને દંભ સિવાય કશું હોતું નથી. ધર્મ માણસને જોડે કે જુદા પાડેય’ ધર્મ માણસને એના પછાતપણા અને પ્રાકૃતપણાનીકેદમાંથી બહાર આવવા દેતો નથી.
જે દેશમાં દરરોજ કયાંકને કયાંક ધર્મને નામે બે પાંચ માણસોને મારી નાખવામાં આળે, એ દેશને ધાર્મિક કહેવડાવાનો અધિકાર ખરો? જે દેશમાં દરરોજ કોઈ ને કોઈ ખૂણે, પોલીસ ગોળીબારમાં બે – પાંચ માણસો મરી જતા હોય એ પ્રજાને પોતાને શાંતિપ્રિય તરીકે ઓલખાવવાનો અધિકાર ખરો? આપણી કહેવાતી આધ્યાત્મિકતા તો હવે મશ્કરીનો વિષય બની ગઈ છે.
પશ્ચિમના લોકો કરતાં પણ આપણે વધુ સંપત્તિપ્રિય અને ભૌતિકવાદી છીએ. એમ ન હોત તો આધ્યાત્મિકતાની માળા જપતાં જપતાં અમેરિકા તરફ સામૂહિક દોટ ન મૂકત. આપણા લોકો લાખોની સંખ્યામાં અમેરિકા અને અખાતનાં દેશોમાં જાય, એને ભુલાવી દઈને ત્યાંથી બે પાંચ માથાફરેલા લોકો આપણા દેશમાં આવીને કોઈ ધર્મગુરૃના ચેલા બને ત્યારે આપણે આપણી આધ્યાત્મિકતાનો ગર્વ લેવા માંડીએ છીએ!
પણ, એ ધર્મગુરૃ તો પોતે એરકન્ડિશનિંગ મશીન, રેફ્રીજરેટર અને ટેલિવિઝનની સંસ્કૃતિમાં રાચતા હોય છે! એમને ધર્મનો પ્રચાર કરવા માટે પશ્ચિમનાં બધાં ભૌતિક સાધન સગવડોની ગરજ રહે છે! વીડિયો ઉપર કથા સાંભળીને મેળવેલું પુણ્ય કેટલું તકલાદી ગણાય!
દરેક ચીજનો વેપાર કરનાર આપણી પ્રજાએ ધર્મને નથી છોડયો.મંદિરોમાં પ્રભુની આરતી અને પ્રસાદના પણ જુદા જુદા ભાવ નક્કી કરીને એનું પાટિંયુ મારવામાં આવે છે! પ્રભુના ઘરમાં પણ પૈસાની બોલબાલા! પુણ્યનો પણ ચડાવો થાય અને પૈસાદાર વધુ પૈસા ખર્ચીને વધુ પુણ્ય ખરીદે. આજના ધાર્મિકસ્થાનો પણ મોટા સ્થાપિત હિતો બની ગયાં છે. એમની આવક અને મિલકત ઉપરથી એમની મહત્તા નક્કી થાય છે માણસ વચ્ચે ધર્મની દીવાલ આવીને ઊભી રહી ગઈ છે.
ધર્મના સ્થાનો પર અધર્મીઓએ અડ્ડો જમાવ્યો છે. આજના ધર્મઉપદેશકો પણ જનસંપર્ક અને પ્રચારના આધુનિક કીમિયા અજમાવે છે અને ધર્મસ્થાનોને ફિલ્મી મનોરંજનની કક્ષાએ લઈ જઈને લોકરંજન કરે છે. આવી કથા સાંભળવા જવું એ ફેશન બન્યું છે. બધા પયગંબરો આજના ધર્મની અવદશા જોઈ શકત તો એકસામટા પોતાના ધર્મગ્રંથોને પાછા ખેંચી લેત. આપણાં દુ:ખ- દર્દોનું ઓસડ ધર્મના એજન્ટો પાસે નથી. એ સત્ય આપણને કયારે સમજાશે?
જો ધર્મસ્થાનો, પૂજાપાઠ અને હોમહવનોથી કલ્યાણ થતું હોત તો આપણા દેશમાં તો સ્વર્ગ ઊતર્યું હોત.સેંકડો સંપ્રદાયો અને પંથોવાળા દેશમાં શેરીએ શેરીએ ધર્મગુરૃઓ, સાધુઓ, ફકીરો જોવા મળે છે. ડગલે ને પગલે મંદિર, મસ્જિદ જોવા મળે છે. નિતનવાં સ્થળોએ ધૂન- ભજનો થાય છે, કથા થાય છે. દરેક નવું કામ ધાર્મિક વિધિથી થાય છે.
ભૂમિપૂજનની સાથે આપણે ચોપડાનું પણ પૂજન કરીએછીએ! આવા દેશમાં ગરીબી અને ભૂખમરો શા માટે હોય? આવા દેશમાં શા માટે વરસાદ જ ન પડે? શા માટે કુદરત આપણા ઉપર જ રૃઠે? આવા સમાન્ય સવાલો આપણે આપણી જાતને પૂછતા નથી અને જેમ હતાશ થઈએ છીએ તેમ વધુ ને વધુ ધાર્મિક ક્રિયાકાંડોને શરણે જઈએ છીએ.
મોરબીનાં બધાં ઘરોમાં પ્રવેશતાં પહેલાંલોકોએ ભૂમિપૂજન કર્યું હતું, અને ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ એ દિવસે દોઢસો લગ્નનું મુર્હૂત નક્કી થયું હતું! જન્મકુંડળી મેળવીને થતાં લગ્નો પણ છ માસમાં તૂટી જાય છે!
સ્વતંત્ર વિચારશક્તિ અને વિવેકબુધ્ધિ એ મનુષ્યને મળેલ ઉત્તમ ભેટ છે. પણ, આપણે સ્વચ્છાએ આપણી વિવેકબુધ્ધિ અને વ્યક્તિત્વને ધર્મને ચરણે ધરી દઈએ છીએ. ગેલિલિયો અને કોપરનકસે પોતાની વિવેકબુદધિ અધર્મને ચરણે ધરી દીધી નહોતી. એમ હોત તો ઔદ્યોગિક ક્રાંતિનો પાયો જ ન મંડાત અને આપણે કમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યા ન હોત. ધર્મ કશું પ્રાપ્ત કરવાનું સાધન કે માધ્યમ બની શકે, પણ એ સાખ્ય કદી ન બની શકે.
રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદની ચિંતા અયોધ્યાવાસીઓને નથી, એટલી બહારના લોકોને છે! જયારે આ પ્રશને કેટલાંક શહેરોમાં ધર્મયુધ્ધ ખેલાઈ રહ્યું હતું, ત્યારે અયોધ્યામાં સંપૂર્ણ શાંતિ પ્રવર્તતી હતી! મસ્જિદ અને મંદિરમાં એકસરખો પથ્થર, સિમેન્ટ અને પાણી વપરાય છે.. પણ ધર્મના ટેકેદારો જતે દહાડે મુસ્લિમ પથ્થર અને હિંદુ પથ્થરનું નિર્માણ કરશે! ડોકટરને ત્યાં આવતા દર્દીઓમાં મુસ્લિમ કેન્સર અને હિંદુ કેન્સરનું વર્ગીકરણ હોતું નથી! છતાં, આપણે પારસીમરણ અને હિંદુમરણ જેવા લેબલ વડે મરણને પણ ધર્મશુધ્ધ બનાવ્યું છે!
દુનિયાના બે ધાર્મિક દેશો, ધર્મના રક્ષણ માટે દસેક વર્ષથી લડાઈ ખેલી ચૂકયા છે અને લાખો નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી ચૂકયા છે. કરસનદાસ મૂળજીએ એકવાર ધર્મને નામે સ્ત્રીના શિયળ ઉપર થતું આક્રમણ રોકવા માટે જેહાદ જગાવવી પડી હતી.
જેમ લસણનાં પચીસ પચાસ ગાંગડાનો અર્ક કાઢીને લસોના નામની એક કેપ્સ્યુલ રૃપે બજારમાં મૂકવામાં આવી, તેમ ધર્મના અને ધર્મગ્રંથોના ઉપદેશોનો અર્ક કાઢીને ભક્તોને આકર્ષક પેકિંગમાં ધરવામાં આવે છે. પાન સાદું અને મસાલાવાળું હોય, એમ ધર્મગ્રંથો પણ જાતજાતના મસાલાવાળા બહાર પડે છે અને એ મુજબ એની કિંમત નક્કી થાય છે.
ઈન્સ્ટન્ટ કોફીની જેમ ઈન્સ્ટન્ટ પુણ્ય મેળવવા માટે પડાપડી થાય છે. કમ્પ્યુટર માણસનું ભાવિ ભાખી આપે છે. ધર્મ આપણને ફાસ્ટ ફોરવર્ડની સગવડ આપવાનો દાવો કરે છે, પણ વાસ્તવમાં એ આપણા વ્યક્તિત્વને સતત રિવાઈન્ડ કરે છે અને પછી સુપર સ્ટીલની પોઝિશનમાં મૂકી દે છે! ચિત્ર આગળ પણ ન વધે અને પાછળ પણ ન જાય.
રોજના નિત્યક્રમમાં ઘડિયારના કાંટાની સાથે આપણે ધર્મના ક્રિયાકાંડોનું પણ સાયુજ્ય રહ્યું છે. આટલાથી આટલા વાગે પૂજા કરવાની. બરાબર આટલા વાગ્ય ે આરતી ઉતારવાની. ધર્મ અને આધ્યાત્મિકતા એ સમયના ચોકઠામાં ગોઠવવાની વસ્તુ છે ? એને મનુષ્યના મન અને મગજની સ્વાભાવિક સ્થિતિ સાથે કોઇ સંબંધ નથી ? એ ઓફિસમાં હાજરી આપવા અને સિનેમાનો શો શરૃ કરવા જેટલી કૃત્રિમ ચીજ છે ?
ધર્મને નામે આપણે કેટલી મોટી માત્રામાં અધર્મ આચરીએ છીએ ? બધાં પાપ ધર્મની શેતરંજીની હેઠળ છુપાવીને પડયાં છે. આપણાં શેતરંજી ઉપરથી બરોબર સાફસૂથરી અને ચળકાટવાળી રહે એની આપણને સતત ચિંતા છે. ધર્મના આવા વરવા અસ્તિત્વ છતાં સમાજ ટકી રહ્યો છે, એ જ આશ્ચર્ય છે. આપણા સમાજ અને દેશમાં થયેલો આ રક્તવિકાર છે. જૂના મળને સાફ કરવા માટે આંતરડા સંપૂર્ણ સાફ કરવાં પડે છે. બૌદ્ધિકતા રૃપી એનિમા લઇશું તો વૈચારિક સડો દૂર કરી શકીશું.
વિધિધર્મ અને આચારધર્મ એમ બે ધર્મના પ્રકારમાંથી આપણે આચાર ધર્મ અપનાવવો જોઇએ દરેક ધર્મમાં કેટલાક પાયાના સિદ્ધાંતો એવા હોય છે જે સાર્વત્રિક છે. એવા સિદ્ધાંતો તારવીને મનુષ્ય એના ઉપર અમલ કરતો થાય તો એ ઉત્તમ વ્યવસ્થા કહેવાય. આપણે અત્યારની તાતી જરૃરીયાત માનવધર્મની છે. મનુષ્યને જે ધારણ કરે તે સાચો ધર્મ. ક્રિયાકાંડમાંથી બહાર આવીને જે સાચો માનવધર્મ અપનાવે તે જ ઉત્તમ માનવ.