ક્યાં સુધી રાહ જોવાની કે કોઈ આવીને તમને ખુશ કરી જાય—તડકભડક : સૌરભ શાહ

ક્યાં સુધી રાહ જોવાની કે કોઈ આવીને તમને ખુશ કરી જાય (તડકભડક)

તડકભડક : સૌરભ શાહ

અબ્રાહમ મેસ્લો કહે છેઃ ‘મારા ભૂતકાળ વિશે મને રંજ હોઈ શકે, મારા ભવિષ્ય વિશે મને ધાસ્તી હોઈ શકે, પણ મારા વર્તમાનમાં હું જે ધારું છું તે કરી શકું છું.’

ચિંતા માણસની તમામ શક્તિઓને નિચોવી લે છે. જે વીતી ગયું છે, તેની સ્મૃતિમાં કે જે બની શકે એમ છે તેની કલ્પનામાં માણસ પોતાની જાતને આજના દિવસથી દૂર ઘસડી જાય છે. ચિંતાના પાયામાં જઈને વિચારવા માટે, એના ઉદ્ગમસ્થાનને ઓળખવા માટે હકીક્તો અને કાલ્પનિક ભય વચ્ચે થઈ ગયેલી ભેળસેળના કળણમાંથી બહાર આવી જવું પડે.

કશુંક બની ગયું તે હકીકત છે. પણ એ હકીકતમાંથી જે ચિંતા જન્મી શકે છે, તેના કરતાં અનેકગણી મોટી ચિંતા ‘હવે કયા કયા બનાવો બની શકે છે’ તેની કલ્પનામાંથી જન્મે છે. ચિંતાનું મૂળ, વાસ્તવિક બનાવો કરતાં વધારે, કાલ્પનિક પરિસ્થિતિઓમાં છૂપાયેલું છે. આવું કરીશ તો શું થશે એવા વિચારોમાં તણાયા કરવાને બદલે એક વખત એ પરિસ્થિતિનો સામનો કરી લેવો જોઈએ અને જે સંભાવનાઓ સર્જાઈ શકે એમ હોય તે દરેકના વિકલ્પો ઊભા કરી લેવા જોઈએ. ચિંતા કરતાં રહેવાને બદલે આવી વાસ્તવિક શક્યતાઓ વિચારી લેવાથી માનસિક તાણ ઓછી થઈ જવાની. કાલ્પનિક ભયનો સામનો કયારેય થઈ શક્તો નથી, સામનો સામે દેખાતી નક્કર હકીકતોનો જ થઈ શકે અને આ કામ લોકોથી ઘેેરાઈ ગયા હો ત્યારે નથી થતું. એ માટે જરા દૂર જતાં રહેવું પડે એમનાથી, થોડા નજીક આવી જવું પડે પોતાનાથી.

કલ્પના કરો કે, એક દિવસ એવો ઊગે છે જ્યારે તમે નક્કી કર્યું છે કે, કામ પર નહીં જવાનું, કુટુંબીજનો-મિત્રોને નહીં મળવાનું, પુસ્તક-છાપાં નહીં વાંચવાનાં અને ફોન પર વાતો પણ નહીં કરવાની. કેવું લાગશે તમને? કંટાળી જશો તમે? એવું થશે એમ લાગે તો ચેતી જવું જોઈએ. માણસના ખૂબ અંગત મિત્રોની યાદીમાં સૌથી પહેલું નામ એનું પોતાનું હોવું જોઈએ. ક્યારેક સાવ એકલા રહેવાની કલ્પના રોમાંચક લાગે, તો કોઈ વખત ધ્રુજાવી નાખનારી લાગે. ખરી કસોટી એવું એકાંત સર્જાય ત્યારે જ થાય.ળ

એકાંતભર્યા ઘરમાં આવીને તમે સૌથી પહેલું કામ ટીવી ઓન કરવાનું કે કંમ્પ્યુટર ખોલવાનું કે ફોન તપાસવાનું કે સંગીત સાંભળવાનું કરો છો? દર વખતે એવું થતું હોય તો એનો અર્થ એ કે તમે પોતાનાથી ભાગવા માગો છો. જાતથી ભાગી-ભાગીને માણસ ક્યાં જશે, કેટલું દોડશે. છેવટે તો એણે પોતાના આ મિત્ર પાસે પાછા આવી જ જવાનું છે. બાકીની આખી જિંદગી સાથે રહી શકાય એ માટે રોજ ઓછામાં ઓછી પાંચ મિનિટ એની સાથે ગાળવી જોઈએ. વખત જતાં સમય વધારતાં જઈને એક આખો કલાક, એક આખો દિવસ, એક આખા સપ્તાહની ટેવ પડી જાય. જાત સાથે વધુ ને વધુ વિતાવ્યા પછી ખબર પડવા માંડે છે કે, આપણો આ બેસ્ટ ફ્રેન્ડ આપણે ધારતાં હતાં એટલો ખરાબ નથી.

જાત સાથે દોસ્તી કેળવવી અઘરી હશે પણ અનિવાર્ય છે.

ક્યાં સુધી રાહ જોયા કરવાની કે કોઈ આવીને તમને ખુશ કરી જાય. પોતાની ખુશી-નાખુશીનો આધાર બીજી વ્યક્તિ પર શું કામ હોેવો જોઈએ? સુખી થવા માટે બીજાના પર આધાર રાખીને પોતાની સ્વતંત્રતાનો ભોગ શા માટે આપી દેવાનો? એક વખત મારા લગ્ન થઇ જાય પછી હું આમ કરીશ, એક વખત મારી રિસાયેલી પ્રેમિકા પાછી આવી જાય પછી હું તેમ કરીશ, એક વખત મારો દીકરો સ્કૂલે જતો થઈ જાય, કમાતો થઈ જાય, દીકરીને પરણાવી દઈએ… આ બધાંનો ક્યારેય અંત આવવાનો છે ખરો? આપણી ખુશી શા માટે કોઈના પર આધાર રાખે? એમને એમની જિંદગી જીવવા દઈએ, આપણે આપણી જીવીએ અને જે બાબતોમાં સહનિર્ણય જરૂરી છે કે સહકાર્ય જરૂરી છે એટલા પૂરતી જ એમની અનિવાર્યતા સ્વીકારીએ. અહીં કંઈ પતિ-પત્ની વચ્ચે કે માબાપ-સંતાનો વચ્ચે અંતર વધારી મૂકવા માટેની વાત નથી. જીવનમાં એવાં અનેક મનગમતાં કામ છે, જે નિક્ટની વ્યક્તિઓના સાથ વિના કે એમને નડતરરૂપ બન્યા વિના થઈ શકે.

સામેની વ્યક્તિ પોતાની પ્રતિક્રિયા બદલે, તમારી સાથેનું વર્તન બદલે, એને કારણે તમારા જીવનની દિશા શા માટે ફરી જવી જોઈએ? દિશા બદલાઈ જતી હોય એવું લાગે તો એનો અર્થ એ કે હજુ આપણે બહારનું જોયા કરીએ છીએ. અંદર ડોકિયું કરવાની ફૂરસદ મેળવી નથી. સંતાનોની જિંદગી એમનાં મા-બાપને ખુશ કરવા માટે નથી સર્જાઈ. સંતાનો પુખ્ત ઉંમરનાં થાય એ પછી એમને સમજ આપવી જોઈએ કે હવે એમણે એમનાં માબાપનું કહ્યું નથી માનવાનું, તમારું પોતાનું કહ્યું માનવાનું છે. દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે મારે જિંદગી પાસે જે કંઈ જોઈએ છે તે કોઈક સામે ચાલીને આપી જશે એવી રાહ નથી જોવાની. મારે પોતે જ બે ડગલાં આગળ વધીને એ મેળવી લેવાનું છે.

જિંદગીમાં શું જોઈએ છે? આ સવાલનો ઉત્તર જેમની પાસે છે એમના માટે જ આ બધાં વિચારો છે. જેમની પાસે એનો ઉત્તર નથી પરંતુ ઉત્તર મેળવવાની ઝંખના જેમના મનમાં જન્મી ચૂકી છે, એમને કહેવાનું કે ઓલ ધ બેસ્ટ, પ્રભુ તમને આ ઉત્તર મેળવવાના તમારા પ્રયત્નોમાં સહાય કરે અને જેમની પાસે ‘જીવનમાં શું પ્રાપ્ત કરવું છે?’ એ પ્રશ્નોનો ઉત્તર પણ નથી કે, એ ઉત્તર મેળવવાની ઝંખના પણ નથી એમને શું કહીશું? પ્રભુ તમને સદ્બુદ્ધિ આપે.

પાન બનાર્સવાલા

કોઈ તમારી સાથે ઝઘડો કરે ત્યારે ચિંતા કરવાની જરૂર નથી, ઝઘડો કરતાં બંધ થઈ જાય ત્યારે ચિંતા કરજો. કારણકે એનો અર્થ એ થશે કે, હવે તમારા બંને વચ્ચે ઝઘડો કરવા જેવું કશુંય મૂલ્યવાન બન્યું નથી.

– અનામી.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s