આવું દુઃખ મારા જ જીવનમાં શા માટે? (કેલિડોસ્કોપ)— મોહમ્મદ માંકડ

 

આવું દુઃખ મારા જ જીવનમાં શા માટે? (કેલિડોસ્કોપ)

 

કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ

Those who are unhappy have no need for anything is this world, bit people capable of giving them attention.

– simone well.

સેંકડો વર્ષથી એક યા બીજી રીતે જેની ચર્ચા થતી રહી છે અને હજી સેંકડો વર્ષ સુધી થતી રહેશે એવા થોડા ગંભીર પ્રશ્રોની ચર્ચા આપણે કરવાની છે. વાત આ પ્રમાણે છેઃ

એક માણસને ત્યાં બાળક જન્મે છે અને મૃત્યુ પામે છે. એક દીકરો જન્મે છે. બચપણમાં જ ગુજરી જાય છે. બીજાનો જન્મ થાય છે. એ પણ મૃત્યુ પામે છે. ત્રીજાનો જન્મ થાય છે. માબાપ એને જીવની જેમ જાળવે છે. ત્યાર પછી બીજા કોઈ બાળકનો જન્મ થતો નથી. છોકરો અત્યંત લાડકોડમાં ઊછરે છે. પરંતુ એ મોટો થાય છે ત્યારે ખબર પડે છે કે મંદબુદ્ધિનો છે. લોકો જેને ગાંડો કહે એવો છે, બોલવાચાલવાનું, કપડાં પહેરવાનું, કશું જ ભાન નથી.

એ છોકરાને ઉછેરવાનો બધો ભાર માબાપ ઉપર છે. છોકરો જાણે લેણું લેવા જ આવ્યો છે. એની સતત ચિંતા માબાપને સતાવે છે અને પેલો સનાતન પ્રશ્ર પિતાના હૃદયમાં ઊઠે છેઃ મારા જીવનમાં જ આવું દુઃખ કેમ? આ દુઃખ જેનો કોઈ ઈલાજ નથી, એ મારા ઉપર શા માટે ઈશ્વરે નાંખ્યું?

અને અત્યંત કડવા કહી શકાય એવા એના ઉદ્ગારોઃ

– તમે જીવનમાં સુખદુઃખ વિશે લખો છો. સાહસ વિશે, ઇચ્છાશક્તિ વિશે આશા-નિરાશા વિશે, અનેક બાબતો વિશે લખો છો. તો એ પણ લખો કે,મારા આ દુઃખનો ઈલાજ શું? મારે શેના માટે આશા રાખવી? કઈ રીતે આશા રાખવી?

– આ દુઃખમાં મારો વાંક શું? અને વાંક ન હોય તો આવું દુઃખ ઈશ્વરે મને જ શા માટે આપ્યું?

– હું પૂર્વજન્મ કે પુનર્જન્મમાં માનતો નથી. આ વાતને ન્યાયી ઠરાવે એવો કોઈ ગુનો, કોઈ પાપ મેં કર્યું નથી. તો પછી હું આ સજા શા માટે ભોગવી રહ્યો છું?

– અને ધારો કે, મેં પાપ કર્યું હોય તોપણ એની સજા મારા કુમળા બાળકને શા માટે ? કોઈ પણ માનવી માટે જે સ્વભાવિક ગણાય એવી સાદી બુદ્ધિથી એને શા માટે વંચિત રાખવામાં આવેલો છે? અને એની આવી સ્થિતિ જોઈને અમે અહોરાત પીડા ભોગવતાં રહીએ એવી અમારી સ્થિતિ શા માટે કરવામાં આવી છે?

– તમે કહેશો કે,

સારા માણસનું અંતે સારું જ થાય છે. તો આ કિસ્સામાં મારું કઈ રીતે સારું થશે?

– લોકો કહે છે, ઈશ્વર દયાળુ છે. આ કયા પ્રકારની દયા છે, તે મને સમજાવશો?

આવા હૃદયને વલોવી નાંખે એવા પ્રશ્રો મારી સામે પડેલા છે. એના ઉત્તર મારી પાસે નથી. પરંતુ એની સામેે હું આંખો પણ મીંચી શકું તેમ નથી.’કેલિડોસ્કોપ’ના વાચકો મારા ઉપર બહુ જ પ્રેમ રાખે છે અને મને એમની અંગત વાતો લખે છે. એમને મૂંઝવતા પ્રશ્રો અને એમના હૃદયના ઉકળાટને ઠાલવે છે. એમના મનની મૂંઝવણોને મારી સામે મૂકે છે અને હું જાણું છું કે, દર વખતે એમને કાંઈ એમની મૂંઝવણોના ઉકેલ જોઈતા હોતા નથી. મને પત્રો લખે છે એ એટલા માટે નહિ કે, એમની મૂંઝવણોનો ઉકેલ હું શોધી આપીશ કે શોધી શકું એવી શક્તિ ધરાવું છું, પણ તેઓ એટલા માટે મને લખે છે કે, એમની મૂંઝવણમાં હું એમનો ભાગીદાર બની શકું. આપણાં કેટલાંય દુઃખ એવાં હોય છે, જેનો કોઈ ઉકેલ હોતો નથી. આપણે એ જાણીએ છીએ અને છતાં આપણે તેનો ઉકેલ ઇચ્છીએ છીએ- કમ સે કમ, સાંત્વન તો ઇચ્છીએ જ છીએ.

જે મિત્રે એમના દુઃખ વિશે લખ્યું છે, તેઓ પણ જાણે છે કે એમના દુઃખનો કોઈ ઈલાજ નથી. પરંતુ એમનો પ્રશ્ર એ છે કે, એવું દુઃખ એમના ઉપર જ શા માટે? અને કયા ગુના માટે આવી સજા? અને આવી સજા કરનાર ઈશ્વર દયાળુ કેવી રીતે?

બે હજાર વર્ષ પહેલાં, પોતાના એકના એક સંતાનનું મૃત્યુ થતાં, યુવાન કિસા ગૌતમી રડતીકકળતી ભગવાન બુદ્ધ પાસે આવી હશે, ત્યારે એના મનમાં પણ આવા જ પ્રશ્રો ઊઠયા હશે અને એ પહેલાં પણ હજારો વ્યક્તિઓના મનમાં એમનાં નાઈલાજ દુઃખ માટે આવા જ પ્રશ્રો ઊઠયા હશે. આવા પ્રશ્રોના ઉકેલ માનવજાત હજારો વર્ષથી શોધતી રહી છે અને ક્યારેક આક્રોશ કરીને, ક્યારેક ધૂંધવાઈને તો ક્યારેક સમાધાન કરીને જીવન ગુજારી રહી છે.

‘ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે’ અથવા તો કર્મનાં ફળ ભોગવવાં જ પડે અથવા તો ભગવાન અંતે સૌ સારાં વાનાં કરે છે, એવી સમજણ સ્વીકારીને જીવનનો બોજો માણસ ઉપાડે છે.

પણ કેટલાકને થાય છે કે, મારા ઉપર જ જગતનો નાથ આવું શા માટે ગુજારે છે? અથવા તો એક બાળક જે હજી નિર્દોષ છે એને એના કયા કર્મ માટે આવી સજા ભોગવવાની છે?

અને પછી માણસ વિચારે છે કે, આ જન્મમાં તો એણે કોઈ એવું પાપ કર્યું નથી- ચોક્કસ આ ગયા જન્મના પાપની સજા હશે.

આ બધું જ, જીવનનો ભાર વહન કરવાનું સામર્થ્ય મેળવવા માટે અથવા તો જેનો કોઈ ઉકેલ નથી એવા પ્રશ્રોનો બુદ્ધિગમ્ય તો નહિ, પણ સાંત્વન મળે એવો ઉકેલ શોધવા માટે માણસ કરે છે.

જીવનની વિષમતાઓને આપણે એેના વાસ્તવિકરૂપે સ્વીકારી શક્તા નથી. એટલે એનાથી ભાગવાની કોશિશ કરીએ છીએ અને ક્યારેક તો એ હોય એનાં કરતાં તદ્ન જુદી જુદી રીતે એને જોવાનો પ્રયત્ન કરીએ છીએ.

એક માણસની એકની એક દીકરી બીમાર પડી અને ગુજરી ગઈ. એની માતાએ કહ્યું કે, અગાઉ પણ આ છોકરી બીમાર પડી હતી ત્યારે મેં માનતા માની હતી. છેલ્લાં પાંચ વર્ષથી હું એના બાપુને માનતા પૂરી કરવા કહેતી હતી, પણ ધરાર એમણે મારું કહેવું ધ્યાનમાં ન લીધું. આજકાલ, આજકાલ કર્યા કર્યું અને અંતે મેં દીકરી ગુમાવી.

અહીં, પ્રશ્ર એ થાય કે, ઈશ્વર કે દેવદેવી એટલાં સામાન્ય છે કે, માણસને માનતા પૂરી ન કરવા માટે આવી ભારે સજા કરે? અને જો એવું હોય તો સામાન્ય માણસ અને ઈશ્વરમાં ફેર શું?

જે કાંઈ બને એને શક્ય એટલી તટસ્થતાથી આપણે જોવું જોઈએ અને સ્વીકારવું જોઈએ. માણસ બીમાર પડે છે એ એના કોઈ પાપને કારણે પડે છે, અથવા તો દુઃખી થાય છે એ એના કોઈ ગુનાને કારણે થાય છે એવી આપણી સમજણ જ ભૂલભરેલી છે. અગાઉ જ્યારે કોઈ લાંબી બીમારીમાં સપડાય ત્યારે લોકો કહેતા કે કોઈક પિતૃ નડતા હશે અથવા તો દેવ કે દેવીનો કોઈક વાંકગુનો થઈ ગયો હશે.પરંતુ આપણે જાણીએ છીએ કે, સારા માણસો, સંતો, ઓલિયા પણ બીમારીમાં સપડાય છે. આપણે જાણીએ છીએ કે, યુવાન અચાનક ગુજરી જાય છે અને વૃદ્ધો ટગુમગુ જીવ્યા કરે છે. આપણે જાણીએ છીએ કે, અકસ્માતોમાં નિર્દોષ બાળકો કચડાઈ જાય છે બદમાશ માણસો જીવતા રહે છે.

આવું બને છે કારણ કે, આ તો જીવનનો સ્વાભાવિક ક્રમ છે. એને આપણી માન્યતાઓ સાથે સંબંધ નથી અને આપણી કલ્પનાઓ સાથે પણ સંબંધ નથી.

વાસ્તવિકતા એ છે કે, આપણા જીવનમાં જે કાંઈ બને છે, તે માત્ર એક હકીકત રૂપે બને છે, પરંતુ તેને જ્યારે આપણે સ્વીકારીએ છીએ ત્યારે આપણી પોતાની રીતે, આપણી પોતાની કલ્પના અનુસાર, આપણા પોતાના સંસ્કાર અને પિંડને અનુરૂપ તેનો સ્વીકાર કરીએ છીએ. જગતમાં જે કાંઈ બને છે તે માત્ર એક બનાવ હોય, પરંતુ તેમાં ભાગ લેનાર દરેક જીવ માટે તે જુદા જુદા અર્થ ધરાવે છે.

ધારો કે, એક શિકારી શિકાર માટે રખડીને થાકી ગયો છે. એનું શરીર દુઃખે છે. પોતાના ભાગ્યને એ દોષ દઈ રહ્યો છે. એ જ વખતે એક હરણને એ જુએ છે. તરત જ એનો થાક ચાલ્યો જાય છે. પોતાનું સદ્ભાગ્ય એને સામે દેખાય છે. તીર તાકીને એ હરણ પર છોડે છે. પરંતુ તીર ખાલી જાય છે, હરણ બચી જાય છે. એ શિકારીને જુએ છે. મોત એને નજીક જ દેખાય છે, દુર્ભાગ્ય ભરડો લેતું લાગે છે. ભાગી છૂટવા એ કોશિશ કરે છે અને શિકારી બીજું તીર છોડે તે પહેલાં ભાગી છૂટે છે. હાશકારો અનુભવે છે અને પોતાની જાતને સદ્ભાગી અને સુખી માને છે. શિકારી પોતાની જાતને દુર્ભાગી અને દુઃખી માને છે. કોળિયો જાણે મોંમાં આવીને ઝૂંટવાઈ ગયો હોય એમ એને લાગે છે.

દરેક વ્યક્તિના જીવનમાં બનાવો આવી રીતે બને છે. એ બનાવ તો માત્ર બનાવ જ હોય છે. એમાં સુખ અને દુઃખ,સૌભાગ્ય અને દુર્ભાગ્ય તો માણસ જ મૂકે છે.

અહીં પ્રશ્ર એ થશે કે, તો પછી આ જીવનનો ખરેખર કોઈ અર્થ જ નથી? આ બધું શું અર્થહીન છે?

ના, એવું હોઈ શકે નહિ. કારણકે, જીવનમાં અને વિશ્વમાં એક ‘ઓર્ડર’ એક વ્યવસ્થા તો ચોક્કસ છે. પરંતુ એ વ્યવસ્થા આપણી કલ્પના પ્રમાણેની નથી. એ વ્યવસ્થા આપણે જાણવાની છે, સમજવાની છે અને વિજ્ઞાાન શું છે? આવી વ્યવસ્થા સમજવાનો આપણો પ્રયત્ન એટલે જ વિજ્ઞાાન અને એટલે જ કદાચ ધર્મ.

એટલે જ, વિજ્ઞાાનમાં જે રીતે કલ્પના ન ચાલી શકે એ રીતે ધર્મમાં કે તત્ત્વજ્ઞાાનમાં પણ ચાલી ન શકે. બંનેમાં તાટસ્થ્ય જરૂરી છે. વિજ્ઞાાન એટલે બાહ્ય જગતને સમજવાનો આપણો પ્રયત્ન, વિજ્ઞાાન એટલે જગતના પદાર્થોને (જેમાં આપણું શરીર પણ આવી જાય)સમજવાનો પ્રયત્ન, એ જ રીતે ધર્મ એટલે આપણી જાતને સમજવાનો આપણો પ્રયત્ન. વિજ્ઞાાન એટલે બનાવોને સમજવાનો આપણો પ્રયત્ન, એ જ રીતે ધર્મ એટલે એ બનાવોમાં ભાગ લેનાર આપણને પોતાને સમજવાનો આપણો પ્રયત્ન, આ બંને સાથે ચાલો તો પ્રશ્રો ઓછા ઊભા થાય.

આનો અર્થ એવો નથી કે, આપણા જીવનમાં કોઈ દુઃખ જ નથી. આનો અર્થ એવો નથી કે સુખ અને દુઃખ એ માત્ર આપણી કલ્પના જ છે. આનો અર્થ માત્ર એટલો જ છે કે, જો સુખ આપણી કલ્પના હોય તો કેટલાંક દુઃખ પણ આપણી કલ્પના જ છે અને જે દુઃખ, જે પીડા, આપણા જીવનમાં હકીક્ત રૂપે રહેલાં છે તેનો અર્થ કે સંકેત આપણે દરેક વખતે સમજી શક્તા નથી. માતાના ઉદરમાં બાળક ઊંધા માથે રહેલું હોય છે. કુદરતની આ રચના આપણને ક્રૂર લાગે. આવી રચના કરનાર ઈશ્વર આપણને દયાહીન લાગે, પણ જીવવિજ્ઞાાનીઓ કહે છે કે, બાળકના પોષણ માટે, વિકાસ માટે અને સરળ પ્રસવ માટે આ એક આદર્શ સ્થિતિ છે.

દુઃખ અને પીડા જે આપણા જીવનમાં આવે છે, તેનાં બધાં જ કારણો કે સંકેતો આપણે સમજી શક્તાં નથી. કાંટો વાગે છે ત્યારે આપણને પીડા થાય છે, પરંતુ એ પીડા આપણા માટે જરૂરી હોય છે. એ પીડાને કારણે જ આપણને કાંટાનું ભાન થાય છે. એ પીડાને કારણે જ આપણે કાંટો જલદીથી દૂર કરીને ઘાના પાકથી બચી શકીએ છીએ અને શરીરમાં કોઈ ઘા પાકે ત્યારે જે પીડા થાય છે તે પણ જરૂરી હોય છે. તે આપણને ઘા પ્રત્યે સતત જાગ્રત રાખે છે અને એને રૂઝાવી દેવાના પ્રયત્નો કરવાની તાકીદ કરે છે.

આમ, દરેક દુઃખ, દરેક પીડા પાછળ કોઈક સંકેત રહેલો હોય છે અને જ્યાં એવુું ન દેખાય ત્યાં કદાચ આપણી સમજ અધૂરી હોય છે અથવા તો આપણી પોતાની કલ્પનામાંથી એ દુઃખનો જન્મ થયો હોય છે.

મારા જ જીવનમાં આવું કેમ બન્યું? એવો પ્રશ્ર થાય ત્યારે સહેજ સ્વસ્થ થઈને એ પણ વિચારી જોવું કે, આવું એટલે કેવું? માત્ર આપણી કલ્પનાથી વિરુદ્ધનું? અને આવું બન્યું એ ખરાબ જ હોય એવું પણ શા માટે? આવું બન્યું એનો અર્થ આપણે માનતા હોઈએ એના કરતાં જુદો પણ હોઈ શકે.

અને ક્યારેક તો આવો પ્રશ્ર, માત્ર આપણી પોતાની સ્થિતિને કારણે જ ઊભો થાય છે. બીજી સ્થિતિમાં કદાચ એ પ્રશ્ર જ ઊભો ન થાય એવું પણ બને.

એચ.જી. વેલ્સની એક વાર્તા ‘કન્ટ્રી ઓફ ધ બ્લાઈન્ડ’માં એક આખી વસ્તીના બધા જ માણસો આંધળા હોય છે. આવી આંધળાઓની વસ્તીમાં, સ્વભાવિક રીતે જ, કોઈ આંધળાને પોતે આંધળો હોવાનું દુઃખ પીડા કરે નહિ. દેખતા માણસોની વસ્તીમાં આંધળાને પોતાનો અંધાપો જેટલો દુઃખદાયક લાગે એટલો દુઃખદાયક આંધળાઓની વસ્તીમાં લાગે નહિ. હકીક્ત એક જ હોય છતાં આપણી સ્થિતિ અને આપણી માન્યતાઓ જીવનનાં સુખ અને દુઃખ નક્કી કરવામાં કેવો મોટો ભાગ ભજવે છે, તે વિચારવા જેવું છે.

આગળ જેનો નિર્દેશ કર્યો છે, તે વાચકમિત્રના બધા જ પ્રશ્રોના ઉત્તર આ નાનકડા લેખમાંથી મળી શકશે નહિ. કારણકે જીવનના એવા ગંભીર પ્રશ્રોને આવી રીતે સમજાવી શકાય નહિ. લેખ તો માત્ર એ પ્રશ્રોમાંથી ઊડતી પીડાના સ્પર્શમાંથી જન્મ્યો છે અને એનો આશય માત્ર એટલું જ વ્યક્ત કરવાનો છે કે, આપણું જીવન જો આપણે માનીએ એવું સુખમય ન હોય, અર્થસભર ન હોય, તો તે કદાચ એવું દુઃખમય પણ નથી અને અર્થહીન પણ નથી

(ક્રમશઃ)

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s