ભલેને બાળકો મરતાં, એમાં આપણે શું? —વર્ષા પાઠક “આપણી વાત “

 

 

 

ભલેને બાળકો મરતાં, એમાં આપણે શું? —દિવ્યભાસ્કરની “કળશ” પૂર્તિમાંથી

  • Varsha Pathak

 

મુંબઈની એક બહુમાળી ઇમારતમાં બહુ વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો. અહીં મલ્ટિ લેવલ કાર પાર્કિંગ

છેઅનેમાણસની જેમ વાહનોને ઉપર નીચે લઈ જવા માટે એલિવેટર છે. ગયા બુધવારે અહીં સેકન્ડ ફ્લોર પર પાર્ક થયેલી કાર એટલા જોરથી એલિવેટર તરફ ધસી ગઈ કે, એનું ડોર તોડીને નીચે બેઝમેન્ટમાં ખાબકી. 14 વર્ષનો વિદ્યાર્થી હાફીઝ પટેલ અને 25 વર્ષનો ફેમિલી કાર ડ્રાઇવર જાવેદ અહમદ મોતનો કોળિયો બની ગયા. મોટું આશ્ચર્ય એ છે કે, સવારે સાડા અગિયારે મકાનના બીજે માળેથી આવડી મોટી કાર નીચે એલિવેટર શાફ્ટમાં પટકાઈ, મકાનમાં વોચમેન, સીસીટીવી કેમેરા છે, તોયે પાંચ કલાક સુધી કોઈને ખબર ન પડી. હાફીઝના ઘરવાળાએ પોલીસમાં જઈને છોકરો ગુમ થયાની ફરિયાદ પણ લખાવી દીધી. સાંજે છેક સાડા પાંચે એક વોચમેનને ખ્યાલ આવ્યો કે એલિવેટર શાફ્ટમાં તળિયે એક કાર પડી છે. એ પછી લગભગ અડધા કલાકની મહેનતે એમાંથી બે મૃતદેહ બહાર કઢાયા. ડ્રાઇવિંગ સીટ પર હાફીઝ હતો.

 

બહુ કરુણ ઘટના હતી. પરિવારના લોકો સાનભાન ગુમાવી બેસે અને મીડિયામાં એની મોટે પાયે ચર્ચા થાય એ સ્વાભાવિક છે. હંમેશની જેમ આમાં વાંક કોનો એનીયે ચર્ચા શરૂ થઈ છે. અડધું પડધું જ્ઞાન ધરાવતાં અમુક લોકોએ કહ્યું કે આ પ્રકારની પાર્કિંગ સિસ્ટમ જ ડેન્જરસ છે. ડ્રાઇવરના ઘરવાળા કહે છે કે કાર નીચે પટકાઈ એટલે જોરથી અવાજ થયો જ હશે અને તોયે પાંચ કલાક સુધી કોઈને ખબર ન પડી, એટલે આ દુર્ઘટના માટે બિલ્ડિંગ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવવું જોઈએ. હાફીઝના પરિવારજનો તો અત્યારે કંઈ બોલવાની સ્થિતિમાં નથી.

 

પણ સૌથી મોટો પ્રશ્ન એ કે, સ્કૂલના આઠમા ધોરણમાં ભણતા, 14 વર્ષના છોકરાને કાર ચલાવવાની મંજૂરી કોણે આપી? એની સાથે બેઠેલો ડ્રાઇવર જાવેદ તો મરી ગયો, એટલે એને કસૂરવાર ઠેરવવાનું સહેલું છે, પણ ત્યાં કામ કરતા બીજા એક ડ્રાઇવરે કહ્યું કે, અઠવાડિયામાં બે-ત્રણ દિવસ હાફીઝ, બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં કાર ચલાવતો હતો. અર્થાત્ 14 વર્ષનો છોકરો કાર ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરતો હતો, એ ઘણાં લોકો જોતા હતા. ઘરના લોકોને તો ખબર જ હશે, તોયે કોઈએ એને રોક્યો નહીં? અકસ્માતની તપાસ દરમ્યાન એક એવી શક્યતા વ્યક્ત કરાઈ છે કે, હાફીઝે બ્રેકને બદલે એક્સિલરેટર પર પગ દબાવી દીધો હશે, એટલે કાર બહુ સ્પીડે દોડી ગઈ. આવી ભૂલ એણે મકાનના કમ્પાઉન્ડમાં કરી હોત અને ત્યાં સામેથી કોઈ આવતું હોત તો?

અત્યારે હાફીઝના પરિચિતો, એના સ્કૂલફ્રેન્ડ્સ મૃત છોકરો કેટલો હસમુખો, મળતાવડો વગેરે વગેરે હતો એની વાત કરે છે, પણ ધારો કે, આ અકસ્માતમાં હાફીઝ ઊગરી ગયો હોત તો પોલીસ પટેલ પરિવારના બાર વગાડી દેત. દિલ્હીમાં પિતાની મર્સિડિઝ ચલાવતા સોળ વર્ષના છોકરાએ રસ્તામાં એક જણનો જીવ લઈ લીધો, એ ઘટના હજી ચર્ચામાં છે. આ પહેલાં પણ એણે નાના-મોટા અકસ્માત કરી લીધેલા. સગીર વયના બાળક પર આમ તો સામાન્ય કોર્ટમાં કામ ન ચલાવી શકાય કે જેલમાં પણ ન પૂરી શકાય, પણ આ કિસ્સામાં એને રિપીટ ઓફેન્ડર ઠરાવીને પોલીસે કડક હાથે કામ લેવાની ડિમાન્ડ કરી અને જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડે પણ સહેજ નમતું જોખવું પડ્યું. પોલીસ તો છોકરાના બાપને પણ ગુનેગાર ગણીને જેલમાં પૂરી દેવા માગતી હતી. એ ભાઈ બચી ગયા, પણ અન્ડરએજ ડ્રાઇવિંગ માટે બાળકોની સાથે એમનાં મા-બાપને પણ જવાબદાર ઠરાવવાં જોઈએ, એ વાત સાથે આ કોલમિસ્ટ સહિત ઘણાં લોકો સહમત છે. આ મુદ્દે આ પહેલાં પણ આ કોલમમાં લખાઈ ગયું છે, પણ ફરીથી કહેવું છે કે, મમ્મીઓ, પપ્પાઓ તમને તમારાં બાળકોનાં જીવની જરા સરખીયે ફિકર નથી?

જેણે પોતાનું સંતાન ગુમાવી દીધું, એને આવું કહેવાની ક્રૂરતા ન કરી શકાય, પણ જેમના લાડકવાયા હજી જીવતા જાગતા છે, એમને તો અક્કલ આવવી જોઈએ કે નહીં? પણ ના, એ દેખાડો કરવામાંથી ઊંચા આવે તોને? એક્સિડેન્ટ થાય ત્યારે આ વડીલો બધો વાંક છોકરાની જીદ પર નાખી દે, પણ પોતે એ જીદને કેટલું પ્રોત્સાહન આપ્યું, એ વિશે મૌન સેવે. વાત માત્ર મોંઘી કાર ચલાવતા શ્રીમંત પરિવારોની નથી. ગુજરાતના રસ્તા પર મેં દસ-બાર વરસના છોકરાને સ્કૂટી ચલાવતા જોયા છે. એમનાં મા-બાપને આમાં કંઈ જોખમ નથી દેખાતું.

ટુ વ્હીલર્સની વાત નીકળી છે તો એટલું કહેવાનું કે, મુંબઈની તુલનાએ ગુજરાતના લોકો, એમના પરિવારજનો અનેકગણા વધુ બેદરકાર છે. મુંબઈના રસ્તા પર હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવો અને ટ્રાફિક પોલીસની નજરે ચઢો તો જરૂર દંડ થાય, પણ ગુજરાતમાં, અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ બચ્ચાકચ્ચ્ચા બિન્ધાસ્ત, વિના હેલ્મેટે સડસડાટ એમના સ્કૂટર, મોટરસાઇકલ પોલીસની પડખેથી દોડાવી જાય છે. હેલ્મેટ હોય પણ બાજુમાં લટકતો હોય. છોકરીઓ તડકાથી કાળી ન પડી જવાય એટલે હાથ પર લાંબા ગ્લવ્ઝ પહેરે છે, વાળને ખરાબ થતા બચાવવા માટે સ્કાર્ફ બાંધે છે, પણ માથાને બચાવવા માટે હેલ્મેટ નથી પહેરતી. છોકરાઓને હેલ્મેટ પહેરવામાં એમની મર્દાનગીનું અપમાન થતું લાગે છે. આ લોકોને કોઈ પૂછવાવાળું નથી. ગુજરાતની ટ્રાફિક પોલીસને તો કદાચ કારમાં સીટ બેલ્ટ અને ટુ વ્હિલર પર હેલ્મેટ પહેરવાનો કોઈ કાયદો છે, એની જાણ જ નથી. વાહન ચલાવનારને ટોકો તો કહે, આ મારું માથું છે, ફૂટે તો તમને શું પંચાત?

પણ પંચાત કરવી પડે છે, કારણ કે આ બાળબહાદુરો જ્યારે બેફામ એમનાં કાર સ્કૂટર ચલાવે છે, ત્યારે રસ્તો ક્રોસ કરતાં કે કાર ચલાવતાં અમારા જેવા લોકોના જીવ તાળવે ચોંટી જાય છે. સાચું કહું છું, ડ્રાઇવિંગ કરતી વખતે મને કોઈ મોટી બસ કે ટ્રક કરતાં આ ટુ વ્હિલર્સ ચલાવનારાનો વધુ ડર લાગે છે. એ લોકો, એમના ઘરવાળા માને છે કે, એમના પ્રાણની સુરક્ષા કરવાની જવાબદારી બીજાઓની છે. ભારતમાં ગયા વર્ષે લગભગ દોઢ લાખ લોકો, એટલે રોજના ચારસો લોકો માર્ગ અકસ્માતમાં મરી ગયા. રોડ સેફટીની બાબતમાં સરકારે કંઈ કરવું જોઈએ, એવી માગ થઈ છે, પણ આપણે પોતે શું કરીએ છીએ? બાર-તેર વરસની છોકરીને સ્કૂટરની ચાવી આપીએ છીએ, દીકરાને સોળમા જન્મદિવસે કારની ગિફ્ટ આપીએ છીએ અને સાથે એમને શિખામણ આપી રાખીએ છીએ કે, પોલીસ પકડે તો પચાસ-સો રૂપિયા આપી દેવાના, પણ આમાંથી કેટલા લોકો પોતાનાં બાળકોને સીટ બેલ્ટ કે હેલ્મેટ પહેરવાનું કહે છે?

 

Advertisements

One comment

  1. હેલ્મેટ અને સીટબેલ્ટ, ખાસ કરીને હેલ્મેટ ન પહેરવા બદલ તો ભલે ઝુંબેશ ચાલતી હોય ત્યારે પરંતુ કેસ તો થાય છે, પરંતુ બેફામ બાઈકર્સ; ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારને; ખોટી સાઈડમાં સ્પીડથી વાહન ચલાવનારને કોઈ રોકતું નથી. આપણી પ્રાયોરીટી જ ખોટી છે. પહેલા બીજાને અસર કરનાર ગુનાઓ ને ડામો, પછી વાહન ચલાવનારની સલામતીની ફિકર કરો. મારી ભૂલ કે ગુનો મને નુકસાન કરે તે રોકવા કરતાં મારી ભૂલ કે ગુનો બીજાને નુકસાન કે અગવડ કરે તે રોકવાનું કામ પહેલું હોવું જોઈએ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s