૯,જુલાઈ,૨૦૦૯ના રોજ મારાં બ્લોગ ઉપર એક પોસ્ટ મૂકેલ કે ” ગુજરાત બિહાર બનવા જઈ રહ્યુંછે કે શું? અરાજકતા દિન પ્રતિ દિન વધી રહી છે “
આ સમયે શ્રી નરેંદ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ ખૂન-અપહરણ-બળાત્કાર= ભ્રષ્ટાચાર-ભેળસેળ -વ્યાજખોરોનો ત્રાસ ( પોલીસવાળા જ વ્યાજ્ખોર બની બે નામી વ્યવહાર કરતા જે આજે કદાચ વધારે નફ્ફ્ટ બની ચૂક્યા છે) લૂંટ્ફાટ-વગેરે એ માજા મૂકવાની દોટ શરૂ થયેલી જે આજના ગુજરાતની કાયદો અને વ્યવસ્થા તરફ દૃષ્ટિપાત કરતા અને રોજ બ રોજના તમામ મિડિયા ઉપરના સમાચારો વાંચતા એવું જણાય છે કે
ગુજરાત હવે ખરેખર બિહાર બનવા જઈ નથી રહ્યું પણ પૂર્ણ રીતે છે બની ચૂક્યું છે
કદાચ આવનારા દિવસોમાં સીધા-સરળ અને પ્રમાણિકતાથી જીવતા લોકોનું જીવન અત્યંત દુષ્કર બની ચૂક્યું છે. વડાપ્રધાન શ્રી નરેંદ્ર મોદીની આબરૂના લીરેલીરા ઉડી જાય તે પહેલાં આજે સત્તા ઉપર બેઠેલા તમામ હોદેદારોની ઉંઘ ઉડશે ખરી? અને ગુજરાતને બિહાર બનતું અટકાવી શકશે ? આપ શૂં માનો છો?
ગુજરાત બિહાર બનવા જઈ રહ્યું છે કે શું ? અરાજકતા દિન પ્રતિ દિન વધી રહી છે !!!
”4 જુલાઈ 2009ના “અભિયાન”ના અંકમાં જે લેખો દીપલ ત્રિવેદીના લેખ સહિત પ્રસિધ્ધ થયા છે તે લેખોએ મારાં મનમાં કેટલાક સમય થયા ચાલી રહેલા ગુજરાતના મુખ્યમંત્રીની વહિવટી તંત્ર ઉપરની ઢીલી થઈ રહેલી પકડ વિષે વિચારોના ઘમસાણને વાચા આપવા ઉશ્કેરી ( PROVOKE ) મેલ્યો છે તેમ કહું તો ખોટું નથી.4 જુલાઈ 2009નો “અભિયાન”નો અંક સાચું પૂછો તો ગુજરાતના મુખ્યમંત્રી અને સરકાર સામે પોકારવામાં આવેલું “તહોમતનામું” જ ગણી શકાય ! તેમાં પ્રસિધ્ધ થયેલા તમામ લેખોની ગંભીરતા પૂર્વક તમામ સત્તાધીશો અને મુખ્યમંત્રી સહિતે નોંધ લેવી જ રહી !
ગુજરાત બિહાર કે ઉત્તરપ્રદેશ ના બની બેસે તે માટે વહિવટી તંત્ર ખાસ કરીને પોલીસ-શિક્ષણ ઉપર જો અસરકારક અને તત્કાલ નિર્ણય કરનારા ચૂનંદા અધિકારીઓને નહિ નીયુકત કરવામાં આવે તો ગુજરાતને બિહાર કે ઉત્તરપ્રદેશ બનતું કોઈ નહિ અટકાવી શકે !
અભિયાનમાં જે લેખો પ્રસિધ્ધ થયા છે તે તમામ દૂષણો નજીકના ભૂતકાળમાં જ વકર્યા છે. ખાસ કરીને ( 1 ) અશ્લીલ વીડિયો ક્લીપીંગ્સ ( 2 ) વ્યાજ ખોરો ( 3 ) સ્ત્રી સલામતી ( 4 ) પોલીસ પૂત્રોના પરાક્રમ અને હવે તો ( 5 ) ડૉકટરો પણ
આ બધામાં ખૂબજ ગંભીર તો પોલીસ અને તેની અસામાજિક તત્ત્વો સાથેની સક્રિય રીતની સંડોવણી જે મીલીભગત છે તે નિઃશંક છે. પોલીસ પોતાના પૂત્રો દ્વારા પાકિસ્તાનની જેમ પ્રોક્સીથી આવી અસામાજિક પ્રવૃતિ કરાવી રહ્યા હોય માટે જ તે તરફ આંખ મીચામણા કરી રહ્યા હોય તેમ નથી લાગતું ? એક નાની વાત તરફ ધ્યાન દોરું તો હેલ્મેટ પહેર્યા વગર કે કારમાં સીટ બેલ્ટ બાંધ્યા વગર જનારને દંડવામાં જે અતિ ઉત્સાહ પોલીસોમાં દ્ર્ષ્ટિગોચર થાય છે તે જ પોલીસોને ગાડીઓ ઉપર મોટા અક્ષરે લખાવવામાં આવેલા શબ્દો જેવાકે “જય માતાજી,” “જય આશાપુરા,” “જય ખોડિયાર,” “સરકાર,” “શક્તિ,” “માં,” “મહેર,” “આયર” વગેરે આવા સાંકેતિક શબ્દો કેમ નહિ દેખાતા હોય ? અરે નંબર પ્લેટો પણ જુદા જુદા કલરોમાં અને સાંકેતિક ચિન્હો સાથે જોવા મળે છે અને આ સંકેતોનો અર્થ પોલીસ કર્મીઓ બરાબર સમજતા હોય છે ! પોલીસ કોંસ્ટેબલ કે સામાન્ય જમાદાર કે સબ-ઈંસ્પેકટર જેવા કર્મીઓ પાસે રૂ!. 70.000/- કે 90.000/- ની કિમતની બાઈક કેવી રીતે હોઈ શકે તો કેટલાક પાસે તો રૂ1. 800.000/- થી રૂ!. 10.00000/- દસ લાખસુધીની કે તેથી પણ મોટી રકમની ગાડીઓ પણ જોવા મળે છે ! હા આ બધા કર્મીઓ કાયદાના જાણકાર હોવાથી પોતાને નામે કોઈ માલ કે મિલક્ત રાખતા ના હોય તે શક્ય છે. આવી બે નંબરની મિલક્તો ધરાવનાર તરફ ધરાર આંખ મિંચામણા કરવામાં આવતા રહે છે.
”ખાતો નથી કે ખાવા દેતો નથી” સુત્રમાં સુંદર લાગે છે પણ વહિવટમાં “શૂન્ય” જણાય છે !!
અશ્લીલ વીડિયો વ્યાજખોરો અને સ્ત્રીઓની છેડતી અને બળાત્કારો વિષે જો સાચા દિલથી નેકી અને નિષ્ઠાથી તપાસ કરવામાં આવે તો મોટા ભાગના પોલીસ કર્મીઓ કે તેમના સગા કે સંબંધીઓ નીકળી પડશે તે નિઃસંદેહ છે.
એજ રીતે શિક્ષણને સત્તાધીશ રાજકારણીઓ ધંધો બનાવી બેઠા છે અને તે વિષે તો ઘણું લખાયું છે લખાય રહ્યું છે અને તલઃસ્પર્શી વિગતો સાથે એક અલગ વિષય તરીકે લખવા ધારું છું.
આપણાં મુખ્યમંત્રીએ કહેલું તે યાદ આવે છે કે, “ગુજરાતના પ્રજાજનો તમે સુઈ રહો, હું જાગુ છું” પણ થોડા સમય થયા ગુજરાતમાં બનતા અસામાજિક બનાવો એવું પ્રતિપાદન કરે છે કે મુખ્યમંત્રી કદાચ કુંભકર્ણની ઉઘમાં સરી પડ્યા છે અને મેડિકલની ભાષામાં કદાચ કોમામાં સરી પડ્યા હોવાની દહેશત સેવાઈ રહી છે !!
છેલ્લા કેટલાક વર્ષો થયા અસામાજિક તત્ત્વોને છૂટો દોર મળી ગયો છે અને અભય બની ચૂકયા છે. જ્યારે સામે પક્ષે જનતા જાણે બિચારી બની ગઈ છે. કેટલો વિરોધાભાષ !! અસામાજિક તત્ત્વો અભય બન્યા અને પ્રજા ભયભીત બની ! આ કેવી કરૂણતા અને વિંટબણા કહેવી પણ કોને ? કલાપીએ એક કાવ્યમાં કહ્યું છે તેમ જ્યારે નૃપ-રાજા- જ શેરડીનો રસ ચૂસી લે ત્યારે ફરિયાદ કરવાનું કોઈ ઠેકાણું બચતું નથી.
અલબત્ત આ અસામાજિક તત્ત્વોના જુલ્મો હદ વટાવે ત્યારે જનતા પોતાનો રોષ અને આક્રોશ ઠાલવવા સંયુકત રીતે પ્રયત્ન કરે છે. સુરતના બળાતકારના પ્રસંગે એક વાર ઘડી ભર તો એમ લાગેલું કે મહારાષ્ટ્રના એક ગામમાં એક આવાજ બળાત્કારીને લોકોએ અદાલતના આંગણાંમાં જ વધેરી નાખેલો તેનું પુંરાવર્તન સુરતમાં કદાચ થઈ જશે પરંતુ થતુ થતું રહી ગયું ! લોકો નિરંકુશ બને અને સહન શકતિની હદ વટાવી કાયદો પોતાના હાથમાં લઈ ન્યાય કરવા મજ્બૂર બને તે પહેલાં હે, મુખ્ય મંત્રી, આપ આવતા 6-12 માસ સુધી સમારંભો અને અખબારોમાં અપાતી પૂરા પાનાની જાહેરાતોના મોહમાંથી મુક્ત બની ફરીને એક વાર સમગ્ર વહિવટ ઉપર પકડ મેળવી લો અને સેકંડ કેડર પણ આપના જેવા જ બોલ્ડ અને લોકાભિમુખ કમીટેડ કેડર તૈયાર કરવા લાગી રહો ! શિક્ષણની હાલત તો એટલી હદે બગડી ચૂકી છે કે સાધારણ વ્યક્તિતો બાળકોને શિક્ષણ અપાવી શકે તેમ શકય જણાતું નથી !. શિક્ષણ જાણે લક્ઝરી બની ચૂકયું ના હોય તેવો માહોલ પ્રવૃતિ રહ્યો છે તે આપ જાણૉ છો ? સમારંભો અને અખબારમાં છાસ વારે પાનાઓ ભરીને અપાતી જાહેર ખબર બંધ કરી જે રકમ બચે તે શિક્ષણ માટે ફાળવી દો !
ગુજરાત માત્ર ઉધ્ધ્યોગો માટે જ વાઈબ્રંટ બની રહે તે નહિ ચાલે ! ગુજરાતનો સર્વાંગી વિકાસ થવો જ જોઈએ અને તે માટે આપના જેવા ડાયનેમીક મુખ્યમંત્રી હોવા જોઈએ જે પૂર્વ શરત (PRE-CONDITION ) ગણાય તેમ હું માનું છું. ગુજરાત ઉધ્ધ્યોગ પૂરતું વાઈબ્રંટ બની રહે અને તે તેની મર્યાદા બની જાય તે પહેલાં જ શૈક્ષણિક સ્તરે આમૂલ પરિવર્તન લાવી ભાર વિનાનું ભણતર નો બનતી ત્વરાએ અમલ કરી વડિલો અને વિધ્યાર્થીઓને મુકતિ અપાવો ! એક બીજુ સુચન પણ કરવાનુ મન રોકી શક્તો ના હોય કરી રહ્યો છું. પ્રજાના દુઃખ દર્દ જાણવા રાજા વિક્રમની જેમ છદ્મ વેષ ધારણ કરી આપ અને આપના વિશ્વાસુ સાથીદારો (ચમાચાઓ નહિ) સમગ્ર રાજયમાં જાતે પોતે ફરી જાણવા કોશિષ કરો . સમગ્ર દેશના ઈતિહાસમાં આપનું નામ અમર બની જશે અને ગુજરાતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે !
મને અંગત રીતે આપને માટે ઉંડો આદર અને માન હોવાથી કેટલીક કડવી વાતો કરી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે આપ તે તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા કોશિષ કરશો.
દરેક મહત્વાકાંક્ષી અને શિખરે પહોંચેલ વ્યક્તિઓએ મહાભારત અને રામાયણમાં પ્રબોધાયેલો બોધ જીવનમાં અનિવાર્ય રીતે ઉતારવો જોઈએ જેમકે —
સમય સમય બળવાન છે નહિ મનુષ્ય બળવાન કાબે અર્જૂન લૂટયો વોહી ધનુષ વોહી બાણ
તો રામાયણમાં પણ રાવણનું પતન તેના મદ અને ઘમંડે જ નોતર્યું હતું !!
ટૂકમાં શિખર ઉપર એક જ વ્યક્તિ બેસી શકે છે જ્યારે ત્યાં પહોંચવા ચો-તરફથી અનેક વ્યકતિઓ સતત પ્રયાસો કરતી રહેતી હોય છે. ત્યારે તેવા સંજોગોમાં ડાહી અને શાણપણ ધરાવનાર વ્યકતિ પોતાને ક્યારે સ્વૈચ્છિક રીતે આપમેળે ઉતરી જવું તેનું જ્ઞાન હોય છે અને જો અજ્ઞાની હોય તો અન્યો ધક્કા મારી નીચે પછાડે છે. જેની ઈતિહાસ અનેક વ્યક્તિઓના સંદર્ભમાં શાક્ષી પૂરે છે.
કોઈ પણ ગુન્હાની સજા કરવામાં વિલંબ નીવારવો જ રહ્યો. ઉપરાંત કોઈ પણ ભેદભાવ કે બેવડા ધોરણ નહિ અપનાવવા જોઈએ. ભલભલા રાજ્કીય વગ ધરાવનાર કે સંપત્તિવાન કે સરકારમાં ઉચ્ચસ્થાને બેઠેલા અધિકારીઓ અને ચમરબંધીઓ ભલે તે કોઈ સંપ્રદાયના વડા કે સાધુ-સંત કેમ ના હોય ? આ માત્ર ભાષણ બાજીમાં લોકોને આકર્ષિત કરવા માટે જ નહિ રાખતા વાસ્તવમાં અમલી કરણ પણ કરવું જ રહ્યું.
દીપલજીની વાતમાં તથ્ય છે કે કેટલાક ગંભીર અપરાધમાં સંડોવાયેલા જેવા કે સુરતના પોલીસ વડા કે જામનગરની હોસ્પિટલના ડૉકટર્સની માત્ર બદલી તે કોઈ સજા નથી. ઉપરાંત આશારામજી શામાટે કેદમાં નથી ? શું સરકારમાં બેઠેલા પોતાના કોઈ બાળકોની આ રીતે હત્યા થાય કે તેમની વહુ-દીકરીઓ ઉપર બળાત્કાર થાય તેની રાહ જોઈ રહ્યા છે ? આ વિલંબ અક્ષમ્ય ગણાવો જોઈએ.
મને પૂછો તો હું સ્ત્રી સન્માન જળવાઈ રહે તે માટે આવા બળાત્કારીઓને એવી સજા તાત્કાલિક ધોરણે થવી જોઈએ કે અન્ય આવા અસામાજિક તત્ત્વો ધ્રૂજી ઉઠે ! અરે માત્ર ધ્રૂજી જ ના ઉઠે પણ આવનારી સાત પેઢીમાં આવા ગુન્હા કરવાનું ક્યારે ય મનોમન પણ ના વિચારે !
આ લખતી સમયે મને એક હિન્દી મુવી જોયેલું તે યાદ આવે છે જેમાં ઘણું કરીને ડીમ્પલ કાપડિયા પોલીસ અધિકારીના રોલમાં હતી અને કેટલાક અસામાજિક અને વગ ધરાવનારાઓએ તેણીના ઘરમાં જ તેણી ઉપર બળાત્કાર કરેલો અને અદાલતે આ ગુન્હાખોરોને નિર્દોષ છોડી દીધેલા અને બાદ આ તત્ત્વોને જિંદગી ભર યાદ રહે તેવો પાઠ ભણાવવા ડીમ્પલ તેણીની ડૉકટર મિત્રની મદદ વડે આ તત્ત્વોને પક્ડી એક પછી એક ના જનાનંગો વાઢી નપૂસક બનાવી છોડી દે છે. જે સમાજના આવા ઉતરેલ તત્વો માટે ઉદાહરણ રૂપ બની રહેવા જોઈએ. આપણા કાયદા પણ ક્યારે ક નપૂસંક લાગે છે કોઈ ધાર વગરના. અને અતિ વિલંબ એ જ જાણે આપણી ન્યાય પ્રક્રિયા બની ચૂકી છે ! આવા નપૂસંકો બાદમાં પોતે જ વહેલું મોત મળે તેવી પ્રાર્થના કરતા થઈ જશે !
ઉપરાંત મને એક પુસ્તક મારાં શાળાના દિવસોમાં વાંચેલું તેની યાદ પણ આવે છે. અલબત્ત પુસ્તકનું નામ ભૂલાય ગયું છે. પરંતુ પ્રસંગ બરાબર યાદ છે. વર્ષો પહેલાં ગુજરતનો વેપાર દરિયા મારફત થતો અને ત્યારે કેટલાક ચાંચીયાઓ માલ-સામાનની લૂંટ કરી વેપારીઓને લૂટી લેતા આ સમયે ગુજરાતમા વિમળશા કરી ને અમાત્ય હતા. આવા કેટલાક લૂંટારા પકડાયા અને તેમને સજા કરવાની નોબત આવી ત્યારે આ લૂટારાઓને શરીર ઉપર માલીશ કરી છોડી દેવાનું ફરમાન કરવામાં આવ્યું. પ્રજાને આશ્ચર્ય થયું કે આ કઈ જાતનો ન્યાય ? બાદ આ લૂંટારાઓને માલીશ માટે મોકલી આપવામાં આવ્યા અને એવું સરસ માલીશ કરી આપવામાં આવ્યું કે કરોડરજ્જુના તમામ મણકાઓ છૂટા થઈ ગયા અને બાકીની જિંદગી પોતાના પગ ઉપર ક્યારેય ચાલવાની વાત તો દૂર રહી પણ ઉભા પણ ના થઈ શક્યા. બાકીની જિંદગી કુલા ઢસ્ડી ચાલતા રહ્યા અને લોકો તેમના ઉપર થુંકતા રહ્યા.!!!
જ્યાં સુધી વ્યાજખોરોને સંબંધ છે ત્યાં સુધી આવા વ્યાજખોરો ગુજરાત ભરના ગામે ગામ અને શહેરોમાં અસ્તિત્વ ધરાવે છે અને મોટાભાગના એકજ કોમ્/જ્ઞાતિના હોય છે તો એમાનાં કેટલાક પોલીસ કર્મીઓ અને તેમના સગા-સંબંધીઓ પોલીસ કર્મીઓ વતી આ ધંધા કરતા હોય છે. આ વ્યાજખોરોનો ત્રાસ ખરેખર એવો હોય છે કે અનેક લોકો આત્મહત્યા કરવા મજ્બૂર બને છે તો કેટલાક પરિવાર અને વતન છોડી દૂર દૂર ચાલ્યા જવા મજ્બૂર બને છે. આવા વ્યાજખોરોને વીણી વીણીને મનીલેંડીગ એકટના ભંગ નીચે આકરી સજા કરી માલ્-મિલ્કત જપ્ત કરવી જોઈએ.
જામનગરમાં ડૉકટર અને નર્સે સાથે મળી જે બિભત્સ ચેષ્ટા કરી તે કોઈ સંજોગોમાં ચલાવી લેવી નહિ જોઈએ. મેડીકલ એથીકસ પ્રમાણે દર્દીના રોગની વિગત કયો રોગ છે તે ડૉકટરે ખાનગી રાખવું ફરજનો( OBLIGATORY ) ભાગ છે આ રીતે રોગીની એબ છતી કરવી તે ખૂબ જ ગંભીર ગુન્હો ગણી જે તે ડૉકટર કે નર્સની ડીગ્રી પાછી ખેંચી લેવાવી જોઈએ. આ માટે બદલી તે કોઈ સજા નથી પણ ક્યારેક તો બદલી આવા લોકો માટે આશીર્વાદ પૂરવાર થતી હોય છે અને પોતાના વતનમાં કે પસંદગીના સ્થળે બદલી કરાવવાની આ યુક્તિ પણ જોવા મળે છે.
શિક્ષણ ક્ષેત્રે પણ તાત્કાલિક આમૂલ પરિવર્તન કરવાનો સમય પાકી ગયો છે. કેન્દ્ર સરકાર કરે તો જ આપણે કરી શકીએ તે કેવું ? આપણે આ ક્ષેત્રમાં નવી શરૂઆત કરી દેશભરમાં મશાલચી ના બની શકીએ ? આપના કહેવા મુજબ અને ગુજરાતના લોકો પણ માનતા થયા છે કે આવનારા દિવસો ગુજરાતના છે ગુજરાતે જ નેતાગીરી લઈ દેશ આખાને નવો રાહ દર્શાવવાનો છે. તે ત્યારે જ શક્ય બને કે ગુજરાતનું યુવા ધન તે માટે યોગ્ય અને સસ્તું શિક્ષણ મેળવી શકે અને તે માટેની તમામ સુવિધા ગુજરાતમાં જ ઉપલબ્ધ બની રહેવી જોઈએ. હાલ તો ક્યારે ક એવું અનુભવાય છે કે સિક્ષણ ક્ષેત્રે જાણ્યે-અજાણ્યે માફીયાઓએ કબ્જો જમાવી બેઠા છે અને પૂરેપૂરું વ્યાપારીકરણ કરી નાખ્યું જણાય છે અને જે માટે વધુમાં વધુ રાજકારણી સત્તાધીશો જ જવાબદાર છે તેવુ સામાન્ય જનતા માને છે
અંતમા આવા હરામખોર અને અસામાજિક પ્રવૃતિ કરનાર કોઈ પણ ક્ષેત્રમાં સાધુ હોય કે કોઈ ચમર બંધી કે કોઈ પોલીસ અધીકારી કે તેમના પૂત્રો કે રાજકારણી તમામને આવી ઉદાહરણીય સજા વિના વિલંબે થાય તો જ ગુજરાત સમગ્ર દેશમાં પોતાનું નામ રોશન કરી શકે અને મારી દ્રષ્ટિમાં હાલના સમયમાં આપ જેવા નિર્ણાયક ( DECISIVE AND DETERMIND WITH FULL CONVICTION ) મકક્મ નિર્ધાર વાળા અને અટ્ટ્લ મનોબળ વાળા આપ એક જ છો તેમ મોટા ભાગના લોકો માને છે.
નરેન્દ્રભાઈ આપ વિવેકાનંદ જેવા સમર્થ પુરૂષના નામેરી છો અને અમને એટલે કે સમ્રગ ગુજરાતના પ્રજાજનો આપની પાસે થી ઘણી આશાઓ રાખી રહ્યા છે તે પૂરી કરવા કમર કસી લાગી પડ્શો અને આપના સાથીદારો સક્ષમ, વફાદાર, નિષ્ઠાવાન અને પ્રમાણિક ( ચમચાઓ નહિ હો ) સૌ એક બની આપની સાથે ખભે ખભા મીલાવી મચી પડશે તેવી અમને હૈયા ધારણા આપવાનો સમય પાકી ગયો છે. આપ આ કાર્ય કરશો ને નરેન્દ્રભાઈ ?
અસ્તુ.