સાંપ્રદાયિક, ઝનૂની આસ્તિકો કરતાં નિખાલસ નાસ્તિકો અબજ દરજ્જે સારા— અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર.વોરા

સાંપ્રદાયિક, ઝનૂની આસ્તિકો કરતાં નિખાલસ નાસ્તિકો અબજ દરજ્જે સારા— અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર.વોરા

વ્યક્તિ નાસ્તિક હોય છતાં નિખાલસ હોય વાંદરાં, કૂતરાં જેવાં પ્રાણીઓને નકલ કરતાં શીખવવી બહુ સરળ હોય છે. વાંદરાને સલામ કરતાં શીખવો એટલે એ ભારે વ્યવસ્થિત રીતે સલામ કરે !

મહાપુરુષોની આજુબાજુ નઠોર, કઠોર, કાળમીંઢ જ્ઞાતિવાદ ઊભો કરનારા અને એ ‘ધાર્મિક’ (તથાકથિત ધાર્મિક) ઝનૂનમાં જોડાનારામાં અને વાંદરાં કૂતરામાં કોઈ જ ફરક નથી હોતો. આ પ્રાણીઓ સામાન્ય રીતે કોઇને સલામ ન કરે, પણ રીંગ માસ્ટર કે મદારી અમુક નિશાની કરે એટલે એ સલામ કરે !

ધાર્મિક ઝનૂન અને લઘુતાગ્રંથિ માટે જગજાણીતા એક સાંપ્રદાયિક ટોળાં સામે અનુકંપા ઉદારતા, દયા, અહિંસાની વાત કરવાનો અવસર આવ્યો. સ્વભાવ મુજબ અન્ય સંપ્રદાયના ભક્તિકવિની પંક્તિઓ પ્રવચનમાં ટાંકી. વાત ઉદારતા, દયા, અહિંસાની જ હતી પણ અન્ય સંપ્રદાયના કવિને મુખે કહેવાયેલી એટલે ગાળ ગણાય ! પ્રવચન ચાલુ હતું ને ચિઠ્ઠી આવી :અહીં અન્ય સંપ્રદાયના સંતનો ઉલ્લેખ લોકોને નહીં ગમે ! આ લોકોની હાલત મદારીના સંકેત ને ઇશારે નાચતાં પશુઓ જેવી હોય છે. પશુઓ હજુ ક્ષમ્ય છે, દયાને પાત્ર છે કારણ કે એમનામાં ઝાઝી બુધ્ધિ હોતી નથી, પણ આ સાંપ્રદાયિક પશુઓ તો છતી બુધ્ધિએ, પૂરી માનવ-સહજ અક્કલ સાથે વાનરવેડા કરે છે.

ઈશ્વરનો ભય હોય એ દુષ્ટતા ન આચરે, વિશ્વાસઘાત ના કરે, દંભ ના આચરે એવી સરેરાશ અપેક્ષાને આધારે એમ માની લેવામાં આવ્યું કે ‘ધાર્મિક’ લોકો વધારે વિશ્વસનીય ગણાય. અહીં જબરદસ્ત ભૂલ થઇ. ‘ધર્મ’ને ઈશ્વરમાં શ્રદ્ધા સાથેનાં તત્ત્વ તરીકે માની લેવામાં આવ્યું. આ રાક્ષસી ભૂલ હતી. તથાકથિત ધર્મ ટોળાંની બાહ્ય સાંપ્રદાયિકતાની વાત છે કારણ કે શ્રધ્ધા તો સંપૂર્ણપણે વ્યક્તિગત બાબત છે. સાંપ્રદાયિક ધર્મસ્થાનમાં ઇશ્વરભક્તિની વાતો સાંભળી રહેલ દશ હજાર કહેવાતા ધાર્મિકોમાંથી માંડ એકાદ-બેને હૈયાંમાં શ્રધ્ધા પ્રગટી હોય. અરે શ્રધ્ધાની વાત રહેવા દો, ઈશ્વરની શોધની તડપ પણ માંડ એકાદમાં હોય !

ધર્મનું લેબલ લગાડયું એટલે સારો માણસ જ એવું સમીકરણ તોડવાની લાખો વર્ષો પહેલાં જરૃર હતી અને હવે તો મંદિરે મંદિરે, મસ્જિદે મસ્જિદે, ચર્ચે ચર્ચે, ચોરે ને ચૌટે એવાં બેનર્સ મોટે અક્ષરે મૂકવાની જરૃર છે કે ‘સંપ્રદાય કે તથાકથિત ધર્મનું લેબલ લગાડવા સાથે ઉદારતા કે સજ્જનતા જોડવાની બેવકૂફી ભૂલેચૂકે કરવી નહીં’ તથાકથિત ધાર્મિકતામાં પ્રચ્છન્ન (છૂપાવેલી) રાક્ષસી હિંસકના, ઇશ્વરનાં ગુડવિલને ચરી ખાવાની લુચ્ચાઈ, ઝનૂન અને નઠોર જ્ઞાાતિવાદ હોઈ શકે.

કોઈ લોકોત્તર મહાપુરુષનું મડદું વેંચીને પેલા મહાપુરુષની પ્રતિષ્ઠા ચરી ખાનારા ધાર્મિકોમાં અને મહાન પિતાના સ્વર્ગવાસ પછી એની નામના ચરી ખાનારાં નાલાયક સંતાનોમાં કોઈ ફરક નથી. ઇશ્વરમાં શ્રદ્ધા હોય તો જ ધર્મ હૈયાંમાં પ્રગટે. ધર્મનો શાસ્ત્રીય અર્થ છે : ધારયતિ ઇતિ ધર્મ : જે સંસારમાં સત્ય અને અસત્ય, કાયમી અને નાશવંત વચ્ચે તમારી સમતા ટકાવી રાખે તે ધર્મ.

આવો ધર્મ કાંઈ બોડીબામણીનું ખેતર નથી કે કથામંડપોમાંથી નીકળતા અગણિત ‘ધાર્મિકો’ એમાં ભેલાણ કરી શકે. આ ધર્મ તો વિરલાને પ્રાપ્ત થતી પ્રતીતિ છે. જો આવી પ્રતીતિ થઇહોય તો એ માણસ હરગીઝ સાંપ્રદાયિક ઝનૂની બની જ ન શકે. એ સંપ્રદાયનાં ઝનૂનને ઈશારે નાચનારો કૂતરો બને જ નહીં. મહાવીરનું સત્ય પયગંબર સાહેબને મોઢે કે પયગંબર સાહેબનું સત્ય શ્રી કૃષ્ણને મોઢે સાંભળે ત્યારે એ સત્યના પ્રકાશને ઓળખી લે. એને ‘બ્રાન્ડ’ સાથે સંબંધ ન હોય. એને પોતાની આંતરિક ઓળખ હોય ! નિખાલસ નાસ્તિકને ઈશ્વરનાં કે દૈવી સંચાલક બળમાં વિશ્વાસ નથી એવું એ જાહેર કરે, અને જ્યાં સુધી પોતાની માન્યતા અન્ય પર ઠોકી બેસાડવાનું ઝનૂન એનામાં ન હોય, ત્યાં સુધી એ વધારે વિશ્વસનીય છે, કારણ કે ઇશ્વરમાં અવિશ્વાસની એની માન્યતામાં નિખાલસતા છે, પોતીકી મુદ્રા છે. એ જે કહે છે તે કોઈ ટોળાંની વિચારધારાના પ્રચાર માટે કહેતો નથી.

ખરેખર ઇશ્વરમાં શ્રધ્ધા ન હોય, અમુકતમુક ઇષ્ટદેવમાં શ્રધ્ધા ન હોય પણ ‘આપણે તો અમુક ગલીનાં કૂતરાં, આપણાંમાનું એક કૂતરૃં ભસે ત્યારે આપણે બધાંએ ભસવું જોઇએ એ આપણી સાંપ્રદાયિક ફરજ છે’ એમ શ્રધ્ધાને ‘પહેરનારા’ ખરેખર તો જાતને છેતરનારા હોય છે, અને જો ઇશ્વરમાં શ્રધ્ધાની સુગંધ ઊગી ન હોય પણ પહેરવામાં આવી હોય તો યાદ રાખજો, આવા ધર્મ પહેરનારાઓ ગમે ત્યારે ક્રૂર, વિશ્વાસઘાતી અને નાગા થઇ જશે.

જ્યારે વ્યક્તિ નાસ્તિક હોય છતાં નિખાલસ હોય ત્યારે એની નાસ્તિકતા કરતાં નિખાલસતા વધુ મહત્ત્વની છે, કારણ કે આસ્તિક્તાનો દંભ ટાઈમબોમ્બ હોય છે, કાગળનાં પત્તાંના મહેલ જેવો હોય છે. નિખાલસતાથી રચાયેલી નાસ્તિકતાની ઝૂંપડી આત્મવંચના અને ટોળાંશાહીથી પ્રેરાયેલી આસ્તિક્તાના વિરાટ મહેલ કરતાં વધુ ટકાઉ, વધુ વિશ્વસનીય હોય છે. સાંપ્રદાયિકતા અને પહેરેલી, જૂઠી, દંભી ધાર્મિક શ્રધ્ધા ના ગ્રાહકો હજુ આજે પણ ભલે લાખોની સંખ્યામાં હોય, યાદ રાખજો, એમના પગ નીચેથી પાટિયું ખસી રહ્યું છે. સાંપ્રદાયિકતા, તથાકથિત ધાર્મિક વફાદારોને સજ્જનતાનો પર્યાય માનવા હવેનવી પેઢી તૈયાર નથી.

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s