અજ્ઞાની ગુરુઓએ મનુષ્યપણું લૂંટી લીધું છે!–જાણ્યું છતાં અજાણ્યું – મુનીન્દ્ર

જાણ્યું છતાં અજાણ્યું – મુનીન્દ્ર

અજ્ઞાની ગુરુઓએ મનુષ્યપણું લૂંટી લીધું છે!

 

વાદમાં માનનારા કે અમુક મતનો પ્રચાર કરનારા પોતાના મતને કે પોતાના વાદને સંપૂર્ણ અને શાશ્વત દર્શાવે છે. વળી એની સાથોસાથ બીજાના વાદ કે મતને તદ્દન મિથ્યા કહીને ધિક્કારે છે

કલ્પના કરો કે આ વચનો લખતી વખતે અધ્યાત્મ યોગી શ્રીમદ્ રાજચંદ્રના હૃદયમાં કેટલી વેદના હશે! તેઓ ‘સત્’ વિશે વાત કરતાં કહે છે કે

‘અજ્ઞાાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. કોઈને ગચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી, ન તરાય એવા આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાખ્યા છે, મનુષ્યપણું લૂંટી લીધું છે.’ (ઉ. છા. ૧૧, પૃ. ૭૭૨)

પોતાના મતનો અંધ આગ્રહ, ધર્મને બદલે માત્ર સ્વ ગચ્છનો જ મહિમા અને જુદા જુદા પ્રપંચી આલંબનોથી આ ગુરુઓએ મનુષ્યોને લૂંટી લીધા છે. પણ એથીય આગળ વધીને તેઓ કહે છે કે ‘આ બધાનું પરિણામ એ આવ્યું કે અંતે મનુષ્યનું મનુષ્યપણું લૂંટી લીધું છે.’ આનો અર્થ એ કે પોતાના ગચ્છની દીવાલોમાં કે પોતાના મતના કિલ્લાઓમાં ગુરુઓ અનુયાયીઓને કેદ કરી રાખે છે.

આને પરિણામે વ્યક્તિ ધર્મનાં શાશ્વત તત્ત્વોને છોડીને ગચ્છના નાનકડાં કૂંડાળામાં ફસાઈ જાય છે, પણ એથીય વધુ તો એ એવા રાગદ્વેષમાં ફસાય છે કે જેની કલ્પના કરવી મુશ્કેલ બને. એક ગચ્છવાળો બીજા ગચ્છવાળાને કે એક મતવાળો બીજા મતવાળાને હીન કે તુચ્છ માને છે. જે પોતાના ગચ્છમાં માનનારાઓને બીજા ગચ્છથી અસ્પૃશ્યતા કેળવવાનું કહે છે. જ્યાં આવું હોય ત્યાં માનવી ધર્મના વિરાટ આકાશ સુધી કઈ રીતે પહોંચી શકે?

એથીય વધુ અમુક વાદમાં માનનારા કે અમુક મતનો પ્રચાર કરનારા પોતાના મતને કે પોતાના વાદને સંપૂર્ણ અને શાશ્વત દર્શાવે છે. વળી એની સાથોસાથ બીજાના વાદ કે મતને તદ્દન મિથ્યા કહીને ધિક્કારે છે. ધર્મનું વાતાવરણ પ્રેમનું હોવું જોઈએ, પણ એને બદલે અહીં ધિક્કાર અને અવગણનાનું બેહૂદું વાતાવરણ સર્જાય છે. ગચ્છ કે સંપ્રદાયમાં બંધાયેલો માણસ સત્યથી બેવડો દૂર જાય છે.

એક તો એ કે ગચ્છ કે સંપ્રદાયની દીવાલોમાં રૃંધાયેલાને ધર્મની વિશાળતાનો ખ્યાલ આવતો નથી. અને બીજું એ કે ગુરુઓ પોતાના ગચ્છનો પ્રભાવ વધારવા અથવા તો પોતાના મતનું મુંડન કરવા માટે પોતાના અનુયાયીઓને સારો કે ખોટો ઉપાય અજમાવીને પણ બંધનમાં બાંધી રાખવા પ્રયાસ કરે છે.

વળી સત્યથી એમને દૂર લઈ જવા માટે પોતાનો સંપ્રદાય અતિ મહાન છે. સૌથી પ્રાચીન છે, અનુયાયીઓની વધુ સંખ્યા ધરાવનારો છે કે એમં સાધુ-સંન્યાસીઓ વધારે છે. એવી વાતો કરીને પોતાનો મહિમા વધારતો હોય છે. સાંપ્રદાયિકતાને કારણે સર્જાયેલી વિષમ પરિસ્થિતિની ભારે વેદના શ્રીમદ્ રાજચંદ્રજીએ ભોગવી હતી.

મતાંધતા કે મતાગ્રહના કારાવાસમાં જાતે જ કેદ ભોગવતા અનુયાયીઓને જોયા હતા. એમણે જોયું કે ગચ્છની આવી ચૂસ્ત પકડને કારણે સાધક સત્યથી વધુને વધુ વેગળો થતો જાય છે. એ અજ્ઞાાનમાં રાચવા લાગે છે અને રાગદ્વેષમાં ડૂબી જાય છે. આવી વ્યક્તિઓ સતત એવો બોધ આપે છે કે એમના માર્ગે ચાલવાથી જ એ વ્યક્તિનું કલ્યાણ થશે. બીજા માર્ગો અકલ્યાણ સાધશે અથવા તો નર્કની યાતના આપશે.

આથી જ શ્રીમદ્ રાજચંદ્રે દર્શાવ્યું કે વ્યક્તિએ સંપ્રદાયની પકડમાંથી મુક્ત થવું જોઈએ અને જો એ સંપ્રદાયની પકડમાંથી મુક્ત થાય તો જ એને સત્ તત્ત્વની પ્રાપ્તિ થઈ શકે. એ સાચું છે કે ધર્મમાં મતમતાંતરો હોય છે અને એ એ અનાદિકાળથી આવા મતમતાંતરોમાં માનનારા પોતાના મતને સાચો ઠેરવવા પ્રયાસ કરતા હોય છે.

હકીકતમાં આ મતભેદોની પાછળ અનેક કારણો હોય છે. દેશ અને સમયની પરિસ્થિતિ આમાં કારણભૂત હોય છે. આવા દ્રષ્ટિભેદોને કારણે જ કેટલાક ધર્મના અમુક તત્ત્વને મહત્ત્વ આપે છે અને કેટલાક ધર્મના અન્ય તત્ત્વને મહત્ત્વ આપે છે. કેટલાક ‘યથા દેહે તથા દેવે’ એમ કહે છે, તો કેટલાક દેહની આળપંપાળ કરવાની વાતનો જ સ્વીકાર કરે છે. કોઈ ક્રિયામાં ધર્મને જુએ છે, તો કોઈ તપમાં; કોઈ જ્ઞાાનને જ ધર્મ માને છે, તો કોઈ વ્યક્તિને જ સર્વસ્વ ગણે છે.

આવી રીતે જુદાં જુદાં દર્શનો વચ્ચે પણ વિચારધારાનો ભેદ જોવા મળે છે. આ દર્શનો એમ કહે છે કે એમનું દર્શન જ તમને મોક્ષ આપશે. વૈશેષિક દર્શનમાં માનનારો હોય કે સાંખ્યમાં શ્રદ્ધા ધરાવનારો હોય, બૌદ્ધ મતવાદી હોય કે જૈન હોય, ઈસ્લામને અનુસરનારો હોય કે ખ્રિસ્તી ધર્મને પાળનારો હોય, એ બધા એમ કહે છે કે અમે કહીએ છીએ તે જ સાચું છે.

અમારો મત અને અમારો ધર્મ સાચા છે અને એ જ માર્ગે તમારું કલ્યાણ નિહિત છે. જો આવું હોય તો બીજા બધા મત ખોટા ગણાય. બીજી બાજુ સર્વને સત્ય માનીએ તો તે પણ ખોટું છે. જો એક ધર્મમત સત્ય છે એમ ઠેરવીએ તો બીજા બધાને અસત્ય કહેવા પડે અને એ વાત સાચી ઠેરવવી પડે.

સાધકનો હેતુ તો એ ધર્મમાં રહેલા ‘સત્’તત્ત્વની ખોજનો હોવો જોઈએ, નિજપદની પ્રાપ્તિ કરાવવાનો હોવો જોઈએ. આવી નિજપદની પ્રાપ્તિ કરવા માટે કોઈ સંકુચિતતામાં ડૂબી જવાની જરૃર નથી. આથી જ શ્રીમદે કહ્યું છે, ‘વાડામાં કલ્યાણ નથી, અજ્ઞાાનીના વાડામાં હોય. જેમ લોઢું પોતે તરે નહીં અને બીજાને તારે નહીં તેમ.’

અજ્ઞાાની વ્યક્તિઓ આવા વાડાઓમાં ખૂંપી જાય છે, જ્યારે જ્ઞાાની વ્યક્તિ સત્ તત્ત્વની ખોટ કરે છે, એક અર્થમાં કહીએ તો એ જુદા જુદા ઉપદેશોમાં રહેલા મૂળભૂત તત્ત્વને શોધે છે અને તેથી જ વ્યાસ, વાલ્મીકિ, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદનના ઉપદેશનું રહસ્ય શું છે, તે અંગે તેઓ કહે છે કે આ બધા લોકો આપણને એટલું જ કહે છે, ‘અહો લોકો! સંસારરૃપી સમુદ્ર અનંત અને અપાર છે. એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો.’

શ્રીમદ્ કયા ગ્રંથોનો પરિચય રાખવો તે દર્શાવતાં કહે છે, ‘સત્પુરુષોનાં ચરિત્રો અને માર્ગાનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખો, કબીર આદિ) જીવોનાં વચનો, અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે, એવા (વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદધનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેનાં પદ) ગ્રંથોનો પરિચય રાખવો, અને એ સૌ સાધનામાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો.’

વેદ, ઉપનિષદ અને શ્રીમદ્ ભગવદ્ગીતાનું વચન કરનારા શ્રીમદ્ રાજચંદ્ર સ્વામીનારાયણ સંપ્રદાયના ‘શિક્ષાપત્રી’ ગ્રંથ વિશે પણ વાત કરે છે અને નોંધે છે કે એમાં કોઈ અંદેશો લાગે તો એ વિશે વિચાર કરવો જોઈએ અથવા તો સમાધાન મેળવવા માટે જરૃર પડે કોઈને પૂછવું જોઈએ. વળી ‘શિક્ષાપત્રી’ ગ્રંથના પ્રયોદન વિશે વિચાર કરીને એમાંથી મુમુક્ષુએ શું પાપ્ત કરવું જોઈએ એ વિશે તેઓ કહે છે, ‘શિક્ષાપત્રી ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે. ભક્તિના આધારરૃપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણ ગુણનું તેમાં વિશેષ પોષણ કર્યું છે. તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સમ્યક્ પ્રકારે છે, જે વિચારી મુમુક્ષુ જીવે સ્વગુણ કરવા યોગ્ય છે.’

આ રીતે તેઓ સર્વદર્શનોને સમાદર આપીને એમાંથી સાર કાઢવાનું કહે છે અને આ બધા જ દર્શનકારો એમના ઉદ્દેશથી સમાન હોય તેવું લાગે છે. આમ, શ્રીમદ્ રાજચંદ્રે એક દર્શન કે એક ધર્મ સત્ય, બાકીનાં, અસત્ય એમ કહેવાને બદલે એ દર્શનોમાં નિહિત તત્ત્વનો મહિમા કરે છે. એ તત્ત્વો આપણા જીવનમાં આવે એટલે ધર્મ આવે. દયા, સત્ય આદિનું પાલન થાય, નિજસ્વરૃપની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ જાગે, મતાગ્રહોએ જન્માવેલી ગ્રંથિઓમાંથી મુક્તિ થાય, તો જ વ્યક્તિ ધર્મ પામી શકે.

વળી પોતાની પાસે શાસ્ત્ર હોય તેથી ધર્મ પામ્યો છે તેમ ન કહી શકાય. એ ધર્મ એના જીવનમાં પ્રગટવો જોઈએ. તેઓ દર્શાવે છે કે મિથ્યામિભાની જીવ ઘણી વાર ‘પોતાની પાસેના જૈન ધર્મના શાસ્ત્રમાં બધું જ છે અને એવાં શાસ્ત્રો મારી પાસે છે એવો ગર્વ ધારણ કરીને બેસી રહે અને એના વાસ્તવિક જીવનમાં ક્રોધ, માન, માયા, લોભ વગેરે પ્રવર્તતા હોય તો તે વ્યક્તિ ધાર્મિક નથી.’

તો પછી ધર્મ છે શું? શ્રીમદ્ રાજચંદ્રની દ્રષ્ટિએ ધર્મ એ તો મહાસાગર છે. એ કોઈનો ઈજારો નથી. જે ધર્મપાલન કરે છે એનો ધર્મ છે.

‘શ્રી દશવૈકાલિક સૂત્ર’ના નવમા અધ્યાયમાં કહ્યું છે,

(‘ગુણોથી સાધુ થવાય છે અને અવગુણોથી અસાધુ થવાય છે, માટે સાધુ ગુણોને (સાધુતાને) ગ્રહણ કરો અને અસાધુ-ગુણોનો (અસાધુતાનો) ત્યાગ કરો. આત્માને આત્મા વડે જાણીને જે રાગ તથા દ્વેષમાં સમભાવ ધારણ કરે છે તે પૂજનીય બને છે.)

આ બાબત શ્રીમદ્ રાજચંદ્રજીના મુનીશ્રી લલ્લુજી (શ્રી લઘુરાજ સ્વામી) સાથેના પ્રસંગમાં જોવા મળે છે. મુનિશ્રી લલ્લુજી (લઘુરાજ સ્વામી)એ સત્સમાગમ થયા તે માટે મુંબઈમાં ચાતુર્માસ કર્યો હતો. એક વાર એમણે પોતાના ત્યાગને દર્શાવવા શ્રીમદ્ રાજચંદ્રને કહ્યું કે, ‘મેં કુટુંબ, વૈભવ, સાધનસંપત્તિ, વૃદ્ધ માતા, બે પત્ની, એક પુત્ર આદિનો ત્યાગ કરીને દીક્ષા લીધી છે.’

મુનિરાજના ત્યાગનો આવો ગર્વ ઓગાળી નાખવા શ્રીમદ્ તાડૂકીને બોલ્યા, ‘શું ત્યાગ્યું છે? એક ઘર છોડી કેટલાં ઘર (શ્રાવકોનાં) ગળે નાંખ્યા છે? બે સ્ત્રીનો ત્યાગ કરી કેટલી સ્ત્રીઓ પ્રત્યે દ્રષ્ટિ ફરે છે? એક પુત્ર ત્યાગી કેટલાં છોકરાં પ્રત્યે પ્રીતિ થાય છે?

આ સાંભળી મુનિશ્રી લલ્લુજીને સ્વદોષોનું દર્શન થયું. બાહ્ય ત્યાગનો અહમ્ ઓગળી ગયો. અત્યંત લઘુતાપૂર્વક મુનિરાજે કહ્યું, ‘હું ત્યાગી નથી.’

ત્યાં જ શ્રીમદ્ બોલી ઊઠયા, ‘મુનિ, હવે તમે ત્યાગી છો.’

આ રીતે શ્રીમદ્ રાજચંદ્રે દર્શાવ્યું કે અમુક ધર્મનું શાસ્ત્ર વાંચવું એનો અર્થ એ નથી કે તમે અમુક ધર્મના અનુયાયીઓ બનો. એનો અર્થ તો એ છે કે એમાંનો ઉપદેશ ગ્રહણ કરો. જ્ઞાાની પુરુષની વાણીને એકાંત દ્રષ્ટિએ ગ્રહણ કરીને એનો અહિતકારી અર્થ લેવો નહીં, કારણ કે એ જ્ઞાાની પુરુષની વાણી તો સર્વજીવને માટે હિતકારી હોય છે. આમ મૂળ તત્ત્વમાં ક્યાંય ભેદ નથી. માત્ર આપણી દ્રષ્ટિમાં ભેદ છે તેમ સમજવું જોઈએ. તેથી જ તેઓ કહે છે :

‘તું ગમે તે ધર્મમાં માનતો હોય, તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય એ કે, જે રાહથી સંસારમળ નાશ થાય, તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.’
 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s