ટીવી ઘેલા મા-બાપ vis-a-vis-બાળમાનસ “ હે ઈશ્વર મને ટીવી બનાવી દે !”

ટીવી ઘેલા મા-બાપ vis-a-vis-બાળમાનસ “ હે ઈશ્વર મને ટીવી બનાવી દે !”
(સંદેશ સંસ્કાર પૂર્તિમાં 27 ફેબ્રુઆરી રવિવારમાં શ્રી વિનોદ ડી. ભટ્ટનો ક્ષર-અક્ષર કોલમમાં પ્રસિધ્ધ થયેલો લેખ તેમના સાભાર સાથે)

‘એલોન ટુગેધર’ નામના પુસ્તક અગાઉ શેરી ટર્કલે ટેક્નોલોજી અને માનવીય સંબંધનું વેધક વિશ્લેષણ કરતાં અન્ય બે પુસ્તકો લખ્યાં છે (૧) ધ સેકન્ડ લાઇફ : કમ્પ્યુટર્સ એન્ડ હ્યુમન સ્પિરિટ (૨) લાઇફ ઓન ધ સ્ક્રીન : આઇડેન્ટિટી ઇન ધ એજ ઓફ ઇન્ટરનેટ.

અત્યાધુનિક ટેક્નોલોજીની નીપજરૂપ સેલફોન, ઇન્ટરનેટ, ફેસબુક, માયસ્પેસ જેવી સોશિયલ નેટવર્કિંગની સાઇટ્સ, રોબોટ અને આઇ-પોડનો ઉપયોગ પશ્ચિમના દેશોમાં અતિરેકની સીમા વળોટી રહ્યો છે. શેરી ટર્કલ ભારપૂર્વક કહે છે કે,”હું ટેક્નોલોજીની વિરોધી નથી. હું એમ નથી કહેતી કે ટેક્નોલોજી ખરાબ છે – રોબોટ, સેલફોન, કમ્પ્યુટર, નેટ વગેરે મૂળભૂત રીતે ખરાબ નથી. નક્કી કરવાની અઘરી વાત એ છે કે આ બધાને આપણે જીવનમાં ક્યાં અને કેટલું સ્થાન આપવું? આપણે તેના ગુલામ થઈ જઈએ કે આપણને તેમના વગર ચાલે જ નહીં એ હદે તેમનો ઉપયોગ વધારી દઈએ તે કેટલા અંશે ઉચિત છે?” આગળ કહે છે કે “આ ટેક્નોલોજી ખરાબ નથી. તે ખૂબ કીમતી અને અત્યંત આવશ્યક છે, પણ તેના ઉપયોગમાં વિવેકબુદ્ધિ નહીં જળવાતાં સર્જાતી સમસ્યાઓ સમાજ અને કુટુંબજીવનને વિચ્છિન્ન કરી નાંખશે”, ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ ટર્કલની આ ચેતવણી વિશે વધુ વાત કરતા પહેલાં અન્ય એક રસપ્રદ વાત જાણવી જરૂરી છે.

આ નાજુક અને હૃદયસ્પર્શી વાત છે, ઘરે ઘરે આવી ગયેલાં ટીવીએ ઊભી કરેલી સમસ્યાની. ટીવી ઘેલાં મા-બાપને કારણે બાળમાનસ કેવું વલોવાઈ જાય છે, તેનો ખુદ બાળકના શબ્દોમાં જ વ્યક્ત થયેલો અશ્રુભીનો ચિતાર અહીં પ્રસ્તુત છે.

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર ગુજરાતી સાહિત્યના વિવિધ પાસા ઉજાગર કરતી એક કોમ્યુનિટી છે- ‘ગુજરાતી શાયરી’. ગુજરાતી સાહિત્યની આ કોમ્યુનિટી પર એક લાગણીસભર વાત રજૂ થઈ. શાળામાં નિબંધલેખન દરમિયાન એક માસૂમ વિદ્યાર્થીએ લખેલો નિબંધ ટીવી કલ્ચરે સાંપ્રત કૌટુંબિક લાગણીઓ પર કરેલા કુઠારાઘાતનો સંવેદનાત્મક ચિતાર આપે છે. ટેલિવિઝન કલ્ચર અને ભાવનાત્મક બાળપણની આ વાત અહીં શબ્દશઃ પ્રસ્તુત છે.

એક દિવસ એક પ્રાથમિક શાળાની શિક્ષિકાએ વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે, “ચાલો બાળકો, આજે તમને એક નિબંધ લખવા આપું છું. નિબંધનો વિષય છે. જો ભગવાન તમને કાંઈ માંગવાનું કહે તો ઈશ્વરની પાસે તમે શું માંગશો?” બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો. ત્યારબાદ શિક્ષિકા તે બધા નિબંધો ઘરે તપાસવા લઈ ગયાં. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યાં હતાં, તે જ સમયે તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તેમનાં પત્ની એટલે કે શિક્ષિકાની આંખોમાંથી દડદડ આંસુ વહી રહ્યાં હતાં. તેમણે પૂછયું, “શું થયું? કેમ રડે છે?” શિક્ષિકાએ કહ્યું, “હું મારા વિદ્યાર્થીઓના નિબંધો તપાસું છું.” આટલું કહીને પછી તેમના પતિને એક વિદ્યાર્થીએ લખેલા નિબંધનો કાગળ આપતા તે બોલ્યાં, “જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ, આ નિબંધ ખાસ વાંચવા જેવો છે.” તેમના પતિએ નિબંધ વાંચ્યો. તેમાં એ બાળકે લખ્યું હતું. – “હે ઈશ્વર, જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલિવિઝન (ટીવી) બનાવી દે. હું તેનું (ટીવીનું) સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટીવીની જેમ ઘરમાં રહેવા માંગું છું. જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારા કુટુંબના તમામ સભ્યો હોય. ભગવાન, તું મને સાચ્ચે જ ટીવી બનાવી દે, જેથી મારા કુટુંબના તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઈ પણ પ્રકારની ખલેલ પાડયા વગર મને એકચિત્તે સાંભળે અને કોઈ સવાલો ન પૂછે, જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘરે આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટીવી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને( એટલે કે ટીવીને) અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને…. મારી નજીક રહેવા માટે મારાં ભાઈ-બહેનો લડાલડી કરે. હું એવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ અને બધાં જ કામ એક બાજુએ મૂકીને કુટુંબના સભ્યો મારા માટે સમય ફાળવે. અને પ્રભુ એક છેલ્લી વિનંતી, મને ટીવી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ અને આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું. હે ભગવાન હું બીજુ કાંઈ નથી માંગતો પણ ઇચ્છુ છું કે તમે મને ટીવી બનાવી દો.”

તેમના પતિ આ નિબંધ વાંચતા હતા ત્યારે પણ શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા, “હે ભગવાન! બિચારું બાળક! એનાં માતા-પિતા બાળક પ્રત્યે કેવાં નિષ્ઠુર અને બેદરકાર હશે!” શિક્ષિકાએ આંસુ સારતી આંખે તેમના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યાં, “આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે!”

ટીવી પર સિરિયલ, પિક્ચર, ક્રિકેટ મેચ કે ન્યૂઝ વગેરે જોવા માટે માતા-પિતા ગમે તે રીતે સમય કાઢે છે, પણ સંતાનોની કાલીઘેલી વાતો સાંભળવાનો તેમની પાસે સમય નથી હોતો. બાળકને પાસે બેસાડી તેને ભણાવવાનો કે તેની સાથે સ્કૂલના તેના સહાધ્યાયીઓની વાત કરવાની તેમની પાસે ફુરસદ હોતી નથી. બાળકને કહેવાતી સારી સ્કૂલમાં દાખલ કરાવીને પછી તેને ટયુશનમાં મૂકી દઈને મા-બાપ તેમની ફરજ પૂરી થયેલી માને છે. આ નિબંધ વાંચીને આવા વાલીએની આંખો ખૂલવી જોઈએ.

ટીવીયુગ હવે થોડો આથમી ગયો છે, લોકોને હવે નેટ અને ફેસબુકનું તેમજ બ્લેકબેરીનું નવું વળગણ વળગ્યું છે, શેરી ટર્કલે અમેરિકાના બિઝનેસમેન અને પ્રોફેશનલ, કોલેજિયનો તેમજ જેમને રોજ થોકબંધ ઈ-મેલ કે એસએમએસ સાથે પનારો પાડવો પડતો હોય તેવા લોકોનો સર્વે કર્યો છે, જેનાં તારણો ચોંકાવનારાં છે, તેની વાત આવતા રવિવારે.

3 comments

  1. તેમના પતિ આ નિબંધ વાંચતા હતા ત્યારે પણ શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા, “હે ભગવાન! બિચારું બાળક! એનાં માતા-પિતા બાળક પ્રત્યે કેવાં નિષ્ઠુર અને બેદરકાર હશે!” શિક્ષિકાએ આંસુ સારતી આંખે તેમના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યાં, “આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે!”

    I chose the above lines.
    Tn this Modern day & age, TV in reality has taken over the “total control” of the Human Society….so much so that we often do not realise that “we ourselves have become the victims”!
    It is sad !

    I used to know of the Families “totally involved” in the TV Serials that if you go to their house at the time of that Serial, NOBODY has the time for you..OR are ready to say “goodbye”.
    TV has some “good”…but the Modern Humans instead of remaining the “masters” of the TV, have become the “slaves”!
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Arvindbhai..Thanks for your visit/comment on Chandrapukar ! Hope to see you again.

    Like

Leave a comment