આપણું તનાવગ્રસ્ત યૌવન–10,ફેબ્રુઆરી 2017ના ગુજરાત સમાચાર દૈનિકમાં પ્રસિધ્ધ થયેલ તંત્રી લેખ.

આપણું તનાવગ્રસ્ત યૌવન–10,ફેબ્રુઆરી 2017ના ગુજરાત સમાચાર દૈનિકમાં પ્રસિધ્ધ થયેલ તંત્રી લેખ.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ છેલ્લા એક વર્ષમાં અંદાજે ત્રીજીવાર એ ચેતવણી ઉચ્ચારી છે કે જો રાષ્ટ્રીય સ્તરે ભારતીય યૌવનની મનોવૈજ્ઞાાનિક જાળવણી કરવા માટેના વિશેષ ઉપાયો પ્રયોજવામાં નહિ આવે તો દેશનું સમગ્ર યુવાધન અધિક તનાવગ્રસ્ત થઈ જશે. દેશના યુવક-યુવતીઓને ફાસ્ટફૂડનું એટલુ બધુ આકર્ષણ છે કે તેઓ એ ભૂલી જ ગયા છે કે આ રસ્તો આરોગ્ય માટે ખતરનાક છે. જંક ફૂડ આરોગવાથી યુવાનોના શરીર કથળી રહ્યા છે અને લોહીના ઊંચા દબાણ- બ્લડ પ્રેશરનો ભોગ બની રહ્યા છે. બજારમાં ઉપલબ્ધ જંક ફૂડમાં સામાન્ય કરતા અનેકગણી અધિક માત્રામાં ટ્રાન્સ ફેટસની એક ખાસ પ્રકારની ચરબીવર્ધક સામગ્રી હોય છે. આ ટ્રાન્સ ફેટસ ઉંમરની વૃદ્ધિ સાથે હૃદયની નલિકાઓમાં લોહીના સુગમ પ્રવાહમાં અવરોધ જન્માવે છે. જે કાલાંતરે નાની વયે હૃદયરોગને નિમંત્રે છે. ભારતીય યુવાનો અત્યારે આ સ્થિતિની લગોલગ આવી પહોંચ્યા છે.

દેશના યુવાનો તીખા-તમતમતા આસ્વાદના શોખીનો છે. ચીનમાં બપોરે બે કલાકની રિસેસ પડે છે ત્યારે તેના યુવક-યુવતીઓ કાચના મોટા જગમાં ફળોના ચિક્કાર રસનું અનુપાન કરે છે. સફરજન, મોસંબી, લીંબુ-જાંબુ વગેરે ફળવૈવિધ્યથી તેઓ સુખી છે. ફળોનો રસ જ ચીનના ટેકનિકલ કામદારોનો મુખ્ય ખોરાક છે.

આપણે ત્યાં તો સોફટવેર એન્જિનિયરો પણ વડાપાંઉ પાછળ ઘેલા થયેલા જોવા મળે છે. ક્યારેક લાગે કે તેઓ વિજ્ઞાન ભણ્યા જ નથી અથવા તો આપણા પાઠયક્રમોમાં જ કંઈક અરાજકતા કે અધૂરપ હોવી જોઈએ. અમેરિકન હાર્ટ એસોસિએશનના મુખપત્રમાં હમણાં જ એ સંશોધનો પ્રગટ કરવામાં આવ્યા છે કે જો આહારમાં નમક (મીઠુ)નું પ્રમાણ વધારે હોય તો શરીરમાં યુરિક એસિડ અને એલ્બુમિનનું સ્તર વધે છે જેથી હાઈપરટેન્શનનું જોખમ ઊભુ થાય છે. વધારે પડતુ સોડિયમ મીઠા દ્વારા શરીરમાં લોહીનું દબાણ અને મનમાં તંગદિલી વધારે છે. ભારતીય યુવાનોના અત્યારના આહાર અને વિહાર જ એવા છે કે તેઓ યૌવનનો ઢાળ ઉતરે એ પહેલા જ લોહીના ઊંચા દબાણના ઘેરાવામાં આવી જાય છે. બાબા રામદેવના ઉત્પાદનોનું અત્યારે વિશ્વરૃપ દર્શન ચાલે છે અને યોગાસન તો તેમની એક અત્યંત ગૌણ થઈ ગયેલી ‘પ્રોડક્ટ’ છે. એટલે આ દેશનો જે યુવા વર્ગ રામદેવ આણિ મંડળીનો ચાહક હોય કે નેચરોપથીના પાના ઉથલાવતો હોય કે વહેલી સવારે ચાલવા-દોડવા જતો હોય તે જ બપોર થતા પહેલા તો હાથમાં જંકફૂડ લઈને કટક-બટક ચાવવા લાગે છે. બ્લડપ્રેશર માત્ર ભારતીય યૌવનની સમસ્યા નથી, દુનિયાભરમાં લાખો યુવાનો સુધી આ આપત્તિ પહોંચી ગઈ છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ છ લાખથી વધુ લોકોને આવરી લેનારા અને બે દાયકા સુધી સળંગ ચાલેલા મેડિકલ ટ્રાયલ સહિતના એક સર્વેક્ષણમાં કહ્યું છે કે હૃદય સંબંધિત મોટા ભાગના દર્દોને આગોતરા કાબુમાં લેવાનો એક જ ઉપાય છે કે રુધિરાભિસરણ સામાન્ય રાખવું, લોહીનું દબાણ વધવા ન દેવું. લોહીનું દબાણ વધવાથી આ યુવાવર્ગની જિંદગી અંગેની માન્યતાઓ, સપનાઓ અને ઉર્દૂમાં જેને ખયાલાત કહેવાય છે તે બધુ જ બદલાઈ જાય છે. લોહીનું ઊંચુ દબાણ યુવાઓના સ્વભાવને સૌથી વધુ પ્રભાવિત કરે છે અને મોટા ભાગના કિસ્સાઓમાં તો યુવાનો એમ જ માને છે કે તેમણે બ્લડપ્રેશર મપાવવાની કોઈ જરૃર નથી. એટલે વર્ષો એમ જ વીતતા જાય છે અને બહુ જ મોડી ખબર પડે છે કે લોહીના ઊંચા દબાણને કારણે અનેક સમસ્યાઓ સર્જાયેલી છે, પરંતુ ત્યાં સુધીમાં અન્ય દર્દોએ પણ પંચતત્ત્વના માળામાં પોતાની જાળ ગૂંથવાની શરૃઆત કરી દીધી હોય છે, જે ડોકટરો માટે સોનાની જાળ પુરવાર થાય છે.

આપણે ત્યાં પ્રાચીનકાળમાં જે ભારતીય વિચારધારાઓ, રસોડાનું આયુર્વેદ અને વિવિધ ઉપવાસ પ્રણાલિકાઓ હતી તેની તો વાત જ હવે અપ્રસ્તુત થઈ ગઈ છે. દક્ષિણ ભારતમાં આજે છેલ્લી કેટલીક અવશેષરૃપ પાઠશાળાઓ છે જ્યાં વિદ્યાર્થીઓને વિશુદ્ધ ઉચ્ચસ્તરનો વાનસ્પતિક આહાર જ આપવામાં આવે છે. તેઓ ઋગ્વેદી અને સામવેદી પરંપરાના પુરસ્કર્તા આચાર્યો છે. પરંતુ આ આદર્શોથી આજની યુવા પેઢી તો બહુ જ દૂર નીકળી ગઈ છે.

ઈ.સ. ૧૯૮૦ના દાયકાઓ સુધી ગુજરાતમાં વહેલી સવારે અખાડાઓ અને વ્યાયામશાળામાં જનારો એક વર્ગ હતો અને તે રાત્રે પલાળેલા ચણા વહેલી સવારે ખાઈને અશ્વશક્તિની કામના રાખતો હતો. આજે તો એના સ્થાને અદ્યતન હેલ્થક્લબો આવી ગઈ છે પરંતુ  જંકફૂડ અને કટકબટક બેફામ વધી ગયા છે.

સ્વાસ્થ્યની બાબતમાં ભારતીય યુવાનોની જિંદગી ઠેબે ચડેલી દેખાય છે. તેઓ હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે. ૬૦ ટકાથી વધુ યુવક-યુવતીઓ ઘરે સાંજનું ભોજન રદ કરાવે છે. એ માટેના અનેક જવાબોનું આખું મેન્યુઅલ તેમની જીભ પર તૈયાર હોય છે. સાંજનું ભોજન તેઓ બહાર લે છે અથવા ક્યાંક સાંજ ગોઠવાઈ જાય છે. બાહરી ભોજનનો આવો સિલસિલો આખા ગુજરાતના મહાનગરોના યૌવનને વીંટળાઈ વળેલો છે અને તે નજરોનજર સહુને દેખાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઉચ્ચારેલી ચેતવણી તરફ નિયમ પ્રમાણે જ કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈ વિશેષ યુવા આરોગ્ય યોજના દ્વારા ધ્યાન આપે એવી કોઈ શક્યતા નથી. જગતને જગાડવા નીકળેલા યૌવનના થનગનાટે અત્યારે તો પ્રથમ સ્વયં જાગવાની કટોકટની જરૃરત ઊભી થઈ છે.

 

Advertisements

3 comments

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s