અદેખાઈનું મૂળ જાતમાં અશ્રધ્ધા; પરમાત્મામાં અશ્રધ્ધા— અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

 

અદેખાઈનું મૂળ જાતમાં અશ્રધ્ધા; પરમાત્મામાં અશ્રધ્ધા— અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

 

માણસને પ્રભુએ વિવેકશક્તિ આપી છે.

જન્મથી એને ગીધવૃત્તિ નહીં પણ હંસ જેવી-નીર-ક્ષીર-વિવેક-વૃત્તિ આપી છે. એ જરા વિચારે તો સમજી શકે કે ‘કાચનાં ઘરમાં રહીને અન્ય પર પથરા ન ફેંકાય.’ એ જરા દૂર નજર નાખી, વ્યાપક રીતે જોવાની ઉદારતા કેળવે તો ચોક્કસ એને દુનિયાનું વૈવિધ્ય દેખાય. એને સમજાય કે આ દુનિયા માત્ર કાળી કે માત્ર ધોળી નથી. એમાં અનેક રંગો છે.

એને સમજાય કે દુનિયામાં માત્ર રાવણો માત્ર કંસ, માત્ર જુડાસ જ પેદા નથી થયા. રામ, કૃષ્ણ, જિસસથી માંડીને મહાવીર, ગાંધી પણ આ જ વિશ્વમાં મળ્યા છે.

મોટી ઉંમરે, કારકિર્દીનાં ઉચ્ચતમ શિખરોસર કર્યા હોય, રોજના બે કલાક ધર્મસ્થાનમાં પસાર કરતા હોય, પોતાની વયની લાજેશરમે ઉદારતા અને અનાશક્તિની વાતો કર્યા કરતા હોય, એવા જણને પોતાના પૌત્રની વયના યુવાનની ઇર્ષ્યા કરતાં જોઇએ, સાંપ્રદાયિક મમતને રાક્ષસની પેઠે વળગતા જોઇએ ત્યારે અત્યંત આશ્ચર્ય થાય, ત્યાગની, અનાશક્તિની, મમત છોડવાની યુવાનોને સલાહ આપતા આ જણની ચામડી જરાક ખોતરો, એની સાથે પનારો પાડો, એના પેંગડામાં પગ ઘાલો, એના વ્યવસાયમાં જાણ્યે અજાણ્યે હરીફ બનીને ઊભા રહો, ત્યારે આ જણની ચામડીની અંદર રહેલી મમત અને અદેખાઈ ખુલ્લાં પડી જાય.

આ મમત, આ અદેખાઈ, દુન્યવી સફળતાઓ મેળવ્યા પછીના ભયનું એક મુખ્ય માનસશાસ્ત્રીય કારણ ‘બિનસલામતી.’

પણ સમાજમાં મહામારી માફક અનેક વૃધ્ધોને પીડતા (બધા વૃધ્ધો નહીં, એમાં અપવાદરૃપ જ્ઞાાનવૃધ્ધો પણ હોય છે) આ મમત, આ બિનસલામતીના રોગનું મૂળ શું ?

એ ગીધવૃત્તિ, એ મમત, એ અદેખાઈનાં મૂળમાં જાતમાં અશ્રધ્ધા, પરમાત્મામાં અશ્રધ્ધા. વિશ્વની તેમ જાતની મેઘધનુષ્ય જેવી વૈવિધ્યસભર રચના સમજવાની તૈયારીનો અભાવ.

જો પરમેશ્વરમાં, વિશ્વવ્યાપી પરમાત્મતત્ત્વમાં શ્રધ્ધા હોય તો જ માણસને પ્રતીતિ થાય કે મારામાં ઈશ્વરનો અંશ છે. આ દુનિયામાં મારે અમુક પાઠ ભજવવાનો છે. એ પાઠ પૂરા થાય એટલે ક્ષણાર્ધ પણ અહીં રોકાવાનું નહીં હોય. કોઈ અન્યના પગ ખેંચવાથી કોઈ અન્યની અદેખાઈ કરવાથી મારી સિધ્ધિમાં કશો ફેર પડવાનો નથી. મને અમુક વયે અમુક સ્થાન પ્રાપ્ત થયું છે, પણ એ સ્થાનને મમતથી પકડી રાખવાથી કશું જ નહી વળે. હું અન્યના પગ ખેંચું, હસતું મોઢું રાખી, મીઠી મીઠી કે કટાક્ષપૂર્ણ ભાષામાં અન્યનો તેજોદ્વેષ કરું તેનું એક કારણ મારી બાલિશ ભ્રમણા એવી ભ્રમણા કે આવું બધું કરવાથી હું સલામત બનીશ અને પેલો બિનસલામત બનશે. ખૂબ ખૂબ દુન્યવી પ્રાપ્તિ થવા છતાં આ બિનસલામતીનો ભાવ અનુભવાય છે કારણ કે હૈયામાં ઊંડે ઊંડે આ બધી સિધ્ધિઓને કાયમી માની બેઠા છીએ. નજર સામે હાર્ટએટેકથી પળભરમાં ખતમ થઇ જતા જુવાનોને જોવા છતાં ‘મારે ગમે તે ક્ષણે જવાનું છે, હું પરમેશ્વરનાં આયોજનનો એક ભાગ છું’ એવી ખાતરી હોતી નથી.

જીવનમાં દુન્યવી પ્રગતિ થાય, વય વધે તેમ તેમ જો બિનસલામતીનો ભાવ વધે, ઈર્ષ્યા વધે, ચરચરાટ વધે, અતૃપ્તિ વધે, મન સંકુચિત બને તો સમજી લેવું કે ‘બાહ્ય પ્રગતિ’ થઇ છે, જાતની આંતરિક સનાતન તાકાતમાં શ્રધ્ધા દ્રઢ થઇ નથી.

બહારની દ્રષ્ટિએ સત્તા વધે, દુનિયા સફળ માને છતાં આપણો મનખો અનેકવાર કાંઈક બીજું જ કહેતો હોય છે. બાહ્ય રીતે હજારો ફૂટ ઊંચે ચઢનાર ઘણીવાર હૈયાંની યાત્રામાં બે ડગલાં પણ આગળ વધી શક્યો નથી હોતો. કોઈ ચઢે, કોઈ પડે, હું સફળતા મેળવું, હું માર ખાઉં, એ બધામાં જો પરમેશ્વરની લીલા જોવાની આદત પડે તો જાતમાં રહેલી ઇશ્વરીય અંશની પણ સાથે સાથે જ ખાતરી થવા લાગે. આપણે કાંઈક રોલ ભજવી રહ્યા છીએ, પાઠ ભજવી રહ્યા છીએ એમ સમજાવા છતાં જાત પ્રત્યેની શ્રધ્ધા વધુ મજબૂત બનતી જાય. અસલામતી ને પરિણામે પેદા થતી ઇર્ષ્યા દૂર થાય.

ને વયની ગતિ સાથે, દુન્યવી પ્રગતિ સાથે હૈયું મુરઝાય નહીં, પણ સહસ્ત્રદળ કમળ જેમ ખીલી ઊઠે.

 

 

Advertisements

One comment

  1. “દુનિયામાં માત્ર રાવણો માત્ર કંસ, માત્ર જુડાસ જ પેદા નથી થયા. રામ, કૃષ્ણ, જિસસથી માંડીને મહાવીર, ગાંધી પણ આ જ વિશ્વમાં મળ્યા છે.”
    “મંદિર તારૂં વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારારે..!!!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s