કહેવાતો ધર્મ–જાણ્યા છતાં -અજાણ્યા ! અન્તર્યાત્રા — ડૉ. સર્વેશ પ્ર.વોરા
ધર્મના સિધ્ધાંતો આપણા હૈયામાં છે જ એ શીખવા માટે કોઈ વર્ગમાં જોડાવાથી, કોઈ સંપ્રદાયનાં ઝનૂન માટે પરિગ્રહી બનવાથી કશું મળતું નથી. એ સિધ્ધાંતો હૈયાંમાંથી જાગવા જોઈએ.
‘સાચું બોલવ્ ાું’, ‘અન્યને દુ:ખ ન પહોંચાડવું’, સૌ ઇશ્વરનાં છે, આથી સૌપ્રત્યે સહોદર જેવો જ ભાવ રાખવો’, ‘જેવું કરો તેવું પામો’, ‘ આ દુનિયા ક્ષણભંગુર છે, ગમે તે ઘડીએ દુનિયામાંથી ઉચાળા ભરવા પડશે’, ‘વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે’
ઉપર જણાવેલી વાતોને તમે ‘ધર્મ’ કહેશો કે ‘અધર્મ’ ?
જો એ વાતોમાં જ વિશ્વમાં ધર્મોના મૂળભૂત – સિધ્ધાંતોમાંના કેટલાકનો સમાવેશ થયોહોય તે જરા કહેશો ખરા કે એમાં નવું, અજાણ્યું, આશ્ચર્યજનક શું છે ?
ટાઈપરાઈટીંગ શીખવા વર્ગમાં જવું પડે, ભરતગૂંથણ શીખવા કોઈક અભ્યાસ વર્ગમાં જોડાવું પડે કે કોઈ શિક્ષક પાસે શીખવું પડે, એંજીનીયરિંગ શીખવા વર્ગમાં જોડાવું પડે, નવી ભાષા શીખવા શિક્ષક કે પુસ્તકનો સહારો લેવો પડે, શું ધર્મના વિષયી મૂળભૂત સરળ વાતો એટલી અટપટી છે કે શીખવા જવી પડે ?
બારાખડીનો કક્કો ન શીખ્યો હોય એવો કોઈ દૂરનાં ગામડાંનો ગાડાંખેડૂ હોય, કે કોઈ ઉચ્ચપદવી ધારી-પંડિત હોય, વ્યાખ્યાનમાળામાં ખૂણે ખાંચરે બેઠેલો કોઈ અલ્પશિક્ષિત ગુમાસ્તો હોય કે વ્યાસપીઠ પર પ્રવચન આપનાર ધર્મગુરુ હોય, તમામે તમામ લોકો ધર્મની આ મૂળભૂત બાબતો વિષે માહિતી ધરાવતા હોય છે.
ધર્મની અમુક બાબતો તો એવી હોય છે, જે આપણે માર ખાઈને શીખ્યા હોઈએ છીએ, ચૂલા પર મૂકેલાં ધગધગતાં તપેલાંને હાથ લગાડો તો દાઝી જવાય, ને યાદગાર પાઠ મળે, એ અનેકવાર ધર્મની બારાખડી આપણને અનુભવ દ્વારા જાણવા મળી હોય છે, દાખલાતરીકે, હું નબળો અને લાચાર હોઉં, મારાથી વિરોધ ન થઈ શકે એવા કૌટુમ્બિક સંજોગો હોય, ત્યારે મારા સંજોગોથી પૂરેપૂરી માહિતગાર વ્યક્તિ મને કટાક્ષબાણથી વીંધે ત્યારે મને બેહદ દુ:ખ થાય, એ વાત હું અનુભવથી શીખ્યો હોઉ છું,હું એક યુવતી તરીકે મારાં ઘરમાં લગ્ન પહેલાં મારાં વૃધ્ધ માતાપિતા, મારા અપંગભાઈ અને મારાં નવાં ભાભીના સંબંધો જોઈ ચુકીહોઉં.
નવપરિણિતભાભી દ્વારા મારાં વૃધ્ધ અને નિર્દોષ વડીલો પ્રત્યેનો ક્રૂર વર્તાવ જોઇને પીડા અનુભવી હોય, ભાભીએ આમ ન વર્તવું જોઇએ, પોતાનાં પિયરમાં બેઠેલાં માબાપને યાદ રાખવાં જોઇએ, એવું મને સ્પષ્ટ પ્રતીત થતું હોય, પછી હું લગ્ન કરીને અન્ય ઘરમાં જાઉં ત્યારે હું પણ મારો ભૂતકાળ ભૂલીને મારાં સાસુ-સસરા કે અપંગ દિયર-કે જેઠ સાથે ક્રૂર બનું, ત્યારે મેં અનુભવથી શીખેલ ધર્મ પણ જાણી જોઇને ભૂલી જવાતો હોય છે.
ધર્મના સિધ્ધાંતો આપણે બધા બહુ સારી રીતે જાણતા હોઈએ છીએ, શ્વાસોચ્છવાસ, પાણી પીવું જેટલી સહજ બાબતો છે, એટલા સહજ ધર્મના સિધ્ધાંતો હોય છે.
જેમ મને ભૂખ તરસ લાગે છે એમ અન્યને પણ લાગે છે, જેમ મને અન્યાયથી દુ:ખ થાય એમ અન્યને પણ અન્યાયથી દુ:ખ થાય છે. આ વાતો કોઈ કથાકાર આપણને હસાવી રડાવીને સમજાવે આ વાતો જ ફરી ફરી સાંભળવા મારે વ્યાખ્યાનોમા હાજરી આપવી પડે, એવી કશી જરૃર ખરી ?
કરશનદાસ માણેકનું પ્રસિધ્ધ કાવ્ય ‘હરિનાં લોચનિયાં’ અહીં તીવ્રપણે યાદ આવે છે. ‘તે દિન-આંસૂભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં.’ હરિએ; અલ્લાહે, પરમેશ્વરે મૂળભૂત ધર્મની સમજ અધર્મ આચરે, અરે, ધર્મનાં ઓઠા હેઠળ અધર્મ આચરે ત્યારે પરમપિતાને શું થતું હશે ?
કહે છે કે કોઈ પ્રતિભાશાળી રાજકીય નેતાને નિષ્ક્રિય બનાવી દેવો હોય, એ નેતાવ્યૂહાત્મક રીતે સત્તાધારી પક્ષને આડો આવતો હોય, ત્યારે ઘણીવાર એને’રાજ્યપાલ’ (ગવર્નર) બનાવી દેવાય છે. શું આપણે ઈશ્વરની, ધર્મની હાલત આવી નથી કરી ?
એક ધર્મ-કેન્દ્રમાં બહુ મોટો ‘ધાર્મિક ઉત્સવ’ ચાલી રહ્યો હતો. ઉત્સવની જાહેરાતમાં નહીં તો પાંચ-સાત લાખ રૃપિયાનું આંધણ થયેલું. એ પ્રસંગે નહીં તો આઠ-દશ લાખનું નર્યું કાળું નાણું વપરાવાનું હતું.
એ ધર્મકેન્દ્રના મુખ્ય પંડિતે એક માગણી કરી : મારા પુત્રને બારમાં ધોરણમાં બહુ સારા માર્કસ મળ્યા છે, પણ એંજીનીયરિંગનો અભ્યાસ કરાવવાનો બહુ મોટો ખર્ચ થાય એમ છે, તમે કોઈ શ્રીમંતને સુચવો તો કાંઇક મદદ થાય.’ એ પંડિતે પોતાનું આખું જીવન વિદ્યાની આરાધનામાં વીતાવેલું. પેલા ‘મહાન ધરમ ઉત્સવ’ના’મહાન ધાર્મિકો’ એ આ પંડિતને રીતસર જવાબ આપેલો, ‘અમે તો માત્ર ધર્મઅર્થે પૈસા વાપરીએ છીએ.તમારા પુત્રને જરૃર હોય તો અમારાં ટ્રસ્ટ (૮૦-જી)માંથી ચાર-પાંચસો અપાવીે, બાકીના અન્ય સ્થળેથી માગી લાવો.’
એ મહાન ધાર્મિકોની દ્રષ્ટિએ ટ્રેડ યુનિયનના મેળાવા જેમ સાંપ્રદાયિક સંકુચિતતા માટે હદબહાર કાળું નાણું ખર્ચવું એ જ ‘ધર્મ’ હશે, અને અકિંચન બ્રાહ્મણના તેજસ્વી પુત્રને ઉદાર મદદ દ્વારા એ પુત્રના સમગ્ર પરિવારને પગભર કરવો એ ‘અધર્મ’ હશે !
આપણે ક્યાં આવીને ઊભા છીએ ?
એક ગ્રીક ફિલસુફે બહુ સરસ વાત કરેલી કે ‘જ્ઞાાન બહારથી અંદર આવતું નથી. એ હૈયામાં જ હોય છે. સારો શિક્ષક ટકોરા મારીને એ જ્ઞાાનને જગાડે છે’ ધર્મના સિધ્ધાંતો આપણા હૈયામાં છે જ એ શીખવા માટે કોઈ વર્ગમાં જોડાવાથી, કોઈ સંપ્રદાયનાં ઝનૂન માટે પરિગ્રહી બનવાથી કશું મળતું નથી. એ સિધ્ધાંતો હૈયાંમાંથી જાગવા જોઈએ.
ઊંઘણશી વિદ્યાર્થીના કાન ખેંચો તો જ ઊઠે, એમ કુદરત આપણા કાન ખેંચે ત્યારે જ શું ધર્મ બાબત જાગૃત થશું ?
શું વાળ્યા નહીં વળીએ, હાર્યા જ વળશું ?
Thanks.