જ્યોતિને રેખાથી બંધાય?—-અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

જ્યોતિને રેખાથી બંધાય?

તમે શિખાઉ, અણઘડ અને દ્રષ્ટિ વિહોણા ચિતારાની માફક જ્યોતિને રેખાથી બાંધવાના વાનરવેડા કરો છો, ને પછી એ જ્યોતિને પણ વૃક્ષો, પ્રાણી, પથરાની માફક રેખાની કેદી બનાવી દો છો.

શરીરની નસોમાં વહેતું લોહી ગંઠાઈ જાય, ને ઉપચાર ન કરવામાં આવે તો મરણ થાય. તમને જરા થોભીને માત્ર એક નજર ઈતિહાસ તરફ નાખવાની ટેવ છે ખરી? જરા એક ચોક્કસપણે આકાર લેતી ઘટનાની નોંધ લો. મહાપુરુષ કે મહાન વિચારકોની વાતને સંપ્રદાય, ધર્મ કે મંડળ કે ‘ગુ્રપ’માં બાંધનારા તમામ લોકો જીવતે જીવ આધ્યાત્મિક મડદાં બની ગયા છે. એ લોકોની ”અન્તર્યાત્રા” અટકી જાય છે, વિચારો કે સંવેદનાઓ ગંઠાઈ જાય છે.

ક્યાં ગંઠાઈ જાય છે? એમનાં આંતરિક વ્યક્તિને મડદું – બનાવવામાં કોણ નિમિત્ત બને છે? પેલા મહાપુરુષો, મહાન વિચારકો ઝનૂની અનુયાયીઓને ઊડવાની પાંખ આપવાને બદલે પગની સાંકળ બની જાય છે. ઈયળ ભમરાનાં દરમાં રહેતાં, ભમરાનું ધ્યાન કરતાં ભમરી બનીને ઊડે, મુક્ત થાય, પણ અહીં તો ધર્મ, સંપ્રદાય, મંડળ, વાદ, ગુ્રપની ઈયળ પોતાના કોશેટામાં જ ખતમ થાય છે.

મને ઘણીવાર પ્રશ્ન થાય કે ઉચ્ચ કક્ષાના સંત કદી લોકોને સંપ્રદાય કે ‘ધર્મ’ની રસ્સીથી બાંધવાની હરકત કરે ખરા? (અહીં ”ધર્મ” શબ્દ લેબલ, ગળે લગાડવાની પટ્ટી, બાહ્ય ટોળાંશાહીના અર્થમાં લીધો છે.) સ્પષ્ટ અને વિસ્ફોટક પ્રશ્ન પુછું તો, આધ્યાત્મિક ઉન્નતિને મુખ્ય ધ્યેય માનનાર સંત, આજે જેને ‘ધર્મ’ કહીએ છીએ, એવી ”ટ્રેડ યુનિયન” પ્રકારની સંસ્થા સ્થાપે જ નહીં. કારણ કે આંતરિક વિકાસનું સંસ્થાકરણ હોઈ શકે જ નહીં એટલું સનાતન, ટકોરબંધ સત્ય કોઈ સંત કક્ષાની વ્યક્તિને ખ્યાલ ન હોય એમ બની શકે ખરું?

જેને જેને નામે ધર્મો, સંપ્રદાયો કે આંદોલનોના ‘અખાડા’ ચાલ્યા છે એ તમામે તમામ વંદનીય વિભૂતિઓ (અહીં નામો)ની સૂચિ નથી ટાંકતો, કારણ કે તમને, વાચકને જે ધર્મ કે સંપ્રદાયનું લેબલ મળ્યું હશે, તે ધર્મના ટોચના જણનું પણ નામ અહીં ગણી લેવું.) પછી, અપવાદ વિના, સંકુચિતતા, ઝનૂન, મારા તમારા વાદ જે ફૂલ્યાંફાલ્યાં છે. આમ સમગ્ર માનવ ઈતિહાસમાં બનતું રહ્યું છે તેમાં વાંક કોનો?

વાંક જનસરેરાશની મનોવિત્તિનો છે. જેને નામે પોતાનું મિથ્યાભિમાન પોષવા ધર્મ નામનું ટ્રેડ યુનિયન શરૃ થયું એ મહાપુરુષ કદાચ ભવિષ્યનો ભવાડા માટે જવાબદાર નહીં હોય.

વાંક લોહી ગંઠાઈ જવાના રોગનો છે.

વાંક મહાપુરુષોને નામે ટોળાંશાહી કે ઝનૂન ઊભું કરવાના ”ગાંઠિયા વા”નો છે. મને નથી લાગતું કે મહાવીર, બુદ્ધ કે જિસસે ”આ આપણાવાળા અને આ પારકા”વાળી મનોવૃત્તિની પાપીગાંઠ ઊભી કરવા કાવતરૃં કર્યું હોય!

વાંક જ્યોતિને રેખાથી બાંધવાની હરકત આચરતા મૂર્ખ ચિત્રકારનો છે.

સામાન્ય રીતે ચિત્ર દોરતી વખતે આકૃતિને સ્પષ્ટ કરવા રેખા દોરવામાં આવે છે. દાખલા તરીકે જંગલમાં નદી કાંઠે થતા સૂર્યોદયનું ચિત્ર હોય. તેમાં વૃક્ષોને નદીકાંઠે પાણી પીતા હરણને વગેરે નક્કર આકૃતિઓને રેખા વડે સ્પષ્ટ કરવામાં આવે.

ચિત્રકલાના સાધકો આ બહુ પ્રાથમિક વાત સમજી શકશે. સમજી લો કે એક ઉજ્જવળ જ્યોત ધરાવતા દીપકનું ચિત્ર દોરવાનું હોય, તો દ્રષ્ટિસમ્પન્ન અને સારો ચિત્રકાર શું કરશે? એ કોડિયાંને રેખાથી બાંધીને સ્પષ્ટ કરશે, પણ જ્યોતિને રેખાથી નહીં બાંધે. સમજુ વ્યક્તિને કોડિયાં અને જ્યોતિ વચ્ચેની ભેદરેખા સમજાવવી નહીં પડે. જ્યોતિ તો ઉજાશથી ઓળખાઈ જાય. જ્યોતિના ઉજ્જવળ પ્રકાશને સારો ચિતારો પ્રભાવશાળી રીતે પ્રગટ કરશે, પણ જ્યોતિને રેખાથી બાંધશે નહીં.

કોઈપણ યુગના મૂઠી ઊંચેરા મહાપુરુષની પ્રતીતિ કે અનુભૂતિને તમે પાઠયપુસ્તક, પરંપરા, વિધિ, સંપ્રદાય કે કહેવાતા ”ધર્મ”માં કેદ કરવા ફાંફાં મારો છો ત્યારે તમે શિખાઉ, અણઘડ અને દ્રષ્ટિ વિહોણા ચિતારાની માફક જ્યોતિને રેખાથી બાંધવાના વાનરવેડા કરો છો, ને પછી એ જ્યોતિને પણ વૃક્ષો, પ્રાણી, પથરાની માફક ‘રેખા’ની કેદી બનાવી દો છો.

હા, આ લેખના મથાળે ”જ્યોતિ” અને ”રેખા” શબ્દો વાંચીને આખો લેખ વાંચ્યા પછી એમ પૂછનારા બહુમતીમાં હશે તમે કઈ જ્યોતિની વાત કરો છો? પારસીનાં ધર્મસ્થાનની કે હિન્દુ મંદિરની?

હા, આવાં જ ટોળાંઓ ”જ્યોતિ”ને ”રેખા”થી બાંધવાની હરકત કરે છે, આ એ જ લોકો છે, જમાત છે, જેઓ આશ્રમો, ધર્મસ્થાનો, કથામંડપોમાં જીવંત સત્યોને મુડદાલ જડતામાં પરિવર્તિત કરવાનું પાપ હજારો વર્ષોથી આચરી રહ્યાં છે.

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s