બધું ચિન્તન બધાંને ન પચે– અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

બધું ચિન્તન બધાંને ન પચે– અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

જુવાનિયાઓનાં હૈયા વણખેડાયેલી ધરતી જેવાં હોય છે. અને હૈયું ખેડાય છે જીવનનાં ધારદાર અનુભવો દ્વારા, નિરાશા-આશાના ચાસ દ્વારા. પાંચ આંગળીઓ સરખી હોતી નથી. બે માણસ સરખાં હોતાં નથી. એક જ આહાર, એક જ વાતાવરણ, એક જ પરિવારમાં જન્મેલાં બે ભાંડરૃ સરખા હોતાં નથી. દરેકે દરેક વ્યક્તિની સમજણ શક્તિ અલગ હોય છે. ઘટનાઓ પ્રત્યેના પ્રતિભાવ અલગ હોય છે. વ્યક્તિ વયથી મોટી થાય એટલે એની સમજણશક્તિ અચૂકપણે વધે જ એવું જરૃરી નથી.

છતાં પણ વયની બાબતમાં એટલું તો કબૂલ કરવું પડે કે જો વ્યક્તિ જાગૃત હોય તો અનુભવોથી એને જે શીખવા મળે તે હજારો પુસ્તકોમાંથી પણ ન મળે. વિદેશની શ્રેષ્ઠ ‘મેનેજમેન્ટ ઈન્સ્ટિટયૂટ’માં પાંચ વર્ષો ભણી, પ્રથમ વર્ગમાં પ્રથમ આવી, સુવર્ણપદક મેળવનાર વ્યક્તિ જાતે માત્ર બે વર્ષો કરિયાણાની દુકાન ચલાવે, ત્યારે એને એવું કશુંક જાણવા શીખવા મળે જે એને પાંચ-પાંચ વર્ષોના ચોપડિયા અભ્યાસમાં શીખવા ન મળ્યું હોય. અનુભવથી માણસ આંતરિક રીતે ઘડાય છે. અનેક મુદ્દાઓ એવા હોય છે, જે તમે બિન-્અનુભવીને કહો, તો પત્થર પર પાણીની માફક વહી જાય.

બહું સાદું ઉદાહરણ આપું. કોઈ સાધુ મહારાજ ધર્મ વિષે વાર્તાલાપ આપતા હોય. એ વખતે તેઓ શાસ્ત્રમાંથી સંદર્ભ સમજાવતાં કહે કે, ”જેવું દુઃખ તને થાય છે એવું અન્યને પણ થાય છે.” ત્યારે માતાપિતાની શીળી છાંયમાં ઉછરનાર, આજ સુધી નિરાશ, વ્યથા, પીડાનો જરાપણ અનુભવ ન કરનાર જુવાનિયાને ઉપર જણાવેલ ચિંતન-વાક્યની કશી અસર ન થાય. – એને એ વાક્ય ‘પોથીમાંના રીંગણા’ જેવું જ લાગે સ્પષ્ટ કહીએ તો વછેરા જેવા જુવાનિયાને આવાં મનોમંથન આધારિત પ્રવચનો કે લેખો ભારે કંટાળાજનક લાગે. પરિણામે ચિંતનાત્મક વ્યાખ્યાનોમાં જુવાનોની હાજરી ઓછી જોવા મળે ઃ જો હાજરી ઓછી હોય તો ખોટું શું છે? પ્રશ્ન એ છે કે આવી હાલત આજની જ છે કે દરેક જમાનામાં આવું જ ચાલતું આવ્યું છે?

જે લોકો એક જ મુદ્દો ચોળીને શૂળ ઊભું કર્યા કરે છે કે ”જુવાનિયાની હાજરી નથી થતી” એ લોકોને આ જ સાદો સીધો સવાલ કરવો છે ઃ જુવાનિયાઓ ચિંતનાત્મક કે ગંભીર મનોમંથન કરતા સત્સંગમાં ભાગ લેતા એવો જમાનો ભૂતકાળમાં, કહો કે ઈતિહાસમાં પણ ક્યારેય હતો ખરો? ધરતી પર યોગ્ય ગરમી ન પડે, તેના પર હળના ધારદાર ચાસ ન પડે, તો પછી બીજ અને વરસાદ ધારેલી અસર ઊભી કરતાં નથી. લીલોછમ પાક લહેરાવાનું શક્ય બનતું નથી. ધરતી પર સખત તાપ પડે, હળથી ખેડાય ત્યારે એ ધરતી લીલાછમ પાક માટે તૈયાર થાય છે.

જે ધરતી પર પ્લાસ્ટિકનું આવરણ કૃત્રિમ રીતે પથરાયેલું હોય, તેના પર વરસાદ થાય તો કશો અર્થ ખરો? બૌધ્ધિક દલીલોથી વધુ ઊંડા ન ઉતરી શકનાર ને કશુંક વેધક કહેવાનો અર્થ ખરો? જુવાનિયાઓનાં હૈયા વણખેડાયેલી ધરતી જેવાં હોય છે. અને હૈયું ખેડાય છે જીવનનાં ધારદાર અનુભવો દ્વારા, નિરાશા-આશાના ચાસ દ્વારા. પુસ્તકો, ભાષણો, સાંપ્રદાયિક ભાષણો હૈયાંને કદાપિ ખેડી શકે નહીં. આવા વણખેડાયેલા જુવાનિયાઓને ધર્મચિંતનનાં ભાષણોમાં ખેંચીને તમે શું સિદ્ધ કરવા માગો છો? જેમની ગ્રહણશક્તિ હજુ તૈયાર થઈ નથી એવા જુવાનિયાઓનાં સુષુપ્ત મનમાં ચિંતન-અવગાહન માટે કાયમી સુગ ઊભી થઈ જાય, કાયમી ત્રાસ ઊભો થઈ જાય એવું ઈચ્છો છો? (કહેવાતા ધર્મની, સાંપ્રદાયિક હઠાગ્રહને આજે મોટે ભાગે ધર્મ તરીકે ઓળખવામાં આવે છે.) વાતો એક રોમાંચક બૌધ્ધિક કસરત સિવાય વધુ કશું હોતું નથી. યા તો કોઈ ‘પોપ્યુલર’ (લોકપ્રિય, ચલણી, બજારમાં સૌથી વધુ ઉપલબ્ધ) ચિંતકની દલીલો એમને હોઠે હોય, અથવા જાણ્યે અજાણ્યે અમુક તમુક સંપ્રદાયની વાતોનું પિષ્ટપેષણ હોય! હા, એમાં ત્યાગ, વૈરાગ્ય, અહિંસા, ધ્યાન જેવી વાતો હોય, પણ માત્ર શબ્દોની રમત! માત્ર એક ‘ડાઈવર્ઝન’ (વિષયાંતર દ્વારા મનોરંજન) પ્રતીતિ, અનુભવને નામે સંપૂર્ણ મીડું.

નરેન્દ્રનાથ વિવેકાનંદ બન્યા ત્યાં સુધીની યાત્રામાં પહેલે પગથિયે ભલે બૌધ્ધિક દલીલો હશે, પણ નરેન્દ્રના હૈયામાં, બુધ્ધિની પેલે પાર પણ જબરદસ્ત તોફાન મચ્યું હતું. એનું આખું હૈયું રોમાંચિત હતું. આવાં તોફાનો, આવા રોમાંચ તો જ્ઞાાનયાત્રાના પ્રારંભની સૌપ્રથમ લાયકાત છે.

આપણે ત્યાં આવા રોમાંચને મુક્ત દોર આપવાને બદલે, યુવાનોને એક અથવા બીજી સાંપ્રદાયિક ટોળીને વફાદાર બનાવવાના પ્રયાસો થતા જોઈએ, ત્યારે માત્ર જુગુપ્સા જ પેદા થાય. બધું ચિન્તન બધાને પચવું જોઈએ એવો દુરાગ્રહ નરી બેવકૂફી છે.

મહત્ત્વની વાત એ છે કે ચિંતન, ધર્મ-સત્સંગ વગેરેમાં બુદ્ધિ ઉપરાંત વ્યક્તિત્વનાં અન્ય અનેક અંગોની લાયકાત વિકસેલી હોવી જોઈએ. ઉપનિષદમાં ‘આનંદ’ના વિષય પર પ્રવચન ચાલતું હોય, ને સાંભળનાર વ્યક્તિનું હૈયું યોગ્ય લાયકાત ન ધરાવતું હોય, તો એને પાંઉભાજી કે બીડી-સિગરેટના આનંદમાં અને ઉપનિષદભાખ્યા આનંદમાંનો તફાવત હરગીઝ સમજાશે નહીં. ભલે પૂરો તફાવત ન સમજાય તો કાંઈ વાંધો નહીં, એ દિશામાં એકાદ અંશ જેટલી સમજણની પરિપકવતા તો હોવી જોઈએને?

ચિંતન-મનોમંથનની વાત જ્યાં ચાલતી હોય ત્યાં તો કેટલા મરજીવા એકઠા થયા છે. તેનું મહત્ત્વ હોય, કેટલાંનાં હૈયાં ખેડાયેલા છે તે મહત્ત્વનું હોય. તમે ચિત્તની તૈયારી, વ્યક્તિનાં તમામ અંગોની તૈયારી વિહોણા પાસે કશી ઊંડી વાત કરશો તો પેલો એવી છીછરી દલીલો કરશે. શાબ્દિક વૈખરીના ચાળા કરશે કે તમે ભોંઠા પડી જશો. બધાંને બધું ચિન્તન સમજાય નહીં. કારણ કે ચિન્તન હૈયાંનો વિષય છે. અને હૈયું અનુભવથી ઘડાતું હોય છે. દરેક હૈયાનું ઘડતર જુદી જુદી કક્ષાએ પહોંચ્યું હોય છે.

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s