– આત્મ નિરીક્ષણ: ગંદા તવીથા દૂધપાક-મંથન?– અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

– આત્મ નિરીક્ષણ: ગંદા તવીથા દૂધપાક-મંથન?– અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

 

આપણી કહેવાતી, ફુગાવાથી પીડાતી, સુખના અતિરેક યા તૃષ્ણાના ખાલીપાથી પીડાતી રોગિષ્ઠ, આત્મવંચક ‘આધ્યાત્મિક’ (સૂડો-આધ્યાત્મિક કહો) જમાતોમાં એક શબ્દ વપરાઈને ચુથ્થો બની ગયો છે. તૈયાર કેસેટ જેવા સુષ્ઠુ સુષ્ઠુ વક્તાઓએ આ શબ્દ વાપરી વાપરીને એને નપાવટ કરી નાખ્યો છે ઃ આ શબ્દ છે: ‘આત્મનિરીક્ષણ’ અથવા ‘વિપશ્યના’.

આલિયામાલિયા બધા આમાંનો એકાદ ‘કોર્સ’ કરી આવે ને પોતે ડાહ્યા ડમરા, ‘આત્મનિરીક્ષક’ બની ગયા છે એવી ભ્રમણ પણ મજબૂત કરી આવે !

આ વિરાટ માર્કેટિંગમાં કોઈ બંદો માત્ર આટલું તો વિચારે ઃ આત્મ નિરીક્ષણ કે ‘વિપશ્યના’ની લાયકાત શી ? તમે જે ચિત્ત નામનાં સાધનથી જાતનું નિરીક્ષણ કરવા માંગો છો એ કેટલું શુદ્ધ છે ? એના પરથી કાટ દૂર થયો છે ? એના પરથી ગંદકી દૂર થઈ છે ? શું આ જાતનિરીક્ષણ કોઈ સસ્તી, છીછરી પ્રક્રિયા છે ? તમને કોઈ ધર્મગુરુ વ્યાસપીઠ પરથી એવો ઉપદેશ આપે કે આવતી કાલે સવારથી પડોશીની માતાને તમારી પોતાની માતા જેવો જ પ્રેમ કર. તો તમે કરી શકો ખરા ? તમે હરગીઝ આવું નથી કરી શકતા કારણ કે આ ‘પ્રેમ’ પ્રગટવાની, વહાલ પ્રગટવાની પ્રક્રિયા બહુ સૂક્ષ્મ અને આંતરિક છે.’ એના ‘કોર્સ’ ન હોય, એનાં ‘ભાષણ’ ન હોય, એની ‘પ્રતિજ્ઞાા’ ના હોય ! અને બરાબર, અદલો અદલ ‘આત્મનિરીક્ષણ’ કે ‘વિપશ્યના’ પણ આવી ખૂબ જ સૂક્ષ્મ આંતરિક ઘટના છે ઃ એ બૌદ્ધિક ઘટના નથી, એને ‘કોર્સ’માં બાંધવાની આખી વાત જ બેવકૂફી છે.

દૂધપાકનાં તપેલાંમાં, દૂધપાક હલાવવા માટે તમે જે તવીથો વાપરો એજ ગંદો હોય તો દૂધપાકની હાલત શી થાય ? આપણાં ચિત્તને આપણે તાવેથા સાથે સરખાવીએ. ઊંચી ઊંચી વાતો બાજૂ પર મૂકીએ. આપણે મન અથવા ચિત્ત પર ચોંટતી અનેક પ્રકારની ગંદકીમાંથી એક ભારે ચીકણી ગંદકીની વાત કરીએ. આ ગંદકીનું નામ છે: ‘ઇર્ષ્યા’ અથવા ‘તેજોદ્વેષ’. તમે કોઈ સ્પર્ધામાં ભાગ લેતા હો અને સ્પર્ધાના જજનાં ચિત્ત પર તમારી ઇર્ષ્યાનો છૂપો મેલ લાગેલો હોય, તો એ તમને કેવો ન્યાય આપશે ? તમારામાં તમારા ‘બોસ’ કરતાં અનેક ઘણી વિશેષ પ્રતિભા હોય, પણ તમારા બોસ જ તમારા પ્રત્યે તેજોદ્વેષથી પીડાતા હોય તો એ તમારૃં કેવું મૂલ્યાંકન કરશે ?

‘ઇર્ષ્યા’ એક એવી ગંદકી છે જેનાં સમીકરણો સમજાય જ નહીં. એની કોઈ તાર્કિક પરીક્ષા પણ ન હોય. એમાં વય, પદ, સ્થાન, સંબંધ કશું જ આડું ન આવે અને ચિત્તના તાવેથા પર ચોંટતી આવી તો અનેક ગુપ્ત ગંદકીઓ છે, જેનું બૌદ્ધિક નિદાન શક્ય નથી, અને બૌદ્ધિક સાફસુફી તો કોઈ હિસાબે શક્ય નથી.

‘ચલા મુરારી હીરો બનને’ જેવા અસંખ્ય ટૂંકાગાળાના કોર્સ કરીને જીંદગી બદલવા ‘હાલી’ નીકળેલાઓને આઘાત લાગે એવું સત્ય એ છે કે ચિત્તના તાવેથાની ગંદકી સસ્તાં અને સાદાં પાણીથી દૂર થતી નથી. એ ગંદકી પર તો વેધક રસાયણનો સતત મારો, સતત ધારદાર પ્રક્ષેપણ જ કારગત નીવડે.

આ રસાયણમાં દુઃખ, નિષ્ફળતા સાથે ઈશ્વરકૃપાનું મિશ્રણ હોય તોજ ચિત્ત સાફ થાય. જૈન પરંપરાના મહાન ગ્રન્થ – તત્ત્વાર્થસૂત્રની સર્વાર્થ સિદ્ધિ ટીકાના પ્રારંભમાં આચાર્ય ઉમાસ્વાતિજી કહે છે: ‘તન્નિસર્ગાત અધિગમાત વા.’ (ચિત્તશુદ્ધિની પ્રથમ ક્ષણ નૈસર્ગિક ઘટનાથી કે કોઇક યોગાનુયોગ બહાનાંથી આવે છે.)

તંત્ર-મંત્રની દીક્ષાનું પહેલું પગથિયું ‘ચિત્તશુદ્ધિ’ નું છે. આ ચિત્તશુદ્ધિનો પ્રારંભ ભાવની દુનિયામાં થાય છે. તમે જૈન દેરાસરમાં પ્રવેશ કરો ત્યારે ‘નિસ્સિહી’ કહો છો. (‘નિસ્સિહી’ બોલતી વખતે હું દુન્યવી તમામ વળગણો છોડીને તારી પાસે આવું છું એવી શુદ્ધ ભાવના અભિપ્રેત છે.) આ ભાવની વાતો તો બધા ચુસ્ત ધર્મઘેલાઓ કબૂલ કરે છે, પણ પછી એ ભાવ પ્રગટવાની શરત રૃપે અમુકતમુક ધર્મ કે સંપ્રદાયની ‘બ્રાન્ડ’ મારવાની ‘ફોર્મ્યુલા’ની વાત ધીરે રહીને ઘુસાડે છે ત્યારે ભાવની ગંગોત્રીમાં ગટરનાં પાણી ભળવા માંડે છે.

ચિત્તનો તાવેથો શુદ્ધ થાય પછી જ તમારી આંખો આડેનો મોતિયો દૂર થાય. આ શુદ્ધિનાં કારખાનાં ઇગતપુરી, ઋષિકેશ, પાલીતાણા, ધર્મશાલા કે આબુમાં છે (સમજી ગયા ને ?) એમ સમજનારા અણમોલ જીવનનો ગુનાહિત વ્યય કરી રહ્યાં છે. તમારૃં ચિત્ત દુઃખ અને ભ્રમનિરસનનાં કાચપાનાંથી સાફ થયા પછી જ આ તીર્થો તમને લાભ આપી શકશે.

 

Advertisements

One comment

  1. બહુ અસરકારક ભાષામાં મુકાયેલો લેખ ! સાચ્ચે જ આ બધા બખેડા કરનારા ગુરુઓ બીજાને શીખવતા રહે છે પણ કોઈ પોતાની વાત તો કરો ! લેખકશ્રીના બીજા લેખના શીર્ષકમાં પણ કોચીંગક્લાસીસ છે ! ખુબ આનંદ થયો.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s