પરિશ્રમ વિના પ્રગતિ નહીં—યાસીન દલાલ-” વિચાર વિહાર “

પરિશ્રમ વિના પ્રગતિ નહીં—યાસીન દલાલ-” વિચાર વિહાર ” ગુજરાત સમાચાર, શનિવાર, 6, ઓગસ્ટ,2016.

જેટલા દેશો આર્થિક રીતે આગળ આવ્યા છે, એ બધા જ સખત મહેનત અને પુરુષાર્થથી આગળ આવ્યા છે

જે કામમાં વિદેશોમાં દસ માણસો જોઈએ ત્યાં આપણે ત્યાં ૧૦૦ માણસોની જરૃર પડે છે. પછી એ ઓફિસમાં ક્લાર્ક હોય કે હોટલનો રસોઈયો હોય. વિદેશીઓ જ્યારે જ્યારે આવે ત્યારે આપણે ત્યાં ‘વર્ક કલ્ચર’નો અભાવ જોઈને ડઘાઈ જાય છે. એકવાર દેશમાં ઈઝરાયલનો ફૂડ ફેસ્ટિવલ યોજાયો ત્યારે એમણે કહ્યું કે અમને શાકભાજી અને તાજી ખાદ્ય સામગ્રી મેળવવામાં તો મુશ્કેલી પડી, પણ સૌથી વધુ મુશ્કેલી તો અહીંના લોકોની આળસ અને બેદરકારી સાથે પનારો પાડવામાં પડી. આવો જ અભિપ્રાય જાપાન અને જર્મનીના ઘણા ઉદ્યોગપતિઓએ આપ્યો છે.

આપણે અર્થતંત્રમાં ઉદાર નીતિ અપનાવી એ પછી પણ વિદેશના ઘણા ઉદ્યોગપતિઓ આપણે ત્યાં મૂડીરોકાણ કરતા અચકાય છે એનું કારણ આ જ છે. આપણે ત્યાં બેન્ક અને એરલાઈન્સના કર્મચારીઓ અવારનવાર હડતાળ પાડતા હોય છે અથવા કોઈને કોઈ પ્રકારનું આંદોલન ચલાવતા હોય છે. હમણાં એરલાઈન્સના ટ્રાફિક કન્ટ્રોલ અને બીજા ટેકનિકલ વિભાગોના કર્મચારીઓએ દિવસો સુધી ‘ધીમે કામ કરો’ની નીતિ અપનાવી (જો કે, આપણે ત્યાં આમ પણ કામ ધીમી ગતિએ જ થતું હોય છે.) આને લીધે દિવસો સુધી દેશભરમાં વિમાનીસેવા ખોરવાઈ ગઈ, ઉડ્ડયનો મોડા પડયાં, એ બધું આપણી સહનશીલ પ્રજાએ ચલાવી લીધું. હવે એ આંદોલન પૂરું થઈ ગયું, પણ એ આંદોલનને લીધે વિમાનીમથકો પરની યાંત્રિક સામગ્રીની સારસંભાળ બરોબર ન થઈ શકવાને લીધે ઘણી યંત્રસામગ્રી ખોટકાઈ ગઈ છે અને એરપોર્ટની યંત્રસામગ્રી ખોટકાઈ જાય એટલે શું થાય તે આપણે જાણીએ છીએ.

એક એરપોર્ટ પર ડી.વી.ઓ.આર. નામનું ઉપકરણ બંધ હતું અને આ ઉપકરણના સિગ્નલ વિના વિમાન ઊતરી શકે નહીં. પણ, એમ છતાં, વિમાને આંધળું ઉતરાણ કર્યું અને ઊડી પણ ગયું. વિમાન મુંબઈથી ઊપડયું ત્યારે જ જાણ થઈ ગઈ હતી કે, આ ઉપકરણ બંધ છે, છતાં આવું દુઃસાહસ કરવામાં આવ્યું. અખબારી અહેવાલ જણાવે છે કે, મુંબઈ- દિલ્હીનાં હવાઈમથકોએ તો રડાર યંત્રો પણ બંધ પડી ગયાં છે. ક્યાંક ડી.એમ.ઈ. મશીન, તો ક્યાંક રેડિયો ટેલિફોનિક સુવિધા બંધ છે. અને છતાં, હવાઈ સેવાઓ ચાલુ છે. કામ કરવાને બદલે આળસ અને આંદોલનોને લીધે લાખો માણસોનું જીવન જોખમમાં આવે છે એ વાત આપણને ક્યારે સમજાશે?

સર જેમ્સ થોમસન ભારતીય નાગરિક સેવાના એક મોભી હતા. એમની યુવાન પત્ની અચાનક અવસાન પામી. સ્વાભાવિક રીતે જ થોમસનને એનો ઊંડો આઘાત લાગ્યો. એમને એમ લાગ્યું કે, આ આઘાત એમનાથી જીરવી શકાશે નહી. અંતે એમને એક વિચાર આવ્યો. એમણે એમનું જીવન સખત પ્રવૃત્તિમય બનાવી દીધું અને પોતાનાથી શક્ય બને એટલો સ્નેહ અને સમભાવ લોકોને આપવા માંડયા. પ્રવૃત્તિમય રહેવાને લીધે એક તો એ પત્નીના મોતનું દુઃખ ભૂલી શક્યા અને બીજું એ નિમિત્તે અનેક લોકોને મદદરૃપ થઈ શક્યા, એમનાં કામ કરી આપ્યાં અને એમની શુભેચ્છાઓ મેળવી. આને લીધે એમને એક પ્રકારનો સંતોષ પ્રાપ્ત થયો. વારંવાર હડતાળો પાડીને બીજાને દુઃખ પહોંચાડતા એરલાઈન્સના કર્મચારીઓ આવા દાખલામાંથી ઘણું શીખી શકે એમ છે.

અફસોસની વાત એ છે કે, આપણે ત્યાં શિક્ષણ મેળવેલા, હોશિયાર, બુદ્ધિશાળી લોકો જ આવી સ્વાર્થી રમત રમે છે. ભારતમાં પંદર કરોડ લોકો દૂરનાં ગામડાઓમાં ખેતમજૂરી કરે છે અને એનું ભારે શોષણ થાય છે. પણ, એ લોકો તો પોતાના શોષણને વાચા પણ આપી શકતા નથી. બીજી તરફ, એકાદ કરોડ જેટલા ભણેલા અને હોશિયાર લોકો મહિને હજારો રૃપિયાનો પગાર અને અધિકાર મેળવતા હોવા છતાં સામાન્ય પ્રજાને પીડા આપતા જ રહે છે.

ઈ.એફ. શુમાકરે ‘સ્મોલ ઈઝ બ્યુટીફુલ’ નામના પુસ્તકમાં કહ્યું છે કે, શિક્ષિત માણસોની તો સમાજ તરફ બેવડી ફરજ હોય છે. ચીનમાં એક ગણતરી થઈ છે, જે મુજબ ડિગ્રીમાં ભણતા એક વિદ્યાર્થીનું ખર્ચ પૂરું કરવા ત્રીસ ખેડૂતોએ પાંચ વર્ષ મહેનત કરવી પડી. મહાન વૈજ્ઞાાનિક આઈન્સ્ટાઈન પુરુષાર્થ અને પરિશ્રમને જ જીવનની સફળતાનું સૂત્ર માનતા. એમણે વિજ્ઞાાનનાં અનેક રહસ્યો ઉકેલ્યાં અને સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો, જે માત્ર વિજ્ઞાાનનાં જ નહીં, પણ જીવનનાં દરેક ક્ષેત્રમાં આજે તર્કસંગત મનાય છે.

એક વાર આઈન્સ્ટાઈનને કોઈએ પૂછયું, ‘તમારી સફળતાનું રહસ્ય શું છે?’ જવાબમાં એણે એક દાખલો ગણાવતાં કહ્યું, એસ=એક્સ+વાય+ઝેડ… એસ એટલે સફળતા, એક્સ એટલે પરિશ્રમ, વાય એટલે આરામ અને ઝેડ એટલે મૌન… માણસને સખત કામની જરૃર રહે એટલી જ આરામની જરૃર છે. પણ આરામ એટલે આળસ નહીં પણ કામનું પરિવર્તન… આઈન્સ્ટાઈન કામથી થાકી જાય એટલે વાયોલિન વગાડવા બેસી જતા. એમણે મૌન ઉપર પણ ભાર મૂક્યો. માણસ મૌન રહીને થોડું ચિંતન કરે, વિચાર અને અને ઊંડાણથી પોતાના જીવનનું પૃથક્કરણ કરે તો એને એમાંથી ઘણા નવા વિચારો સૂઝે અને ક્યારેક મુશ્કેલીમાંથી માર્ગ પણ મળી આવે. એ પછી જે કામ હાથ પર લેવામાં આવે એમાં રુચિ હોય છે અને એમાં સર્જનાત્મકતા હોય છે. આવું કામ કરવાનો આનંદ નિરાળો જ હોય છે. એનાથી કંટાળાની લાગણી દૂર થાય છે અને કશુંક સત્વશીલ કે સર્જનાત્મક કામ કરવાનો સંતોષ મળે છે. પછી મનની શાંતિ માટે કોઈ આધ્યાત્મિક ગુરુઓ પાસે જવાની કે કોઈ શિબિરમાં હાજરી આપવાની જરૃર રહેતી નથી. અંદરથી મળતો સંતોષ જ માણસના જીવનનું ચાલક બળ બની રહે છે.

વિખ્યાત લેખક વોલ્ટેરની એક નવલકથા છે. એનો નાયક કેન્ડીડ શાંતિ અને સુખની શોધમાં ભટકે છે. અલબત્ત, એની અવસ્થા હરમાન હેસના સિદ્ધાંતથી જુદી છે. એ પણ અલબત્ત, જીવનને પામવાની મથામણમાં હોય છે ચડે છે. ત્યાંનો ખેડૂત પોતાની થોડા એકર જમીનમાં નારંગીના ઝાડની છાયા હેઠળ બેઠો હોય છે અને એના પુત્રો ખેતી કરી રહ્યા છે. ખેડૂત પોતે પણ કામ કરે છે અને કામથી થાકે ત્યારે અહીં આ વૃક્ષ હેઠળ આરામ કરે છે. પણ, ખેડૂત અને એના પુત્રોના ચહેરા ઉપર સંતોષની એક જ પ્રકારની લકીર કેન્ડીડ જુએ છે અને એને સુખનું રહસ્ય મળી જાય છે. પેલો ખેડૂત કહે છે, ‘કંટાળો દૂર કરવો હોય, ગરીબીથી બચવું હોય અને દુર્ગુણોમાં સપડાવું ન હોય તો પ્રવૃત્તિ એ જ સાચો રસ્તો છે. ‘કેન્ડીડ તરત જ નિર્ણય લઈ લે છે અને એક બગીચામાં જઈને કામે લાગી જાય છે.

જાપાનની પ્રજાની ઉદ્યમશીલતા આપણે જાણીએ છીએ. ત્યાંનો દરેક કામદાર દરરોજ કંપનીનું કામ શરૃ કરતા પહેલાં એક ગીત ગાય છે. ‘નૂતન જાપાનના નિર્માણના કામમાં ચાલો આપણી શક્તિ અને આપણા દિલને જોડીએ.’ અહીં શક્તિની સાથે દિલને જોડવાની વાત ઉપર ભાર મૂક્યો છે. માત્ર શક્તિથી કામ થતું નથી, પણ એની સાથે આપણું મન પણ જોડાયેલું રહેવું જોઈએ. આવા ‘ઈન્વોલ્વમેન્ટ’થી જે કામ થાય એનું પરિણામ ઉત્તમ જ થાય છે અને દિલચોરીથી જે કામ થાય એમાં ભલીવાર હોય જ નહીં. કામ ન કરવું હોય એને બહાનાં મળી રહે છે.

આપણી કોઈ પણ નવી સરકારને પૂછો કે દેશની પ્રગતિ કેમ નથી થતી, તો તરત કહેશે, ‘આમારા પહેલાની સરકારે એટલો ગેરવહીવટ કર્યો હતો કે એ સુધારતા જ અમને પાંચ વર્ષ લાગશે.’ મુંબઈથી લોકલ ટ્રેનની હાડમારી વિશે રેલવેને પૂછશો તો કહેશે, ‘શું કરીએ? આટલી બધી વસતીની હેરફેર કરવી એ કંઈ મામૂલી વાત નથી.’ આપણે એમને કહીએ કે ભાઈ, લંડનની વસતી પણ મુંબઈ જેટલી જ છે… તો, વાત બીજે માર્ગે વાળી દેશે. કોઈ ઓફિસના કારકૂનને પૂછશો કે વહીવટ કેમ ધીમો ચાલે છે? તો કહેશે, શું કરું, ઉપરથી જ બધું બગડી ગયું છે, ત્યાં અમે નાના માણસો શું કરી શકીએ? અને કોઈ કોઈ કર્મચારી જો ભૂલેચૂકે ખૂબ કામ કરવા માંડશે તો બીજા લોકો એની મશ્કરી કરીને કહેશે, અલ્યા, આટલું કામ કરે છે તો કોઈ તને પાઘડી પહેરાવી દેવાનું નથી! સુરતમાં એકવાર ત્યાંના મેયરે રેલવે સ્ટેશનની ગંદકી જોઈને ટીકા કરી ત્યારે રેલવેના સાહેબે જવાબમાં કહ્યું હતું કે, પહેલાં ગામની ગટરો બરોબર સાફ કરો ને પછી અમને સલાહ આપજો.

આમ, કામ ન કરવાનાં બહાનાં બતાવવાં કે પોતાની નિફળતાનો દોષનો ટોપલો બીજા ઉપર ઓઢાડી દેવામાં આપણે બહાદુર છીએ. અહીં કોઈ પોતાની જવાબદારી સ્વીકારવા જ તૈયાર નથી. બધા બહાનાં બતાવીને છટકી જવા માંગે છે. પણ, બીજાના દોષ બતાવવાથી આપણો દોષ ઢંકાઈ જતો નથી એ વાત યાદ રાખવી જોઈએ. આજની દુનિયામાં જેટલા દેશો આર્થિક રીતે આગળ આવ્યા છે, એ બધા જ સખત મહેનત અને પુરુષાર્થથી આગળ આવ્યા છે. જે પ્રજાઓ પ્રમાદમાં ફસાઈ એ બધી પાછળ રહી ગઈ.

સ્પર્ધાની દુનિયામાં રજાઓ, અધિકારો, હડતાળો અને આંદોલનોથી કામ ચાલતું નથી. આ બધી ચીજો પોતપોતાની જગ્યાએ કામ કરે, પણ ઉત્પાદન તો ચાલુ જ રહેવું જોઈએ. ધંધારોજગાર બંધ રાખીને કશું પણ થઈ શકે નહીં. એનાથી તો સરવાળે સૌને નુકસાન થાય અને એ નુકસાનનો થોડો હિસ્સો આપણા ભાગમાં પણ આવે. કર્મચારી સંગઠિત હોય કે અસંગઠિત હોય, એણે કામ તો કરવાનું જ છે. કામચોરીને રક્ષણ આપે એવાં કર્મચારી મંડળો આપણા સિવાય બીજા કોઈ દેશમાં અસ્તિત્વમાં નથી. જે રીતરિવાજો અને ક્રિયાકાંડોમાં જવાનું ટાળી શકાય તેમ હોય ત્યાં પણ અતિ ઉત્સાહમાં ધસી જવું એમાં સમયનો ભારોભાર બગાડ તો છે જ, પણ જાહેર વાહન વ્યવહાર વ્યવસ્થાનો પણ એમાં ભારે દુરુપયોગ છે. જે દેશમાં ટ્રેન કે બસ શરૃ કરવાના પૈસા ન હોય, બળતણની ભારે તંગી હોય, ત્યાં  એક  પણ નકામો પ્રવાસ એ દેશનાં ટાંચાં સાધનો ઉપરનો અત્યાચાર છે. આવા આધુનિક બળાત્કારોની આપણે નોંધ લેતા નથી, એ આપણી કમનસીબી છે.

સમય બગાડવા માટેનાં બહાનાં શોધતી પ્રજા પ્રગતિનાં સપનાં જોઈ શકે નહીં. આપણે કેટલા બધા નિરર્થક તહેવારો અને નિરર્થક પ્રસંગોમાં તથા ઔપચારિકતાઓમાં સમય બગાડીએ છીએ? દર રવિવાર થાય અને હોટલનું પ્રદૂષિત ભોજન લીધા વિના ચાલે નહીં એવા કુટુંબો બહાર જવામાં હોટલમાં પહોંચીને ટેબલ પર ભોજનની રાહ જોવામાં, પોતાનો નંબર આવે એની લાઈન લગાડવામાં અને પછી ઘરે પાછા ફરવામાં કલાકો બગાડી નાખે છે. આટલી વારમાં ટોફલર, પિટર, ડ્રકર, એરીક ડ્રોમ કે માર્શલ મેકલુહાનનું એક સુંદર પુસ્તક વાંચી શકાય. પણ, આવા સાદા હિસાબકિતાબ માંડવાની ફુરસદ કોને છે? યાસીન દલાલ

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s