વહેતાં પાણી રોકવાની આપણી જુગજૂની આદત— અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

વહેતાં પાણી રોકવાની આપણી જુગજૂની આદત

આંતરિક વ્યક્તિત્વનાં રૃપાંતર વિના, માત્ર જડતાથી, સંતનાં બાહ્ય લક્ષણની નકલ કરવાથી તો ઠેરના ઠેર રહીએ!

”પારસમણિ અરુ સંત મેં
બડો અંતરો જાન,
એક લોહા કાંચન કરે,
એક કરે આપ સમાન”

(અર્થાત્ : પારસમણિ અને સંત વચ્ચે મોટો તફાવત છે. પારસમણિ તો લોખંડનું કિમતી ધાતુમાં રૃપાંતર કરે છે, જ્યારે સંત તો પોતાના સંગમાં આવનારને પોતા જેવો બનાવી દે છે.)

જ્યારે જ્યારે મારી આ પ્રિય પંક્તિઓ હોઠે આવે, ત્યારે મન બળવો કરી ઊઠે : માનવજાતિના ઈતિહાસમાં કેમ આમ નથી બન્યું? દીવા પાછળ કેમ નવ્વાણુ ટકા ઉદાહરણોમાં અંધારું જ રહ્યું છે? મહાપુરુષોના આંગળીને વેઢે ગણાય એવા અંતેવાસીઓ પારસ-સ્પર્શ પામ્યા હશે, કહો કે એમનું પારસમણિમાં રૃપાંતર થયું હશે એની ના નહીં, પણ મોટા ભાગના તો પાછા હતા તેવા જ, જડ બની ગયા!

મહાપુરુષો સમાજમાં જામી ગયેલી જડતા દૂર કરીને જાગૃતિનાં જળને ગતિ આપે છે. પણ લોકોને તો પાછા જડ બની જવાનો શોખ હોય છે, એટલે માંડ માંડ વહેતાં થયેલાં જળ આડે હઠાગ્રહની દીવાલ આડી દઈ, વહેતાં જળને રોકીને કટ્ટરતા લાવે ત્યારે જ ચેન મળે છે. કંઈક આમ બનતું હશે :

યોગીજી મહારાજ આપણા યુગના વિરલ મહાન સંતોની પરંપરાના હતા. નખશિખ બાળક જેવા. એમનાં રોમેરોમમાંથી પ્રેમ પ્રગટે, અનુકંપા પ્રગટે, ભક્તિ પ્રગટે!

સંપ્રદાયનાં ઉચ્ચ આસને તેઓ બિરાજ્યા ત્યાર પછીની ઘટના છે.
કોઈ ભાઈ વહેલી સવારે પૂ.યોગીજી મહારાજને રૃબરૃ મળવા અને પહેલીવાર દર્શન કરવાના ઈરાદાથી મહારાજના ઉતારે આવ્યા.

ભાઈએ મહારાજશ્રીને કદી જોયા ન હતા, ને નહોતો એમનો ફોટો જોયો.
આશ્રમને દરવાજે એ ભાઈ દાખલ થયા, તો કોઈ સામાન્ય સાધુ સાવરણો લઈને વાસીદું વાળી રહ્યો હતો. આ ભાઈએ પૂછ્યું, ”મહારાજ, પૂજ્ય યોગીજી મહારાજ ક્યાં મળશે? ક્યારે મળશે?”
પેલા સાધુએ પ્રેમપૂર્વક દિશા ચીંધતાં કહ્યું ”તમે પેલી જગ્યાએ બેસો. ત્યાં પંદર વીશ મિનિટ પછી તમે યોગી મહારાજને મળી શકશો.”

ભાઈ તો ચીંધેલી જગ્યાએ આતુરતાપૂર્વક રાહ જોતા બેસી રહ્યા. થોડીવારે પેલા ઝાડૂવાળનાર સંન્યાસી દાખલ થયા, અને આચાર્યનાં મુખ્ય આસને બિરાજ્યા. એકઠા થયેલા ભક્તોએ ચરણસ્પર્શ કર્યા.
પેલા નવાગંતુકનાં આશ્ચર્યનો પાર રહ્યો નહીં. સવારે પેલા વાસીદું વાળતા હતા એ સાધુ જ આ સુપ્રસિદ્ધ યોગીજી મહારાજ!

ઘટના તો ખૂબ હૃદયંગમ છે.

પણ આપણામાંના મોટાભાગના શું કરીએ છીએ?
વાસીદું વાળવાની સંતની ક્રિયા પાછળ એમનાં જીવનનું રોમેરોમનું રૃપાંતર હતું. સંત માટે એ અત્યંત સહજ સ્વાભાવિક પ્રવૃત્તિ હતી.

આપણામાંના મોટાભાગની હિમશિલાની ટોચમાત્ર જુએ, હિમશિલાનો બહુ મોટો આંતરિક ભાગ ભાગ્યે જ જોઈએ.
આપણે વાસીદું વાળવાની ક્રિયાને સંતત્વનું લક્ષણ સમજી લઈએ. વાસીદું વાળવું તો જ સાર્થક બને જો રોમેરોમમાં સરળતા ને સાદગી વ્યાપ્યાં હોય. પરંતુ આપણે ભારે લુચ્ચા છીએ. સમગ્ર સ્વભાવનું રૃપાંતર તો આંતરિક પ્રક્રિયા છે, એનો દેખાડો ન થઈ શકે, ને વળી ખાંડાની ધાર પર ચાલવા જેવો અનુભવ છે.

એટલે આપણે માત્ર વાસીદું વાળવાની ક્રિયાને પકડી લઈએ. રોજ સવારે ઘર આંગણે વાસીદું વાળીએ એટલે યોગીજી મહારાજનો વારસો દીપાવી દીધો, બસ, પતી ગયું. આપણું ચાલે તો વાસીદું કરનાર સાવરણાની પૂજા પણ કરીએ!
વાસીદું વાળવામાં કશું ખોટું નથી, પણ આંતરિક વ્યક્તિત્વનાં રૃપાંતર વિના, માત્ર જડતાથી, સંતનાં બાહ્ય લક્ષણની નકલ કરવાથી તો ઠેરના ઠેર રહીએ!

લોહી ગંઠાઈ જવાનો એક રોગ હોય છે, એમ સમગ્ર માનવજાતને વારંવાર ગંઠાઈ જવાનો જુગજૂનો રોગ છે. મારા-તમારામાં પણ એ રોગ અચૂક હશે. મગતરાં જેવા, અર્ધજ્ઞાાની જીવના પૂર્વગ્રહને કોઈ આંચકો આપે એ ન ગમે, હરગીઝ ન ગમે. જૂની ને જાણીતી વાતોનું પુનરાવર્તન કરી, શાસ્ત્રોનું પુનરાવર્તન કરનાર, ને એ રીતે આપણી જૂની સ્થાપિત ગાંઠને પંપાળનાર વક્તા કે કટાર લેખક પણ આપણને પડકારરૃપ ન લાગે, પણ જો કોઈ વક્તા કે લેખકે આપણી જડતા પર પ્રહાર કર્યો, તો આપણને એ આંખના કણાની જેમ ખૂંચે.

શાસ્ત્ર-આધારિત મનોરંજનો, લોકપ્રિય વક્તા ઉપદેશકોના નીતિ-મંડિત ટૂચકાઓનાં વારંવારનાં સતત-સતત-સતત પુનરાવર્તનની અસર અમુક મનોવૈજ્ઞાાનિક વ્યસનમાં થઈ છે કે શ્રોતાઓ ખરેખર વિચારશીલ બન્યા છે?

સાદું સીધું કારણ એ છે કે લોકોને હલબલાવીને, પોતાની લોકપ્રિયતા ભયમાં મૂકી, મર્મસ્થાને આઘાત આપીને, લોકોને વહેતા કરવાનું કામ સામે પ્રવાહે તરવા જેવું છે. ઊંઘમાંથી સૌને ગમે. ગણવેશ દ્વારા ઓળખવાની ટેવ સૌને એટલી બધી સદી ગઈ છે કે આ લેખમાં આત્મા-પરમાત્મા, જીવ-શિવ, રામાયણ-મહાભારત જેવી વાતો ન આવે, તો લોક આ લેખને આધ્યાત્મિક મદદ કરનાર લેખ તરીકે સ્વીકારવા પણ તૈયાર ન થાય!

આ ખાબોચીયામાં જેમને મજા આવતી હોય એઓ વહેતાં પાણીમાં પણ કોઈક શિલાનો અંધારો ખૂણો પકડી લેશે. એમની એ રુચિ છે. એ જુગજૂની આદત છે.

જાગૃત વ્યક્તિએ, વિચારક તરીકે રુચિને બદલીને સ્વસ્થ બનાવવાનું, જીવંતતા પ્રેરવાનું અતિકઠિન કામ કરવાનું છે. માત્ર જૂની વાતો, જૂના ટૂચકાનાં પુનરાવર્તનથી નહીં પણ લોકોને હલબલાવવાથી જ પાણી વહેતાં થશે. આ નકારાત્મક નહીં, હકારાત્મક અભિગમ છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s