હોરાઈઝન-ભવેન કચ્છી – નેતાઓ તેમના સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ કરાવે –

હોરાઈઝન-ભવેન કચ્છી – નેતાઓ તેમના સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ કરાવે –

 

શિક્ષણદ્રષ્ટા સોનમ વાંગચૂકની નજરે ભારતના શિક્ષણના કથળતા સ્તરની સમસ્યાનો ઉકેલ ભૂતાનના રાજાએ ફરમાન કર્યું કે અમારા સંતાનો સરકારી શાળામાં અભ્યાસ કરશે અને પછી જોવા મળ્યો ચમત્કાર અગાઉના જમાનામાં વર્ગખંડમાં શ્રેષ્ઠીઓ અને નેતાઓના સંતાનોની બાજુમાં જ ગરીબ કે શ્રમિકના સંતાનો બેસીને અભ્યાસ કરતા ”ભારતમાં શિક્ષણનું સ્તર સુધારવું હોય તો રાજ્યના અને દેશના મંત્રીઓ, વગદાર રાજકારણીઓ, ઉચ્ચ અમલદારો અને કમિશ્નરોએ તેમના સંતાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારી શાળા-કોલેજોમાં અભ્યાસ કરવા દાખલ કરવા જોઈએ.” ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મમાં આમીર ખાને ફૂંગસુક વાંગડુનો રોલ ભજવીને કુતુહલ જગાવ્યું હતું કે આ પાત્ર કોઇ આવી જીવંત હસ્તીની પ્રેરણા લઇને તૈયાર કરાયું હતું કે શું ? અને તે પછી રસપ્રદ વાત બહાર આવી કે લડાખમાં શિક્ષણ પધ્ધતિના જીનિયસ દ્રષ્ટા, એન્જિનિયર અને શોધ-સંશોધક (ઇનોવેટર) સોનમ વાંગચૂક હિમાલયન યુનિવર્સિટીને આકાર આપી રહ્યા છે. તેનાથી પ્રેરિત થઇને વિદુ વિનોદ અને રાજકુમાર હિરાણીને ફૂંગસુક વાંગડુના પાત્રને પ્રેરણા મળી અલબત્ત આ સોનમ વાંગચૂકની બાયોપિક નહોતી પણ તેની દ્રષ્ટિના શેડ્સ હતા. ભારતના શિક્ષણના કથળતા સ્તરને સુધારવા તેણે ઉપરોક્ત ક્રાંતિકારી ઉપાય સૂચવ્યો છે. અમે આ જ કોલમમાં થોડા અઠવાડિયા અગાઉ સોનમ વાંગચૂકના ભારતમાં પ્રવર્તતી બેકારીના સંદર્ભમાં નિડર અને આગવા વિચારો રજૂ કર્યા હતા. બોર્ડની પરીક્ષાના પરિણામો બહાર પડી ચૂકયા છે ત્યારે ફરી તેની ઝલક તાજી કરીએ. તો વાંગચૂક કહે છે કે હજુ પણ ભારતમાં અંગ્રેજોના શાસનના અરસાની જ સરકારી અને ખાનગી બાબુ બનવાની ‘વ્હાઇટ કોલર’ માનસિકતા જ પ્રવર્તે છે તેના કારણે ટેબલ-ખુરશી અને સ્વચ્છ કપડા રહે તે પ્રકારની નોકરી મળે તો જ કરવાની બાકી બેકાર રહેવાનું. વાંગચૂક આ સ્થિતિ અંગે કહે છે કે હાથ પર નોકરી નથી તેમ કહેવું તેના કરતા એવી ઘણી નોકરી કે રોજી ઇંતેજાર કરીને ખાલી પડેલી છે પણ તેને હાથ નથી મળતા. અર્થાત્ બેકાર રહીને કુટુંબ ભાંગીશુ, ડીપ્રેશનમાં ગરકાવ થઇશું પણ શ્રમજીવી કે એપ્લાઇડ થવું પડે તેવી જોબ નહીં જ કરીએ. વાંગચૂકની નજરે ભારતમાં બેકારીનું એક મહત્તમ કારણ સદીઓથી પ્રવર્તતી વર્ણપ્રથા પણ છે. એક વર્ણનું કામ બીજો વર્ણ માનસિક અને સામાજિક સ્તરે અપનાવવાની રૃચિ કે નૈતિક હિંમત નથી દાખવતો. ખરેખર કોઇ કામ નાનું કે મોટુ નથી. આવી પરિસ્થિતિમાં અનામત પ્રથા પણ સમતુલા ખોરવે છે.વાંગચૂક કહે છે કે પરીક્ષા માટે ઉત્તરવહીમાં લખવા માટે જે અભ્સાય થાય છે તે ભૂલાઈ જતો હોય છે. જો વિદ્યાર્થી પોતે પ્રાયોગિક રીતે તે મૂલવે અને અમલમાં મુકે કે નજર સામે પ્રક્રિયા જુએ તો તે કાયમ યાદ રહેતું હોય છે. પરીક્ષાલક્ષી કરતા ‘એપ્લાઇડ સાયન્સ’નો અભિગમ રાખવો જોઈએ. આપણા વિદ્યાર્થીઓ વિશ્વના વિકસીત દેશોમાં પાંચ-સાત વર્ષ જૂનું થઇ ગયેલું જ્ઞાાન અને માહિતીનો વર્તમાનમાં અભ્યાસ કરવા માટે રોજના આઠ કલાક વ્યર્થ ખર્ચે છે. શિક્ષકોનું પણ તેવું જ છે. આ જ કારણે દેશની ટોચની કંપનીઓ એવી હતાશા વ્યક્ત કરે છે કે વર્તમાન વિશ્વની સાથે કંપનીની પ્રગતિ સાધી શકાય તેવી ગુણવત્તાના કોઈપણ ક્ષેત્રના સ્નાતકો- અનુસ્નાતકો આપણા અગ્રીમ શૈક્ષણિક સંસ્થાઓમાંથી બહાર પડતા નથી. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ બાદ આ જ આપણા વિદ્યાર્થીઆ વૈશ્વિક કંપનીઓમાં નીખરી ઊઠતા હોય છે.હવે ફરી લેખના પ્રારંભે ભારતની શિક્ષણ પ્રથાને બેઠી કરવા વાંગચૂકે જે નિડર વિચારો આપ્યા છે તેના પર આવીએ. વાંગચૂક ભુતાનનું ઉદાહરણ આપતા કહે છે કે ભુતાનમાં શિક્ષણનું સ્તર સાવ કથળેલું હતું. ખાનગી શાળાઓ લૂંટ ચલાવતી હતી ત્યારે રાજા જિંગ્મે ખેસર નાભગ્યેલ વાંગચૂકને (જોગાનુજોગ રાજાની અટક પણ વાંગચૂક છે.) વિચાર સ્ફૂર્યો કે સરકારી અને પાલિકાની શાળાઓને તમામ ગ્રાંટ, સરકારી સહાય, સસ્તી જમીન અને વિશ્વ બેંકની, વિદેશીઓની સહાય મળે છે તો પણ તેમાં અભ્યાસ કરવા તો ગરીબો અને કચડાયેલા કુટુંબોના સંતાનો આવે છે અને સરકારી શાળાઓનું સ્તર પણ નિમ્ન છે. રાજાએ ફરમાન કર્યું કે રાજવી પરિવારના અને તમામ નેતાઓ, મંત્રીઓ અને અમલદારોને તેમના સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવાનો રહેશે.બસ પછી તો જે અપેક્ષિત હતું તે જ થયું. સરકારી શાળાની સ્થિતિ અને સ્તર પર નેતાઓ અને અમલદારો અંગત રસ લેવા માંડયા. નિયમિત ઇન્સ્પેકશનો પણ થયા. રાજકુંવરો રાઉન્ડ લેવા નીકળે. ઇન્ફ્રાસ્ટ્રકચરથી માંડીને શિક્ષકોની ગુણવત્તાસભર ભરતી બધુ જ આંતરરાષ્ટ્રીય સ્તરનું આકાર પામતું ગયું. જેમ વીઆઇપીનું કોઇ કાર્યક્રમમાં અડધો કલાક માટે પણ આગમન થતું હોય તો રાતોરાત રસ્ત પર ડામર પથરાઇ જાય. ધૂળની ઢગલી પણ હાથ ના લાગે તેવું સ્વચ્છતા અભિયાન હાથ ધરાઇ જાય. કામમાં કોઇ દાંડાઈ કરે તો તે સસ્પેન્ડ કે બદલીની સજા સુધ્ધા પામે તેવો રોજીંદો ફફડાટ સરકારી શાળાના સંચાલકો અને સ્ટાફને રહે છે. સરકારી શાળાઓની લાઇબ્રેરી, લેબોરેટરી, પર્યાવરણ, રમતની સુવિધા-મેદાનો, ભોજન-કેન્ટિન અને પાર્ક બધુ જ નંદનવન જેવું ભાસે છે.વાંગચૂક કહે છે કે ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બજેટમાં અબજો રૃપિયા ફાળવે છે તો પણ સરકારી શાળાઓની હાલત બદતર કેમ ? વીવીઆઈપી તેમના સંતાનોને સરકારી શાળાઓમાં દાખલ કરે તેટલું જ કાફી છે પછી જૂઓ જોતજોતામાં તે શાળા ટોચની ખાનગી શાળાઓને દોડતી કરી દે છે કે નહીં. કેન્દ્ર અને રાજ્ય સરકાર અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજે છે તે આવકાર્ય છે. પણ ખરેખર રાજકારણીઓ, અમલદારો અને કોર્પોરેટ જગતથી માંડી સમાજના વગદારોના સંતાનોનો સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજો અને જૂઓ શિક્ષણના સ્તરમાં કેવું ચમત્કારિક પરિવર્તન આવે છે. ભૂતાનમાં છેલ્લાં વર્ષોમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા પડાપડી થાય છે. જે શાળામાં રાજવી પરિવારના સંતાનો અભ્યાસ કરે છે તેના જ વર્ગમાં રાજાના મહેલાના બાગાયતનું કામ સંભાળતા માળીનો અને ડ્રાઇવરની પુત્રી અભ્યાસ કરે છે.આમ જુઓ તો શિક્ષણનું ખાનગીકરણ આ હદે ન હતું ત્યારે અત્યારે જેઓ ૫૦-૬૦ વર્ષની વયના હશે તેઓ પણ તેમના શાળાકિય સંસ્મરણો વાગોળતા કહેશે કે તેઓ તાલુકા કે સરકારી શાળામાં જ અભ્યાસ કરતા અને તમામ આર્થિક, સામાજિક સ્તરના વાલીઓના સંતાનો એક જ વર્ગમાં અભ્યાસ કરતા હતા. ખાનગી શાળા તરીકે કોન્વેન્ટ જ ઉલ્લેખનીય રહેતી. અત્યારે એવો ઘાટ ઘડાયો છે કે પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ખાનગી શાળાઓમાં લેવાનું પણ ઉચ્ચ અભ્યાસ માટે સરકારી કોલેજોમાં અભ્યાસ કરવો સ્ટેટસ મનાય (મર્યાદિત બેઠકો અને મફત જેવી ફી હોઈ)આવો અભિગમ શાળાકિય જ અભ્યાસ વખતે કેમ નહીં ? ભુતાનમાં હવે તો જે વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં પ્રવેશ મેળવે તેઓ માટે એવું માનવામાં આવે છે કે તેઓના માર્કસ ઓછા આવ્યા હશે અને સરકારી શાળાઓમાં પ્રવેશ નહીં મેળવી શક્યા હોય ! ભુતાનમાં રાજવી પરિવારના અને વીવીઆઈપીના સંતાનો દાર્જીલિંગ અને વિદેશમાં અભ્યાસ માટે મોકલવામાં આવતા હતા પણ હવે રાજાની નજર હોઈ આ પ્રણાલી અટકી ગઈ છે. શિક્ષકોનું સ્તર તો ઉત્કૃષ્ટ બન્યું જ છે પણ તેઓનો પગાર પણ ટોચના વ્યવસાયીઓ જેટલો હોઈ સમાજમાં તેઓને આદરભરી નજરે જોવામાં આવે છે. કેવા શિક્ષકોની ભરતી થાય છે તેના પર વીવીઆઈપી વાલીઓ જ નજર રાખે છે. વાંગચુક કહે છે કે જો શિક્ષકોને ગુણવત્તાની શરતે ઉંચો પગાર આપો તો નવી પેઢીમાં શિક્ષક બનવાની સ્પર્ધા થશે. તમે સિંગદાણાફેંકો તો વાંદરાઓનું ટોળુ જ તેને ખાવા ઉમટતું હોય છે. શિક્ષણના વ્યવસાય માટે સમાજમાં આદર હોવો જોઇએ. નવી જનરેશનને મોટા શહેરોમાં મોટા કમર્શિયલ ઇમારતોમાં જગા ખરીદીને કોચિંગ ક્લાસનો ધંધો કરવો છે પણ શિક્ષક નથી બનવું. શિક્ષણ તરીકે નથી ઓળખાવું. કેન્દ્ર અનેરાજ્ય સરકારે આબાબતે ગહન ચિંતન કરવાની જરૃર છે કે ઉત્કૃષ્ટ શિક્ષકો કેમ મળતા નથી. તેઓને આકર્ષવા શું કેવું વાતાવરણ રચી શકાય. જેને ક્યાંય નોકરી ના મળે તે શિક્ષક બને. જેને વેઠ ઉતારતા પીરીયડ લઇને ગુટખા ઘસવા છે તેવા શિક્ષકો પણ છે. એજન્ટોને રૃપિયા ખવડાવી મોજથી સ્ટાફ રૃમમાં બેસવા મળે એટલે શિક્ષકો બનનારા વધતા જાય છે : નેતાઓની વગ અને ભરતી કૌભાંડ થકી બનેલા શિક્ષકો વિદ્યાર્થીઓને અસંસ્કારી બનાવે છે. માતર સ્થિત બ્રહ્મલીન બાલઅવધૂતજી કહેતા કે તમે કંઇ પણ આર્થિક કે બિનઆર્થિક પ્રવૃત્તિ કરો જે સમાજની નજરે જેવી પણ લાગતી હોય પણ તમે તમારી જાતને પ્રત્યેક ક્ષણે પુછતા રહો કે ‘આમ કરવા પાછળ તમારી વૃત્તિ શું છે.’ આજે જે પણ નિર્માણ નવિનીકરણ પ્રોજેક્ટ, કારકિર્દી નોકરી કે સર્જન આકાર પામે છે તેમાં કર્તાની વૃત્તિ લૂંટ, ભ્રષ્ટાચાર, ગ્રાહકોને ચીરવા કે આત્મશ્લાધા કરાવવા માટેની હોય છે. અમેરિકા, યુરોપ કે જ્યાં શિક્ષણની ગુણવત્તા ઉત્કૃષ્ટ છે ત્યાં પણ સંચાલકોનો આશય બિઝનેસનો જ છે પણ તેઓ બદલામાં ક્વોલીટી શિક્ષણ આપે છે. વર્લ્ડ રેન્કિંગમાં સ્થાન મેળવવા પડાપડી થાય છે. ભારતમાં તો તગડી ફી લેવાની પણ બદલામાં આંતરરાષ્ટ્રીય સ્તરથી તો જોજનો દુર રહેવું પડે તેવી શિક્ષણની સ્થિતિ છે. માત્ર શિક્ષણમાં જ શા માટે ? કેમ નેતાઓ, કોર્પોરેટ જગત કે વીવીઆઈપી લોગ સરકારી કે કોર્પોરેશનની હોસ્પિટલમાં સારવાર નથી લેતા ? રાજ્ય સરકાર એક વખત આમ કરવાનો સરક્યુલર બહાર પાડે પછી જૂઓ સરકારી હોસ્પિટલોનું સ્તર જોઈ કોર્પોરેટ હોસ્પિટલો દોડતી થઇ જાય છે કે નહીં. દરેક વખતે વિદ્યાર્થીઓને પ્રેરણા કે કારકિર્દીનું ઘડતર કરવા માટેન પ્રવચનો અને સેમિનારો રાખવા કરતા શિક્ષકો, શિક્ષણ અને સંચાલકો પાસેથી શું અપેક્ષા રખાય છે તેની તેઓને પ્રેરણા આપતા વર્કશોપ પણ રાખી જ શકાય.

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s