જાગૃ વ્યક્તિતની નિષ્ક્રિયતા : એક મહાપાપ–અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

જાગૃ વ્યક્તિની નિષ્ક્રિયતા : એક મહાપાપ

”આજે આપણને સીધો અન્યાય સહન કરવો પડતો ન હોવાથી મૌન, નિષ્ક્રિય છીએ, પણ આપણા પોતાના પગ નીચે રેલો આવશે ત્યારે?”

આ પણી લોકશાહી વિષે અવારનવાર એક ફરિયાદ સાંભળવા મળે છે કે અહીં સમજુ લઘુમતી નિષ્ક્રિય છે. (લઘુમતી શબ્દ અહીં ધર્મ કે નાતજાતના સંદર્ભે નથી વાપર્યો) અને બુડથલો, છીછરા લોકો, ટપોરીઓ, ઘેટાં-છાપ બહુમતી સક્રિય છે.

જરા થોભીને જોશો તો રાજકારણમાં આ નિરીક્ષણ સાચું લાગે છે, એ જ નિરીક્ષણ લગભગ તમામ ક્ષેત્રોમાં સાચું છે. સાહિત્ય, પત્રકારિત્વ, કહેવાતાં આધ્યાત્મિક આન્દોલનો – આ બધાં જ ક્ષેત્રોમાં એક બાજુ છીછરાં જળમાં છબછબિયા કરનારા તરવૈયાની બહુમતી છે, અને એની વાહ વાહ કરનારાની બહુમતી છે, તો બીજી બાજુ આ છીછરાં જળ બાબત પુરા જાગૃત મુઠ્ઠીભર લોકો છે, જેઓ લઘુમતીમાં છે. કમનશીબી એ છે કે આ મુઠ્ઠીભર સિંહો ”નરો વા કુંજરો વા” કહીને મૌન રહે છે, નિષ્ક્રિય રહે છે.

હા, આ લઘુમતી જાગૃત લોકોની દલીલ સાચી જ છે કે ”મૂરખાની બહુમતીમાં ડાહ્યા માણસે ચુપ રહેવું”. પણ આવી દલીલ કરનાર ડાહ્યા માણસે જરા એકાંતમાં બેસીને વિચાર કરવો કે ”આજે આપણને સીધો અન્યાય સહન કરવો પડતો ન હોવાથી મૌન, નિષ્ક્રિય છીએ, પણ આપણા પોતાના પગ નીચે રેલો આવશે ત્યારે?” ત્યારે આપણા જેવા અનેક સમજુ લોકો પણ મૌનનું મહાપાપ આચરશે, અને ત્યારે આ પાપ અટકાવવાની આપણી ત્રેવડ નહીં હોય.

કયું પાપ?
જિસસને વધસ્થંભે લટકાવાતા હતા ત્યારે કહેવાતા ડાહ્યા માણસોએ રાખેલું મૌન!
દયાનંદ સરસ્વતી જેવા જ્યારે સમાજમાં મૂળ ઘાલી રહેલા સામુહિક દંભ તરફ આંગળી ચીંધતા, ને તેમના પર પથરા અને ગંદકી ફેંકવામાં આવતાં ત્યારે ડાહ્યાઓએ રાખેલું મૌન!

”શું આ મૌનને બદલે બોલકા થવાથી કે સક્રિય થવાથી પરિસ્થિતિમાં સુધારો થાય ખરો? જે હાલત બદલવાની નથી, એ હાલત સામે વિદ્રોહ કરનારા બેવકૂફને ટેકો આપવો – શું એ નરી બેવકૂફી નથી?”

જી ના. એ બેવકૂફી નથી. જરા એ પરિસ્થિતિની કલ્પના કરો કે ”મારાં-તમારાં બાળકો જરા મૂઠીઊંચેરાં કે જરા બે આંગળ વધારે પ્રતિભાવંત નીકળ્યાં ત્યારે આ છીછરાં જળની વાહવાહ કરનારાઓના સમાજમાં એમની ગૂંગળામણ કેવી હશે? હા, પોતાની તાકાતથી એ બાળકો રસ્તો કાઢશે, ટકી રહેશે, પણ એ રસ્તો કાઢવાની, ટકી રહેવાની મથામણમાં એમની જુવાનીનાં અણમોલ વર્ષો વપરાઈ જશે એ ગુનાહિત બગાડ કોણ ભરપાઈ કરશે?”

મુદ્દો બગાવતનો ઝંડો લઈને સક્રિય બનવાનો નથી.
મુદ્દો સમાજથી વધુ ડાહ્યા થઈને સમાજને સુધારવાનો ઈજારો લેવાનો નથી.
મુદ્દો એક શક્તિશાળી, મૂલ્યપદ્ધતિ (વેલ્યૂ સિસ્ટમ), ક્રેડિબિલિટી (વિશ્વનીયતાના માપદંડ) વિકસાવવાનો છે. જો આજનાં છીછરાં, ઉપદેશાત્મક વ્યાખ્યાનો, લેખોના જમાનામાં ઉપરના શબ્દો અઘરા લાગતા હોય, તો એક બહુ સાદું ઉદાહરણ આપું, મારાં ઉકળાટ, બળતરા સ્પષ્ટ થઈ જશે.

તમારી સોસાયટી (ફળિયું) કે રહેણાંકના વિસ્તારમાં બાળકોની સર્જનાત્મકતા ને પ્રોત્સાહન આપવા સ્પર્ધા યોજાય છે. અમુક બાળકો અમુકતમુક લોકપ્રિય અભિનેતા કે અભિનેત્રીની અદલો અદલ નકલ કરે છે, ફિલ્મી ડાયલોગની નકલ કરે છે કે કોઈકે ગોખાવેલું ભાષણ રજૂ કરી જાય છે, ને એકાદ બાળક એવું છે, જે સ્વયંપ્રતિભાથી અભિનયની ‘આઈટેમ’ રજૂ કરે છે, જે આઈટેમમાં પેલાં બહુમતી બાળકો જેવું ”તરતદાન-મહાપુણ્ય” છાપ છીછરાપણું નથી, પણ ચોક્કસપણે મૌલિકતાની સુગંધ છે. તમે આ સ્પર્ધાના નિર્ણાયકોની પેનલ પર છો. તમારા સિવાયના અન્ય ચારેય નિર્ણાયકો પેલાં બહુમતી સ્પર્ધકોની ફિલ્મી નકલખોરીથી ખૂબ જ પ્રભાવિત થઈ, એકી અવાજે એ નકલખોર મનોરંજકોને ઈનામ

આપવાનું નક્કી કરે છે. દલીલ એવી રજૂ કરવામાં આવે છે કે, ”લોકોને તો આવું જ પસંદ પડે છે.”
એ પરિસ્થિતિમાં તમે પાંચમા નિર્ણાયક તરીકે ભલે લઘુમતીમાં હો, પણ તમારો અભિપ્રાય તમે અલગ-અલગ કરશો તો, ચોક્કસપણે એક વૈચારીક  સંસ્કૃતિને પગ રાખવાની જગ્યા મળશે. તોતિંગ બેન્ડવાજાં વચ્ચે ભલે શરણાઈનો સૂર સાવ ઓછો સંભળાય, પણ એ આછા પાતળા સૂરની હાજરી તો નોંધવી જ પડે છે, એ અવાજનું ખૂન નથી કરી શકાતું. તમારે બગાવતનો ઝંડો ઉઠાવવાની જરૃર નથી, માત્ર તમે તમારો અભિપ્રાય ડંકાની ચોટ પર રજૂ કરશો, તો તમે પેલાં મૌલિકતાની સુગંધ ધરાવતાં બાળકને જીવતા રહેવા માટે પ્રાણવાયુ આપવાનું મહાપુણ્ય કરશો.

તમારી કદર, તમારો જાહેર ટેકો, ચોક્કસપણે સમાજમાં એક ન ઉવેખી શકાય એવી, મૌન તાકાત ઊભી કરશે, એક એવી ક્રેડિબિલીટી (વિશ્વસનીયતા) એક એવો અવાજ, જેને બેન્ડવાજાં, ઢોલનગારાં દબાવી નહીં શકે, એક એવો અવાજ જેના સક્રિય (ભલે લઘુમતી) ટેકાને કારણે જિસસ, બુદ્ધ ને મહાવીર આજસુધી ટકી શક્યા છે, ને મારીતમારી સમક્ષ જીવંત અને હાજરાહજૂર છે.

કોઈની મૌલિકતા, સત્ય, તાજગી ગમે તો વ્યવહારડાહ્યા થઈને મૌન નહીં રહેતા, પૂરી તાકાતથી એ વિચારકને વધાવી લેજો, તમારું પ્રદાન વટવૃક્ષ બનશે જ એનો ઈતિહાસ પુરાવો આપે છે.

,

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s