આપણે અરાજકતા તરફ જઈ રહ્યા છીએ? —-વિચાર વિહાર–યાસીન દલાલ

આપણે અરાજકતા તરફ જઈ રહ્યા છીએ? —-વિચાર વિહાર–યાસીન દલાલ

 

આપણે અરાજકતા તરફ જઈ રહ્યા છીએ? —-વિચાર વિહાર–યાસીન દલાલનો લેખ, ગુજરાત સમાચાર,શનિવાર,તા.27,ઓગસ્ટ,2016

જીવન જરૃરિયાતની વસ્તુઓ સસ્તી મળે કે મોંઘી થાય છે. એના ઉપર માનવીનું લક્ષ્ય કેન્દ્રીત થઈ ગયું છે, પણ ખુદ માનવી કેટલો મોંઘો બની ગયો છે અને મૂલ્યો કેટલા સસ્તાં થઈ ગયાં છે એની ચિંતા ભાગ્યે જ કોઈ કરે છે
ઉના પાસેના સમઢીયાળા ગામે થોડા દિવસ પહેલા જે ગોઝારી ઘટના બની એના પડઘા હજી શમ્યા નથી. આ ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડયા અને રાહુલ ગાંધી સહિત મોટાભાગના નેતાઓ સૌરાષ્ટ્ર આવી ગયા. એટલે સુધી કે આપના નેતા કેજરીવાલ, માર્કસવાદી નેતા વૃંદા કરાત અને છેલ્લે માયાવતી પણ આવી ગયા. ઘટના અંગે આટલો મોટો ઉહાપોહ થયો એટલે ગુજરાત સરકાર સફાળી જાગી. અમુક પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા અને ૨૨ જણાની ધરપકડ થઈ. આ ઘટનાનો વિડિયો વાઈરલ થયો. એણે અનેકને ચોંકાવી દીધા. પીડિતોમાંથી એકે કહ્યું કે મને પોલીસે પૂછયું કે તમે કેવા છો, મેં જેવું કહ્યું કે હું દલીત છું એની સાથે જ એ પોલીસ મારા ઉપર તૂટી પડયો અને એટલો માર માર્યો કે શરીરે ચાઠા પડી ગયા.
મૂળ ઘટના એવી છે કે દલીતો એક મૃત ગાયનું ચામડું ઉતારતા હતા ત્યારે અચાનક કેટલાક કહેવાતા કાર્યકરો આવ્યા અને એમને લઈ ગયા. બાજુના ગામમાં એમને નિર્વસ્ત્ર કરીને સરઘસ કાઢયું. આ બધું પોલીસની હાજરીમાં થયું. આ બધા કહેવાતા ગૌરક્ષકો હતા અને વિહિપ અને બજરંગ દળના કાર્યકરો હતા. એક ટી.વી. ચેનલે સ્ટીંગ ઓપરેશન કરીને આ બધાને ખૂલ્લા પાડયા. સત્યપ્રકાશ નામના એક કાર્યકરે કહ્યું કે અમે કાયદાથી ડરતા નથી. રાજીવ નામના એક બીજા કાર્યકરે કહ્યું કે અમે ગૌ રક્ષકો છીએ, અમે જીવ દઈ દેશું પણ ગાયને બચાવશું. એણે એમ પણ કહ્યું કે દાદરીમાં અખલાક નામનો માણસ મરી ગયો એ યોગ્ય જ હતું. અમે કેટલી હદે જઈ શકીએ છીએ એનો નમૂનો છે. અજય નામના એક કાર્યકરે પણ આમ જ કહ્યું.
આ સ્ટીંગ ઓપરેશનનું પ્રસારણ થયું એ પછી વડાપ્રધાન ઉપર દબાણ આવ્યું અને મધ્યપ્રદેશની એક સભામાં એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બધા ગૌરક્ષકો ગુંડાગીરી કરે છે. દિવસે સંસ્કારનો અંચળો ઓઢે છે અને રાત્રે અસામાજીક પ્રવૃત્તિ કરવા નીકળી પડે છે. એમણે એમ પણ કહ્યું કે આ બધાની વિગતો મગાવીએ તો ખ્યાલ આવે કે એમનો અસલી ચહેરો ક્યો છે. તરત જ વિહિપે વડાપ્રધાનની ટીકા કરી અને કહ્યું કે વડાપ્રધાને ગૌરક્ષકનું વચન આપ્યું હતું એટલે એમને મત મળ્યા છે. હવે એમનું હૃદય પરિવર્તન થયું હોય તો એમણે રાજીનામું આપીને નવેસરથી ચૂકાદો મેળવવો જોઈએ. બીજી બાજુ આર.એમ.એસ.એ નિવેદન કરીને વડાપ્રધાનને ટેકો આપ્યો અને કહ્યું કે સંઘ કોઈજાતની હિંસામાં માનતો નથી. સંસદમાં પણ આ પ્રશ્નની ચર્ચા થઈ અને વિરોધ પક્ષે ટીકા કરી કે વડાપ્રધાન આ મુદ્દે સંસદની બહાર કેમ બોલે છે? સંસદમાં હાજર કેમ રહેતા નથી?
આ સરકાર સત્તામાં આવી ત્યારથી આવી બિનબંધારણીય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. દેશભરમાં આવા સેંકડો ગૌરક્ષા દળ કામ કરે છે અને સરકારનો પીળો પરવાનો મળ્યો હોય એમ ફાવે તેમ કાયદો હાથમાં લે છે. ગાયને બચાવવાના નામે માણસો ઉપર અત્યાચાર કરે છે. ગાયને બચાવો પણ માણસોને મારો એવું એમનું સૂત્ર છે. વડાપ્રધાને દિવસો સુધી મૌન રાખ્યા પછી આ મુદ્દે મૌન તોડયું અને જાહેરમાં આવી હિંસાને વખોડી કાઢી, પણ પ્રશ્ન એ છે કે જાહેરમાં બોલવા માત્રથી શું વળે?
એમણે ભાજપનું જ્યાં શાસન હોય ત્યાંની સરકારોને સ્પષ્ટ આદેશ આપીને કહેવું જોઈએ કે આવા લોકોને તરત જ જેલહવાલે કરો. કારણ કે આવું મોટાપાયે બને તો દેશ અને દુનિયામાં આપણી પ્રતિષ્ઠાને ધક્કો લાગે. કર્ણાટકમાં પણ એક પરિવાર ઉપર આ મુદ્દે જ હુમલો થયો છે. દેશભરમાં આવી ઘટનાઓ બનતી રહે છે. હરિયાણામાં પણ આવું બન્યું છે. જો કે હરિયાણા સરકારે બધી ગોરખ શાસન સમિતિઓને માન્યતા આપીને નોંધણી કરાવવાનો આદેશ આપ્યો છે. આવું બધા રાજ્યોમાં થવું જોઈએ નહીંતર મામલો કાબૂ બહાર જશે અને દેશભરમાં આવી ઘટનાઓ બનતી જ રહેશે. સરકાર ભલે કહે કે આવી ઘટનાનો રાજકીય લાભ નહીં ઉઠાવવો જોઈએ પણ એ એકમાત્ર બહાનું છે. આવી મહત્વની ઘટનાની ચર્ચા થાય કે નેતા મુલાકાત લે એમાં ખોટું કશું જ નથી.
માનવીએ પ્રાચીનકાળથી આજ સુધીમાં પ્રગતિના ક્ષેત્રે હરણફાળ ભરી છે અને એક સમયે પાંદડાંઓ વડે શરીર ઢાંકતો આદિ માનવ આજે મંગળના દ્વાર ખખડાવી રહ્યો છે. વિજ્ઞાાનયુગ હવે ઈલેકટ્રોનિક યુગમાં પ્રવેશ્યો છે અને માતાના ઉદરમાં રહેલા ગર્ભની જાતિ જાણી શકાય તેવી સોધ થઈ ગઈ હોવાના દાવા કરાયા છે. આજના પુશ-બટન યુગમાં માનવીએ ન મેળવી હોય એવી સિદ્ધિઓની યાદી હવે ટૂંકાતી જાય છે.
પણ અફસોસની વાત એ છે કે આટલી સિદ્ધિઓના શિખરે ઉભેલો માનવી ખુદ પોતે પોતાની જાતથી જ દૂર જઈ રહ્યો છે, આજે આપણા દેશમાં જે પ્રકારનો જીવનનો ઢાંચો ઉપસી રહ્યો છે એ જોતાં જણાશે કે એમાં મૂલ્યોનું સ્થાન ઝડપથી નીચું ઉતરી રહ્યું છે. અને કૃત્રિમતા અને દંભ આગળ આવી રહ્યા છે. ક્ષણજીવી ચમત્કારોથી આંજી દેવાની વૃત્તિ જોર કરતી જાય છે અને જીવનમાં જે મૂલ્યોને માટે જીવવાનું છે એનું મહત્વ ભૂંસાઈ રહ્યું છે. બાહ્મ વ્યક્તિત્વ અને બાહ્ય જરૃરીયાતોને જરૃર કરતા વધારે સ્થાન મળી રહ્યું છે. થોડી જીવન જરૃરિયાતની વસ્તુઓ સસ્તી મળે કે મોંઘી થાય છે. એના ઉપર માનવીનું લક્ષ્ય કેન્દ્રીત થઈ ગયું છે, પણ ખુદ માનવી કેટલો મોંઘો બની ગયો છે અને મૂલ્યો કેટલા સસ્તાં થઈ ગયાં છે એની ચિંતા ભાગ્યે જ કોઈ કરે છે.
નિત્સે જેવા વિચારકે એક જગ્યાએ કહ્યું છે કે માત્ર જીવ્યા કરો અને બીજી ચિંતાઓ છોડી દો. આજનું આપણું જીવન આ કથનને અનુસરતું હોય એવું લાગે છે. આજનો માનવી જીવી રહ્યો છે, પણ એ જીવનમાં કોઈ તત્વ નથી, કોઈ પાયાનાં મૂલ્યો નથી. એને બદલે ચારે બાજુ જોવા મળે છે મૂલ્યોનો ભયંકર હ્રાસ. આની શરૃઆત ઉપલી કક્ષાએ શરૃ થઈ, જે ધીમે ધીમે સમાજના બધા તબક્કાઓને સ્પર્શી ગઈ. વિશ્વભરમાં આજે માનવીમાં રહેલા આસુરી તત્વને બહાર લાવનાર બળો જ સાંભળવા મળે છે. સત્તા માટેના કાવાદાવા ખેલાય છે અને અસત્યને સત્યમાં ખપાવવાના પ્રયત્નો થાય છે. બનાવટી મૂલ્યોને બનાવવામાં આવે છે અને પછી એને લાદવાના પ્રયત્નો શરૃ થાય છે. પણ મૂલ્યો લાદી શકાતા નથી, એ સ્ફુરે છે. મૂલ્યોને જીવનમાં સાકાર કરે એવી વ્યક્તિઓ શોધવાનું કામ આજે કઠણ બન્યું છે.
 

આપણે આપણા જીવનને સાર્થક બનાવવાનું છે અને દુનિયામાં કંઈ કરી જવાનું છે તેમજ કંઈક જ્ઞાાન પ્રાપ્ત કરવાનું છે અને એક કેડી કંડારવાની છે, એ પાયાની વાત જ જાણે કે આજે વિસરાઈ ગઈ છે. અને ભૌતિક મૂલ્યો સપાટી ઉપર આવી ગયાં છે. સીનેમા, રાજકારણ અને હલકાં સાહિત્યે પણ આમાં ભાગ ભજવ્યો છે. આજનો ઈન્સાન દિમાગને તકલીફ આપવા માંગતો નથી. માત્ર પોતાની ઈન્દ્રિયોને બહેલાવવા માંગે છે. આ છેતરપીંડી છે, જગતની સાથેની અને પોતાની જાત સાથેની. આજે જરૃર છે સચ્ચાઈને માટે કુરબાની આપનારા સોક્રેટીસોની, પણ ખુદ સોક્રેટીસ આજે સજીવન થઈને વિશ્વમાં ફરી અવતરે તો આજનું જગત અને સોક્રેટીસ તરીકે સ્વીકારી કે કેમ એ પ્રશ્ન છે. મંચ બદલાઈ ગયો છે અને પાત્રો પણ બદલાઈ ગયાં છે. જયાં પોલસાર્ગની ભાષામાં કહીએ તો આજનો માનવી મહોરાઓ પહેરીને ફરે છે અને ક્ષણે ક્ષણે ચહેરા બદલાવતો રહે છે. એ કૃત્રિમ જીવે છે. પોતાની જાતથી એ દૂર જતો રહ્યો છે, આત્મપરીક્ષણની તો વાત જ કયાં કરવી?
માનવીએ વર્ષોની મહેનત અને અભ્યાસ તેમજ કુરબાનીઓ પછી ઉભી કરેલી સત્યતા અને સંસ્કૃતિ આજે બહુ ઝડપથી વિનાશ ભણી ધકેલાઈ રહી છે. પતનની શરૃઆત થઈ ચૂકી છે. આગામી સદીમાં માણસ મંગળ પર પહોંચી ગયો હશે અને કદાચ એથી પણ આગળ નીકળી ગયો હશે, પણ જેટલો એ બીજા ગ્રહોની નજીક ગયો હશે એટલો જ પોતાની જાતથી દૂર નીકળી ગયો હશે. અંતર વધતું જાય છે. ખાઈ લાંબી થતી જાય છે. મૂલ્યોનો લાંબો રસ્તો આજના માનવીએ છોડી દીધો છે અને બનાવટનો ટૂંકો રસ્તો અપનાવી લીધો છે. એક આખી તકઝીબ કાળના પેટાળમાં ગરકાવ થઈ રહી છે. આશા રાખીએ કે આ પ્રક્રિયા ‘પોઈન્ટ ઓફ નો રીટર્ન’ સુધી પહોંચે એ પહેલાં એને રોકવાના પગલાં માનવજાત લેશે અને ક્ષીણ થઈ રહેલા મુલ્યોનો ફરી ઉગાર થશે.
આને બદલે આપણે ત્યાં ધર્મ અને રાજકારણ, ધર્મ અને વિજ્ઞાાન, ધર્મ અને સમાજકારણ વગેરેની ચિત્રવિચિત્ર ભેળસેળ થઈ ગઈ છે. પરિણામે લોકો અણુવિજ્ઞાાનમાં રસ લે છે અને સાથે સાથે મંત્રતંત્રનો પણ આનંદ લે છે! ભૌતિક વિજ્ઞાાન ભણાવતો શઇક્ષક રોગના ઈલાજ માટે સાધુબાવા પાસે જતાં અચકાતો નથી. વિજ્ઞાાન કોલેજનો પ્રિન્સિપાલ કોલેજ કયારે ખોલવી એને માટે સારૃં મુહૂર્ત અને ચોઘડિયું જયોતિષી પાસે નક્કી કરાવે! કોમ કે જ્ઞાાતિને ધોરણે આપણે ત્યાં બેંકો ચાલે છે. કમ્પ્યુટરનો ઉપયોગ આપણે કુંડળી બનાવવામાં કરી શકીએ છીએ! આપણો એક પગ અણુયુગમાં અને બીજો છાણયુગમાં! અખબારમાં એક બાજુ આપણો ઉપગ્રહ છોડયાની ઘટનાના સમાચાર હોય અને બીજીબાજુ કોઈ મોટા યજ્ઞામાં હજારો રૃપિયાનું ઘી હોમાયું હોય કે છપ્પન ભોગ થયો હોય એના સમાચાર હોય! આપણે જાત જાણની ખીચડી પકાવી શકીએ છીએ. સમય બહુ ઝડપથી આપણા હાથમાંથી સરકી રહ્યો છે. ધર્મને પરિણામે આપણી આર્થિક ઉન્નતિ થવાને બદલે અસમાનતા વધતી ગઈ. સામાજિક, આર્થિક પ્રશ્નો ઉગ્ર બનતા ગયા અને ચારે બાજુથી નિરાશા વડે ઘેરાઈ ગયેલા લોકો ડૂબતો માણસ તરણું શોધે એમ ધર્મને શરણે ગયા. એમાં પણ ધર્મના તાત્વિક વિચારને સમજવાની કે પચાવવાની કોશિશ થઈ હોત તો વાંધો નહોતો પણ અહીં તો નર્યા ક્રિયાકાંડો અને શ્લોકો કે કથાઓનું રટણ જ મુખ્ય થઈ ગયું. ધીમે ધીમે આ બધુ ફેશન બની ગયું અને લોકો ધાર્મિક કથાઓ કે પુસ્તકોને આભૂષણની જેમ ગળામાં બાંધીને ફરવા લાગ્યા! ધર્મ એ એક સ્ટેટસ સિમ્બોલ છે. ધર્માચાર્યો અને કથાકારો આજના આપણા વીરનાયકો છે!
ધર્મ એ ફેશન બની શકે છે. ધર્મ દુન્યવી દુઃખદર્દો ભુલાવવાની દવા બની શકે છે. ધર્મ શક્તિપ્રદર્શનનું માધ્યમ પણ બની શકે છે. ધર્મ ગરીબ માણસોનાં શોષણનું સાધન પણ બની શકે છે. ધર્મ લોકોનાં ટોળાં એકઠાં કરવાનું એક અસરકારક હથિયાર બની શકે છે. ધર્મની વાત કરવા માટે લોકો પાસે કોઈ દલીલ કરવી પડતી નથી. માનસિક કસરત કરવી પડતી નથી. સમજાવવા પડતા નથી. શ્રધ્ધાનો ડોઝ આપી દઈએ એટલે કામ ચાલ્યું. આપણે ધર્મના આ બધાં સ્વરૃપોની અત્યંત વરવી અને કુત્સિત દશા બરોબર જોઈ રહ્યા છીએ. આ પ્રક્રિયાને હવે કયાંક રોકવી જ પડશે. ધર્મના નામે દરેક જાતનો અધર્મ આચરાઈ રહ્યો છે. ધર્મ એ સંપત્તિ એકઠી કરવાનો કિમિયો બની શકે છે. ધર્મના નામે સરકારી જમીન કે જાહેર રસ્તો રાતોરાત હડપ કરી શકાય છે. જાહેર વ્યવસ્થાને અવરોધરૃપ થાય એ રીતે મંદિર મસ્જિદ બાંધી શકાય છે.

 

Advertisements

One comment

  1. કહેવાતા રેશનાલીસ્ટોની મોટી સમસ્યા છે કે તેઓ પહેલાં જે કાંઈ અધાર્મિક થઈ રહ્યું છે તેને ધર્મ કહે છે અને પછી તે કહેવાતા ધર્મની નીંદા કરે છે. તેમને એ પણ દેખાતું નથી કે માનવી માનવીની અંદર ભેદ કરે તે અધર્મ તો હોય ધર્મ ક્યારેય નહીં. તેમને એ પણ દેખાતું નથી કે કહેવાતા તમામ ધર્મો રાજકારણના અખાડા બની ગયા છે તેમ છત્તાં તેઓ તેને ધર્મ જ કહ્યા કરે છે અને કારણ ફક્ત એટલું જ એવું પુસ્તકોમાં લખ્યું છે અને બધા તેને ધર્મ કહે છે. જો બધા જે કહે છે, જે કરે તે જ તમારે પણ કહેવાનુ અને કરવાનુ હોય તો તમે રેશનાલીસ્ટ શેના? કોઈ રેશનલ વાત કરતાં તો પહેલાં શીખો, પછી પોતાની જાતને રેશનાલીસ્ટ કહેવડાવો. આવા દંભી ધાર્મિકો જ હોય છે તેવું નથી. દંભી રેશનાલીસ્ટોની પણ મોટી જમાત છે. જેઓ વિજ્ઞાન (સુંઠ)ના ગાંગડે ગાંધી થવા નીકળ્યા છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s