મંદિરોની સમૃધ્ધિ – 3 – વેંકટેશ્વરને રૂ!. 45 કરોડનો મુગૂટ ! ! !

થોડા સમય પહેલાં મારા બ્લોગ ઉપર મંદિરોની સમૃધ્ધિ ઉપર બે વિભાગમાં મારા વિચારો મૂકેલા હતા. ત્યાં હમણાં તાજા સમાચાર મળે છે, તે પ્રમાણે, કર્ણાટક રાજ્યના, એક પ્રધાને ભગવાન વેંકટેશ્વરને રૂ!. 45 કરોડનો મુગૂટ ભેટ આપી ચઢાવ્યાના, સમાચારો અખબારોમાં અને ટીવીમાં મોટા પાયે પ્રસિધ્ધ થતા, સ્વાભાવિક રીતે જ આવા સમાચારો તરફ, લોકોનું ધ્યાન આકર્ષાય અને તે ન્યાયે મારું ધ્યાન પણ આકર્ષાયું !

આ સમાચાર વાંચી આપોઆપ ઉદગાર સરી પડ્યો કે કર્ણાટકના પ્રધાનશ્રીને વેંકટેશ્વર ભગવાન જેવા ફળ્યા-પ્રસન્ન થયા તેવા આ દેશના તમામ ભક્તોને ફળજો-પ્રસન્ન થજો  ! અને તેમના જેટલા સમકક્ષ સમૃધ્ધ અને વગવાળા ના બનાવી શકાય તો પણ બે ટંક રોટી, માથું ઢાંકી શકાય તેવડું ઝુપડું, અને અંગ ઢાંકી શકાય તે માટે એક વસ્ત્ર, તો અવશ્ય ફાળવજો !

ઉપરાંત રાત-દિવસ ધંધા/નોકરી કે  કાળી મજૂરી કરી થોડી ઘણી સંપત્તિ એકઠી થઈ જાય તો હે વેંકટેશ્વર આવા લોકોને સરકારી અધિકારીઓ જેવાકે વેચાણવેરા-આવક વેરા કે સંપતિવેરા  ની ઝપટે ચડી જતા બચાવી લેવા હ્ર્દય પૂર્વકની પ્રાર્થના અવશ્ય સાંભળજો !

આ મુગટ ધરાવતી વખતે પર્યટન પ્રધાને જણાવ્યું કે તેઓ માધવ સેવા  અને માનવ સેવા બંનેમાં વિશ્વાસ ધરાવે છે. ! આ પ્રધાનશ્રી અને તેમના પુત્ર કર્ણાટકની ભાજપ સરકારના પ્રધાનો છે. અને કર્ણાટકના બેલ્લારીમાં અનેક ખાણો ધરાવે છે. તો એક સ્ટીલ કંપનીના એમડી પણ છે. આ કંપનીમાં મુખ્યપ્રધાન વાય.એમ્.રેડ્ડીના પુત્ર જગમોહન રેડ્ડી ભાગીદાર છે. અને વૈકટેશ્વરની કૃપાથી આજ સુધીમાં કોઈ આવકવેરા કે સંપત્તિવેરાના દરોડા પડ્યા હોય તેવું જાણવા મળતું નથી. વેચાણ વેરા અધિકારીઓની પણ મહેરબાની છે ! જય હો ! ભગવાન વૈંકટેશ્વરનો !!

પ્રધાનશ્રીએ કહ્યું તેમ માનવ સેવામાં તેઓશ્રી વિશ્વાસ ધરાવે છે પરંતુ આજ સુધીમાં માનવ સેવા માટે કોઈ રકમ ફાળવ્યાની જાહેરાત પ્રધાનશ્રીએ  કર્યાની   કોઈએ નોંધ લીધી હોવાનું જાણવા મળતું નથી.

તેમ છતાં પ્રધાનશ્રીએ માનવ સેવા માટે જે કોઈ કાર્યો કરેલ હોય કે રકમ ફાળવેલ હોય તેની વિગતો જાણવા લોકો ખૂબ જ આતુર બન્યા છે. પ્રધાનશ્રી જાહેર કરશે ખરા ?

આ પહેલાં પણ અનેક સંપત્તિવાન વ્યક્તિઓએ વેંકટેશ્વર ભગવાનને કરોડો રૂપિયાની ભેટ ચડાવેલ છે તેમ પણ વધુમાં જણાવેલ છે. અને આવા કોઈ સંપત્તિવાનોને ક્યારે ય આવકવેરા કે સંપત્તિવેરા વગેરેના અધિકારીઓએ કોઈ ખુલાસા માંગ્યા હોય કે તેમના ઉધોગ/ધંધાના સ્થળે દરોડા પાડ્યા હોય તેવું જાણવા મળતું નથી. જય હો વેંકટેશ્વર ભગવાનની !!!

આવા સંપત્તિવાન વીઆઈપી  ભક્તો (?) વેંકટેશ્વર ભગવાનના દર્શનાર્થે પધારે છે ત્યારે અલગ વ્યવસ્થા મંદિરના ટ્ર્સ્ટ્રીઓ વગેરે કરતા હોય છે અને 15000-20000 સામાન્ય ભક્તો દર્શનની રાહ જોતા કલાકો સુધી કતાર-લાઈન-માં મંદિરના પરિસરમાં સેકાતા રહે છે ! અને તેમને પ્રવેશ પણ સલામતી રક્ષકો  દ્વારા ચકાસણી થયા બાદ જ મળતો હોય છે. કેવો વિરોધાભાસ અને આ કેવી વિટંબણા  !!

મને તો ડર છે કે ભૂલે ચૂકે જો આપણાં પુરાણા ભક્તો જેવા કે નરસિંહ મેતા, મીંરાબાઈ,  જલારામ,  સાંઈબાબા,  તુકારામ,  રામદાસ  કે સુરદાસ અને અન્યો  વૈંકટેશ્વર કે અન્ય ઈશ્વરના દર્શનાર્થે આવે તો તેમની પણ સલામતી રક્ષકો પહેલા ચકાસણી કરે અને પછી કતારમાં જ પ્રવેશ મળે ! કારણ હવે તો તમામ ઈશ્વર એ વૈંકટેશ્વર હોય કે શ્રીનાથજી કે દ્વારકાધીશ કે  રણછોડરાયજી  સિધ્ધિ વિનાયક હોય કે વૈશ્નોદેવી કે અંબાજી દરેક મંદિરોમાં સંપતિવાન અને સત્તાધીશોનો પ્રભાવ એવો છે કે સૌ પ્રથમ પ્રવેશ તેમને જ મળે અને સાચા ભક્તો બહાર કલાકો સુધી  ટાઢ-તડ્કો કે વરસાદ વેઠી ને જ દર્શન કરવા ભાગ્યશાળી બને !

જે ઈશ્વર સમક્ષ  સંપૂર્ણ સમર્પણ કરી રક્ષા માંગવા કે તરક્કી થાય તેવી પ્રાર્થના કરવા દર્શનાર્થીઓ જતા હોય છે તે ઈશ્વરનું રક્ષણ માનવીના હાથોમાં સોંપાયેલું જોવા મળે છે. આ તો કેવી કરૂણતા છે !  છે ને ઈશ્વર તારી બલિહારી !! હે પ્રભુ, આપ અમારું રક્ષણ કરનાર છો તો આપ આપનું પોતાનું સ્વયં રક્ષણ કરવા સમર્થ કેમ નથી ? ઉપરાંત જાણે ઈશ્વર માનવીનો ગુલામ હોય તેવી રીતે તેની સાથે વ્યવહાર થતો જોવા મળે છે. પૂજારી જ્યારે ઉઠાડે ત્યારે ઉઠવાનું, જે વાઘા પેરાવે તે પહેરવાના, જે ખવડાવે તે આરોગવાનું, જ્યારે સુવડાવે ત્યારે સુવાનું વગેરે  એનો સીધો સાદો અર્થ તો એમ જ થયોને કે ઈશ્વરનું સર્જન માનવી એ કરેલું છે ઈશ્વરે ખુદે નહિ !!

અલબત્ત “માધવ સેવા”-ઈશ્વરમાં વિશ્વાસ અને શ્રધ્ધા એ વ્યકતિગત બાબત હોવા છતાં એક વાત તો બહુ જ સ્પષ્ટ છે કે કોઈપણ વ્યકતિ “માધવ સેવા”ને નામે ઈશ્વરને જે કાંઈ નાની-મોટી રકમ રોકડ કે ચીજ-વસ્તુ- CASH OR KIND- ના સ્વરૂપે અર્પણ કરે ત્યારે એ કોઈ પુરી થયેલી મન્નતનું જ પરિણામ માનવાને કારણ રહે છે. કોઈ માનતા-બાધા-આખડી રાખેલ હોય અને તે ધાર્યા પ્રમાણે સફળ થાય અને તેને કારણે જે  કોઈ ફાયદો મળે તેમાંથી ક્ષુલ્લક રકમ સામાન્ય રીતે ઈશ્વરને અર્પણ કરવામાં આવતી જોવા મળતી રહે છે ! અને આ પરિપ્રેક્ષ્યમાં જ્યારે પ્રધાનશ્રીએ રૂ! 45/- કરોડનો મુગુટ અર્પણ કર્યો તો કુલ કેટલી રકમનો નફો/ફાયદો મેળવ્યો હશે તે વિચારવાનું વાચકો ઉપર છોડી દેવું જ યોગ્ય ગણાશે !

ઉપરાંત આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અનીતિ/અનૈતિક કાર્યો દ્વારા મળતા નફા/ફાયદાને કારણે  અપરાધભાવથી સતત પીડાવું ના પડે તે માટે પણ આવાં દાન, ભેટ કે ધર્માદા કરતા  રહેતા હોય છે !

મારાં સ્પષ્ટ મત પ્રમાણે દરેક મંદિરો/સંપ્રદાયોના વડાઓએ કોઈ પણ રકમનું દાન/ભેટ સ્વીકારતા પહેલાં આ રકમ ક્યાંથી મેળવી તેનો સ્ત્રોત્ર -SOURCE- જાણી લેવું આવશ્યક અને કાયદામાં પણ ફરજિયાત બનાવવું જોઈએ કે જેથી આવા પવિત્ર સ્થળો અનીતિ/અનૈતિક પ્રવૃતિથી મેળવાયેલી રકમથી બચી શકે !

પ્રધાનશ્રીએ ધરાવેલ મુગટ તિરૂમાલા મંદિરમાં અત્યાર સુધીમાં સૌથી મોંઘી ભેટ ગણવામાં આવે છે. આ સૌથી ધનવાન મંદિરની તિજોરી પહેલેથી જ 11 ટન જેટલા સોનાના ઘરેણાં અને અન્ય કિમતી ચીજ-વસ્તુઓથી છલકાય છે અને કુલ સંપત્તિ રૂ!.50000/- પચાસ કરોડથી વધુ થવા જાય છે. આ રકમનો “માનવ સેવા” માટે  કઈ કઈ પ્રવૃતિ મંદિરના સંચાલકો તરફથી હાથ ધરવામાં આવેલી છે તેની પણ વ્ય્વસ્થિત રીતે અવાર નવાર જાહેરાત મંદિરના ટ્રસ્ટીઓએ કરતા રહેવું અનિવાર્ય હોવું જોઈએ કે જેથી લોકોને વધુ અને વધુ રકમનું દાન/ભેટ  અર્પણ કરવાની પ્રેરણા મળતી રહે ! આજ સુધી આવી કોઈ જાહેરાતો કોઈ પણ મંદિરો કે સંપ્રદાયો વૈંકટેશ્વર સહિત, દ્વારા થતી કે કરાતી હોય તેવું  જાણવામાં નથી.

મંદિરો અને સંપ્રદાયોની આમદાની આ દેશના તમામે તમામ ગરીબી રેખા નીચે જીવતા નાગરિકોની ગરીબી  કાયમી ધોરણે મીટાવી શકે તમ છે જે નિઃસંદેહ કહી શકાય ! પણ આવી ઈચ્છા શક્તિ ધરાવનાર સંચાલકો  તો ઘાસના ઢગલામાંથી સોય શોધવા જેવું કઠિન કાર્ય છે.

આ રકમમાંથી નવા ઉધ્ધ્યોગ-ધંધા શરૂ કરી શકાય જે દીન-દુખિયાને રોજી-રોટી રળી આપે તો સસ્તા દરની હોસ્પિટલો અને શાળા અને કોલેજો શરૂ કરી શકાય જે ગરીબી રેખા નીચે જીવનારા લોકોને  જરૂર પડે ત્યારે સસ્તી સારવાર આપી શકે  અને શિક્ષણ સંસ્થાઓ જ્ઞાન અને શિક્ષણ આપી શકે ! ભારત ભરમાં પીવાના પાણીની ભયંકર અછત છે તે કાયમી ધોરણે નીવારી શકાય ! આપણાં મંદિરોની વાર્ષિક આવકના આંકડા મારા અગાઉના મંદિરોની સમૃધ્ધિમાં આપેલ છે.

હું તો ત્યાં સુધી માનું છું કે સ્વીસ બેંકમાં પડેલા નાણાં કરતા અનેક ગણી રકમ દેશના મંદિરો અને સંપ્રદાયો પાસે પડેલી છે તે રકમનો માત્ર 25% ભાગ જો ગરીબી રેખા નીચે જીવતા નાગરિકો માટે ખર્ચાય તો તમામે તમામ  લોકોની ગરીબી કાયમી ધોરણે નાબુદ થઈ શકે ! અને આવતા 5 વર્ષ સુધી કોઈ પણ જાતના કરવેરા નાખવાની આવશ્યકતા ના રહે પણ આ માટે જોઈએ સાચા અર્થમાં આધ્યાત્મિક અને ધાર્મિક વલણ અને ઈશ્વર પ્રત્યેની ખરા અર્થમાં શ્રધ્ધા અને અવિચળ વિશ્વાસ !!

લોકોને ભૌતિક સુખો છોડવા અને સંતોષી બની રહેવાનો ઉપદેશ આપનારાઓ પોતે છેલ્લામાં છેલ્લા શોધાયેલા ભૌતિક સાધનોનો પૂરેપૂરો અને ભરપૂર  ઉપભોગ કરી રહેલા જણાય છે અને કહેવાતી ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃતિ માત્ર પોતાની આગવી પ્રતિષ્ઠા અને કીર્તિ માટે જ કરતા હોય તેવું સ્પષ્ટ જણાય આવે છે ! માત્ર બાહ્યાચાર જ લોકોને પ્રભાવિત કરવા થતો રહે છે. અને આ ભૌતિક સુખના સાધનો ભક્તો અને અનુયાયીઓ તરફથી ભેટ મેળવવામાં આવતા રહે છે અને તેનું અનિવાર્ય રીતે વળગણ બની રહે છે ! આમ ભોગ વિલાસમાં જીવતા આ કોઈ સાધુ કે સંત ખરા અર્થમાં સાધુ કે સંત હોતા નથી માત્ર થઈ પડેલા હોય છે !

મંદિરો અને સંપ્રદાયોની સમૃધ્ધિ વિષે અગાઉ મેં બે ભાગમાં મારા વિચારો મારા બ્લોગ ઉપર મૂકેલા છે તો વાચકને વધુ જાણવાની ઈચ્છા થાય તો આ બંને લેખો જરૂર વાંચવા વિનંતિ છે. મારા બ્લોગની લીંક https://arvindadalja.wordpress.com   ઉપર આ લેખો મળશે.

24 comments

  1. ઈશ્વરના નામે કહેવાતા ગુરુઓએ માણસોને જેટલા છેતર્યા છે, એટલા તો કોઈ જન્મજાત ઠગે પણ નથી છેતર્યા. જે દેશમાં લોકોને ખાવાનાં સાંસાં છે, તે દેશમાં મંદીરોમાં ઘીના કુવાઓ છે. જે દેશમાં કેટલાંય માણસોને નાણા મળવાનાં ફાંફાં છે, ત્યાં મંદીરોમાં અબજો રુપીયાનું દેવદ્રવ્ય એમનું એમ પડેલું છે. જે દેશમાં ગરીબ પાસે દવા માટે પૈસા નથી, ત્યાં કરોડો રુપીયા વીશાળ મહેલો જેવાં મન્દીરો બાંધવા માટે ખર્ચાય છે જે દુ:ખદ છે…

    Like

  2. Great Post sir,
    Your Facts are concrete and precise.But in present day society religious pollution of people and their belief is so much so that we like facts/rationalistic literature but are subconciously diverted towards superstitons…..i think writers like you,sanal edamakaru,urvish kothari and many will require frequent efforts to make difference.
    Dr.Rajul Roy

    Like

  3. ધર્મ આજકાલ આધ્યાત્મિક ઉન્નતિનું સાધન ઓછુ અને ધંધો વધારે બની ગયો છે. બાકી મંદિરોને કરોડો રૂપિયાના દાન આપતા લોકો ગરીબો માટે સંડાસ બનાવવા કે આદિવાસીઓ માટે સ્કુલ કે હોસ્પિટલનું નિર્માણ કરાવવા માટે પાંચ પૈસાય આપવા તૈયાર નથી થતા.

    Like

  4. भगवान को पाने को कुछ करना नहीं है, वरन सब करना छोड़कर देखना है। चित्त जब शांत होता है और देखता है, तो द्वार मिल जाता है। शांत और शून्य चित्त ही द्वार है। उस शून्य के लिए ही मेरा आमंत्रण है। वह आमंत्रण धर्म का ही है। उस आमंत्रण को स्वीकार कर लेना ही धार्मिक होना है।
    सत्य एक है। उस तक पहुंचने के द्वार अनेक हो सकते हैं। पर, जो द्वार के मोह में पड़ जाता है, वह द्वार पर ही ठहर जाता है। और सत्य के द्वार उसके लिए कभी नहीं खुलते हैं।
    ऐसे ही, जो शब्द में बंध जाते हैं, वे सत्य से वंचित रह जाते हैं।

    जो जानते हैं, वे राह के अवरोधों को सीढि़यां बना लेते हैं और जो नहीं जानते, उनके लिए सीढि़यां भी अवरोध बन जाती हैं।

    Like

  5. ભાઈ શ્રી મેં હમણાં જ “મંદિરોની સમૃધ્ધિ” ઉપર નો લેખ વાચ્યો, અરે ભાઈ જે દેશ ની પ્રજા –
    આંખ મીંચી ને અંધશ્રધ્ધા માં જીવતા હોય ત્યાં તમે કરી પણ શું શકો , વર્ષો પહેલા ” ગોપી ”
    ફિલ્મ નું એક ગીત સાંભર્યું હતું શબ્દો હતા,” શ્રી રામચંદ્ર કહ ગયે સિયા સે એસા કલયુગ –
    આયેગા , હંસ ચુગે ગા દાન ગુણ કા કોયા મોતી ખાયે ગા ” એની એક એક લાઈન માં ભારો-
    ભાર કટાક્ષ હતો , આજે જયારે આબધુ વાંચુ છું ત્યારે થાય છે કે જે પ્રજા અંધ વિશ્વાશું હોય ,
    જે પોતાની બુદ્ધિ ને વાપરી શકતા ના હોય એ દેશ માં બધું જ શક્ય છે,
    આભાર તમારો કે તમે આંખ ખોલવા પ્રયત્ન કરો છો , બાકી ભાઈ પથ્થર ઉપર પાણી છે ,

    Like

    1. બહેન સીમા
      આપે બ્લોગ ઉપર આવી મારાં વિચારો જાણવા/વાંચવા શરૂ કર્યા તે જાણી ખૂબ જ આનંદ થયોં મંદિરોની સમૃધ્ધિ વિષે કુલ 4 લેખો મૂકેલા છે. તે ઉપરાંત પણ બીજા લેખો છે જેમાં શ્રધ્ધા-અંધ્શ્રધ્ધા ઉપર મારાં વિચારો મૂકેલ છે. આપની અનુકૂળતાએ જરૂર વાંચશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો. આપની વાત સાચી છે કે અભણ અને અબુધ પ્રજામાં અંધશ્રધ્ધાના મૂળીયા એટલા ઉંડા ઉતરી ચૂક્યા છે કે આવો પ્રયત્ન પથ્થર ઉપર પાણી સમાન છે તે હું પણ જાણું છું અને છતાં મારી રીતે કંઈક કરવા પ્રયાસ કરતો રહુ છું. ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  6. મંદિરો વિષે ના તમામ લેખ વાચ્યા.ધર્મ એક અફીણ છે.એક ઉદ્યોગપતિ વસ્તુ નું ઉત્પાદન કરી,વેચીને કરોડો કમાય છે,સાથે,સાથે હજારો લોકોને રોજી રોટી આપે છે.જયારે એક ધર્મગુરુ કશુપણ ઉત્પાદન કર્યાં વગર એના વાહિયાત વિચારો વેચીને કરોડો ભેગા કરી લે છે અને ભક્તોની પરસેવાની કમાણીમાં થી ભાગ પડાવી એ લોકોને વધારે ગરીબ બનાવે છે.મારા એક મિત્ર છે અમેરિકા માં પણ રાત્રે ૧૨ કલાક કામ કરીને નીચે ભોય પર સુવે છે,અને ઘરમાં બેસવા માટે સારો સોફા પણ નથી,સારો બેડ પણ ખરીદી શકતા નથી.અને શનિ,રવિની રજા માં મફત સેવા આપી બાર,બાર કલાક ની જોબ નો થાક પણ ઉતારી શકતા નથી.અને ૮૦૦૦ ડોલર મંદિર માં ડોનેટ કર્યાં.ઘર માં સગવડ ના હોય તો ચાલે પણ મંદિર માં આપવું પડે.પરલોક ની એમના ગુરુએ ગેરંટી લીધી છે,પણ આલોક માં નરક વેઠી રહ્યા છે એનું શું?તમારી વાતો ખરેખર સાચી છે.પણ એક અફીણીયા ને હોશ હોય તો સમજેને.

    Like

    1. આ વિષે પણ આપના મત સાથે હું સહમત છું અને પરલોકની વાતોમાં આવી વર્તમાનમાં દુઃખી થતાં અનેક લોકો જોવા મળે છે. માનતા-બાધા-આખડીમાં જ સતત વ્યસ્ત રાખી વહેમ અને શંકાનું ઓષડ રોજ પીવરાવવામાં આવે છે અને આવા અક્કલ વગરના અંધશ્રધ્ધાળુઓ પ્રેમથી પીએ છે ! અસ્તુ !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  7. Use of money for betterment is nice.
    There are thousands of welfere scheme
    by government,but people also have to come
    forward and work givingup bad habbits.

    I respect Indian idology of worship.
    Actually we all binded by spirictual force.
    We believe that our neighbor should
    not sleep hungry and we should be
    humble to thinkover to improve.

    Ramesh Patel(Aakashdeep)

    Like

  8. એક અતાર્કીક છતાં કહેવા મજબુર કરે એવી વાત, કહો કે મારી શ્રદ્ધા છે કે પ્રકૃતી દ્વારા દરેક જીવને માટે પુરતી સામગ્રી નીર્માણ થઈ જ હોય છે. આમાં ભગવાનનેય વચ્ચે લાવવા જેવો નથી; આ પ્રકૃતીના એક માનેલા નીયમની બાબત ગણું છુ. આ અર્થમાં કુદરત કોઈને ભુખ્યાં સુવાડી શકે નહીં. કારણ કે દરેક માટે પુરતી વ્યવસ્થા છે જ.

    પરંતુ જરુર કરતાં જરીક પણ વધારાનું કોઈ પોતાની પાસે રાખે એટલું કોઈનામાંથી બાદ થયું જ સમજવું. આ ન્યાયે ૪૫ કરોડ ભગવાનની વખારમાં નાખી દેવા માટે કેટલા લાખ માણસોના ભાગનું બરબાદ થયું ગણાય ??? આ રકમ જે ભગવાન રાખી લ્યે એની ભગવત્ત્તા કેટલી ?? કેવી ??? ભગવાનને પુરુષ અને માયાને પ્રકૃતી કહી છે. ભગવાન જ પ્રકૃતીના નીયમોને તોડે તો પછી બીજે ક્યાં જવું ફરીયાદ કરવા? સાવન જો આગ લગાયે, ઉસે કૌન બચાયે ?!

    Like

    1. ભાઈ શ્રી
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર. આપે જણાવ્યા મુજબ કોઈ પણ રકમ નાની કે મોટી ભગવાન ક્યારેય રાખી લેતા નથી. પરંતુ ભગવાનને નામે આપણા જેવા મનુષ્યો પોતાના અંગત હિત અને કીર્તિ માટે રાખી લે છે અને સુરક્ષા અને સલામતિ માટે રોકવામાં આવતા સલામતિ રક્ષકો આ ધનની રક્ષા કરવા ઈશ્વરને નામે રોકવામાં આવતા હોય છે. આપણા લોકોની અંધશ્રધ્ધાની કે સહનશક્તિની કોઈ મર્યાદા નથી અને તેથી આવા દભી લોકો ઈશ્વરને નામે આવા ગતકડા સફળતા પૂર્વક કરી શકે છે.
      ફરીને આભાર.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  9. તમારા વિચારો માટે અભિનંદન. પણ આપણો સમાજ આમ જ રહેવાનો
    અને કોઈ સ્લમ ડોગ મીલીયોનેર જેવી ફીલ્મ બનાવે તો તેની આકરી ટીકા થવાની.
    મૌલિકભાઈની વાત ગમી. પણ બુધ્ધ પોતે તો ઈશ્વરમાં પણ માનતા ન હતા.બુધ્ધ જેવા જે દેશમાં થઈ ગયા તે દેશ માનસિક રીતે કદી બદલાશે?

    Like

    1. શ્રી સુરેશભાઈ
      આપના પ્રતિભાવ માટે આભાર્ મને પણ મૌલિક ભાઈની વાત ગમી પણ આપણાં લોકોની માનસિકતા અને અંધશ્રધ્ધા ક્યારે ખત્મ થશે તે કદાચ ઈશ્વરને પણ જાણ નહિ હોય ! હું તો મારા વિચારો વહેતા કરું છું કોઈ સ્વીકારે કે ના સ્વીકારે તેની પરવા કર્યા વગર લખતો રહું છું અને લખતો રહીશ્ આભાર્.

      સ-સ્નેહ
      અરવિંદ

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  10. નાનપણમાં એક વાર્તા સાંભળેલી- એક વાર ભગવાન બુધ્ધની પ્રતિમા બનાવવાનું આયોજન થયુ. બૌધ ભિક્ષુકો સૌની પાસેપહોંચી ગયા. લોકોએ અનેક સોનાના ઈંટ- સિક્કા – માળા વિ. દાન કર્યુ. એક નાની ગરીબ છોકરીએ પણ પોતાનો એક ગંદો નાનો સિક્કો દાનમાં આપવા ભિક્ષુકોને વિનંતી કરી. ભિક્ષુકોને થયુ આ એક નાના સિક્કાનુ શું મૂલ્ય અને એ પણ આવો ગંદો સિક્કો ! એમણે તેનો અસ્વીકાર કર્યો. એકત્રિત તમામ વસ્તુઓને ગાળી મૂર્તિ બનાવાઈ પણ આશ્ચર્ય વચ્ચે મૂર્તિની રચના કરવાનો પ્રયત્ન નિષ્ફળ થયો. સંપ્રદાયના વડીલ ભિક્ષુકે જ્યારે આ માટે તપાસ આદરી તો પેલી છોકરી વાળી વાત તેમના ધ્યાન પર આવી અને તાબડતોબ એ નાનો ગંદો સિક્કો આ ધાતુ મિશ્રણમાં ઉમેરાવ્યો અને ભગવાન બુધ્ધની અદભૂત પ્રતિમાનુ સર્જન થયુ.!!
    વાર્તાનો સાર – ભગવાન ભક્તિનો ભૂખ્યા છે- શ્રધ્ધા અને ભક્તિનું વજન અને મૂલ્ય સંસાર ના તમામ ભેટ સોગાદથી ઘણુ વધુ છે.

    Like

    1. ડૉકટર સાહેબ

      આપ મારા બ્લોગ ઉપર આવ્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો આપનો આભાર. વળી પણ અનૂકુળતાએ પધારવા વિનંતિ અને પ્રતિભાવો પણ જણાવતા રહેશો.આભાર.

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s