તમારી ઓખાત પ્રમાણે તમને ગુરુ મળે–અંન્તર્યાત્રા–ડૉ. સર્વેશ પ્ર. વોરા

તમારી ઓખાત પ્રમાણે તમને ગુરુ મળે–અંન્તર્યાત્રા–ડૉ. સર્વેશ પ્ર. વોરા

હજુ થોડાં જ વર્ષો પહેલાં વિરાટ અનુયાયીગણ ધરાવતા એક અત્યન્ત જાણીતા વિચારક ધર્મપુરુષનું નામ ખૂબ ગાજતું હતું. એમનાં અંતિ વર્ષો દરમ્યાન એમના દાયકાઓ જૂના કેટલાક અનુયાયીઓએ ભારે વિવાદ ઊભા કર્યા. એ ધર્મપુરુષના જમણા હાથ ગણાતા એક સજ્જન અમારી શિબિરમાં ભાગ લેવા આવ્યા. તેમણે પોતાના ગુરુ અને એની વિરાટ સંસ્થાના આંતરિક ઝઘડા વિશે કડવું બોલવા શિબિરની વ્યાસપીઠનો ઉપયોગ કરવા મંજુરી માગી. સ્વાભાવિક રીતે, એમની દરખાસ્તનો સ્પષ્ટ અસ્વીકાર થયો.
આ ટાંકણે પ્રસ્તુત મુદ્દો બીજો જ છે. એજ સજ્જને એક પ્રશ્ન કરેલો : ”આપણને ઉન્નત બનાવે એવા ગુરુ કેમ શોધવા? એવા ગુરુનાં લક્ષણો કેવાં? એવા ગુરુને કેવા માપદંડથી ઓળખવાં?”
આ પ્રશ્ન પાછળની પૂર્વધારણામાં જ બેવકૂફી હતી. આ તો વિદ્યાર્થી શિક્ષકની લાયકાત નક્કી કરે એવો ઊંધો હિસાબ થયો.
પ્રશ્ન પૂછનાર ભાઈ પોતાના જગવિખ્યાત ગુરુ સાથેના મતભેદથી દાઝેલા હતા, ઉશ્કેરાયેલા હતા, અને એ દાઝવા પર ડામ પડયો : એમના ઘાવ પર મીઠું ભભરાયું : શિબિરની વ્યાસપીઠ પરથી મળેલા જવાબ દ્વારા.
જવાબ આ હતો : તમને તમારી ઓખાત મુજબ, તમારા વ્યક્તિત્વની લાયકાત મુજબ ગુરુ મળે. તમારી લાયકાત પ્રમાણે તમારામાં કદરદાની વિકસે, તમારી ‘ઓળખ’ વિકસે. તમે જો નાલાયક હો, તો સાક્ષાત્ નારાયણ પણ તમારી રૃબરૃ આવે તો તમે હરગીઝ ઓળખી ના શકો. અમારા એક મિત્રની પુત્રીએ તો પોતાનો જીવનસાથી કેવો હોવો જોઈએ એનાં લક્ષણો નક્કી કર્યાં હતાં. કન્વેન્ટનું શિક્ષણ જોઈએ. ”પ્રેઝન્ટેબલ” જોઈએ. ભંગાર (વડીલો!) ના જોઈએ, બની શકે તો કાર ધરાવતો હોવો જોઈએ. (બાપકમાઈ હોય એનો વાંધો નહીં, બાપાને તો લાચાર થાય ત્યારે હેરાન કરીને વૃદ્ધાશ્રમ મોકલી શકાય.) અમુકતમુક ફિલ્મસ્ટારની ઝાંય દેખાવી જોઈએ… વગેરે વગેરે… ”સ્ટ્રીટ સ્માર્ટનેસ” અને છીછરી ચાંપલાઈ સૌથી મહત્ત્વની આવશ્યકતાઓ હતી! બહેન કોઈનો અભિપ્રાય સાંભળવાના મૂડમાં ન હતાં! હા, એમણે લગ્ન કર્યાં, અને ઉપર જણાવેલાં બધાં જ લખ્ખણો ધરાવનાર ‘હીરો’ મળવા છતાં અત્યારે શહેરના જાણીતા ડૉક્ટર પાસે ડિપ્રેશનની સારવાર લઈ રહ્યાં છે! યુવાનીનાં અણમોલ વર્ષો પસાર થઈ રહ્યાં છે, ચોરની મા કોઠીમાં મોઢું ઘાલીને રડે એવી કફોડી હાલત આ બહેનની છે! અધૂરામાં પુરું બહેનશ્રી સગર્ભા છે! વાંક કોનો?
કારકિર્દીથી માંડી, જીવનસાથીની શોધમાં આપણે અન્યની આંખોથી જોવાનું શીખ્યાં છીએ. હા, ક્યારેક પોતાની આંખો વાપરીએ, પણ આંખો અત્યંત નબળી છે, દ્રષ્ટિની મર્યાદા અત્યંત ટૂંકી છે. અને આ જ વાત ગુરુની શોધને લાગુ પડે છે.
ગુરુની શોધની ઘટના અત્યન્ત ગુપ્ત મનોવૈજ્ઞાાનિક ઘટના છે. તમારો આંતરિક વિકાસ થાય એટલે તમને તમારી ઊંચાઈ, તમારાં કદ, તમારી લાયકાત મુજબ ”ઓળખવાની નજર” મળે. આજે હાલત અત્યંત હાસ્યાસ્પદ બની ગઈ છે. ગુરુ જથ્થાબંધ ને ચેલા પણ જથ્થાબંધ. ઘણા ચાલાક ગુરુઓ તો ઉસ્તાદીપૂર્વક ‘ચેન-માર્કેટિંગ’ ચલાવે છે. તમે મૂંડાવને બીજા દશને મૂંડો. એક જમાનો હતો જ્યારે ગલીને સામે છેડે જીવનવીમાનો એજન્ટ કે કવિ દેખાય ત્યારે રસ્તો બદલવો પડતો, રખે તમને રસ્તા વચ્ચે શરમાવીને પોલિસી કે કવિતા પધરાવે! આજે ઘાટકોપર, વાલકેશ્વર જેવા ધનવાન લત્તાઓમાં તમને એ જ રીતે ગુરુઓનું ‘ચેન-માર્કેટિંગ’ કરનારા અંતિમવાદીઓ (ટેરરિસ્ટો) ચોક્કસ ભેટી જશે! ગુરુ તમારામાં છૂપાયેલા સિંહની ઓળખ આપે, પણ જો તમારી આંખો આડે પડળ ન હોય, તમારી આંખો આડે આત્મવંચનાનો મોતિયો ન હોય, તો જ!

 

Advertisements

One comment

  1. “આજે હાલત અત્યંત હાસ્યાસ્પદ બની ગઈ છે. ગુરુ જથ્થાબંધ ને ચેલા પણ જથ્થાબંધ”
    સાચી વાત પણ આવા જ્થ્થામાંની એક પણ વ્યક્તિ “ગુરુ” શબ્દ(પદ )ને લાયક હોતી નથી

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s