હવે ઈમાનદારીનો ધંધો ફાવે તેમ નથી—” વિચાર વિહાર “–યાસીન દલાલ

હવે ઈમાનદારીનો ધંધો ફાવે તેમ નથીગુજરાત સમાચાર, 28,મે,2016માં ” વિચાર વિહાર” કોલમમાં શ્રી યાસીન દલાલનો લેખ

ક્યારેક મૌન પણ ભયાનક પરિણામો લાવી શકે છે. અમુક સંજોગોમાં વિરોધનો સુર ઊઠાવવાનું બહુ અનિવાર્ય બની જાય છે

મૂળ મદ્રાસના વતની અને મુંબઈમાં ચોરી, લુંટફાટ, દારૃની હેરાફેરી જેવા ધંધાઓ કર્યા પછી હદપાર થઈને સૌરાષ્ટ્ર પધારેલા અને પોલીસના હાથમાં ઝડપાઈ ગયેલા ગુનેગાર કિશન કાળુ સ્વામી, ઉર્ફે ક્રિશ્નમૂર્તિ ઉર્ફે અબ્દુલ હમીદ નુરમહમદે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, ‘હવે જમીનદારીનો ધંધો ફાવે તેમ નથી, કેમ કે ખાણી-પીણી અને રંગરેલીયાની આદત પડી ગઈ છે.’

ક્રિશ્નમૂર્તિનું આ બયાન સૂચક, નિખાલસ અને વેધક છે. એના આ વિધાનને આપણા રાજકારણ સુધી વિસ્તારી શકાય એમ છે. ચોરી અને ઘરફોડીની પ્રમાણમાં ક્ષુલ્લક લાગતી વાત આપણી તાસીર અને વ્યક્તિત્વ ઉપર અનેરો પ્રકાશ પાડી જાય છે. દરેક પ્રજાના કેટલાક વ્યાવર્તક લક્ષણો હોય છે. ક્રિશ્નામૂર્તિએ કહ્યું છે તે આપણી એક મોટી બિમારીનું સાધારણીકરણ તો નથી ને?

આપણી પ્રજાની એક ખાસિયત એ છે કે એ મોટેભાગે નેતાઓને અનુસરનારી પ્રજા છે. સ્વતંત્ર વિચાર શક્તિ અને અંતરના અવાજને અનુસરનાર વ્યક્તિની આપણે ત્યાં ખોટ છે. આપણો માણસ કોઈને કોઈ વ્યક્તિને પોતાનો આદર્શ, પોતાનો ગુરૃ, પોતાનો નેતા જોઈએ જ. એ સિવાય એ ગુંગળાય છે. ગુરૃના વચનો પરથી એ પોતાનો રાહ નક્કી કરી શકે છે. કોઈ રજનીશ, કોઈ ગાંધીની જરૃર એ સતત અનુભવતો હોય છે. આમાં બીજી ખૂબીની વાત એ કે પરસ્પર વિરોધી વલણો ધરાવતા નેતાઓની પાછળ પ્રજા દોરાઈ શકે. જયપ્રકાશને પણ એ અનુસરે અને ઈન્દિરા ગાંધીને પણ અનુસરે. વિનોબાને પણ અનુસરે અને રજનીશને પણ અનુસરે. ક્યારેક એમાં મિશ્રણ પણ થઈ જાય. વિનોબાને અનુસરનારો માણસ રજનીશને પણ અનુસરતો હોય!

આવી પ્રજાને છેલ્લા દસ-બાર વર્ષથી આપણા નેતાઓએ બેઈમાની અને ભ્રષ્ટાચારના સબક શીખવાડયા છે. ધીમેધીમે હવામાન બદલાતું ગયું. ભ્રષ્ટાચારની વ્યાખ્યા બદલતી ગઈ. મૂલ્યો બદલાતા ગયા. શબ્દો શક્તિ ગુમાવતા ગયા અને શબ્દ કોષ અર્થ ગુમાવતો ગયો. બેઈમાની રોજિંદી વસ્તુ બની ગઈ અને પ્રમાણિકતા અપવાદ બની ગઈ. ભ્રષ્ટ નેતાઓ પોતાના ગુના માટે સમાજમાં બદનામ થવાને બદલે સફળ બનતા ગયા અને પછી તો વ્યૂહબાજી, અપ્રામાણિકતા, છેતરપિંડી એ રાજકારણમાં દાખલ થવા માટેની લાયકાત બનતી ગઈ. ‘સત્યનો સદા જય થાય છે’ એ કથન ઊલટાવવું પડે એવી સ્થિતિ પેદા થઈ. હવે આ નેતાઓને એમની નીતિરીતિઓ બદલવાનું કહેશું તો લાચારી દર્શાવતા એ લોકો કહેશે કે ‘હવે ઈમાનદારીનો ધંધો ફાવે તેમ નથી.’ આપણે એ બિચારાઓની દયા ખાવી જોઈએ. આપણે જ એમની અપ્રામાણિકતાને આટલી બધી નિભાવી, પાળી-પોષીને મોટી કરી. અલબત્ત આપણે મૌન સેવ્યું અને આપણા મૌનને એમણે મંજુરીની મહોર માની લીધી. ક્યારેક મૌન પણ ભયાનક પરિણામો લાવી શકે છે. અમુક સંજોગોમાં વિરોધનો સુર ઊઠાવવાનું બહુ અનિવાર્ય બની જાય છે. આટલી સતર્કતા પણ ન હોય એ પ્રજા પોતાના નૈતિક મૂલ્યોનું જતન ન કરી શકે. મૌન બહુ લાંબુ ચાલ્યું. હવે તો ગાડી ઉપડી ગઈ. ઘોડો ગમાણમાંથી છૂટી ગયો. અપ્રામાણિકતાનું બુંદ ધસમસતા પૂરમાં ફેરવાઈ ગયું. હવે એને ખાળવા માટે મહા ભગીરથ પ્રયત્નો કરવા પડે, પણ આપણી પ્રાયોરિટીમાં અપ્રામાણિકતા અને ભ્રષ્ટાચારને આપણે આટલો અગ્ર ક્રમ આપવા તૈયાર છીએ ખરે?

અપ્રામાણિકતાની વેલને આપણે સીંચી છે. એને ઉછેરી છે. મહત્વની રાષ્ટ્રીય બાબતોમાં અપ્રમાણિકતા અને મૂલ્યોની વાત આવી ત્યારે આપણે એ મૂળને પકડવાને બદલે ગલ્લા તલ્લાં કર્યા છે. અપ્રામાણિક લોકોનો આપણે ત્યાં વ્યવસ્થિત બચાવ થતો રહ્યો છે. એમના રક્ષણ માટે લોકોની કતારો લાગી જાય છે. એમની વ્યૂહબાજી ભલભલાને છકડ ખવડાવે તેવી હોય છે. અપ્રામાણિકતા સામે જ્યારે કોઈ એકલ દોકલ માથા ફરેલ માણસ જેહાદ જગાવે ત્યારે પેલો ચતુર તો મૂછમાં હસતો હોય છે. અપ્રામાણિકતા એક રાષ્ટ્રીય રોગ બન્યો છે. પ્રામાણિકતા અને નિષ્ઠા એ પાયાનું માનવીય મૂલ્ય છે. એની વિરૃધ્ધ કોઈ દલીલ ન હોઈ શકે અને ભ્રષ્ટાચારનો કોઈ બચાવ ન હોઈ શકે. પણ આપણે ત્યાં પ્રશ્નોને એ પરિપ્રેક્ષ્યમાં કદી જોવા મળ્યું નથી. એને બદલે એમાં પણ સમાજકારણ, પ્રદેશકારણ, જાતિકારણ અને ધર્મકારણના રંગો ઉમેરીએ છીએ. આ કવચ હેઠળ દુર્ગુણો વિકસતા જ રહ્યા અને આપણે દબાણો હેઠળ નિર્ણયો લેતા જ રહ્યા.

ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયેલી એક બેન્કને સંબોધતા કર્ણાટકના એક વખતના મુખ્યમંત્રી ગુંડુ રાવે ફિલ્મ કલાકારો પોતાના કામ માટે મોટી રકમ લે છે એવી ટીકાનો બચાવ કરતાં કહ્યું હતું કે ફિલ્મ કલાકારોની જેમ જ અમે રાજકારણીઓની કારકિર્દી પણ ટૂંકી હોય છે. આથી અમે પણ આટલી ટૂંકી કારકિર્દીમાં પાછલા જીવન માટે થોડા પૈસા એકઠા કરીએ તો તે સ્વાભાવિક ગણવું જોઈએ. શાબાશ ગુંડુરાવ! એક સાથે એમણે બે સિદ્ધિ મેળવી. આજના રાજકારણીઓ ફિલ્મી વિદૂષકોની કક્ષાના છે એવો એકરાર કર્યો અને બીજી બાજુ એ અપ્રમાણિક છે એમ સ્વીકાર્યું.

બેઈમાનીનો આજે આપણા દેશમાં યજ્ઞા ચાલી રહ્યો છે. બેઈમાનીની ઋતુ બેઠી છે. ઈતિહાસ આપણા સમયને અપ્રામાણિકતાના સુવર્ણ યુગ તરીકે ઓળખીએ. સુવર્ણ યુગનું બિરૃદ મેળવવું એ પણ નાનીસની સિદ્ધિ નથી. એવો યુગ જેમાં પ્રામાણિકતા ઓઝલ બેઠી બેઠી કરમાઈ રહી છે.

દેશમાં અત્યારે ચારેબાજુ બેઈમાની અને ભ્રષ્ટાચારની બોલબાલા છે. ઝારખંડના મુખ્યમંત્રી ત્રણ હજાર કરોડના ગોટાળામાં ઝડપાઈ ગયા. અત્યારે પણ તેઓ જેલમાં જ છે. એમણે જે શિફતથી નાણા એકઠા કર્યા એ સંશોધનનો વિષય છે. એ જ રીતે હૈદ્રાબાદમાં ૧૦૮ નંબરની બસનો વિચાર જેને આવ્યો એ અમૃતલીંગમ નામના નેતાએ અબજો રૃપિયાનો કરેલો ભ્રષ્ટાચાર બહાર આવ્યો. તેઓશ્રી પણ અત્યારે જેલના સળિયા ગણતા હશે. મધ્યપ્રદેશનું વ્યાપમ કૌભાંડ તો સૌથી ઉપર છે. આ કૌભાંડમાં દરરોજ એક આરોપી અથવા એક સાક્ષીનું મોત થઈ જતું. આ રીતે કુલ પાંચસો જણના મોત થઈ ગયા એ પછી સુપ્રિમ કોર્ટે દખલ કરી અને એની તપાસ શરૃ થઈ. ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અવારનવાર છાપા મારવામાં આવે છે અને એમાં કરોડોનું કાળુનાણું પકડાય છે. મોદી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે વચન આપેલું કે અમારી સરકાર સત્તામાં આવીને સ્વીટઝરલેન્ડમાં રહેલું બધું કાળું નાણુ ભારત લાવશે અને દરેક નાગરિકના ખાતામાં પાંચ લાખ રૃપિયા જમા થઈ જશે પણ બે વરસ થયા એક પૈસાનું કાળુ નાણું ભારત આવ્યું નથી. દરમ્યાન પનામા  પેપર્સ લીક થયા છે અને એમાં રાજકોટના બે નાગરિકોના નામ પણ સામેલ છે. પનામા લેટિન અમેરિકામાં આવેલો નાનકડો દેશ છે.

અત્યારે પાંચ રાજ્યોની વિધાનસભાના પરિણામ આવ્યા એમાં કેરળમાં કોંગ્રેસ પ્રેરિત મોરચાની હાર થઈ એની પાછળ મુખ્યમંત્રી શ્રી ઓમન ચાન્ડીના ભ્રષ્ટાચારનો મોટો હાથ હતો. એ જ રીતે દેશના એક વખતના નાયબ વડાપ્રધાન દેવીલાલના પુત્ર ઓમપ્રકાશ ચૌટાલાએ ભ્રષ્ટાચારના માર્ગે અઢળક નાણું અને મિલકતો એકઠી કરેલી એની તસવીરો પણ છાપાઓમાં આવી ગઈ. એ જ રીતે હમણા તામિલનાડુમાં પરિવાર મુખ્યમંત્રી બનેલા જયલલિતા સામે ૬૪ કરોડના ભ્રષ્ટાચારનો કેસ ચાલતો હતો. ઉપરાંત બાજપાઈના જમાનામાં એના ઘરે દરોડા પડયા ત્યારે હજારો સાડીઓ, સેંકડો કિલો સોનુ, હજારો નંગ ચપ્પલ અને લંડનમાં એક ડઝન હોટલો ઝડપાઈ ગઈ હતી છતાં લોકોએ એને બહુમતીથી ચૂંટી કાઢી. આનો શો અર્થ કરવો? શું આપણે ભ્રષ્ટાચારથી ટેવાઈ ગયા છીએ? શું હવે ખરેખર ઈમાનદારીનો ધંધો ચાલે એમ નથી?

આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એક ગરીબ અને પછાત પ્રજા છીએ અને ઈમાનદારી કે પ્રામાણિકતા વિના આપણને ચાલવાનું જ નથી. આપણે પ્રગતિ કરવી હોય અને આઝાદીના મીઠા ફળ ચાખવા હોય તો પરિશ્રમ અને પ્રામાણિકતા એ જ ઉપાય છે. નહીંતર આપણે પૃથ્વીના નકશા ઉપર જીવીએ કે મરીએ એની કોઈ કિંમત નહીં રહે. માણસ મરે નહીં એટલે એમ ન સમજાય કે એ જીવતો છે.

ઉત્તરપ્રદેશના સમાજવાદી પક્ષની સરકાર છે ત્યાંના પ્રધાનોએ અવારનવાર ભ્રષ્ટાચારને પોષતા નિવેદનો કર્યા છે. એક પ્રધાને તો ત્યાં સુધી કહ્યું હતું કે અધિકારીઓ રાતદિવસ મહેનત કરીને ફરજ બજાવે છે એટલે થોડોઘણો ભ્રષ્ટાચાર એ લોકો કરે તો માફ કરી દેવા જોઈએ. એ જ રીતે ત્યાંના મુખ્યમંત્રીના કાકા એવા એક પ્રધાને પણ આ મતલબનું જ નિવેદન કર્યું હતું. હવે વિચારી જુઓ કે ખૂદ પ્રધાનો જ આવું બોલતા હોય તો એ લોકો પોતે પણ ભ્રષ્ટાચાર કરતા જ હશે. ખરેખર તો પ્રધાનોએ પોતે સ્વચ્છ વહીવટ આપવો જોઈએ અને ભ્રષ્ટાચાર રોકવો જોઈએ એને બદલે વાડ જ ચીભડા ગળે એવો ઘાટ થાય છે.

આપણા દેશમાં ક્યાંય ન બન્યું હોય એવું બને છે. કર્ણાટકમાં એકવાર એવું બન્યું કે એક જાણીતો ગુંડો ન્યાયાધીશ બની ગયો એની કથા બહાર આવી ત્યારે પગલા લેવાયા પણ ત્યાં સુધીમાં આ સાહેબે સંખ્યાબંધ ખોટા ચૂકાદાઓ આપી દીધા હશે. એ જ રીતે હૈદ્રાબાદમાં એલએલએમની પરીક્ષા ચાલતી હતી અને એમાં એલએલબી થયેલા વકીલો બેઠા હતા પણ સંખ્યાબંધ વકીલો પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ ગયા હતા. વિચારીએ તો શરમથી માથું ઝુકી જાય. જે લોકો વકીલાતની પ્રેકટીસ કરી રહ્યા છે અને જેમને માથે બંધારણનું રક્ષણ કરવાની ગંભીર જવાબદારી રહેલી છે એ જ લોકો ઊઠીને બંધારણની હત્યા કરે એ કેમ ચલાવી લેવાય? ગુજરાત સૌરાષ્ટ્રમાં બેફામ પરીક્ષા ચોરી થાય છે એમાં સૌથી વધુ ચોરી એલએલબીમાં થાય છે. ઉપરાંત સૌથી વધુ દૂષણો મેડીકલ કાઉન્સિલમાં પ્રવેશી ગયા છે. પાંચેક વરસ પહેલાં પંજાબમાં એક જગ્યાએ મેડીકલ કાઉન્સિલના પ્રમુખ બે લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. એ પછી રહસ્ય ખૂલ્યું કે આ સાહેબ તો બધેથી લાખોની લાંચ લઈને મેડીકલ કોલેજને માન્યતા આપી દે છે. ઉપરથી એ જ સાહેબ ફરીથી કાઉન્સિલની ચૂંટણી થઈ એમાં ઊભા રહ્યા અને ચૂંટાઈ પણ આવ્યા. આમ આભ ફાટયું છે ત્યાં કેટલા થીંગડા દેવા?

આપણે ત્યાં અવારનવાર અબજો રૃપિયાના ગોટાળાઓ બહાર આવતા રહે છે. એક જમાનામાં ક્રિકેટમાં જુગાર શરૃ કરાવનાર લલીત મોદી ૩૦ હજાર કરોડનું કૌભાંડ કરીને ભાગી ગયા. ખૂબીની વાત એ છે કે ઈંગ્લેન્ડ બેઠા બેઠા એમણે વધારાના વીઝા પણ મેળવી લીધા અને આ વીઝાની ભલામણ બે ટોચના ભાજપી નેતાઓએ કરી હતી. હજી સુધી આ બેમાંથી એકપણ નેતાએ રાજીનામું આપ્યું નથી.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s