ઈંચ અને સેન્ટિમિટરના ચક્કરમાં ધર્મગ્રંથો–યાસીન દલાલ–“વિચાર વિહાર”–ગુજરાત સમાચાર, 20.ઓગસ્ટ,શનિવાર

 

 

ઈંચ અને સેન્ટિમિટરના ચક્કરમાં ધર્મગ્રંથો–યાસીન દલાલ–“વિચાર વિહાર”–ગુજરાત સમાચાર, 20.ઓગસ્ટ,શનિવાર

 

પ્રાથમિક શાળામાં છાપરૃં ન મળે, પણ ધર્મસ્થાનો આરસથી ચકચકતાં હોય. ભગવાન શાળામાં અને ખેતરમાં વસે છે કે મંદિર – મસ્જિદમાં?
 

હમણા ઝાકીર નાયક નામનો એક કહેવાતો ધર્મગુરૃ લોકોને ધર્મના નામે ઉશ્કેરી રહ્યો છે. બંગ્લાદેશમાં જે બોંબ ધડાકા થયા અને જેમાં સંખ્યાબંધ લોકો માર્યા ગયા એમાના એકે કહ્યું કે અમે ઝાકીરનું ભાષણ સાંભળીને ઉશ્કેરાયા હતાં.
 

આ ભાઈ મુંબઈમાં ડોકટર છે અને આખી દુનિયામાં એમના અનુયાયીઓ છે પણ દર્દીઓની સારવારને બદલે એમણે લોકોને ઉશ્કેરવાનો ગૃહઉદ્યોગ ચાલું કર્યો છે. તેઓ કહે છે કે, ઈસ્લામ દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ છે. અહીં સુધી તો વાંધો નહીં પણ બાકીના બધા ધર્મો નકામા છે એમ કહીને એમને ઉતારી પાડવા શું કામ જોઈએ? એમની સામે ભારત સરકારે તપાસ શરૃ કરી છે. ઝાકીર સાહેબ હમણા દુબઈ વસે છે અને ત્યાંથી ધર્મના નામે ઝેર ઓકતા રહે છે.
 

1984માં એક વિશિષ્ટ પ્રકારની સ્પર્ધા શરૃ થઈ. નાનામાં નાનો ધર્મગ્રંથ અને મોટામાં મોટો ધર્મગ્રંથ શોધી કાઢવાની સ્પર્ધા. આ પ્રવાહ સુરતમાંથી શરૃ થયો અન ે૯૦ વર્ષની ઉંમરની કુલસુમબીબીએ અઢી સેન્ટિમિટર પહોળાઈ અને સાડા ત્રણ સેન્ટિમિટર લંબાઈનું ૮૧૮ પાનાનું કુરાન પોતાની પાસે હોવાનો દાવો કર્યો ત્યારથી એક સિલસિલો શરૃ થઈ ગયો. દાવાઓ અને પ્રતિદાવાઓ થતા જ રહ્યાં. અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કલકત્તા, બેંગલોર, નાસિક વગેરે શહેરોમાંથી જાતજાતના લોકો નવા નવા દાવાઓ કરવા માંડયા કલકત્તાની યાસ્મીન માચીસવાળાએ કહ્યું કે સૌથી નાનું કુરાન મારી પાસે છે જેનું કદ છે ૧.૫x ૧.૯ સે.મિ. અને બધાએ એવો દાવો કર્યો કે એમની પાસે આ પુસ્તકો પેઢીઓથી સચવાયેલાં હતાં.
કુરાન પછી ભગવદ્ગીતાનો વારો આવ્યો અને ભૂજ તથા જામખંભાળિયાએ દાવો કર્યો કે અમારી પાસે ૧.૬ x ૨.૫ સે.મિ. કદની ગીતા છે. અને મુંબઈના શરૃ પાલમ કોર્સે કહ્યું કે મારી પાસે નાનામાં નાનો પારસી ધર્મગ્રંથ છે. જામખંભાળિયાની ભગવદ્ગીતા ૧ ઈંચ કરતાં ઓછી પહોળી છે અને ૫૪ વર્ષ પહેલાં મુંબઈમાં છપાઈ હતી. એમાં ૧૮ અધ્યાયો ઉપરાંત કૃષ્ણની નાનામાં નાની તસવીર પણ છે.
અખબારી અહેવાલો કહે છે કે આ બધા ગિનેસ બુકમાં સ્થાન મેળવવાના પ્રયાસો છે, ઘેલછા છે. એક સમાચાર સંસ્થા એને ‘અભૂતપૂર્વ’ સંશોધન જવર કહે છે.
ધર્મગ્રંથોનું કદ લોકો માટે ગર્વનો અને પ્રતિષ્ટાનો વિષય બની શકે છે. અઢી બાય ત્રણ સેન્ટિમિટરમાં સમાયેલું જ્ઞાાન અને ઉપદેશ અમલમાં મુકાય તો માણસનું કદ વધે કે ઘટે?
 

ધર્મ પણ ફેશન, સ્પર્ધા અને દાવા-પ્રતિદાવાનું માધ્યમ બને છે. બધા ગ્રંથોનું મૂલ્યાંકન ચર્ચા થઈ શકે પણ ધર્મગ્રંથનું મૂલ્યાંકન ન થાય! એને માત્ર પૂજવાના અને માથે ચડાવવાના જ હોય. ધર્મગ્રંથ જયારે ચર્ચા કે સમીક્ષાના વર્તુળની બહાર નીકળી જાય ત્યારે એ એક ‘શો-પીસ’ બનીને રહી જાય છે. પછી એનું કદ એનું મુખપુષ્ઠ, એનું પૂંઠુ, એનો રંગ, એનું જ મહત્વ રહે.
 

આપણે આમ તો રોજબરોજના જીવનમાં જાત જાતના વહેમ અને ખોટી માન્યતાઓ ઉપર નભતા રહ્યા છીએ. પણ, સૌથી વધુ ભ્રમણાઓ ધર્મની આસપાસ એકત્ર થઈ છે. ધર્મગ્રંથોની મજબૂત દીવાલ વચ્ચે આવે એટલે ડહાપણ અને જ્ઞાાન અંદર પ્રવેશી ન શકે.
 

ધર્મગ્રંથોનું સાચું ખોટું અર્થઘટન અને એમાંથી નીપજતી ગેરસમજોને આપણે સતત આપણા મગજમાં, આપણા ઘરમાં ઉછેરતા રહીએ છીએ અને એ ગેરસમજ કોઈ તોડી ન નાખે એની પૂરી કાળજી રાખીએ છીએ. ધર્મગુરૃ અને શિષ્ય એક વિચિત્ર પ્રકારના ગેરસમજના તંતુ ઉપર આગળ ધપતા રહે છે.
 

ધર્મના હાર્દને સમજે અને શિષ્યોને સમજાવે એવા ધર્મગુરૃઓ હવે મળવા મુશ્કેલ છે. પણ જરીપુરાણી અમાનવીય રૃઢિઓને ધર્મની માન્યતાનો અંચળો ઓઢાડીને લોકોને ગેરસમજને માર્ગે લઈ જનારા ધર્મગુરૃઓ જોઈએ તેટલા મળી આવશે. ગેરસમજના પૂલ ઉપર ધર્મની ગાડી સડસડાટ દોડતી રહે છે. ધર્મગ્રંથોમાં ગેરસમજની સાથે થોડી સમજ પણ હોઈ શકે ખરી પણ આપણે ગેરસમજને તરત ઊંચકી લઈએ છીએ અને સમજની ઉપર એનો ઢોળ ચડાવી દઈએ છીએ. સમગ્ર પ્રજા ખોખલી, નકલી, દંભી ધાર્મિકતાના ઘેનમાં ધર્મના પાયાનાં મૂલ્યો ભૂલી ગઈ છે. આપણી ધાર્મિકતા ધર્મસ્થાનોની સજાવટ, રોશની અને ધર્મગ્રંથના કદની સ્પર્ધામાં અટવાઈ ગઈ છે. ધર્મગ્રંથોના કદના ચકરાવામાં ફસાતી પ્રજા એને સત્વને મેળવી ન શકે. ધર્મ એ સ્પર્ધાની કે દેખાદેખીની ચીજ નથી.
 

લોકો જયારે સમજપૂર્વક ગેરસમજનો ભોગ બને ત્યારે એમને બચાવવાનું મુશ્કેલ બની જાય છે. ગેરસમજ અને ભ્રાંતિમાં અંતર ઓછું છે. અંધશ્રધ્ધાને ચરણે બધું સમર્પિત કરી દઈને સુખેથી ધર્મપાલનનો મિથ્યા આનંદ મેળવી શકાય છે.
ધર્મગ્રંથોના ચીલાચાલુ રટણ અને પઠન સાંભળવા લોકોનાં ટોળાં એકઠાં થાય અને ટોફલર કે એરીક ફ્રોમના પુસ્તકની ચર્ચાની શિબિરમાં પંદર માણસો માંડ આવે ત્યારે સમજવું જોઈએ કે સમાજને હવે ટોફલરની જરૃર નથી રહી. બાપુઓ અને મુલ્લાંઓ જયારે સ્વેચ્છાએ નિવૃત્તિ લેશે ત્યારે જ બર્ટાન્ડ રસેલ અને ટી.એચ. લોરેન્સની વાત સંભળાશે. ધાર્મિક કથા પૂરી થયા પછી ત્યાં લોકોએ ફેંકેલી આઈસ્ક્રિમ અને ભેળનો કચરો ઉપાડવા માટે કોઈ રોકાતું નથી.
 

જેમ ઈંટ – ચૂનાની દીવાલોમાં ધર્મનો આત્મા ન હોઈ શકે એમ ઈંચ અને સેન્ટિમિટરના ગ્રંથોમાં ધર્મનો આત્મા ન હોઈ શકે. જીવનના સત્યને ઈંચ કે સેન્ટિમિટરમાં માપી શકાતું નથી અને જ્ઞાાન તથા ડહાપણ ફૂટપટ્ટીની સીમાને તોડી નાખતા હોય છે.
 

ધર્મગ્રંથ જો વિશ્વનાં બધાં જ રહસ્યો સમજાવી દેતું હોય તો આપણે આપણી વિચારશક્તિને કાઢીને બહાર ફેંકી દેવાની રહે. ઢગલાબંધ ધર્મગ્રંથો પોકારીને કહે છે કે અમારાથી આગળ અને પાછળ, અમારાં પૃષ્ઠોની બહાર પણ જ્ઞાાન છે, પ્રશ્નોના ઉકેલ છે, માટે અમે જે પ્રશ્નોને ઉકેલી ન શકીએ એને તમારી સ્વતંત્ર બુધ્ધિથી ઉકેલજો. પણ ધર્મગ્રંથોનો એ અવાજ ભક્તોના બહેરા કાને અથડાય તો ને! ધર્મગથના હથિયારથી જ આપણે એના આત્માને હણી નાખ્યો છે.
 

ધર્મગ્રંથોમાં લખેલી વાતોને એમના બદલાતા સંદર્ભમાં જોવી અને મૂલવવી જોઈએ. ધર્મગ્રંથોમાં કહેલું બધું સનાતન સત્ય હોય તો ઔદ્યોગિક ક્રાંતિ ન થઈ હોય, અને ગેલેલિયો કે કોપરનિકસ જેવાએ દિનરાતની મહેનત પછી કોઈ શોધખોળ કરવાની ન રહે. પૃથ્વી ચોરસ છે એવી ગેરસમજ ધર્મગ્રંથોએ જ ઊભી કરી હતી અને આધુનિક વિજ્ઞાાને એને દૂર કરી. હવે વિજ્ઞાાને બનાવેલી ઘડિયાળના કાંટા ઊંધા ફેરવવાના મહાપ્રયત્નો શરૃ થયા છે.
 

બાળપણમાં એક કથાકારને ખૂબ સાંભળેલા. વારંવાર એક વાત એ ભાર પૂર્વક કહેતા કે વિજ્ઞાાન તો ધર્મની દાસી છે. એમનું કહેવું હતું કે બ્રહ્માંડનું સઘળું જ્ઞાાન, સઘળી માહિતી હજારો વર્ષો પહેલાં ધર્મગ્રંથોમાં કહેવાઈ ચૂકી છે.
 

વિજ્ઞાાનની શોધખોળની એ હાંસી ઉડાવતા અને પશ્ચિમી સંસ્કૃતિની ઝાટકણી કાઢતા પણ એમને કોણ કહે કે એમનો અવાજ શ્રોતાઓ સુધી માઈક્રોફોન દ્વારા પહોંચતો અને રાતના અંધકારમાં મર્ક્યુરી લાઈટનો પ્રકાશ જ એમની કથાને શકય બનાવતો હતો. એ પોતાની કથા સમયસર પૂરી કરવા માટે કાંડા ઘડિયાળ તરફ જોતા રહેતા અને કથા કરીને બીજે લઈ જવા માટે એમના માટે મોટરકાર તૈયાર હતી! વિજ્ઞાાનનો વિરોધ કરવા માટે એમણે વારંવાર વૈજ્ઞાાનિક શોધખોળોનો આશરો લેવો પડતો અને એરકૂલરની હવા વિના એ અકળાઈ ઊઠતા! એવા ધર્મગુરૃઓ લોકો પાસે આવી બેવડી વાતો કરે એ સમજયા પણ મોટુ આશ્ચર્ય તો એ કે લોકો પણ આવી ભ્રમણાને સહેલાઈથી ગળે ઉતારી જતા!
 

ધર્મગ્રંથોના યંત્રવત્ પઠનમાં પ્રજા ધર્મના ઉધ્ધારનો ગર્વ ભલે લે. એ મિથ્યા ગર્વ છે. પાયાના માનવીય મૂલ્યોનું ગૌરવ ન સાચવે એ ધર્મ નથી, ધર્મનો આભાસ છે. ધર્મ ઉપર સૌથી વધુ અત્યાચાર, ગેરસમજ ફેલાવતા ધર્મગુરૃઓ કહે છે, ધર્મ ઉપરનો ખતરો નાસ્તિકો તરફથી નહીં.’ આવા ધર્મગુરૃઓ તરફથી છે. છેલ્લામાં છેલ્લા માણસનો ઉધ્ધાર ન કરી શકે એ ધર્મનું કોઈ મૂલ્ય નથી. વિધવાને બળી મરવાનો વારો આવે, એને સતી ગણવામાં આવે અને આવી ક્રૂરતાને ધર્મનું સંરક્ષણ આપવામાં આવે ત્યારે ધર્મની ઠંડે કલેજે હત્યા થાય છે.
 

પતિ દ્વારા ત્યજાયેલી અશકત, અશિક્ષિત, નિરાધાર સ્ત્રીને ભરણપોષણ ન મળે ત્યારે માનવતા ચીસ પોકારી ઊઠે છે. લોકો ઉપર હવે ‘ધર્મ’ નો નહી માત્ર પાખંડી ધર્મગુરૃઓનો પ્રભાવ છે. ધર્મ પણ એક ધીકતો ધંધો બન્યો છે. કથાઓ સાંભળવા જવું એક ફેશન બન્યું છે. ધર્મની રેલીઓ નીકળે છે. ગંદકીથી ઊભરાતી હોસ્પિટલોની આપણને ચિંતા નથી. નળમાં ભળી જતા ગટરના પાણીની ચિંતા નથી, દુષ્કાળમાં મરતા લોકોની ચિંતા નથી, પણ ધાર્મિક શોભાયાત્રા આપણે માટે પ્રતિષ્ઠાનો મુદ્દો છે.
એક યુનિવર્સિટીના અધ્યાપકે એક નવા જ વિષયમાં સંશોધન પાછળ ખૂબ મહેનત લીધી અને રખડપટ્ટી કરી. એ પછી એમણે પોતાનો શોધપત્ર પુસ્તકરૃપે છાપીને રજૂ કર્યો. સામાન્ય રીતે આવા શોધપત્રો, ટાઈપ કરીને રજૂ થાય છે. પણ એમણે એને સીધું મુદ્રિત કર્યું.
 

યુનિવર્સિટીમાં એક અધિકારી હતા જેમનો હોદો તો ‘એકેડેમિક ઓફિસર’ જેવું રૃપાળું નામ ધરાવતો હતો. પણ એમણે જીવનભર એન્ટિએકેડેમિક નિર્ણયો જ લીધેલા. આ શોધ નિબંધ એમણે નામંજૂર કરીને નોંધ લખી, ‘આ નિબંધનું કદ ચાર x છ નું છે, ખરેખર આઠ x દશ ઈંચનું હોવું જોઈએ!’
 

એ ઓફિસરને એક નવા જેવા એક નવા જ વિષયમાં પાયાનું, મૂલ્યવાન સંશોધન થાય એનું મહત્વ નહોતું! એમને તે પુસ્તકના કદમાં નિસ્બત હતી. એમની ટૂંકી દ્રષ્ટિ પુસ્તકના કદથી આગળ ગઈ નહીં. મોટી ઈમારતોમાં યુનિવર્સિટીઓ જઈને વસી અને એ ઈમારતોમાં શિક્ષણ કેદ થઈ ગયું એમ અમુક કદ અને અમુક સાજસજાવટવાળા પુસ્તકોમાં જ્ઞાાન અને સંશોધન કેદ થઈ ગયું છે. જ્ઞાાનીજનોનું મુલ્યાંકન જયારે બેવકૂફ લોકો દ્વારા થવા માંડે ત્યારે મોટી હોનારત સર્જાય છે. ગ્રંથ એ ધર્મનો હોય કે શિક્ષણનો એમાં સુધરાયેલું જ્ઞાાન મહત્વનું છે.
 

કેટલાક ધર્મગુરૃઓ એક બાજુ આશ્રમ ચલાવે છે અને બીજીબાજુ ઘરમાં સંપત્તિ એકઠી કરે છે. સંસાર અસાર છે, મિથ્યા છે એવો સતત ઉપદેશ દેનાર ધર્મગુરૃ જો શિષ્ય મારૃતિ ગાડીની ભેટ આપે તો સહર્ષ સ્વીકારી લે છે! ધર્મગુરૃઓના સન્યાસને નિભાવવા માટે શ્રીમંત શિષ્યોએ મોટી રકમો, ઘરેણાં અને ગાડીઓની ભેટ આપવી પડે છે.
 

વડાપ્રધાનની જેમ ધર્મગુરૃ પણ પધારે ત્યારે એમની સરભરામાં લાખો રૃપિયા ખર્ચાય છે. માર્ર્સે ધર્મને અફીણ સાથે શા માટે સરખાવ્યો હશે? ધર્મસ્થાનો આજે આપણાં સૌથી સાધનસંપન્ન સ્થાનો છે! પ્રાથમિક શાળામાં છાપરૃં ન મળે, પણ ધર્મસ્થાનો આરસથી ચકચકતાં હોય. ભગવાન શાળામાં અને ખેતરમાં વસે છે કે મંદિર – મસ્જિદમાં?
આપણા સંગઠિત ધર્મો આપણું એક પ્રજા તરીકે ઘડતર કરવામાં નિષ્ફળ ગયા છે. ઊલટું, ધર્મના પ્રભાવ હેઠળ પ્રજા માંદી, નિષ્કત્રિય, પ્રમાદી અને કાયર બની ગઈ છે. રાજકારણીઓએ છોડેલું અધૂરૃં કામ સંતો અને મહાત્માઓ પૂરૃં કરી રહ્યા છે. આ બેની જુગલબંધીમાંથી નીકળતા મિથ્યા રાગ અને પ્રલાપને શાસ્ત્રીય સંગીત સમજીને પ્રજા માણી રહી છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s