વ્હાલા ભૂલકા/લાડકા બાળકોને ( 5 થી 16 વર્ષની વય જૂથના ) માતા-પિતા દ્વારા પત્ર !!!

દાદા-દાદી અને નાન-નાની ઉપરનો બાળકોએ લખેલ પત્ર વાંચી તેમના માતા પિતાએ જવાબ તા. 25/03/2010ના આપ્યો તે મારાં બ્લોગ ઉપર આજ ફરી પ્રસિધ્ધ કરું છું. જે વાંચી આપનો પ્રતિભાવ જરૂર જણાવશો.

 

વ્હાલા ભૂલકા/લાડકા બાળકોને ( 5 થી 16 વર્ષની વય જૂથના ) માતા-પિતા દ્વારા પત્ર !!!

તમારા દ્વારા લખાયેલ દાદા-દાદી અને નાના-નાની ઉપરનો પત્ર અમારાં વાંચવામાં આવ્યો છે. તેના પ્રત્યુત્તરમાં અમારા લાડકાઓને અમારી વાત કહેવાનું ( હા યાદ રહે આ તમને સમજાવવા કે ઠપકો આપવાનો પ્રયાસ નથી ) મન થતાં આ લખી રહ્યા છીએ.

સૌ પ્રથમ આજની પરિસ્થિતિ અને સંજોગોની વાત કરીએ તે પહેલાં થોડી વાતો અમો નાના હતા ત્યારે સમાજ અને કૌટુંબિક વ્યવસ્થા કેવી હતી તે વિષે સંક્ષેપમાં તમારી જાણ અને માહિતિ ઉપરાંત સમજ માટે અત્રે રજૂ કરી છે.

અમારાં માતા-પિતા અર્થાત તમારા દાદા-દાદી કે નાના-નાની જ્યારે વયસ્ક થયા ત્યારે મોટાભાગના પરિવારો સંયુકત રહેતા હતા. અને તમને આશ્ચર્ય થશે પરંતુ બે-ત્રણ પેઢી સુધી પરિવાર સંયુકત રીતે જીવતો, રહેતો, ખાતો, પીતો હતો. મોટાભાગના પરિવારોની સંખ્યા 7-8 થી શરૂ કરી 10-12 સુધી સામાન્ય ગણાતી તો કેટલાક પરિવારોમાં આ સંખ્યા 15-20 સુધી પણ રહેતી. સામાન્ય રીતે દરેકને ત્યાં બાળકોની સંખ્યા 4 થી માંડી 10-12 સુધી રહેતી. વધારે બાળકો સમાજમાં ગૌરવ ગણાતું !

સૌ એક જ ઘરમાં સાથે રહેતા-ભણતા-રમતા અને જમતા. ભણવામાં 7 કે 8 ધોરણ સુધી પહોંચેલ ભણેલો/ભણેલી ગણાતો/ગણાતી. કેટલાક મેટ્રિક સુધી પહોંચતા તેનો મોભો વધી જતો ! ભાગ્યેજ કોઈક પરિવારના બાળકો કોલેજનું શિક્ષણ પામતાં. કોલેજો પણ મર્યાદિત સંખ્યામાં મોટાં શહેરોમાં જ ઉપલબ્ધ હતી. શાળા/કોલેજોની ફી પણ આજની સરખામણીએ નહિવત હતી. અભ્યાસના પુસ્તકો જ્ઞાતિ તરફથી મળતા. હજુ યુનિફોર્મ ચાલુ થયા નહિ હતા.

પરિવારમાં વસ્ત્રો ચડ-ઉતર અર્થાત મોટા બાળકના વસ્ત્રો નાના બાળકને મળતા અને તે કોઈ છોછ નહિ ગણાતું. મોટાભાગના પરિવારોમાં વર્ષમાં એક વાર દરજીને ઘેર બોલાવી તમામ સભ્યો માટે વસ્ત્રો તૈયાર કરાવવામાં આવતા.

ભોજનની વાનગી ઘરમાં જે ચીજ ઉપલબ્ધ હોઈ તે રાંધી બનાવામાં આવતી અને પરિવારના સભ્યો પ્રેમથી આરોગતા.રાંધવા/પીવા માટે પાણી દૂર દૂરથી લાવવું પડતું અને તે કામ મોટા ભાગની પરિવારની સ્ત્રીઓ તેમના રોજ-બ-રોજના ગૃહકાર્યના ભાગ રૂપે કરતી. રાંધવા માટે છાણાં-લાકડાં બળતણ સ્વરૂપે વાપરવામાં આવતા. સમય પ્રમાણે સુધારો થતાં કોલસા બાદ સ્ટવ કે જે પેટાવવા સાથે ખૂબ જ ઘોંઘાટ કરતો અને તેથી ઘોંઘાટીયો સ્ટવ તરીકે ઓળખાતો ત્યાર પછી વાટ વાળા મૂંગા સ્ટવ પણ આવ્યા.

રાત્રે પ્રકાશ માટે હરિકેન/ફાનસ વપરાતાં જે કેરોસીનથી પેટાવાતા. ક્યારે ક તેલના કોડિયાથી પણ ચલાવી લેવું પડતું. આથી સંધ્યા સમય પહેલાં જ મોટા ભાગના પરિવારનું ભોજન આટોપાઈ જતું.

પાણી માટે નળ નહિ હતા. કૂવાએથી લાવવામાં આવતું જે રસોઈમાં વપરાતું. સ્નાન કરવા-કપડાં ધોવા કૂવે જવાનું રહેતું. ક્યારેક આઠ દિવસના કપડાં સાથે ધોવા નદીએ જવાતું. અંગત વપરાશ માટે બાથરૂમ કે જાજરૂ ભાગ્યે જ જોવા મળતા.

ભોજનમાં સવારે રોટલી/રોટલો-દાળ કોઈક વાર સીઝન પ્રમાણે શાક બનતું. સાંજનું મેનુ મોટાભાગના પરિવારમાં ખીચડી-ભાખરી કે રોટ્લો સામાન્ય રહેતા. સવારનાં નાસ્તામાં પણ ભાખરી કે રોટલો સાથે ગોળ મળતો. અલબત્ત દૂધ-દહીં અને છાસ શુધ્ધ મળતા. મિઠાઈ કે ફરસાણ વાર તહેવારે કે કોઈ પ્રસંગે બનતા. મિઠાઈમાં લાપસી/ઓરમું કે ચુરમાના લાડુ મુખ્યત્વે રહેતા તો ફરસાણમાં ગાંઠિયા અને ભજીયાં મુખ્ય રહેતા.

ઘરના વડિલોની પરિવારની દીકરી સીવાય તમામ સ્ત્રીઓ એ ઘુમટો તાણી લાજ કાઢવાની રહેતી. સાડી સ્ત્રીઓ માટે એક માત્ર પોશાક હતો. દીકરી માટે પણ 10 વયની થાય કે પછેડો ઓઢવો ફરજિયાત હતો. આડોશ-પાડોશની સ્ત્રીઓ જે તે વિસ્તારના પૂરુષોની લાજ કાઢી મર્યાદા જાળવતી.

વિજળી-રેડિઓ કે સાયકલ હોવી પ્રતિષ્ઠા ગણાતી. ક્રિકેટ મેચ વખતે આડોશ્-પાડોશ તથા સગા-વહાલાં અને મિત્રો જેને ત્યાં રેડિઓ હોય તેને ઘેર કોમેંટ્રી સાંભળવા એકઠા થતા.

દીવાળી જેવા તહેવારો દરમિયાન પરિવારના તમામ સભ્યો જ્યાં હોય ત્યાંથી, મુખ્ય ઘેર પંહોચી જઈ, તહેવારો સંયુકત રીતે માણવાનો વણ-લખ્યો નિયમ હતો અને તમામ સભ્યો હોંશે હોંશે પાળતા. પરિવારમાં આવતા બાળકોના વેવિશાળ/લગ્ન પ્રસંગો સમગ્ર પરિવાર સંયુકતં રીતે માણતો. આનંદ પ્રમોદ માટે ક્યારે ક ભવાયા તો ક્યારે ક રામલીલા ભજવનારા તો, ક્યારે ક દોરડા ઉપર ખેલ કરનારા નટો, દેશી નાટકો કરનારા પણ આવતા. કોઈ કોઈ શહેરમાં સીનેમા ચાલુ થયેલા.

પરિવારનો સૌથી વયસ્ક સભ્ય કુટુંબનો કર્તા ગણાતો અને પરિવારના તમામ કમાતા સભ્યો તેમની આવક કર્તાને સોંપી દેતા જેમાંથી ભવિષ્યમાં આવનારા ખર્ચ અને બચત માટે રકમ અલગ ફાળવી, કર્તા પરિવારનો વહિવટ કે વ્યવહાર સફળતાથી ચલાવતા ! આથી પરિવારના નબળા સભ્યો કે, પ્રમાણમાં ઓછું કમાતા સભ્યો પણ સચવાઈ જતા. કર્તાના નિર્ણયને સૌ માન આદરથી પાળતા.

બાળકોને રમવા માટે ઘરનુ ફળિયું અને બહાર શેરીના મેદાનો ઉપલબ્ધ હતા. તેમાં અનેક પ્રકારની રમતો સૌ સાથે મળી રમતા. શાળાના વેકેશન દરમિયાન મોટાભાગના બાળકો નાના-નાની/મામા-મામી પાસે વેકેશન માણવા મોસાળ જતા અને મોજ કરતા. તેથી જ પેલી કહેવત પડી છે કે મોસાળ જમવાનું અને મા પીરસણે અને કોઈક ભાણેજે જ કદાચ જોડી કાઢેલી બીજી કહેવત એક ભાણેજને જમાડવાથી સો બ્રાહ્મણ જમાડ્યાનું પૂણ્ય મળી રહે છે !

ધીમે ધીમે સમય બદલાયો અને સામાજિક રીત રિવાજોમાં પણ બદલાવ/પરિવર્તન ચાલુ થયું. સાથોસાથ અનેક પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનવા લાગી.પાણી, વિજળી, બળતણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, અખબારો હોટેલો, સીનેમા, વસ્ત્રો પરિધાન, શિક્ષણ વગેરમાં આમૂલ ફેરફારો થવા લાગ્યા. મહિલાઓ પણ ઉચ્ચ અભ્યાસ કરવા લાગી. ઘુમટાની પ્રથા લગભગ નાબુદ થઈ. યુવક અને યુવતીઓના પહેરવેશમાં પણ આમૂલ ફેરફાર થયા. ખાવા-પીવાની રીત-રસમ બદલાઈ. પાટલા ડાઈનીંગ ટેબલમાં ફેરવાયા તો સાથોસાથ ખાવા પીવા હોટેલોમાં જવામાં કોઈ છોછ ના રહ્યો. નવી નવી વાનગીઓ રોજ રોજ બજારમાં તૈયાર સ્વરૂપે ઉપલબ્ધ બની રહી. નોકરી ધંધાને કારણે પરિવારના સભ્યોને દૂર દૂરના સ્થળોએ જવાનું અનિવાર્ય બનવા લાગ્યું. વિદેશના પ્રવાસો વધ્યા આ રીતે આપણાં સામાજિક માળખામાં જડમૂળથી પરિવર્તન શરૂ થતાં સંયુકત પરિવારો પણ વિભકત થવા લાગ્યા.

અમારાં લાડકાઓ સૌ પ્રથમ એક વાત કહેવા દો કે અમારાં સદનસીબે અમારાં મા-બાપ અર્થાત તમારાં દાદા-દાદી અને નાના-નાની ખુલ્લા મનના અને ઉદાર દિલ ધરાવનાર મળેલા અને વિશ્વમાં અને સમાજમાં જે ઝડપથી ફેરફાર થતા હતા તે સાથે સમયાનુસાર તાલ મીલાવી જીવન શૈલીમાં પરિવર્તન સ્વીકારી શકવા સમર્થ અને સક્ષમ પણ હતા જેથી અમારો ઉછેર પણ તેજ રીતે થયેલો. આજથી 50 વર્ષ પહેલાં આગળ લખ્યું તે પ્રમાણે સમાજ અત્યંત રૂઢિ-ચુસ્ત હતો, ત્યારે આવનારા સમયને ઓળખી, પરિવર્તન સ્વીકારનાર સમાજમાં બંડખોર અને સુધારાવાદી ગણાતા, કેટલાક બેશરમ પણ કહેતા ! આવા સમયમાં તમારાં દાદા-દાદીએ પોતાના લગ્ન અત્યંત સાદાઈથી કરી સમાજમાં લગ્ન જેવા પ્રસંગોએ કરજ કરીને પણ દેખાડો કરનારને રાહ ચીંધેલો. તો દીકરીઓને 12 વર્ષની થતા જ સાડી કે પછેડો ઓઢવાની ફરજિયાત રૂઢિ સામે બંડ પોકારી વેવિશાળ બાદ અને લગ્ન પછી પણ તમારી દાદીને ફ્રોક, સ્કર્ટ, પંજાબી, ઘર કામ દરમિયાન ગાઉન/હાઉસ કોટ અને નાઈટી  જેવા વસ્ત્રો દાદા જ લાવી આપતા ! અને તે રીતે સમાજમાં એક નવો ચિલ્લો પાડવાની સફળ કોશિશ કરેલી. તે સમયે સમાજના મોટાભાગના લોકોએ દાદા-દાદીની સખ્ત શબ્દોમાં પીઠ પાછળ ટીકાઓ કરેલી. પરંતુ કાળક્ર્મે ટીકા કરનારાઓની વહુ-દીકારીઓએ એ જ માર્ગ અપનાવતા આપોઆપ ટીકાઓ સમી ગયેલી. અર્થાત સમય કરતા તમારા દાદા-દાદી અંદાજે 20 થી 25 વર્ષ આગળ હતા ! આવી અનેક રૂઢિઓ સામે દાદા-દાદી લડતા રહેલા અને સદભાગ્યે નાના-નાનીનો આ લડાઈમાં સંપૂર્ણ સાથ અને સહકાર મળતો.

અમારો અભ્યાસ માતૃભાષામાં થયેલો, અંગ્રેજી અમને બીજી ભાષા તરીકે શીખવવામાં આવેલી, તેમ છતાં અમોને આજ સુધી ભાષાની મર્યાદા અમારા વિકાસ કે પ્રગતિમાં નડતર રૂપ થઈ નથી. સમયાંતરે દેશની સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવતો રહ્યો. વધુ બાળકો હોવા ગૌરવ ગણાતું તેને બદ્લે એક તરફ વસ્તી વિસ્ફોટ, તો સામે પક્ષે દુષ્કાળ, અછત, મોંઘવારી, દારુણ ગરીબી, ભૂખમરો વગેરે સમસ્યાઓ વિકાસના પ્રયત્નોને મોઢું ફાડી ભરખી જવા લાગી હતી, ત્યારે વસતીને અંકુશમાં લાવવા બે કે ત્રણ બાળકથી વધુ નહિ થોડા સમય બાદ અમે બે અને અમારાં બે ના સુત્રો પ્રચારીત થતા રહ્યા સમય જતાં આ સુત્ર એક જ બાળક બન્યું અને હવેતો એક પણ નહિ તેવો નવા દંપતિઓએ જાણે નિયમ બનાવ્યો છે. આમ જેમ જેમ મોંઘવારી વધી તેમ તેમ બાળકની સંખ્યા ઘટવા લાગી અને લગભગ શૂન્ય કક્ષાએ આવી રહી છે !

તેમ છતાં હજુ કેટલાક ગામડાઓમાં મોટું કુટુંબ સુખી કુટુંબ ગૌરવ યુકત ગણવામાં આવેછે !

મોંઘવારી સાથે જ જીવન શૈલીમાં આમૂલ પરિવર્તન શરૂ થયું અને જે સ્ત્રીઓ ઘર બહાર નીકળતી નહિ તેને પણ કમાવાની ફરજ પડવા લાગી. બંને પતિ-પત્ની કમાવા લાગ્યા પરિણામે નવા જન્મનાર બાળકને આયા પાસે અથવા બેબી-સીટરને ત્યાં ઉછેરવા મૂકવા મજબુરી આવી પડી. આથી શીક્ષણ પણ વહેલી ઉમરે અપાવવા 1 ½ કે બે વર્ષના બાળકને કહેવાતા પ્લે હાઉસ કે એલ કે જીમાં પ્રવેશ માટે લાઈનો લાગતા અનુદાનનું અનિષ્ટ ચાલુ થયું. અંગ્રેજી માધ્યમ જાણે સ્ટેટસ બની ગઈ અને માતૃભાષામાં અપાતા શીક્ષણને હલકું ગણવાનું શરૂ થયું. પરિણામે મોટા ભાગના મા-બાપો પણ આ અંગ્રેજી માધ્યમના ઝંઝાવાતી પ્રચારના ભોગ બન્યા અને દાદા-દાદી અને નાના-નાનીની નાખુશી સાથે બાળકોને અંગ્રેજી માધ્યમમાં યેન-કેન પ્રકારેણ પ્રવેશ મેળવવા લાગ્યા .આમ જે સહજ, સરળ અને સસ્તી શીક્ષણની સુવિધા પ્રાપ્ય હતી તે પડતી મૂકી ભણતરનો ભાર વધાર્યો. અમે પણ જાણ્યે-અજાણ્યે તમોને અંગ્રેજી માધ્યમમાં સારા શીક્ષણની અપેક્ષા સાથે દાખલ કરી બેઠા આજે તમો અભ્યાસમાં એટલા આગળ નીકળી ચૂક્યા છો કે તમોને માતૃભાષાના માધ્યમ વાળી શાળામાં દાખલ કરીએ તો તમારું ભવિષ્ય ઉલ્ટાનું વધારે ધુંધળુ બની જવાનો ભય લાગી રહ્યો છે. ટૂંકમાં પાછા ના ફરી શકાય તેવા તબક્કે પહોંચી જવાયું છે. તેમ છતાં હવે અમો દ્રઢ નિશ્ચયી બન્યા છીએ અને તમારા નાના-ભાઈ-ભાંડુને માતૃભાષામાં જ શીક્ષણ અપાવવા નિર્ધાર કર્યો છે ! જેથી બાવાના બેય ના બગડે ! તેમ છતાં અંગ્રેજીનું મહત્વ વિશ્વમાં છે ત્યારે તેને અવગણી તેમને તે જ્ઞાનથી વંચિત ના રહે માટે અંગ્રેજી શીખવવા સ્પેશિયલ ટ્યુશન રાખી માત્ર અંગ્રેજી ભાષામાં માહેર કરવા કોઈ પણ પ્રયાસો અમે કરી છૂટીશું તે યાદ રહે ! માતૃભાષાનું માધ્યમ ભણતરનો ભાર નથી વધારતુ તે અમોને સમજાય ચૂકયું છે. અમારો ઉદેશ સ્પષ્ટ છે કે તમો બંને ભાષાના માહેર બનો અને તે માટે માધ્યમ અંગ્રેજી હોવું જ જોઈએ એ વિચાર સરણી મૂળભુત રીતે ગલત હોવાની પ્રતિતિ અમોને થઈ ચૂકી છે.

મોટા ભાગના મા-બાપો પોતાની ઈચ્છા બાળકો ઉપર ઠોકી બેસાડી બાળકને એક સાધન હોય તે રીતે મોલ્ડ/બીબામાં ઢાળવાનો પ્રયત્ન કરતા થયા.  બાળકને સતત દોડતું કરી મેલ્યું ! બાળક નાનું છે. નબળું પણ છે. એટલે મા-બાપ અને શીક્ષકથી ડરતું રહે છે, ક્યારે ક માર પણ ખાતું રહે છે, વિરોધ નહિ કરી શક્તા તેના માનસમાં મારનાર માટે એક વિરોધી ગ્રંથી ઉછેરતું રહે છે, તે સત્ય ભૂલાતું ગયું ! તમોએ અનુભવ્યું હશે કે અમોએ ક્યારે ય અમારી ઈચ્છા તમારા ઉપર ઠોકી બેસાડી તમોને મોલ્ડ/બીબામાં ઢાળવા પ્રયત્ન કર્યો નથી તમારી રસ અને રૂચીને પ્રાધાન્યતા આપવાની કોશિશ કરતા રહીએ છીએ.

અંગ્રેજી માધ્યમને કારણે શીક્ષણની શરૂઆત સાથે જ ટ્યુશન પણ ચાલુ થાય છે. મા-બાપ બંને કમાતાં હોય તેમની પાસે બાળક માટે સમયનો અભાવ રહે છે જેથી શાળા/ટ્યુશન માટે મૂકવા-તેડવાની વ્યવસ્થા/જવાબદારી ઘર નોકરને સોંપવી પડે છે. આમ મોટા ભાગનો બાળકનો સમય મા-બાપ સાથે નહિ પરંતુ આયા/.ઘરનોકર સાથે વ્યતીત થતો રહે છે. મોટા શહેરોમાં ઘર બહાર બાળકોને રમવાની સવલત પણ ઝુંટવી લેવામાં આવી છે. પરિણામે ઘરમાં જ ફાજલ સમય તે ટીવી અથવા વીડીયો ગેમ વગેરે એકલતામાં પસાર કરતું રહે છે. પરિણામે સામાજિક રીતે હળતું-મળતું થવામાં બાળપણથીજ ક્ષોભ અનુભવતું રહે છે.

જીવનશૈલીમાં એટલી હદે બદલાવ આવ્યો કે આહાર અર્થાત ખાવા-પીવાની વાનગીઓ પણ ધડમૂળથી બદલાવા લાગી જેમકે બંને વ્યક્તિ કમાવા જતી હોય નાસ્તા અને ભોજન રાંધવાનો સમય મર્યાદિત મળતો થતાં બહારના તૈયાર જંક-ફૂડ અને ફાસ્ટ-ફૂડ મુખ્ય આહાર બનવા લાગ્યા. બાળકોને પણ નાસ્તામાં તૈયાર વાનગીઓ જેવી કે બ્રેડ, જુદી જુદી વેફર્સ, કુરકુરે, મેગી વગેરે તો ડીનરમાં પીઝા-બર્ગર-હોટડોગ કે ચાઈનીસ વાનગીઓ ભારતીય અને ગુજરાતી વાનગીઓને દૂર હડસેલી હાવી થવા લાગી. ક્યારે ક તો એવું લાગે છે કે આપણાં દેશના લોકોને હંમેશા પારકા દેશના આધિપત્ય/પ્રભુત્વ નીચે જ જીવવાની અને તેની જીવનશૈલીનું આંધળુ અનુકરણ કરવાની આદત પડી ગઈ છે. પ્રથમ બ્રિટિશરોનું અને હવે કેટલાક સમય થયા અમેરિકન જીવન શૈલીનું ઘેલું લાગ્યું છે અને તે પણ આપણાં દેશના મોટા ઉધ્યોગ ગૃહોથી માંડી મોટા વ્યાપારીઓ ઉપર હાવી થયું છે પરિણામે ચીજ-વસ્તુના ભાવો નવના આંક સાથે રાખવામાં આવે છે જેમ કે 9/-, 19/- , 59/-, 79/- ,99/-, 199/-, 299/-, .1099/-, 1199/- આ રીતે ભાવો રાખવામાં માત્ર અનુકરણ સીવાય કોઈ તર્ક જણાય છે ખરો ? જીવનની ગાડી જાણે બ્રેક વીનાના વાહન જેવી અને નિઃરંકુશ રીતે અતિ ઝડપથી ઢાળ ઉતરતી ચાલી રહી હોય તેવું અવાર નવાર ફલિત થતું હોવા છતાં પાછા ફરી શકવાના માર્ગો જાણે બંધ થઈ ગયા હોય તેવું મહેસુસ થતું રહે છે.

સતત નોકરી-ધંધાનું ટેંશન, સાથો સાથ સામાજિક મોભો કે સ્ટેટસ જાળવી રાખવાના ઢોંગી પ્રયત્નો, બાળકની ઉછેરવાની જવાબદારી, તો કેટલાકને પોતાના મા-બાપની સાર-સંભાળ રાખવાની ફરજ વગેરે એ અત્યંત તનાવ ભર્યું જીવન જીવવાની ફરજ પડતી હોય  મોટા ભાગના મા-બાપો નાની ઉમરમાં જ હાર્ટએટેક, બ્લડ પ્રેસર, ડાયાબીટીસ વગેરે જેવા રોગના શીકાર બનતા રહે છે. અને સારવાર માટે મોટા ખર્ચ કરવા ફરજ પડે છે.

અમારાં લાડકા ભૂલકાઓ ! ઉપરોક્ત પશ્ચાદભૂમિકા સાથે અમને કહેવાદો કે, અમારું જીવન આજની આધુનિક અને ખર્ચાળ જીવનશૈલી સાથે તાલ મીલાવવા અત્યંત વ્યસ્ત અને સતત તનાવ યુકત બન્યું હોવા છતાં, તમારા તરફનો પ્રેમ કે લાગણી ઓછા થતા નથી. તમારી ઉપેક્ષા કે અવગણના અમો ક્યારે ય ના કરી શકીએ ! તમો અમારાં લાડકા સંતાનો છો. દેવના દીધેલ છો. તમારા જન્મ સાથે અમોને અમારું જીવન સાર્થક થયું જણાય છે !

તમારું ઘડતર-ભણતર અને સંસ્કાર સીંચી પરવરીશ કરવાની સંપૂર્ણ જવાબદારી અમારી છે તે વિષે અમો સભાન છીએ અને તે નિભાવવા જ કદાચ અમો આ ફાસ્ટ અને તનાવ યુકત જીવન શૈલી અપનાવી બેઠા છીએ ! તમોને સારી રીતે કેળવણી આપી તમારામાં રહેલી સુષુપ્ત શક્તિને ઉમરના પ્રમાણમાં પ્રગટ થવા દેવાની અનુકૂળતા કરી આપવા, શક્ય તમામ પ્રયાસો કરી છૂટવા, અમારા જીવનની પ્રથમ પ્રાથમિકતા બની છે. તમો નૈસર્ગિક રીતે ખીલો અને વય પ્રમાણે ક્રમિક વિકાસ સાધો તેવી તમામ સુવિધા/તકો પૂરી પાડવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છીએ. તમારો આત્મ વિશ્વાસ વધે અને મુશ્કેલ સંજોગોમાં-સમસ્યાઓનો સામનો કરવા કટિબધ્ધ બનો, અને ક્યારે ય હતાશા/નિરાશાનાં ભોગ ના બનો, તેની અમો કાળજી રાખી ,યોગ્ય દિશા તરફ તમને દોરવા પ્રયત્નશીલ રહેશું ! જીવનમાં સફળતા અને નિષ્ફળતા ડગલે અને પગલે મળતી રહે છે. સફળતાથી ફુલાવુ નહિ અને નિષ્ફળતાથી નાસીપાસ થઈ હતાશ ના થવું. સફળતા માટે ફરી ફરી પ્રયત્નશીલ રહેવું. જેમ કરોળિયો જાળું બાંધતા અનેક વખત નિષ્ફળ જતો હોવા છતાં થાક્યા કે હાર્યા સીવાય પૂરેપૂરું ના બંધાય ત્યાં સુધી મચ્યો રહે છે તેવું જ મનુષ્યે કરવાનું રહે ! કરોળીયાના પ્રયત્નોને પ્રેરણા સ્વરૂપે જોવા દ્રષ્ટિ કેળવવી રહી !

અમોને વિશ્વાસ છે કે અમારાં બાળકો– કેટલાક બાળકો પરીક્ષાના ડરથી કે નાપાસ થવાના ડરથી આત્મહત્યા જેવા અંતિમ પગલાં ભરી મા-બાપને તીવ્ર આઘાત પહોંચાડે છે તેવો કોઈ માર્ગ ક્યારે ય પણ નહિ અપનાવે ! તમારા જીવનના તમામ તબક્કે અમારી લાગણીભરી હુંફ હંમેશા મળતી રહેશે તેની ખાત્રી રાખજો. તમારા જીવનના કોઈ તબક્કે અમારી જાણ બહાર હિમાલય જેવડી ભૂલ કરી બેસો તો પણ કોઈ જાતના અમારા તરફના ભય/ડર રાખ્યા વગર અમોને પેટ છૂટી વાત કરી દેશો અને ખાત્રી રાખજો તમારા આ મા-બાપ તમોને માફ કરી દેવાની ક્ષમતા ધરાવે છે. આ ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા જ છે !

અમને જાણ છે કે તમારા માંના કેટલાક ટીન એજ અર્થાત 13 વયમાં પ્રવેશી રહ્યા છે કે પ્રવેશી ચૂક્યા છે. લાડકાઓ, આ વય દરેક બાળક/બાળકી માટે ખૂબ જ મહત્વની બની રહે છે કારણ આ ઉમરમાં નથી તમો બાળક મટ્યા કે, નથી યુવાન બન્યા.,આ મુગ્ધાવસ્થા કહેવાય છે અને ત્યારે ચંચળ હરકતો કરવાનું મન થયા કરે છે. આ નાજુક ઉમરમાં પ્રવેશતા દીકરા કે દીકરીને સાચવી લેવા તમામ મા-બાપની જવાબદારી બની રહે છે. આ વયમાં શરીરમાં જે શારીરીક ફેરફારો પ્રાકૃતિક રીતે થાય છે તે સમજવા દરેક બાળક માટે કઠિન બને છે. છોકરાને દાઢી-મૂછ ઉપર વાળ ઉગવા લાગે છે તો છોકરીને માસિક ધર્મ ચાલુ થાય છે. આ ઉમરે જાણે દુનિયા પોતાની મુઠીમાં કરી લેવાની આકાંક્ષા દરેક યુવાન/યુવતીમાં થતી હોય છે. મા-બાપ સાથે નહિ, પરંતુ પોતાના સમવયસ્કો સાથે સંવાદ કરી, વધારે સમય પસાર કરવો ગમે છે. અભ્યાસ કરતા ઈતર પવૃતિમાં વધુ આનંદ આવવા લાગે છે. ભટકી જવા માટે આ શ્રેષ્ઠ ઉમર છે  કુમળી વયના બાળકોનું આ ઉમરમાં જ BRAIN WASH   કરવું ખૂબ જ સહેલું અને સરળ છે. બાળક ભાવુક બની લાંબો વિચાર કર્યા વગર દોરવાય જતા રહે છે અને તેથી જ કેટલાક સંપ્રદાયોમાં આ ઉમર જ દીક્ષા આપવા પસંદ કરવામાં આવે છે. તો બીજી બાજુ આતંકવાદીઓ બનાવવા પણ આ જ ઉમર પસંદગી પામે છે

જો સારા મિત્રો મળી રહે તો વિકાસની અનેક તકો ખુલ્લે છે અને જો નઠારા મિત્રોનો સંસર્ગ થયો તો અનેક દૂષણો જેવા કે વ્યસનો વળગે છે. સોટા પાડી ખાસ કરીને છોકરીઓને પ્રભાવિત કરવું, જો વાહન હાથમાં આવી જાય તો ફુલ સ્પીડે ચલાવી વટ મારવાનું, અનૈતિક કામ કરી રોમાંચિત બનવું ,અનેક પ્રકારના સાચા-ખોટા સાહસો કરી લોકોનું પોતા તરફ ધ્યાન દોરવું વગેરે, રોજ્-બ્-રોજ્ની પ્રવૃતિ બની જાય અને, અભ્યાસ અને મા-બાપનું માર્ગ-દર્શન કઠવા લાગે, પરિણામે વધુ અને વધુ ઉચ્છંખલતા વધતી રહે અને જીવન બરબાદીના પંથે ચડી જવાની ભરપૂર સંભાવના ઉભી થઈ જાય ! પરંતુ અમને અમારાં બાળકોમાં વિશ્વાસ છે કે તે દેખા દેખીના શિકાર બન્યા સીવાય પોતાનો ચીલો જાતે કંડારશે અને બીજા તેમને અનુસરશે તેવું પોતાના વ્યક્તિત્વનું ઘડતર કરી મા-બાપને ગૌરવ અપાવશે !

અગાઉ કહ્યું તેમ તમારા દાદા-દાદી અને નાના-નાનીએ તેમના જીવન દરમિયાન અનેક કુરિવાજો/રૂઢિઓનો ત્યાગ કરી નવું પરિવર્તન સ્વીકારી સમાજને રાહ ચીંધેલો તેમ અમારાં બાળકો પણ એજ ચીલે ચાલી સમાજને દોરવણી આપવા સક્ષમ બનશે તેવો અમોને અતુટ વિશ્વાસ છે.

શક્ય છે કે આજની આ અત્યંત ઝડપથી બદલાતી જીવનશૈલી સાથે અમો કદમ ના મીલાવી શકીએ, અથવા તમારી અપેક્ષાઓ, અમારી અનેક વિટંબણાઓ અને મજબુરીને કારણે પૂરેપૂરી પૂર્ણ ન કરી શકીએ, તો રખે તેનો એવો અર્થ કરતા કે, અમો તમારી લાગણીને અવગણી ઉપેક્ષા કરી રહ્યા છીએ. અમારા જીવનમાં તમારા આવ્યા અર્થાત જન્મ પછી અમારા જીવનનો પ્રાણવાયુ તમે છો. તમારામાં રહેલ તમામ શક્તિઓને ઓળખી પૂરેપૂરી ખીલવવાની તકો પૂરી પાડવી તે અમારા જીવનનું મુખ્ય લક્ષ્ય બની ચૂક્યું છે !

છેલ્લાં કેટલાક વર્ષો થયા આપણાં સમાજના મૂલ્યોનો ધ્વંશ થયો છે અને પૈસા અને માત્ર પૈસાથી મળતી થયેલી પ્રતિષ્ઠા યેનકેન પ્રકારેણ પૈસા વડે મેળવવા સૌ એ દોટ મૂકી છે. પૈસા ક્યાંથી અને કઈ પ્રવૃતિમાંથી મેળવાયા તે ગૌણ બન્યું છે. આવા વાતાવરણમાં ક્યારેક, ક્ષણિક અમોને પણ આ દોટમાં સામેલ થવાની લાલચ થતી રહે છે, પરંતુ જીવનનાં મૂલ્યો વિષે અમારાં મા-બાપે ઉંડી સમજ આપી હોઈ માત્ર પૈસા રળવા મુખ્ય ઉદેશ બનાવાથી દૂર રહી શક્યા છીએ ! કેટલીક વાર અમો પણ જાણ્યે-અજાણ્યે તમો ડૉકટર કે એંજીનીયર કે ટેક્નોક્રેટ બનો અને મબલખ નાણાં રળો તેવા વિચારો આવી જતા હોય છે, પણ અમો કૃતનિશ્ચયી છીએ કે,તમારી રૂચી અને રસને જ પ્રાધાન્ય આપવામાં આવશે અને તમારાં ઉપર અમારી ઈચ્છા કે મહત્વાકાંક્ષા નહિ લાદવામાં આવે તેની ખાત્રી રાખજો ! તમારા વ્યક્તિત્વને તમારે જ ખીલવવાનું છે અને તે માટે જે કોઈ સહાય, સુચન કે માર્ગદર્શન જોઈશે તે મેળવી આપવાની જવાબદારી અમારી છે.

અંતમાં પુનરોચ્ચારનો ડર હોવા છતાં અમોને કહેવાદો કે કૃપા કરી અમોને ચીલા-ચાલુ મા-બાપની કક્ષામાં નહિ મૂકતા અમારી કેટલીક વિટંબણાઓ-મુશ્કેલીઓ-ઝડપથી બદલતી આધુનિક જીવન શૈલીને કારણે ખર્ચને પહોંચી વળવા, કમાવાની દોડધામ યુકત જીવનને તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી અમારી તમારા તરફની લાગણી અને પ્રેમને મુલવશો !

અમો છીએ,                                                                                       અમારા લાડકા/ભૂલકાઓના                                                                      માતા-પિતા.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s