મહાભારતનું સૌથી ઉપેક્ષિત પાત્ર : યુદ્ધભૂમિના કૃષ્ણ–શ્રી પ્રણવ ગોળવેલકર

મહાભારતનું સૌથી ઉપેક્ષિત પાત્ર : યુદ્ધભૂમિના કૃષ્ણ દિવ્ય ભાસ્કરની તા.20,એપ્રિલ,2016ને બુધવારની ” કળશ ” પૂર્તિમાં ” બગાવત” કોલમમાં શ્રી પ્રણવ ગોળવેલકરનો લેખ.

 

‘મારી વિચારધારા ફક્ત અત્યંત બુદ્ધિમાન લોકોને જ સમજાશે, એ લોકો-જે બધી જ રૂઢિઓ અને પરંપરાઓ અને કટ્ટરતાથી ત્રાસી ગયા છે અને એ લોકો જે મનુષ્યના પૂરા ઇતિહાસથી તંગ આવી ગયાં છે. મારા લોકો બુદ્ધિમંત છે. પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે!’ – ઓશો

એ કર્ણની હત્યાના સૂત્રધાર છે, જયદ્રથના મૃત્યુનું કારણ છે. ભીષ્મની નબળી બાજુ પર ક્રૂરતાથી ઘા કરે છે, દ્રોણના પુત્રપ્રેમનો દુરુપયોગ કરે છે. એ પરિણામ લાવવામાં માહેર છે. એ સાધ્યને પાર પાડે છે. સાધનની શુદ્ધતા સાથે એમને સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. એ માસૂમ, મુગ્ધ, ભક્તાંધનો ક્હાનો કે કનૈયો નથી. એ કૂટનીતિજ્ઞ છે, કુટિલ છે, કાતિલ છે-એ કૃષ્ણ છે, યુદ્ધભૂમિના કૃષ્ણ! આ દેશના લોકો જ્યારે યુદ્ધભૂમિ પરના કૃષ્ણને આરાધવાનું શરૂ કરશે ત્યારે ભારત સુપરપાવર હશે, દુનિયાનો એકમાત્ર સુપરપાવર. કૃષ્ણની યુદ્ધનીતિમાં નીતિ જેવું કશું નથી. કોઈ પણ પ્રકારે શત્રુનો વધ એ એમની એક જ વ્યૂહરચના છે. કૃષ્ણ આંધળા વીરત્વમાં વિશ્વાસ રાખતા નથી.

કૃષ્ણની નીતિઓ આપણને કઠે છે અને એટલે આપણે એમને મોટાથવા જ નથી દેતા. પારણામાં મૂકીને ઝુલાવી રાખીએ છીએ, માખણચોર-માખણચોરના રાગડા ગાયે રાખીએ છીએ

કેસરિયા કરીને ખુવાર થઈ જવાનું એમના શબ્દકોષમાં નથી. સમય, સંજોગો અનુકૂળ ન હોય ત્યારે રણ છોડીને ભાગી જવામાં પણ એમને કોઈ હિચકિચાહટ થતી નથી. મધ્યયુગીન રાજપૂતોના લગભગ અતિશયોક્તિભર્યા કહી શકાય એવા વીરત્વના ખ્યાલથી કૃષ્ણ જોજનો દૂર છે. એમના માટે વીરતા એ એકમાત્ર સાધન છે. જ્યાં વીરતા ખપ ન આવે ત્યાં એ કૂટનીતિનો આશરો લે છે. લગભગ દરેક કૌરવ મહારથીના અંત માટે કૃષ્ણએ પ્રચલિત નીતિનિયમોનો ઉઘાડેછોગે ભંગ કર્યો છે.

મહાભારતના યુદ્ધના અંતિમ દિવસોમાં જ્યારે દુર્યોધન અને ભીમનું ગદાયુદ્ધ ખેલાય છે ત્યારે દુર્યોધનની જાંઘ ઉપર ગદા ફટકારવાનું સૂચન કૃષ્ણનું છે. બિલો ધ બેલ્ટ હિટ કરવામાં કૃષ્ણને કોઈ નાનમ નડતી નથી. હવે સવાલ એ થાય છે કે યુદ્ધભૂમિ માટે નીતિ કઈ હોય? કૃષ્ણ સમજાવે છે કે, ‘યુદ્ધ ટાળવા નીતિનો ઉપયોગ હોઈ શકે, યુદ્ધ શરૂ થાય પછી શત્રુનો કોઈ પણ રીતે વધ એ જ નીતિ હોઈ શકે. કૃષ્ણ સમયને અનુકૂળ છે અને એટલે જ જીતે છે.

એ મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉઠાવવાની પ્રતિજ્ઞા કરીને બેઠા છે, પણ જ્યારે ભીષ્મ ભયાનક યુદ્ધ આદરે છે ત્યારે રથનાં પૈડાંને ચક્રની જેમ ધારણ કરીને એમની સામે ધસી જાય છે. યુદ્ધભૂમિ પર વચન કે પ્રતિજ્ઞાનું કોઈ મૂલ્ય નથી. કૃષ્ણ યુદ્ધખોર નથી, પણ યુદ્ધ માટે પાછીપાની પણ કરતા નથી. ધનુષ્ય અને બાણના જમાનામાં એમણે અમોઘ સુદર્શન ચક્ર વિકસાવ્યું હતું. સુદર્શન ચક્ર મહાભારતનું સૌથી મોટું રહસ્ય છે. કૃષ્ણ સાથે જ સુદર્શન વિલીન થઈ ગયું છે.

કૃષ્ણ શસ્ત્રની ટેક્નોલોજી વિકસાવવાના પક્ષમાં છે, વહેંચવાના પક્ષમાં નથી. સુદર્શન જેવું સંહારક શસ્ત્ર ધરાવતા હોવા છતાં કૃષ્ણનું સાચું હથિયાર છે શત્રુની નબળાઈ. એ કર્ણ પાસે કુંતીને લઈ જાય છે અને કર્ણ પાસેથી વચન માગે છે કે, પાંડવો પાંચ જ રહેશે અને હું અર્જુન સિવાય કોઈ પાંડવનો વધ નહીં કરું. માતાની મમતા પણ કૃષ્ણ માટે હથિયાર છે અને એ જ કર્ણના રથનું પૈડું જ્યારે ધરતીમાં ફસાઈ જાય છે અને કર્ણ ધરતી પર શસ્ત્ર મૂકી પૈડું કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે ત્યારે કૃષ્ણ અર્જુનને કહે છે કે, આ જ સમય છે કર્ણને હણવાનો. યુદ્ધભૂમિ ક્રૂરતાની સ્પર્ધા છે અને કૃષ્ણ આ સ્પર્ધાના વિજેતા છે.

મધ્યકાલીન ભક્તિયુગમાં કૃષ્ણના બાળપણને અત્યંત અતિશયોક્તિભરી રીતે રજૂ કરવામાં આવ્યું. વીરોના કૃષ્ણને, શૂરવીરોના કૃષ્ણને-કાયરોના કૃષ્ણ બનાવી દેવાયા. કૃષ્ણની નીતિઓ આપણને કઠે છે અને એટલે આપણે એમને ‘મોટા’ થવા જ નથી દેતા. પારણામાં મૂકીને ઝુલાવી રાખીએ છીએ, માખણચોર-માખણચોરના રાગડા ગાયે રાખીએ છીએ. કૃષ્ણ સતવાદી નથી, કૃષ્ણ તકવાદી છે. શત્રુને હણવાની એક પણ તક એ છોડતા નથી. કૃષ્ણએ આખી જિંદગી અનેક યુદ્ધ ખેલ્યાં છે, અનેક લોકોને હણ્યા છે. જગતમાં કૃષ્ણ પહેલાં અને કૃષ્ણ પછી અનેક યોદ્ધાઓ થઈ ગયા છે, પણ અઢાર અક્ષૌહિણી સેનાને હથિયાર વિના હણી શકે છે એ કૃષ્ણ છે!

જનોઈવઢ : ગૂઢમાં ગૂઢ જ્ઞાન આપ્યું છે, એની પર વિચાર કર અને તારી ઇચ્છા પ્રમાણે કર! (ભગવદ્દગીતા, અધ્યાય 18, શ્લોક 63)

 

Advertisements

3 comments

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s