– ના, હું આત્મહત્યા નથી કરવાનો—- બોર્ડના વિદ્યાર્થીનો તેના મમ્મી- પપ્પાને પત્ર

 

 

 

– ના, હું આત્મહત્યા નથી કરવાનો—– બોર્ડના વિદ્યાર્થીનો તેના મમ્મી- પપ્પાને પત્ર

-હોરાઈઝન – ભવેન કચ્છી

 

 

– બોર્ડના વિદ્યાર્થીનો તેના મમ્મી- પપ્પાને પત્ર

વહાલા મમ્મી પપ્પા,

સાચું કહેજે મમ્મી, તને ખરેખર મારા ભવિષ્યની ચિંતા છે એટલે થોડા ઓછા માર્કસ આવવાથી દુઃખી છે કે સમાજમાં મેં તને અને પપ્પાને છવાઈ જવાની તક ના આપી એટલે ?’ હુ જે પણ કરીશ એમાં ખીલી ઉઠવાનો પ્રયત્ન કરીશ વહાલા મમ્મી- પપ્પા,

મારી બોર્ડની પરીક્ષામાં તમારા અને મારા ધાર્યા કરતા થોડા ઓછા માર્કસ આવ્યા છે તે તો તમે જાણો જ છો. હું અંદરથી એક પ્રકારની ગુંગળામણ અનુભવુ છું પણ તમને ખાતરી આપું છું કે મારા મનમાં આત્મહત્યાનો વિચાર સુદ્ધાં નથી આવ્યો. તમે જ આપેલા સંસ્કારને વશ હું સામે કંઈ બોલી શકતો નથી. મારા રૃમમાં કોઈ વખત આંખો ભીની થઈ જાય છે પણ, આજે થોડી મર્યાદાનું ઉલ્લંઘન કરીને આ પત્ર દ્વારા હું હળવો થવા મજબૂર બન્યો છું.

પપ્પા તમે મને માર્ગદર્શન અને હૂંફ આપવાની જગ્યાએ મારા મિત્રોના અને કુટુંબીજનોના સંતાનોના માર્કસ પૂછ્યા કરો છો. તેઓના માર્કસ મારા કરતા વધારે છે તેમ જાણીની ઘરમાં શોક હોય તેમ વાતાવરણ બની ગયું છે. આપણે ખાસ મિત્ર એવા પાડોશીના લગ્ન સમારંભમાં જવાનું હતું તે પણ તમે રદ કર્યુંં હતું. મમ્મી તો જાણે મેં કોઈ મોટો કલંકિત ગુનો કર્યો હોય તેમ મો ચઢાવીને જ દિવસો પૂરા કરે છે તમે મારી સ્થિતિ અંગે તો કલ્પના કરો. મમ્મી, તે તો મને મ્હેણું મારતી હોય તેમ એમ પણ શીખવાડયું હવેે કોઈને ૮૫ ટકા લાવ્યો છે તેમ ના કહેતો. મેં મારી બહેનપણીઓ અને સગા સ્નેહીઓને તારા ૯૦ ટકા આવ્યા છે તેવું જણાવ્યું છે. કેમ ેકે તે બધાના સંતાનોના ૮૭- ૮૮ ટકા આવ્યા છે.

પપ્પા, ખબર નહિ કેમ કે તમે અને મમ્મી મારી હાજરીમાં જ મારા અભ્યાસ માટે કેટલા હજાર રૃપિયા ખર્ચ કર્યો છે અને હજુ આગામી વર્ષોમાં કેટલી જોગવાઈ કરવાની છેે તેની વારંવાર ચર્ચા કરો છો. સાથે સાથે તમારી ઓફિસના સામાન્ય આવક ધરાવતા સંતાનો ટયુશનો કે પાયાની સવલત વિના કેવા માર્કસ લાવે છે તે વાત અચૂક છેડો છો. મને શરૃમાં આવી વાતો વધુ અબ્યાસ માટે પ્રેરિત કરતી હતી પણ હવે મને એવું લાગ છે કે હું તમારા માટે નર્યો આર્થિક બોજ બની ગયો છું. તમને તમારા રોકાણનું કંઈ વળતર ના મળતું હોય તેનો હિસાબ-કિતાબ મારી હાજરીમાં જ માંડો છો મારા ભગ્ન હૃદય અને દુઃખનું કારણ એ છે કે હું તમને બંનેને અતિશય ચાહુ છું. તમને ખુશ જોવા માગુ છું પણ, તમે મારા કારણે જ ઉદાસ અને ચિંતિત રહો છો. તમારા એક બીજા વચ્ચેના સંબધમાં પણ મારા કારણે જ તમે તનાવમાં રહો છો નહીં ?

આઇ એમ સોરી… પપ્પા… આઇ એમ સોરી… મમ્મી… પણ હું એક વાતની ખાતરી આપું છું કે આજે નહી તો ભવિષ્યમાં હું તમને ગૌરવ થાય તેમ જીવી બતાવીશ. પપ્પા તમે જો જાણો છો કે મને ઇતર વાચન, પ્રવૃત્તિમાં શોખ છે મેં જે કાંઈ પ્રેરણાત્મક મેળવ્યું છે તેના આધારે હું તમને બંનેને કેટલાક પ્રશ્નો પૂછી શકું ?

શું પ્રત્યેક વિદ્યાર્થી વ્યક્તિની જન્મજાત એકાગ્રતા કેળવવાની, ગ્રહણ કરવાની કે અમુક જ વિષય પ્રવૃત્તિમાં રસ રૃચિ હોય તેવી કોઈ મર્યાદા ના હોઈ શકે ? મારા તો હજુ ૮૦- ૮૫ ટકા માર્કસ આવે છે પણ અથાગ પ્રયત્ન અને ઇચ્છા હોવા છતાં ૫૦ ટકા જેટલું જ કોઈ વિદ્યાર્થી માર્કસમાં પરિવર્તિત કરી શકે. કદાચ નાપાસ પણ થઈ ના શકે ? બઘા જ એકસરખા ઉજાગરા કે કોચિંગ કરીને મહેનત કરતા હોય છતાં માર્કસ નથી લાવી શકતા. જો એવું હોય તો બધા ડોક્ટરો અને આઇઆઇટી, આઇઆઇએમ કે સીએના ડીગ્રીધારીઓ જ હોય. તમારે જ નહીં તમામ વાલીઓએ પોતાનું આત્મનિરીક્ષણ કરી કુદરતી મર્યાદાને સમજવી જોઈએ આ અભ્યાસમાં નહીં તો બીજા ક્ષેત્રોમાં આગળ જતા રસ-રૃચિ જાગશે. પપ્પા માની લો કે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવા છતાં કોઈ ઓફિસમાં ક્લાર્ક પણ બનું કે કોઈ પણ નાના કાર્યોમાં તક ઝડપી આગળ આવું તો તે મર્યાદાને પણ સ્વીકારવી જ રહી.

બે-ચાર વર્ષ પહેલાં જેઓ મારા કરતા હોંશિયાર હતા તે મિત્રો આજે રખડતા થઈ ગયા છે. મોટરસાઇકલ લઈને છોકરીઓ જોડે રખડે છે. ગુટકાના પાઉચ મોમાં ઠાલવે છે. મોબાઇલ ફોન પર કલાકો વિતાવે છે. આવી રીતે વિદ્યાર્થીકાળ હું વેડફતો નથી. મમ્મી તમે બહાર આવીને આજકાલના છોકરા- છોકરીની દુનિયા તો જુઓ. તમે અકલ્પ્ય આઘાત અનુભવશો. મારા મિત્રો રાત્રે ૧૧- ૧૨ વાગે દિવસ આખો રખડીને ઘરભેગા થાય છે. તેઓની મોજમસ્તીની વાતો સાંભળીને કોઈ વાર મને તેમના ગુ્રપમાં ભળી જવાનું મન થાય છે. તમે બંને એ વર્ષ દરમ્યાન જે હદે મારી જોડે માનસિક સિતમ ગુજાર્યો છે તેમાંથી બહાર નીકળવા અને એક પ્રકારનો બંડ પોકારવાની મને પણ ઇચ્છા થતી પણ તમારા પ્રત્યેની લાગણીએ મને ઉમેરી લીધો છે. આમ છતાં એટલું કહીશ કે મમ્મી, તમે ક્યારે મારા ઘણા મિત્રો જેવો રખડુ અને ઐયાશ નથી તે બદલ મને પ્રોત્સાહિત કરતા પપ્પા જોડે બેસીને મારી પ્રશંસા કરી છે ખરી ? તમે તે બદલ મારા પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યું છે ?

હું જે પણ માર્કસ લાવું છું તે સાથે જ તમે બંને તરત મેળવેલા  માર્કસની ખુશીની સહેજ લહેરખી બતાવ્યા વગર સીધા પાંચ ટકાનો ટાર્ગેટ  વધારીને કહો છો કે હું હજુ મારી ક્ષમતાને આગળ ખેંચું. જે માર્ક કપાયા છે  તેવું કેમ બન્યું ? તેમ પણ પુછતા રહો છો. તમારો દબાણ વધારવાનો તરીકો પણ ચાલાકીભર્યો હોય  છે. તમે લાડ લડાવવાના ટોનમાં મહેણા જ મારતા હોવ છો. પપ્પા મને આત્મહત્યાના વિચારો નથી આવતા પણ હું  ડિપ્રેશનમાં હોઉં તેમ તો અનુભવું જ છું. તમારી પણ એવી જ સ્થિતિ છે.  આપણે મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ કરી આવી કમસે કમ મને તો લઈ જ  જાવ. આપણે શારીરિક દર્દ માટે ડોક્ટર પાસે જઈએ છીએ તો માનસિક  સમસ્યાઓ માટે જઈએ.

તમે પૂરી નિષ્ઠાથી પ્રેરણા, માર્ગદર્શન કે ઇવન ઠપકો પણ આપી શકો છો. પણ તેમાં સહજતા અને માનવીય મર્યાદાઓને સ્વીકારવાની અનુકંપા પણ રાખશો. અમારા અભ્યાસક્રમની તુલના તમારા જમાનાના શિક્ષણ સાથે ન કરશો. તેવી જ રીતે તમે કેવી રીતે ટાંચા સાધનો અને વીજળીના બલ્બ, પર ફૂટપાથ પર અભ્યાસ કરતા હતા તે સંઘર્ષની અમને પ્રેરણા આપી શકો પણ તમારી તમામ શીખામણોમાં વર્તમાન અભ્યાસક્રમના ભારણ, અપેક્ષાઓનો બોજ, હરિફાઈનો અને પડકારોનો નિર્દયતાથી છેદ જ ઉડાવી દેવાય છે. અમે જાણે સમાજનું કલંક હોઈએ તે રીતનો વ્યવહાર થાય છે.

પપ્પા, મારું એટલું નિરીક્ષણ છે કે જેઓને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દરમ્યાન અભ્યાસની મહત્તા, રસ અને રૃચિ નથી હોતી તેઓને અમુક અપવાદો બાદ કરતાં અચાનક જ ૧૦ કે ૧૨મામાં ૯૦- ૯૫ ટકા ક્યાંથી આવી શકે ? મારા જે પણ મિત્રો ધો. ૧થી ૯માં સરેરાશ ૬૦- ૬૫ ટકા માંડ લાવતા હોય ત્યાં સુદી તેમના કુટુંબ કે સમાજને કોઈ વાંધો નથી હોતો. તેમના મમ્મી- પ્પાએ ક્યારેય આટલા વર્ષોથી અભ્યાસની મહત્તા નથી સમજાવી. તેઓએ ક્યારેય તેમના સંતાનો જોડે સંવાદ નહોતો કેળવ્યો. તેઓ એમ જ માનતા હોયકે સગવડો અને વધુમાં વધુ રૃપિયા ખર્ચવાથી જ તેમની જવાબદારીઓ પૂરી થઈ જાય છે. હું એટલો નસીબદાર છું કે તમોએ પ્રાથમિક શિક્ષણથી જ મારી જે પણ પ્રતિભા હતી તેને બહાર લાવવા અંગત સમય આપ્યો હતો પણ મારા એવા ઘણા મિત્રો છે જેઓ પર રાતોરાત  ૯૦ ટકા લાવવાનું દબાણ છે. રોજેરોજ તેમના પર માનસિક અત્યાચાર, માનહાનિ થાય તેવું વર્તન કરવામાં આવે છે.

પપ્પા, તમે પણ ઉકેલ આપવા કરતા સમસ્યાઓ અને ફરિયાદો વધુ કરો છો આપમે વાતચીત કરવા કરતા આરોપ અને ખુલાસા વધુ કરીએ છીએ.

તમે જ કહો, તમને ડાયાબિટીસ ઘણું જ રહે છે. મમ્મીનું તો વજન એ હદે વધી ગયું છે. ડોક્ટરે ખાવાપીવામાં જીભ પરનો સંયમ, નિયમિત ચાલવાની કડક સૂચન આપી છે. તમને પણ આ બધું કરવું કેટલું પડકારજનક લાગે છે સંયમ અને નિયમિતતાની કસોટી થાય છે. છતાં તમે તેમ નિયમિત જીવન કે ચરી નથી પાળી શકતા. રોજ વહેલા ઉઠવાની સલાહ અવગણવી પડે છે. મને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે. તેવી જ રીતે અમને પણ રોજ રોજ શિક્ષણનો બોજને નિયમિત રીતે ઝીલતા ઝીલતા દરેક કિસ્સામાં હોંશ ના પણ હોય અમે પણ ધીમે ધીમે કેળવાઈએ અને કદાચ ન પણ કેળવાઈ શકીએ. આખરે તો પ્રશ્ન શિસ્ત અને સમજનો જ છે ને.

મહદઅંશે એવું જોઉં છું કે, જે પણ વિદ્યાર્થીને પોતાની જાતે અંદરથી જ વધુ સારા માર્કસ કે કારકિર્દીનું ઘડતર કરવાની પ્રબળ હોશ હોય તે ઝળકી શકતો હોય છે નબળા કે મધ્યમ વિદ્યાર્થીને પ્રેરણા આપી શકાય. વાતાવરણ કે ટેકો પૂરો પાડી શકાય. બહુ તો કડકાઈથી તેને પુસ્તકો સાથે રાત ઉજાગરો કરાવી શકાય પણ આ તો ઘોડાને તળાવ સુધી લઈ જવાની વાત થઈ. પાણી તો તેણે જાતે જ પીવું પડે. વિદ્યાર્થી જે અભ્યાસ કરતો હોય તેના વિષય કે પ્રકરણમાં તેને પાયાની ખબર જ ન હોય, મગજ ભમવા માંડે ને. આવી સ્થિતિ વચ્ચે બોર્ડ વખતે જ વાલીઓ અને સમાજ તેને જોરદાર માર્કસ લાવવાની રેસમાં મકી દે છે. ઠપકો, અપમાન અને અવહેલનાનો દોર શરુ થઈ જાય છે.

મમ્મી… એક બીજી વાત યાદ આવી પ્રત્યેક વર્ષે બોર્ડનું પરિણામ આવે ત્યારે ૧૦મા કે ૧૨મામાં કોણ છે તે જાણીને તેના પરિણામ બાદ કયા વિદ્યાર્થીને તેના વાલી કે જ્ઞાાતને ગૌરવ અપાવ્યું અને કોણે નિરાશ કર્યા તેમ આબરૃનું બજાર ખડું કરી દેવાય છે. સંતાનોના ખભે બંદૂક ફોડવામાં આવે છે. આ પરિણામ જ જાણે તેના જીવનની આખરી કુંડળી ના ઘડવાનું હોય ? મમ્મી… તને કે સમાજને પછીના વર્ષો આ જ વિદ્યાર્થીઓ ક્યાં અને કેવો અભ્યાસ કરે છે તે જાણવાની પણ પરવા છે ખરી ? પપ્પાના મિત્રના પુત્રએ બોર્ડમાં ૬૬ ટકા મેળવ્યા હતા. તે ડોક્ટર તો નથી બની શક્યા પણ તેનામાં પડેલી સાહસવૃત્તિ અને સૂઝને સહારે એક હોસ્પિટલને જ ત્રણેક મિત્રોએ સાથે મળીને બનાવી છે. જી હા.. તેઓ ડોક્ટરે નોકરીએ રાખે છે… ૯૬ ટકા મેળવી ચૂકેલા બોર્ડના વિદ્યાર્થીઓને !

૫૫ ટકા મેળવનારા મારા મિત્રના મોટાભાઈને ગ્રાફિક ડિઝાઇનમાં એ હદે રસ છે કે તેમાં આગળ ડીગ્રી મેળવીને તેમણે એક જ ઓફિસ ખોલી છે. તેના હાથ નીચે બોર્ડના ૮૨ ટકા મેળવેલા એન્જિનિયરો નોકરી કરે છે. કુંદનબેનના પુત્રે ૫૨ ટકા મેળવ્યા ત્યારે બધાએ તેની ઠેકડી ઉડાડી હતી પણ પપ્પા.. તમને ખબર છે આજે એ શું કરે છે ? તેણે માર્કેટિંગમાં રસ કેળવ્યો. લંડન જઈને આ ક્ષેત્રમાં આગળ છે. મહિને ઘેર ૫૦૦ પાઉન્ડ (રૃા. ૪૦,૦૦૦) મોકલે છે.

મમ્મી, હું જ નહીં પણ તમારા આત્મવિશ્વાસ અને સન્માન કેળવાય તે રીતે ગાડરિયા પ્રવાહમાંથી બહાર આવો. મમ્મી તું જાણે છે કે મને પ્રેરણાત્મક વાચનની ટેવ છે. ગઈકાલે જ વાંચ્યું હતું કે, કંઈક બનવા કરતા કંઈ કરવાના જીવનમંત્ર પર ભાર મૂકો. નાનપણમાં ગુજરાતી મારો પસંદગીનો વિષય હોઈ નિબંધ અને વકતૃત્વ સ્પર્ધાનો મારો શોખ આ પત્ર લખતી વખતે કામ લાગ્યો છે. તમારી લાગણી દુભાઈ હોય તો માફ કરજો. પણ હું તમારા કે સમાજના મનોરોગ સામે શરણે થવાનો નથી. પૂરી નિષ્ઠાથી મહેનત કરીશ સારા માર્કસ આવશે તો ગમશે… બાકી મંઝિલે ઔર ભી હૈ…

પપ્પા, તમારા જમાનામાં વિકલ્પો નહોતા અત્યારે તમે જે ક્ષેત્રમાં રસ લઈને તેમાં આગળ આવી શકો છો. કદાચ કોમનમેન તરીકે રહેવાય તો પણ શું ?

અમિતાભ બચ્ચને હમણાં જ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ‘જો મારું ગમતું થાય તો મને ગમશે. નહિ તો માનીશ કે ઇશ્વરની તેવી ઇચ્છા હશે.’ હું જાણું છું કે મારા કરતા ઇશ્વરે મારી દરકાર વધુ કરી શકશે. તે જે આપશે તે મને વધુ અનુકૂળ હશે.

એ જ, તમારો પુત્ર

તા.ક. આજ વિષય અને સદર્ભ સાથે 2010ની સાલના માર્ચ,એપ્રિલ,મે દરમિયાન મેં મારા બ્લોગ ઉપર બાળકો દ્વારા દાદા-દાદી-નાના-નાની ઉપર, મા-પપ્પા ઉપર તથા માતા-પિતા દ્વારા બાળકો ઉપર લખાયેલા પત્રો મૂકેલા છે. જે ક્રમ અનુસાર આવતી કાલથી મારા બ્લોગ ઉપર ફરીને એક બાદ એક મૂકવા ધારું છું, આપ સૌ મિત્રોને તે પણ વાંચવા અને આપનો પ્રતિભાવ જણાવવા વિનંતિ કરું છું.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s