ખોળામાં લેપટોપ અને બારસાખે ઘોડાની નાળ, લીંબુ અને ત્રણ લીલાં મરચાં–ખલીલ ધનતેજવી

ત્રિકોણનો ચોથો ખૂણો – ખલીલ ધનતેજવી

– ખોળામાં લેપટોપ અને બારસાખે ઘોડાની નાળ, લીંબુ અને ત્રણ લીલાં મરચાં

– ઘણા લોકો આવું અટપટુ બોલતા હોય છે. એમાંથી તમારી મરજીમુજબ ઇચ્છિત અર્થ તમને જડી આવે ને છતાં એમાં બોલીને ફરી જવાની સગવડ હોવાથી બોલનાર તુરત જ કહેશે. હું આવું બોલ્યો જ નથી!

ફિલ્મ ‘શોલે’માં એક સંવાદ છે! જીદે ચડેલા બાળકને સૂવડાવી દેવા મથતી એની મા કહે છે- ‘ સોજા મેરે લાલ, વર્ના ગબ્બરસીંગ આ જાયેગા ! આ બાળક ગબ્બરને ઓળખતો નથી ! ગબ્બરનો અર્થ પણ એ જાણતો નથી ! પરંતુ માની અભિવ્યક્તિના તેવરમાં રહેલા ભયનો સંકેત પામી જઇને બાળક ગૂંચળુ વળીને સૂઇ જાય છે ! સમયાન્તરે એ બાળક મોટો થાય છે. ‘ મર્દ’ની જમાતમાં બેસતો ઉઠતો પુખ્ત પુરૃષ થઇ જાય છે ત્યારે હવે ગબ્બરનું નામ સાંભળીને એની ઉંઘ ઉડી જાય છે.

બાળપણમાં ગબ્બરનું નામ સાંભળીને સૂઇ જનાર બાળક મોટો થઇને ગબ્બરનું નામ સાંભળીને ઉંઘવાને બદલે આખી રાત જાગે છે? ગબ્બર એનો એજ છે. બાળકમાં બદલાવ આવ્યો છે, એ હવે મોટો થઇ ગયો છે. અને ગબ્બરની ધાકે રાતભર એ ઉંઘી શકતો નથી! આ એની એકલતાની સ્થિતિ નથી. આપણા સહિત આપણામા’ના આવા કેટલાક ઉંઘવાને બદલે પથારી પરની ચાદર પર કરચલીઓનું વાવેતર કરવાનાં ઉજાગરા વેઠે છે. ત્યારે ગબ્બર એક હતો, આજે અનેક છે. જુદા જુદા મુખૌટા પહેરીને ગબ્બર આપણને ડરાવતો રહે છે! આજે તો રાજકારણમાં પણ ગબ્બર (બાહુબલી)નો વટ પડે છે. અને ધર્મના ક્ષેત્રે પણ ગબ્બરનાં જ હાકોટા સંભળાય છે !

મોદીજી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ચૂંટણી પ્રચારમાં એ દરેક સભામાં કહેતા- ‘ તમે મારા માટે એક રાતો જાગો’ ‘ હું તમારા માટે પાંચ વર્ષ જાગીશ’ આનો અર્થ તમારી મરજી મુજબ કરી શકો છો. આપણા માટે એકથી વધુ અર્થ તારવવાની અને એમના માટે બોલીને ફરી જવા માટેની પૂરતી સગવડ આ વાક્યમાં રહેલી છે. પ્રજાને દરેક પ્રકારની સમસ્યાઓથી નિશ્ચિંત થઇ જવાની ખાતરી આપવાનો જ એમનો હેતુ હોવા છતાં બોલવાની રીત એવી છે કે મૂળભૂત હેતુ આમાંથી શોધવો પડે! અને શોધ્યા વગર સરળતાથી જડી આવતા અર્થનું તારણ તો એમ નીકળે કે પ્રજાને પાંચ વર્ષ ઊંઘતી રાખીને જ રાજ કરી લેવું! પ્રજા જાગતી રહે તો ભૂલો શોધતી રહે ને ગણગણતી રહે નવા નવા પ્રશનો ઊભા કરે. આંદોલન કરે અને સરકારની ઊંઘને કાતર વગર પણ વેતરતી રહે!

પ્રજા ઊંઘતી રહેતો સરકારના કામો અને ધામોનાં ખુલાસા ન માગે અને પાંચ વર્ષ પૂરા થયા પછી છઠ્ઠા વર્ષે ફરી લોકોને જગાડવા માટે ઢંઢોળવામાં આવે ત્યારે પ્રજા ઓચિંતી જાગીને ‘ભૂલચૂક લેવીદેવી’ ની નોંધ કર્યા વગર મત આપી આવે! એમાં એન્ટિ ઇન્કમબન્સીનો પણ ભય રહે નહિ. ઘણા લોકો આવું અટપટુ બોલતા હોય છે. એમાંથી તમારી મરજીમુજબ ઇચ્છિત અર્થ તમને જડી આવે ને છતાં એમાં બોલીને ફરી જવાની સગવડ હોવાથી બોલનાર તુરત જ કહેશે. હું આવું બોલ્યો જ નથી! તમે મારી વાતનું ખોટું અર્થઘટન કર્યું છે! એમનું આવું અટપટુ સમજીએ તો પણ આપણો વાંક ને ન સમજીએ તો પણ આપણો જ વાંક! અને કંઇ જુદું સમજી બેસીએ તો આપણી સાત પેઢી ગુનેગાર ઠરે!

પાછળ વહી ગયેલી આપણી પાંચમી કે સાતમી પેઢીને લોકોને ટેલિવિઝનનું સ્વપ્નુય આવ્યુ હશે ખરૃં? પરંતુ સત્તરમી કે ઓગણીસમી સદીનાં રીતરસમ અને માન્યતાઓ સાથેનો નાતો આપણે હજી તોડયો નથી? પરિણામે આપણા પૂર્વજો જે માન્યતાને કારણે છેતરાતા હતા એ જ માન્યતાઓને લઇને આપણે પણ એમજ છેતરાતા રહીએ છીએ. ઢોંગી તાંત્રીકો સામે ઢીંચણીએ પડતાં આપણે નાનમ અનુભવતા નથી! શરમજનક તો એ છે કે વર્તમાન વિજ્ઞાાન યુગમાં પણ ટેકનોલોજીની મહત્વની ઉપલબ્ધિ એવા ટેલિવિઝન પર લેભાગુ તાંત્રીકો દ્વારા સમાજમાં અંધ શ્રધ્ધા ફેલાવતા કાર્યક્રમોનું પ્રસારણ અવિરત થતુ રહે છે! તાવીજપલીતા ચાલું જ છે.

જાદૂઇ મોતી- મણકાની માળા, બાજુબંધ, લોકેટ, વિગેરની બેધડક જાહેરાત કરવામા આવે છે! તમારા જીવનની તમામ જરૃરિયાતો પૂરી કરી આપે એવા દોરા ધાગા, તાવીજ, માદળિયું તો ખરૃં જ પણ સામેવાળાને વશ કરવા માટેનાં લોકેટ અને વીંટીને તો જગજાહેર પ્રોજેક્ટ કરવામાં આવે છે અને જગજાહેર એનું વેચાણ પણ થાય છે. પતિ અથવા પત્નીને વશ કરવા માટે સ્પેશ્યલ લોકેટ અને વીંટી વેચાય છે અને ખરીદાય છે. આપણે પણ એ જાદૂઇ લોકેટ અથવા વીંટી ખરીદી લેવી જોઇએ. ચીન,

પાકિસ્તાન અને આતંકવાદ, એ ત્રણેને વશ કરવા જેવા છે. પણ એમના ગળે લોકેટ કોણ બાંધશે?
વિજ્ઞાાને ઉપલબ્ધ કરી આપેલા આધુનિક સાધનો દ્વારા અંધ શ્રદ્ધાનો પ્રચાર- પ્રસારણ થઇ રહ્યું છે. એ શું આશ્ચર્ય જનક ઘટના ન કહેવાય? અંધશ્રધ્ધાનો અંધારા ઓઢાડતી નાગિન, તથા પૂર્વજન્મ જેવી સમાજમાં અંધશ્રધ્ધા અને ગલત માન્યતાને સુદ્રઢ કરતી
આવી સિરિયલોનું પ્રસારણ અટકાવવું જોઇએ? માણસને એનો વર્તમાન જન્મારો સમજાય તોય ઘણું છે.

પૂર્વજન્મના રહસ્યો જાણીને શું કરવું છે? આમે ય પૂર્વજન્મની નહિ તો પૂર્વજોએ કેળવેલી અંધશ્રધ્ધાં આજના વિજ્ઞાાનયુગમાં પણ અમારી સાથે જ છે, એ શું ઓછું છે ? હજીય અમારી બારસાખે ઘોડાની નાળ ઠોકેલી જોવા મળે છે ! હજી ય ત્રણ લીલા મરચા વચ્ચે લીંબુ લટકાવી રાખ્યું છે ! દોરા, ધાગા, તાવીજ અને માદળિયું તો અમારૃં વારસાગત ઘરેણું છે ! અમે ચાંદ પર જઇ આવ્યા, પણ અમારા ગળામાંથી માદળિયુ છૂટતું નથી ! અમે લેપટોપને ખોળામાં રાખીને શનિની પનોતી વિશે જ્યોતિષીઓને પૂછીએ છીએ ! હજી ય એનો પોપટ અમારા ભાગ્યનું કાર્ડ ખેેચે છે ! લેપટોપ પાસે બધું જ છે,
પરંતુ લાગણી નથી. નહિતર આ બધું જોઇને એ રડી પડયું હોત ! લેપટોપનું મહત્વ આપણે જાણીએ છીએ. વેબસાઇટ સાથે વહેવાર કેળવીને પૂર્વજોના રસમ-રિવાજનું ટેકનોલોજીપૂર્વક જતન કરીએ છીએ. લેપટોપ અન કોમ્પ્યુટર જેવા ટેકનોલોજીના આધુનિક સાધનો પણ જન્મકૂંડળી બનાવી આપવામાં છોછ ના રાખતા હોય તો સાવ દેશી માર્કાના સેલ્ફમેઇડ જ્યોતિષીઓ કોઇની કુંડળીમાં મંગળને બેસાડવા કે ઉઠાડવામાં શા માટે પાછીપાની કરે ? પૂર્વજો તરફથી મળેલા વારસામાં કશું ઘટાડી તો શક્યા નથી.
ઉલ્ટાનું અંધશ્રધ્ધા અને લાગણીહીનતાના નવા બે એકમો અમે ઉમેર્યા છે. વાસ્તુશાસ્ત્ર અને ઘરડાઘર ! અમારા પૂર્વજો લેપટોપને નહોતા ઓળખતા તેમ વાસ્તુશાસ્ત્ર અને ઘરડાઘરને પણ નહોતા ઓળખતા ! આ બંને વર્તમાનયુગની ઉપજ છે.

જેમણે આપણા સ્થાપત્યની આલીશાન વારસા સમી દેશભરમાં ફેલાયેલી ભવ્ય ઐતિહાસિક ઇમારતો વાસ્તુશાસ્ત્રની મોહતાજ નહોતી. ભવ્ય રજવાડાની સાક્ષી પૂરતા રાજમહેલો અને કિલ્લાઓ વાસ્તુશાસ્ત્રની સલાહ વગર બન્યા છે અને હજી ય અડીખમ ઊભા છે.
એક કાંકરી પણ એમાંથી હાલી નથી. ચારસો પાંચસો વર્ષ જૂની ઇમારતો આજે પણ એવી ને એવી જ છે અને વાસ્તુશાસ્ત્ર મુજબ બનાવેલા મકાનો પાંચસાત વર્ષમાં પડી ભાંગ્યા હોવાના અનેક પુરાવા આપણી પાસે છે. ધરતીકંપ વાસ્તુશાસ્ત્રની સહેજે શરમ રાખતો નથી ! બહુમાળી ઇમારતોના ફલેટના પ્રવેશદ્વારો અને બારીઓ સિવિલ એન્જિનિયરના નકશા મુજબ બને છે કે વાસ્તુશાસ્ત્રના હિસાબે મૂકાતા હોય છે ? આમાં વાસ્તુશાસ્ત્રનું કાંઇ ઉપજતું નથી એટલે ઘરની આંતરિક સજાવટમાં માથું મારે છે.
આપણા ઘરની સજાવટ આપણી પોતાની મનગમતી રીતે નહિ કરવાની? સોફાસેટ અને અન્ય ફર્નિચર નવા ખરીદવાની કે બનાવડાવવાની ગુંજાઇશ અથવા સમય ન હોય તો પણ એ જ્યાં ગોઠવાયું હોય ત્યાં જ વર્ષો સુધી રાખવાનું ? ફેરફાર નહિ કરવાનો ? સોફાસેટ વિગેરે બીજે ખસેડવાથી પણ થોડું નવું લાગવા માંડે છે. તો શું એવી તજવીજ આપણે નહિ કરવાની ? વાસ્તુશાસ્ત્ર હજી લાયબ્રેરીને નથી ઓળખતું ! કયા રૃમમાં અથવા કઇ દીવાલે લાયબ્રેરી ઊભી કરવી, એનો વાસ્તુશાસ્ત્ર વાળાઓએ આજ દિન સુધી ઉલ્લેખ કર્યો નથી.

જે લાયબ્રેરીને ન ઓળખે એની દ્રષ્ટિમાં પુસ્તકનું મહત્વ કેટલું ? અને જે પુસ્તકોથી દૂર રહ્યો હોય એનું જ્ઞાાન કેટલું સીમિત હશે, એ સમજી શકાય તેમ છે. આમ તો આપણી સૌની સમજ સીમિત અને સંકુચિત છે. એટલે જ વારંવાર એકને એક જગ્યાએ ઠોકરો ખાતા રહીએ છીએ અને આમ ઠોકરો ખાતા ખાતા જ પાણી મંતરી આપનાર ખેરાળુના બાપુથી માંડીને આશારામ સુધી પહોંચી જઇએ છીએ. આશારામની છાવણીમાંથી છટકી ગયેલા કેટલાક લોકો નવાબાપુની શોધમાં લાગી ગયા હતા. કેટલાકને બાપુ મળી પણ ગયા છે ! એકાદ બાપુ તો જોઇએ જ, નહિતર આ જન્મારો એળે ના જાય ?

કઇ તરફની છે હવા જોતા રહો,
પેલી ફરફરતી ધજા જોતા રહો !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s