દોસ્ત એને કહેવાય જેની પાસે ત્રાજવું ન હોય (લાઉડમાઉથ) — સૌરભ શાહ

દોસ્ત એને કહેવાય જેની પાસે ત્રાજવું ન હોય (લાઉડમાઉથ) — સૌરભ શાહ—સંદેશ ગુજરાતી દૈનિકની બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાંથી સાભાર !

લાઉડમાઉથ : સૌરભ શાહ

કલાસમાં સાથે ભણતો છોકરો કરોડપતિનો દીકરો છે કે એમના ડ્રાયવરનો એવી સ્ટેટસ કોન્શ્યસનેસ નથી હોતી એ વખતે. જેની સાથે જામી ગયું તે જ દોસ્તાર. જેની સાથે સ્કૂલમાં રમવાની, ભણવાની, રખડવાની અને ઝઘડવાની મઝા આવી હોય એવા મિત્રો તમારી મોટી ઉંમરે પણ તમારી એટલા જ નજીક હોય તો તમે નસીબદાર કહેવાઓ.

દુનિયા તમારી સાથે કેવું વર્તન કરે છે એનો આધાર તમારા પોતાના પર છે. કોઈકનું વર્તન તમને ગમતું ન હોય ત્યારે તમે એને બદલવાની કોશિષ નથી કરતા, તમારું પોતાનું એના પ્રત્યેનું વલણ બદલી નાખો છો અને બદલામાં જેવો વ્યવહાર તમે ઈચ્છો છો એવો મેળવી લો છો. તમારે પોતે લોકોને શીખવવું પડતું હોય છે કે એમણે તમારી સાથે કેવી રીતે વર્તવું અને કેવી રીતે નહીં, તમારી સાથેના વ્યવહારમાં એમણે ક્યાં, કેટલી ઘૂટ લેવી અને કઈ હદ સુધીની મર્યાદા જાળવવી.

કોઈ તમારી સાથે સારી રીતે વર્તતું ન હોય તો એમાં વાંક માત્ર સામેની વ્યક્તિનો નથી હોતો, તમારો પણ એટલો જ વાંક હોય છે. તમારા ખૂબ નજીકના વર્તુળમાં પ્રવેશી જતી વ્યક્તિ કોઈ એક તબક્કે તમને દુઃખી કરવા માંડે ત્યારે એમનો વાંક કાઢવાને હોઈ શકે. પરંતુ અંતે તો લેવડદેવડની જ વાત હોય છે. ગોઠણ સુધી પહોંચતાં કપડાં પહેરતાં ત્યારે દોસ્તોનો જેવો સંપૂર્ણપણે નિર્દોષ પ્રેમ મળ્યો હોય એવો પ્રેમ ફુલ પેન્ટ પહેરવાની ઉંમર પછી મળતા દોસ્તો પાસેથી નથી મળતો. સ્કૂલના દિવસો દરમ્યાન કયાં કશું ભાન હોય છે દુનિયાદારીનું? કલાસમાં સાથે ભણતો છોકરો કરોડપતિનો દીકરો છે કે એમના ડ્રાયવરનો એવી સ્ટેટસ કોન્શ્યસનેસ નથી હોતી એ વખતે. જેની સાથે જામી ગયું તે જ દોસ્તાર. જેની સાથે સ્કૂલમાં રમવાની, ભણવાની, રખડવાની અને ઝઘડવાની મઝા આવી હોય એવા મિત્રો તમારી મોટી ઉંમરે પણ તમારી એટલા જ નજીક હોય તો તમે નસીબદાર કહેવાઓ. ખૂબ નસીબદાર કહેવાઓ. બધાં પાસે આવું જોરદાર નસીબ નથી હોતું. જેમની પાસે નિસ્વાર્થ અને નિર્દોષ મૈત્રીનું સુખ નથી તેઓ એક વાત સમજવા ક્યારેય તૈયાર નથી થતા કે સોદાબાજી વિનાના સંબંધોનું પણ અસિતત્ત્વ હોય છે આ જગતમાં દોસ્ત એને કહેવાય જેની પાસે ત્રાજવું ન હોય. લાગણીઓને માપીજોખી તોળીને વહેંચનારાઓને ક્યારેય તમારા અંતરંગ વિશ્વમાં સ્થાન નથી હોતું: જેમની સાથેની દોસ્તી વર્ષો પછી પણ અકબંધ રહી હોય એમની પ્રશંસા તમે સાચા દિલથી કહી શકો છો, કારણકે વખાણ કરીને તમારે એમની પાસેથી કંઈ મેળવવાનું નથી હોતું. એમની ટીકા પણ તમે કોઈ જાતના ડંખ વિના કરી શકો છો, કારણકે ટીકા સાંભળીને એ તમારી પાસેથી કશું પાછું લઈ લેવાના નથી અને તમને ખાતરી હોય છે. તદ્ન નિર્ભર થઈને તમે એમની સાથે વર્તી શકો છો. તમારા તમામ મહોરાં, નકાબ, બુરખાઓને બાજુએ મૂકી તમે જેવા છો એવા જ પેશ આવી શકો છો. જિંદગીનો આ ઘણો મોટો આનંદ છે. લોકો તમને ફોલી ન ખાય એ માટે સતત પહેરવું પડતું બખ્તર તમે નિઃસ્વાર્થ મિત્રોને મળો છો ત્યારે શરીર પરથી ઉતારીને ઉંચું મૂકી દો છો.

સાચા મિત્રો માટે ક્યારેય ફરિયાદ નથી હોતી, કારણ કે તમને ક્યારેય એમના માટે અપેક્ષા નથી હોતી. એમની સાથેની વાતોમાં ક્યાંય ખુલાસાઓ નથી હોતા, કોઈ બહાનાં નથી હોતાં, સહેજ પણ જીદ નથી હોતી, કોઈ તંગદિલી નથી હોતી. તમને ખબર હોય છે કે તેઓ આ સંબંધને આવરી લેતા પ્રદેશમાં જે કંઈ કરે છે તેની પાછળનો એમનો આશય એકદમ શુભ છે અને જે કંઈ નથી કરતા તેની પાછળનાં કારણો તદ્ન દોષ રહિત છે. આવી મૈત્રી તમને દુનિયામાં ટકી રહેવાની શક્તિ પૂરી પાડે છે. તેઓની હાજરી તમારા જીવનમાં ચોવીસે કલાકની ન હોવા છતાં સતત એક અહેસાસ તમને થયા કરે છે કે તેઓ તમારી પડખે છે. એમની હાજરીમાં થતું તમારું દરેક હાસ્ય અને દરેક રુદન તમારા અંગત ખજાનાનો હિસ્સો બની જાય છે. જન્મોજન્મનો સાથ જો માગવાનો હોય તો આવા મિત્રોનો માગવાનો હોય. પ્રાર્થના કરવાની હોય તો કુન્દન્કિા કાપડીઆના શબ્દોમાં કરવાની હોય કેઃ ‘પરમાત્મા,અમને પણ એવા મૈત્રીભાવથી ભરી દે કે અમારા મિત્રોની અપ્રગટ શક્યતાઓ પિછાણી શકીએ અને તેને બહાર લાવવામાં સહાયભૂત બનીએ. અમારી ઊણપો, નબળાઈઓ, ભૂલો દૂર કરવાના અને સાત્વિક્તા, સત્યનિષ્ઠા, નિર્ભયતા વધારવાના પ્રયત્નોમાં અમે એકમેકને સક્રિય સાથ આપીએ. અમારી સારી દશામાં જેઓ અમારી સાથે હતા, તેમનો માર્ગ દુર્દશાની ખીણમાંથી પસાર થાય ત્યારે અમે તેમને વિસરીએ નહીં.’

દુનિયામાં ટકી રહેવા માટે તમને આવા મિત્રોની અનિવાર્યતા મહેસૂસ થાય છે, કારણકે તમે જુઓ છો કે મોટા થયા પછી તમારી નજીક આવી જઈને પોતાને તમારા મિત્ર કહેવડાવતા લોકો જ તમારી પડતી સમયે સૌથી વધુ જોરથી તાળીઓ પાડવા લાગે છે. તમારા એકાંતમાં તમને સંભળાય છે એ અને એ તાળીઓને તમે ગુંજન માનીને સાચવી રાખો છો તમારી પાસે, જેથી પુખ્તત્તાનું એક વધુ પગથિયું ચડવામાં કાખઘોડી તરીકે એ કામ લાગે. આ જ લોકો તમારી ચડતી વખતે ફરી પાછા હાજર થઈ જવાના છે પણ ત્યારે તમે એમના બેશરમ સ્મિતથી ભોળવાઈ જવાના નથી.

તમારી પાસે આવા લોકો સાથે પનારો પાડવા માટે એક ઈનબિલ્ટ શોક એબ્ઝોર્બર, એક સ્ટેબિલાઈઝર આવી ગયું હોય છે જેને કારણે તમે લાગણીપ્રફૂ બની જાઓ છો. એમની બનાવટી પ્રશંસા અને એમની બેવજુદ ટીકાઓથી તમે અકળાતા નથી. તમારો સો ટચનો આક્રોશ કે તમારી ચોવીસ કેરેટની રૃંફ-કશું ય તમે આવા લોકોમાં વહેંચતા નથી, વેડફતા નથી. કારણકે તમને ખબર હોય છે કે દોસ્ત કોણ છે અને અમિત્ર કોણ છે.

માગવાનું કશું જ નથી હોતું ભગવાન પાસે, કારણકે તમારી …..ઈચ્છાઓ હોઠ પર શબ્દસ્થ થાય તે પહેલાં જ જરાય ટટળાવ્યા વગર, એ બધું જ આપતો રહે છે છતાં માગવાનું જ હોય તો એની પાસે એક જ માગણી થાયઃ શુત્ર,નિસ્વાર્થ દોસ્તી.

સાયલન્સ પ્લીઝ!

જો મિત્રતા જ તમારી નબળાઇ છે, તો સમજવું કે તમે આ દૂનિયાના સૌથી વધારે મજબૂત માણસ છો

– અબ્રાહમ લિંકન

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s