નામ રાખવા માટે રસ્તો શોધો!—-લાઈવ વાયર: વિનોદ પંડ્યા

 

નામ રાખવા માટે રસ્તો શોધો ! —સંદેશ, 25,મે 2016ને બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં—લાઈવ વાયર : વિનોદ પંડયા

કૌન કાફિર યકીન કરતા હૈ, 

લાખ યે બુત કહે, ખુદા હૈ હમ ।। 

અજલ લખનવીનો આ શેર છે. ભલે ફિલોસોફીના અંદાજમાં લખાયો હોય, પણ આજના પ્રસિદ્ધિવાંછુ નેતાગણ, અભિનેતાગણ અને શિષ્યગણોએ મગજમાં રાખવા જેવો છે.

તોતિંગ સોવિયેત સંઘનું સામ્રાજય તૂટી પડયું. લેનિન, સ્ટાલીનની કાંસ્યની બનેલી ગગનચુંબી પ્રતિમાઓ નવી પ્રજાએ તોડી પાડી. ક્રેનની મદદથી જડમૂળથી ઊખેડી નખાઈ. હિટલરનાં મેમોરિયેલના અને મોન્યુમેન્ટોના એ જ હાલ થયા નથી. ચાર્લી ચેપ્લીન સહિત બધા જ જાણે છે કે કશું કાયમી નથી. છતાં પ્રસિદ્ધિ અને ખ્યાતિનો ભમરો માનવીનાં દિલોદિમાગમાં સતત ગુંજન કરતો રહે છે. ઉમદા દિમાગ ધરાવતાં લોકોને પણ પ્રસિદ્ધિની ખ્વાહિશ પજવે છે. માન-અકરામ પ્રાપ્ત કરવા પડે છે, માગવાનાં ન હોય (રિસ્પેક્ટ ઈઝ કમાન્ડેડ, નોટ ડિમાન્ડેડ) એવી અંગ્રેજી કહેવત છે છતાં માનને લાયક ન હોય એવા લોકો જ વધુ માન મેળવી જાય છે. તેઓને માગતા આવડે છે. મહાત્મા ગાંધીને નોબલ પારિતોષિક નહોતું મળ્યું એ બાબત જ યોગ્ય ઉદાહરણ છે. પણ તેથી મહાત્માં ગાંધીનું માન ઘટયું નથી, પારિતોષિકનું ઘટયું છે. લેખક ગ્રેહામ ગ્રીને માનસન્માનને એક શક્તિશાળી વાજીકરણ (હાલની વાયગ્રા) સાથે એમના કાળમાં સરખાવ્યું હતું. તે હોવા વિશે અને ન હોવા વિશે બંને બાજુ દલીલો છે, પણ માન આપવાનો અધિકાર પોતાના હાથમાં હોય ત્યારે એ લોકો સતત પોતાના હાથે પોતાનું જ સન્માન કરતા રહે, એ પણ ભારત જેવા ભવ્ય સંસ્કૃતિ ધરાવતા દેશમાં ઉમદા ચારિત્ર્યોને અવગણીને પોતાને મહાન બનાવતા રહે એ હકીકત ગંદી છે અને તેથી તિરસ્કાર અને જુગુપ્સા પેદા કરે છે.

ગાંધી-નેહરુ પરિવારમાં જે ગાંધી અટક છે તેને મહાત્મા ગાંધી સાથે કોઈ સંબંધ નથી. ફિરોઝ ગાંધી સાથે છે. એટલે નેહરુ ગાંધી કુટુંબનું નામ જયારે રોશન થાય ત્યારે મહાત્મા ગાંધીના નામનો મહિમા થતો નથી એ સુજ્ઞા વાચકો જાણે જ છે. મહિમામંડન ફિરોઝ ગાંધીનાં સંતાનોનું થાય છે. ફિરોઝભાઈના  પુત્ર રાજીવ ગાંધી દેશમાં એક ટર્મ માટે વડાપ્રધાન હતા. એમના કાર્યકાળમાં, એમના જ નજીકના લોકો દ્વારા બોફોર્સ કૌભાંડ આચરવામાં આવ્યું. મૌલાના આઝાદ અને રાજીવના તરક્કીપસંદ મુસ્લિમ પ્રધાનોને અવગણીને શાહબાનુ કેસમાં મુસ્લિમ રૂઢિવાદીઓને પસંદ પડે તેવો કાનૂન પસાર કરાવ્યો. સુપ્રીમ કોર્ટની ઐસીતૈસી કરી નાંખી. મનઘડંત નીતિ અપનાવી વગર કારણે ભારતના બે હજારથી વધુ સૈનિકોને શહિદ બનાવ્યા અને શિખ વિરોધી હિંસામાં નિષ્ક્રિય રહ્યા. આ એમનું રાષ્ટ્ર માટેનું અમૂલ્ય પ્રદાન.

એ પાંચ વર્ષ બાદ બીજી ચૂંટણીના પ્રચાર પ્રવાસ દરમિયાન ચેન્નઈ નજીક એમની હત્યા થઈ. તમિળ ત્રાસવાદીઓ દ્વારા. આ શહીદી ન કહેવાય. ગાફેલિયત કહેવાય. જાણતા હોવા છતાં શિખ ચોકિયાતોને નહીં હટાવીને ઇન્દિરા ગાંધીએ વહોરી લીધી હતી તે શહીદી કહેવાય. રાષ્ટ્રની એકતા અખંડિતતા જળવાય તે માટે લીધેલા નિર્ણયોને કારણે એ શહિદ થયાં હતાં. રાજીવ ગાંધીને એ શહીદીનો દેશે ભરપૂર સહાનુભૂતિ બતાવીને પ્રતિસાદ આપ્યો હતો. ઈન્દિરા ગાંધીનું નામ દેશની જેટલી યોજનાઓને આપો એટલું ઓછું છે. એમની અન્ય સિદ્ધિઓ પણ એવરેસ્ટથી ઊંચી છે.

રાજીવના ગયા પછી નામધન્યતા માત્ર રાજીવની જ ચાલી. કારણકે સોનિયા ગાંધીના હાથમાં આડકતરી અથવા સીધી રીતે વધુ સુકાન રહ્યું. કટોકટી બાદ દેશમાં એક સૂત્ર પ્રચલિત થયું હતું. દેશ કી નેતા ઈન્દિરા ગાંધી, યુવાઓ કે નેતા સંજય ગાંધી, મહિલાઓ કી નેતા મેનકા ગાંધી, બચ્ચો કે નેતા રાહુલ ગાંધી! ભૂલ જાઓ મહાત્મા ગાંધી! અહીં ભૂલ જાઓ શબ્દપ્રયોગ લેખકે યોજયો છે. કારણકે એ જગ્યાએ એવો શબ્દ પ્રયોગ હતો જે મહાત્મા ગાંધી માટે અભદ્ર કહી શકાય. વિરોધીઓની એ આગાહી સાચી પડી છે. મહાત્મા ગાંધી વિસરાઈ ગયા છે અને સરકારે રાજીવ ગાંધીને રોશન કરી દીધા છે. શહેરોનાં મુખ્ય માર્ગોને મહાત્મા ગાંધીનું નામ અપાય છે, પણ રાષ્ટ્રના વિમાન મથકો, બ્રિજ, ડેમ, તળાવો, સરોવરો, સંસ્થાઓ કે કાર્યક્રમોમાં મહાત્મા ગાંધીનું નામ અલ્પ સંખ્યામાં છે. માત્ર બે જ યોજનાને લાલ બહાદુર શાસ્ત્રીનું નામ અપાયું છે. જવાહરલાલનું નામ ૬૮ યોજઓ સાથે, ઈન્દિરા ગાંધીનું ૧૩૬ સાથે અને રાજીવ ગાંધીનું નામ ૨૫૨ સ્થળો, સંસ્થાઓ અને કાર્યક્રમો સાથે જોડાયેલું છે. આ ભયંકર વિસંગતિ છે અને તેનો અંત આણવો જોઈએ. ઋષિ કપૂરે અવાજ ઊઠાવ્યો તો મન ગિરવે મૂકી ચૂકેલા કોંગ્રેસીઓ કપૂર સામે દેખાવો કરવા પહોંચી ગયા. આમ તો આ સારી વાત છ. કોંગ્રેસના કરતૂતોને તેઓ વધુ હાઈલાઈટ કરવામાં મદદરૂપ નીવડે છે. જાહેર સંસ્થા, સ્થળો, દવાખાનાં, વિમાન-મથકો વગેરેને નામ આપવાની બાબતમાં ભારતમાં કોઈ સુરેખ માર્ગર્દિશકા નથી. સરકાર પર મર્યાદા મૂકતા કોઈ કાયદાકાનૂન નથી. માયાવતીએ આંબેડકરનાં સ્મારકો રચ્યાં તે વાજબી અને સરસ બાબત છે, પણ પોતાની જ સુવર્ણરંગી પૂરા કદની પ્રતિમાઓ, અનારકલીની અદાથી તૈયાર કરાવી અને તે પણ જીવતા જાગતા અને પ્રજાને ખર્ચે. કૌન કાફિર યકીન કરતા હૈ, લાખ યે બુત કહે, ખુદા હૈ હમ! અખિલેશે આવીને માયાવતીનાં બુત એટલે કે પૂતળાને બુરખા પહેરાવી દીધાં. લોકોના હૃદયમાં સન્માન હોય, તો પ્રતિમાને મળશે. અન્યથા પક્ષીઓ ચરકો કરશે અને કોઈ ધોવા નહીં જાય.

મહાત્મા ગાંધી, આંબેડકર, નેહરુ, પટેલ, લત્તા મંગેશકર, હોમી ભાભા, વાજપેયી, અબ્દુલ કલામ, શહીદ અબ્દુલ હમીદ, મૌલાના આઝાદ, ફિરોજશા મહેતા વગેરે પ્રતિમાઓના મોહતાજ નથી, પણ અલેલ-ટપુઓને બદલે તેઓની પ્રતિમાઓ હોય તો દેશ અને સમાજ ઊજળો દેખાય.

ગુજરાતમાં રસ્તાઓનાં કે સંસ્થાઓનાં નામોમાં જૂના કર્મને માટેનો આદરભાવ ખાસ જોવા મળતો નથી. રડયાં ખડયાં ઉદાહરણ મળે. મહારાષ્ટ્રએ એના જૂના જોગીઓને અને દ્રષ્ટિવેતાઓને ખાસ યાદ રાખ્યા છે. મુંબઈમાં અંગ્રેજોએ આપેલા ફલોરા ફાઉન્ટન, એપોલો બંદર, ઓપેરા હાઉસ વગેરેને નવાં નામ અપાયાં છે. ઇતિહાસમાં શિખડાવવામાં આવ્યું છે કે અંગ્રેજોએ ભારત પર જુલમો કર્યા, લૂંટ ચલાવી. ઇતિહાસનો સમતોલ અને ર્તાિકક અભ્યાસ કરીએ તો મુસ્લિમ શાસકોએ જે અત્યાચારો હિન્દુ પ્રજા પર આચર્યા હતા તેની તુલનામાં અંગ્રેજોએ ઓછો અત્યાચાર ગુજાર્યો હતો. અંગ્રેજોએ રેલવે, લેન્ડ રેકર્ડ, કાયદા-કાનૂન, વિજ્ઞાાન અને તબીબી સંસ્થાઓ, હોસ્પિટલો વગેરે સુંદર આર્િકટેકચર સાથે બાંધ્યાં. દેશનો તેનાથી ઝડપી અને ખૂબ વિકાસ થયો. મુસ્લિમોના કારણે એક હિન્દુ ઠક્કરનો વંશજ મોહમ્મદ અલી ઝીણા પેદા થયો અને દેશના ત્રણ ભાગલા કરાવ્યા. અહીં અંગ્રેજોના ગુણગાન ગાવા નથી કે મુસ્લિમોની ભર્ત્સના કરવી નથી. પણ ધર્માંધ ઔરંગઝેબનું નામ દૂર કરવામાં આવે તો સેક્યુલર કોંગ્રેસ સહિત મોરચો વિરોધ કરવા નીકળી પડે છે. એલ્ફિન્સ્ટન કોલેજનું નામ બદલવામાં આવે ત્યારે તેને ગુલામીની ઝંઝીરમાંથી મુક્તિ ગણાવી વાહ વાહ કરવામાં આવે. કારણકે એલ્ફિન્સ્ટનના કોઈ વારસદારો કે જાતભાઈઓ મતદાન કરવા ભારતમાં મોટી સંખ્યામાં રોકાયા નથી. મદ્રાસનું ચેન્નઈ થઈ ગયું. આસાનીથી થઈ ગયું. પણ અમદાવાદનું કર્ણાવતી કરવું હોય તો કોંગ્રેસના પ્રવક્તાઓને હિન્દુવાદની દુર્ગંધ આવવા માંડે છે. અપભ્રંશ થઈ ગયેલા ગુરગાંવને ગુરુગ્રામ બનાવ્યું તેમાં સેક્યુલરોને રાતની ખીચડી હજમ ન થઈ!

ઝિમ્બાબ્વે જયારે રહોડેશિયા હતું ત્યારે પાટનગર સાલ્ઝબરી હતું. દેશનું નામ ઝિમ્બાબ્વે થયું અને પાટનગરનું નામ હરારે કરી નખાયું. નામ બદલાયા કરે છે તેથી પૂતળા ઊભા કરીને કોઈએ અમર થવાનો પ્રયત્ન ન કરવો. મુંબઈમાં સારાં નામોની સાથે ફાલતું નામોની ભરમાર છે. ગાંઠિયા-પેંડાની દુકાનવાળા મારવાડીએ પૈસા આપ્યા તો તેનું નામ રસ્તાને અપાયું, ચોકને અપાયું. જે નામથી એ રસ્તા કે ચોકને કોઈ ઓળખતું નથી. છતાં મુંબઈમાં એક સરસ ઉદાહરણ છે. વાલકેશ્વરમાં અદ્યતન ટેલિફોન એકસચેન્જ ૪૦ વર્ષની આસપાસ બંધાયું ત્યારે એકસચેન્જ જે માર્ગ પર છે તેને ટેલિફોનના જનક એલેક્ઝાંડર ગ્રેહામ બેલ માર્ગ નામ અપાયું. ન્યુ દિલ્હીમાં અકબર રોડનું નામ મહારાણા પ્રતાપ નામ રાખવાની સુબ્રહ્મણિયમ સ્વામીએ માગણી કરી છે. અકબર રોડ પર ઘણા રાજકીય મહાનુભાવો વસે છે. ઔરંગઝેબનું નામ બદલો એ ઠીક છે, પણ અકબરનું નામ ન બદલવું જોઈએ. એ ખરા અર્થમાં સેકયુલર હતો. તમામ ધર્મોમાંથી સારા તત્ત્વો લઈને દિને-ઈલાહીની ચળવળ શરૂ કરી હતી. એ રીતે ભારતને તાજમહાલ આપનાર શાહજહાનું નામ પણ ન બદલવું જોઈએ.

ઐતિહાસિક ધરોહરની સ્થાપનામાં વ્યક્તિના પ્રદાનનું મૂલ્યાંકન કરી જેતે ઉપક્રમને તે વ્યક્તિનું નામ આપવાની સુરેખ માર્ગદર્શક નીતિ ઘડી કાઢવી જરૂરી છે. સંગીત સંસ્થાઓને લતા, આશા, રવિ શંકર, ઝુબીન મેહતા, બિસ્મીલ્લાખાન વગેરેનાં નામ, વિજ્ઞાાન તકનિકી સંસ્થાઓને જગદીશચંદ્ર બોઝ, રામન, વિશ્વેશ્વરૈયા, હોમી ભાભા, વિક્રમ સારાભાઈ, આઈનસ્ટાઈન, એડવર્ડ જેનર, લ્યુમિયર, થોમસ આલ્વા એડિસન, ન્યુટન, આર્યભટ્ટ વગેરેનાં નામ આપી શકાય. પણ ફિલ્મી સંસ્થા હોય કે આંગણવાડી, બાળકોનો બગીચો કે પાર્ક, દરેકને રાજીવ ગાંધી નામ આપવાનું ઔચિત્ય શું છે? ઋષિ કપૂરની માફક કરોડોને આ સવાલ પજવે છે.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s