ગણેશોત્સવ……હરીફાઈ—ભક્તિની કે ભપકાની ?

strong>ગણેશોત્સવ…..હરીફાઈ–ભપકાની — ભક્તિની કે
ગણેશોત્સવ…..હરીફાઈ— ભક્તિની કે ભપકાની ?

ગણેશોત્સવ દેશભરમાં ધુમ મચાવી રહ્યો છે. આ ગણેશોત્સવની શરૂઆત લોક માન્ય તિલકે અંગ્રેજોના શાસન દરમિયાન કે જ્યારે લોકોને એકઠાં કરવાની મનાઈ હતી ત્યારે અને ધાર્મિક ઉત્સવમાં અંગ્રેજ સરકાર દરમિયાનગીરી કરતું નહિ હોવાથી તેનો લાભ લઈ, મહારાષ્ટ્રમા, પૂનાથી રાજકીય ગતિવિધિઓથી જનસમૂહને અવગત કરવા શરૂઆત કરેલી. આ જાતનો ઉત્સવ સ્વતંત્રતા માટેની ચળવળ માટે આમ જનતામાં જાગૃતિ લાવવા ખૂબ જ ઉપયોગી થયેલ.

સમયજતાં આ ગણેશોત્સવ સમગ્ર મહરાષ્ટ્રમાં તથા દેશના મોટા ભાગમાં યોજવાનું શરૂ થઈ ગયું.મુંબઈમાં આ ઉત્સવ “ લાલ બાગના રાજા ” સિધ્ધિ વિનાયકને નામે ઉજવાય છે. અને તમામ ક્ષેત્રોની મોટા ભાગની ” સેલીબ્રીટીઓ” ની હાજરી જનતાનું આકર્ષણ બની રહે છે.

આ ઉત્સવમાં ધીમે ધીમે હરીફાઈનું તત્વ ઉમેરાતું ગયું અને આજે મોટાભાગના શહેરો અને ગામડાઓમાં પણ શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ આ ઉત્સવ ઉજવાતો નજરે પડે છે, એટલું જ નહિ પરંતુ ક્યા વિસ્તારનો ગણેશોત્સવ શ્રેષ્ઠ ગણાય તેની હરીફાઈ યોજવામાં આવતી રહે છે.

પરિણામ સ્વરૂપે ગણેશની મૂર્તિઓ વધુ અને વધુ મોટી, આકર્ષક અનેક પ્રકારના શણગારોથી સજ્જ તથા પેંડૉલ જાત જાતની લાઈટીંગ તથા અન્ય ડેકોરેટીવ આઈટેમોથી શણગારવાની મૂક સ્પર્ધા લાગે છે .ઉત્સવની શરૂઆતથી જ પ્રથમ નંબર મેળવવાની હોડ લાગી હોય અનેક પ્રકારના ગતકડાં કરવામાં આવતા નજરે પડે છે. આવા વધતા જતા ખર્ચને પહોંચી વળવા જે તે વિસ્તારના લોકો પાસેથી ફંડ એકઠું કરવામાં આવે છે. ક્યાંક કયાંક તો મોટી રકમ મેળવવા અનેક જાતના દબાણો લોકો ઉપર થતાં નજરે પડે છે. પરિણામે એક જ વિસ્તારમાં વસતા લોકોમાં જાણ્યે-અજાણ્યે વિખવાદ અને વૈમનસ્ય પણ પેદા થઈ જાય છે.

ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનો અને યુવતીઓમાં ભક્તિ નહિ પણ ભપકો કરવાની માનસિકતા પેદા થતી જોવામાં આવે છે. અને તે માટે તેઓ પોતાના પરિવારમાં વડિલો સાથે નાના મોટા ઘર્ષણમાં આવી પડે છે. જે તે વિસ્તારના અમીર લોકો આ પરિસ્થિતિનો પોતાની ધાર્મિક હોવાની પ્રતિષ્ઠા ઉભી કરવા સક્રિય રીતે મચી પડતા હોય છે.ઉત્સવ કેમ અને કેવી રીતે વધુ અને વધુ ભપકાદાર બનાવી ઉજવવો તેનું પ્રભુત્વ મેળવી લઈ યુવા ધનને પોતાના વિચારો સ્વીકારવા ફરજ પાડે છે.

આજના આ સખત મોઘવારીના સમયમાં જ્યારે બે છેડા ભેગા કરવા પણ અત્યંત મુશ્કેલ જણાતા હોય ત્યારે ફાળો આપવામાં ગરીબ અને મધ્યમ વર્ગને તકલીફ તો પડે જ ત્યારે પી.ઓ.પીની ગણેશની મસમોટી મૂર્તિઓ પાછળ ખર્ચાતા નાણાં અંગે જીવ તો બળે જ, ઉપરાંત દિવસના મોટા ભાગના સમયમાં અત્યંત મોટે અવાજે વગાડવામાં આવતા માઈકો પણ ઘોંઘાટનું પ્રદુષણ પણ પેદા કરે જે, અનેક વૃધ્ધો, માંદા લોકો અને નાનાં બાળકો તથા અભ્યાસ કરતા વિધ્યાર્થીઓ માટે એક મોટી ખલેલ ઉભી કરતું હોવા છતાં સહન કરી લેવું પડતું હોય છે. ઉપરાંત એક પ્રશ્ન પણ ઉદભવે કે શું ગણેશ બહેરા હશે ? આ ઉપરાંત ગણેશ પધરાવવાની અને વિસર્જન માટેની સવારીઓને કારણે પણ ટ્રાફિક જામ અને ધુમાડા દ્વારા પણ પ્રદૂષણ પેદા થતું રહે છે જે આખરે તો નાગરિકોના શ્વાછોશ્વાસમાં જઈ અનેક રોગોને નિમંત્રે છે.

સામાન્ય સમજની બહાર એક વાત રહે છે કે આ પી.ઓ.પી.ની મૂર્તિઓ આખરે કોના માટે બેસાડવામાં આવે છે ? મોટી મૂર્તિ શું મોટા આશીર્વાદ આપતી હશે ? નાની મૂર્તિઓ કે નાના મંદિરોમાં પધરાવેલ મૂર્તિઓ આશીર્વાદ નાના આશીર્વાદ કે બિલકુલ આશીર્વાદ આપતા જ નહિ હોય ?

વળી મોટી મૂર્તિ પધરાવ્યા બાદ નાની તો પધરાવવી જ પડતી હોય છે. અને સાચું પૂછો તો પૂજા કે અર્ચના નાની મૂર્તિઓની જ થતી હોય છે, જ્યારે મોટી તો માત્ર શોભા માટે જ રાખવામાં આવેલ હોય છે.

આવા સંજોગોમાં એક પ્રશ્ન મારા જેવાના મનમાં ઉપસ્થિત થતો રહે છે કે, ભક્તિ શું ભપકા વગર ઉગતી જ નહિ હોય ? સાદાઈ અને શ્રધ્ધા સાથે સામાન્ય માનવી દ્વારા કરવામાં આવતી ભક્તિ ગણેશ નહિ સ્વીકારતા હોય ? શું ગણેશ ભપકાના જ ભોગી હશે ?

અત્યંત શણગારાયેલ ગણેશ અને પેંડોલ જ્યારે કોઈ સેલીબ્રીટી આવે ત્યારે સામાન્ય વ્યક્તિ ભલે તે વિસ્તારનો સંન્નિષ્ઠ કાર્યકર હોય તો પણ પાછળ ધકેલાય જતો જોવા મળે છે. આમ જાણે ગણેશ માત્ર અમીરોના જ હોય તેવો માહોલ સર્જાતો નજરે પડે છે.

કોઈપણ ઉત્સવ ધાર્મિક કે સામાજિક સાદાઈથી અન્યને ખલેલ પહોંચડ્યા સિવાય કે કોઈ પ્રકારના પ્રદૂષણ પેદા કર્યા વગર ઉજવી જ ના શકાય ?

દેશનું યુવાધન આ વિષે ક્યારે ય નહિ વિચારે ? હવે આ 21મી સદીમાં દેશનું અને માનવજાતની પ્રગતિનું સુકાન સંભાળવા યુવા ધન ક્યારે સક્ષમ બનશે ?

આવો ! મિત્રો, આવનારા દિવસોમાં ભપકાને વિદાય આપી આવી બેહુદી હરીફાઈનો ત્યાગ કરીએ ! અને ખરા સ્વરૂપમાં ગણેશને વિઘ્નહર્તાના સ્વરૂપમાં પ્રાપ્ત કરીએ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s