૧૯૪૭ અને ૨૦૧૫ વચ્ચેનો તફાવત–વિચાર વિહાર–યાસીન દલાલ

૧૯૪૭ અને ૨૦૧૫ વચ્ચેનો તફાવત–વિચાર વિહાર–યાસીન દલાલ, ગુજરાત સમાચાર,19,ડીસેમ્બર, શનિવારની આવૃતિમાંથી સાભાર !

પ્રામાણિક અધિકારી નોકરી ગુમાવે છે અને ખુંખાર ગુનેગારો ખાદીની ટોપી પહેરીને રાતોરાત લોકસેવક બનીને રાજકારણમાં દાખલ થઈ જાય છે!

નાના હતા, ત્યારે ફિલ્મ જોવા જતા અને પડદા ઉપર ગાંધી કે નહેરુની તસવીર આવે અેટલે તાળીઓના ગડગડાટથી સિનેમા હોલ ગુંજી ઉઠતો. એ દિવસોમાં ‘વિદ્યા’ નામની ફિલ્મ બની હતી, અને એનાં નાયક-નાયિકા એકબીજાને મળે ત્યારે ‘નમસ્તે’ કહેવાને બદલે ‘જય હિંદ’ કહેતાં. દેશપ્રેમની આવી અભિવ્યક્તિ રુવાંડાં ખડાં કરી દેતી અને શરીરમાં ગરમી લાવી દેતી.
આજે આઝાદીનાં ૬૮ વર્ષ પછી છાપામાં માયાવતી, લાલુપ્રસાદ અને રબડીદેવીની તસવીરો જોઈએ છીએ, ત્યારે એક પ્રકારનો અભાવ, એક પ્રકારની નફરતની લાગણી થઈ જાય છે. નહેરૃ, સરદાર, મૌલાના અને કીડવાઈ જેવા મહાન નેતાઓનું સ્થાન બે બદામના વામણા, ખુરશીચિટકું, સત્તાલોલુપ અને ભ્રષ્ટ લોકોએ લઈ લીધું છે. આઝાદીની અડધી સદીની આ કદાચ સૌથી મોટી ઉપલબ્ધિ છે. શાળામાં ભણવા જતા ત્યારે સુભાષચંદ્ર બોઝનાં ચિત્રો ઉત્સાહથી દોરતા અને શાળાની દિવાલ પર લગાડતા.
આજે ક્યા નેતાનું ચિત્ર શાળા કે કોલેજની દિવાલ પર મૂકીશું? જયલલીતા, દેવીલાલ, રાજનારાયણ, ચરણસિંઘ, ભજનલાલ જેવા નેતાઓની એક મોટી ફોજની ભેટ આપણે વિશ્વને આપી છે. દુનિયા ગાંધીને પૂજતી હતી. અને પૂજતી રહેશે. પણ આપણે ગાંધીનું નામ લઈને ક્યાં સુધી આશ્વાસન મેળવતા રહીશું?

૬૮ વર્ષની આઝાદી પછી હિન્દુસ્તાન એક ગરીબ દેશ છે, એમ ક્યાંય લાગતુ નથી. અહીં સંસ્કૃતના પ્રકાંડ પંડિત રાષ્ટ્રપતિ બને તો પણ નિવૃત્તિ પછી પોતાના બંગલાને સજાવવા માટે ૪૦-૫૦ લાખ જેવી રકમ આંચકી લેતાં શરમાતા નથી.
અને એક જમાનામાં ખાદી પહેરીને સાદાઈનો પુરસ્કાર કરનારા સંસદસભ્યો આજે મહિને એકાદ લાખ રૃપિયા જેટલા વેતન અને ભથ્થા લીધા પછી એમ કહે છે કે અમે વેઠિયા મજૂર જેવા છીએ, અમારા પગારમાં હજી ૪૦૦ ગણો વધારો થવો જોઈએ! રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને જ્ઞાતિ તથા કોમને ધોરણે પ્રધાન થઈ ગયેલા ખાસ વિમાન કે હેલિકોપ્ટરમાં ઉડાઉડ કરતા રહે છે અને પ્રજાને દેશપ્રેમનો ઉપદેશ આપતા રહે છે.

યુ.પી.માં માયાવતી સત્તા પર આવ્યાં પછી કરોડપતિ બની ગયાં. અને જંગી મિલકતો ઉભી કરી લીધી. એમના છ માસના શાસનમાં વિરોધી પક્ષના સેંકડો કાર્યકરોની હત્યાનો એમના ઉપર આરોપ છે.

રાષ્ટ્રના વિકાસને માપવા માટે કોઈ લાગણી કે દેશપ્રેમનો ઓવરડોઝ કામ આવતો નથી. આપણી ગંદકી, પછાતપણું, હિંસાખોરી અને ધનલોલુપતાને ભૂલી જઈને આપણે વિકાસનાં ગાણાં ગાયા કરીએ તો એમાં કોઈ તર્ક નથી. વાસ્તવિક બની, નિર્મળ બનીને લેખાંજોખાં કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે આપણે કેટલી ઊંડી ગર્તામાં પહોંચી ગયા છીએ.

દુનિયાના ચલણમાં રૃપિયાનું મૂલ્ય દિનપ્રતિદિન ઘટતું જાય છે અને ટૂંક સમયમાં એક ડોલરના ૭૦ રૃપિયા થઈ જાય તો નવાઈ નહીં. દરરોજ સેંકડો લોકો ગરીબાઈ અને બેકારીથી ત્રાસીને આપઘાતનો માર્ગ પકડે છે, પણ કોઈનું રુવાડુંય ફરકતું નથી. કરોડો માણસો બેહાલીમાં સબડતા હોય ત્યારે સંસદના ખાસ સત્રમાં ભાષણબાજી પાછળ ચાર કરોડ રૃપિયા વેડફી નાખવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવન અને પ્રધાનોના બંગલાઓના ખૂની ભપકા ચાલુ છે. ઈંગ્લેન્ડની રાણીનો ભપકો ક્રમશ: ઘટી રહ્યો છે,

પણ ભારતના નવા રાજા રજવાડાંની જાહોજલાલી વધી રહી છે. સ્વીડનના વડાપ્રધાન ઓલફ પાલ્મેનની હત્યા થઈ, ત્યારે એ રાતે સિનેમા જોઈને ફૂટપાથ પર ચાલીને ઘેર આવતા હતા. આપણો ધારાસભ્ય પણ મોંઘી કાર અને વિમાન સિવાય પ્રવાસ કરતો નથી.

વિશ્વના ગરીબ દેશોમાં ૧૩૪માં ક્રમનો દેશ આટલી હદે નાણું વેડફી દે એ વાત કોઈ માની પણ નહીં શકે.
આપણી લોકશાહી વિશ્વની સૌથી વધુ મુલાયમ અને ઢીલી લોકશાહી છે. અહીં ગંભીરમાં ગંભીર શિસ્તભંગ કરીને પણ માણસ લાગવગ અને પૈસાથી છટકી જાય છે. કાયદો છે, પણ એ ગરીબો માટે અને વંચિત માટે છે. એક પગારદાર કર્મચારી આવકવેરાનું રિટર્ન મોડું ભરે તો સરકાર એની પાસેથી તગડો દંડ વસુલ કરે છે, તમે અભિનેતા હો, લાખોની પ્રેકટીસ કરનાર ડોકટર,
વકીલ કે મોટા વેપારી કે ખેડૂત હો તો આવકવેરો માફ છે, પણ મહિને પાંચ હજાર કમાનાર કર્મચારી હો તો દર મહિને ઈન્કમટેક્ષ ભરવો પડે છે, અને એમાં થોડી ગરબડ થાય તો આવકવેરા ખાતું તરત નોટિસ આપીને વ્યાજ વસૂલ કરે છે! તમે જો ફિલ્મી અભિનેતા હો તો તમારી પાસે કેટલા કરોડ રૃપિયાનો આવકવેરો લેણો નીકળે છે, એવી જાહેરાત સરકાર સંસદમાં કરીને સંતોષ માને છે,

અને તમે હર્ષદ મહેતા હો તો રૃા. ૫૦૦૦/- કરોડનો વેરો ભર્યો ન હો તો પણ વેપારી મહામંડળમાં જઈને અર્થતંત્ર વિષે ભાષણ આપી શકો છો. જર્મનીમાં વિખ્યાત ટેનિસ ખેલાડી આવકવેરો ઓછો ભરે તો એના બાપ સહિત જેલમાં જવું પડે છે, પણ ભારતમાં નિયમ તોડવા, કરચોરી કરવી એ બહાદુરી ગણાય છે.

ગાંધીજીએ સવાસો વર્ષ સુધી જીવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ખરેખર એ જીવ્યા હોત તો બહુ જલદી ઉપવાસ આદરીને જીવનનો અંત, વિનોબાની જેમ, લાવી દેત. ગાંધીજીની જ તસવીર સામે રાખીને આ દેશના રાજકારણમાં જે ગોરખધંધા ચાલે છે એનો જોટો જડે તેમ નથી. ગાંધી આપણા માટે મત મેળવવા માટેનું એક વટાવખત બની ગયા છે, કોઈ રાજકીય પક્ષને લાગે કે ધાર્મિક પ્રશ્નનો ઉપયોગ બહુ થયો, હવે ગાંધીનું નામ લેવામાં લાભ છે, એટલે તરત એના મંચ ઉપર ગાંધીનો ફોટો લાગી જશે અને ગાંધીમાં હવે કસ રહ્યો નથી.

એમ લાગે એટલે તરત ગાંધીને ગાળો દેવાનું શરૃ થઈ જશે. ગાંધીને રાષ્ટ્રપિતા ન કહેવાય. બહુ તો રાષ્ટ્રનેતા કહેવાય એવા સંશોધનો શરૃ થઈ જશે. ગાંધીની સમાધિની પડખે સંજય ગાંધીની સમાધિ છે, જેનું દેશના રાજકારણમાં ક્યાંય સ્થાન નહોતું. ગાંધીજીના રાજઘાટના સો એકરમાંથી કાપકૂપ થતાં હવે બહુ ઓછી જમીન મહાત્માને ભાગે રહે છે.
એક દિવસ આ નેતાઓ ગાંધીની સમાધિને ફેરવીને સરહદ ઉપર મૂકી આવશે. ગાંધીએ આ દેશના ગરીબ અને બેહાલ નાગરિકોની અવદશા જોઈને શરીર પરનાં કપડાં કાઢી નાખ્યાં. મુફલિસોનાં ઝૂપડામાં જઈને રહ્યા અને એમની જ ભાષામાં એમને સંબોધન કર્યું.
આજના વામણા નેતાઓ રૃમાલ કે લુંગી ભૂલી જાય તો એ લેવા માટે ખાસ વિમાન દોડાવે છે.
૫૦થી ૬૦ દાયકામાં ભાખરા નાંગલ ડેમ જેવા વિકાસ પ્રતિષ્ઠાનો એક પછી એક ખૂલી રહ્યાં હતાં, દેશ આગળ વધી રહ્યો હતો, દેશ આગળ વધી રહ્યો છે, એવી એક પ્રતીતિ મનમાં આકાર લેતી હતી. તારાપુરનો અણું પ્લાંટ ખુલ્લો મુકાયો ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે અહીં એક પૈસે એક યુનિટ વીજળી પેદા થશે. બોમ્બે હાઈમાં ગેસ મળ્યો ત્યારે રોમાંચ થયો હતો ત્યારનાં ઉર્જામંત્રીએ
જાહેર કર્યું હતું કે બે વર્ષમાં આપણે ક્રુડ ઓઈલની બાબતમાં સ્વાવલંબી બની જઈશું.
આજે આ દેશમાં દુનિયાની સૌથી મોંઘી વીજળી, સૌથી મોંઘુ પેટ્રોલ મળે છે. વીજળીનો પુરવઠો મન પડે ત્યારે ખોરવાઈ જાય છે. દિલ્હીમાં કોઈ આંતરરાષ્ટ્રીય સમારોહ ચાલતો હોય અને વડાપ્રધાન બોલતા હોય, ત્યાં અચાનક અંધારું છવાઈ જાય છે અને માઈક બંધ થઈ જાય છે. જેનો ટેલિફોન ચાલતો હોય એ માણસ નસીબદાર ગણાય છે. ટ્રેઈન નિયમિત ચાલતી નથી.

એક પણ શાળામાં પ્રવેશ મળતો નથી. અડધી વસતી અભણ છે અને બાકીનો ભણેલો વર્ગ અભણ વર્ગને લુંટવામાં વ્યસ્ત છે. પોતાના અંગત સ્વાર્થ માટે, સંસ્થા માટે, દેશને કરોડો રૃપિયાનું નુકશાન થતું હોય તો ચાલે, પણ પોતાનું ખિસ્સું ભરાવું જોઈએ.
‘૪૭ અને ‘૧૫માં ઘણું અંતર પડી ગયું છે. સામાન્ય નાગરિકના ચહેરા પર નૂર નથી. યુવાન વિક્ષુબ્ધ છે અને વૃદ્ધો જૂનો જમાનો યાદ કરીને આંસુ સારે છે, અને પછી એક નિશ્વાસ સાથે પ્રશ્ન પૂછે છે, ”શું આને માટે આઝાદી મેળવી હતી? એક નાનકડા દેશના કુલ બજેટ જેટલી રકમ આપણા ભ્રષ્ટ નેતાઓ એકલા હજમ કરી જાય છે! ‘૪૭ના દિવસોમાં ભ્રષ્ટાચારીઓને લોકો નફરતથી જોતા હતા, અને ભ્રષ્ટાચાર બહાર આવે એ માણસ શરમ અનુભવતો હતો. આજે છડેચોક સંસદસભ્યોની ખરીદી થાય છે, વેચાણ થાય છે, રસ્તા પરની પોલિસ ખુલ્લેઆમ હપ્તા ઉઘરાવે છે,
અને એની પહોંચ પણ લખી આપે છે. કોઈને કોઈનો પણ ડર નથી. સરકારો નમાલી છે અને ન્યાયતંત્ર ગોકળગાયની ગતિએ ચાલે છે. જાહેરમાં હજારો માણસોના દેખતા હત્યા કરનારો ગુનેગાર છૂટથી જેલની બહાર ફરતો રહે છે! ખૈરનાર જેવા પ્રામાણિક અધિકારી નોકરી ગુમાવે છે અને ખુંખાર ગુનેગારો ખાદીની ટોપી પહેરીને રાતોરાત લોકસેવક બનીને રાજકારણમાં દાખલ થઈ જાય છે! આ
બધા ઘટનાક્રમને શું કહેશું? આપણી લોકશાહીનું સર્કસ? એક અભદ્ર ‘વલ્ગર’ પ્રહસન?
જવાહરલાલે એકવાર ભાખરા નાંગલ ડેમનું ઉદઘાટન કરતા કહ્યું હતું કે ભવિષ્યના ભારતનાં આ જ મંદિરો છે, પણ ‘ભવિષ્યનું ભારત’ જોવા જવાહર હયાત નથી. અને ભારત મંદિર, મસ્જિદ, ગુરૃદ્વારાનાં ક્રિયાકાંડો અને ઢોંગી ધર્મગુરુઓને પગે લાગવામાં વ્યસ્ત છે.

આ દેશનાં ઉત્તમ વૈજ્ઞાાનિકોને કોઈ ઓળખતું નથી, પણ ઢોંગી સાધુબાવાઓની સભામાં લાખો લોકો ઉમટી પડે છે. પ્રારબ્ધવાદનું એક જબ્બર મોજું આવ્યું છે અને લોકોએ કામ કરવાનું, મહેનત કરવાનું જ છોડી દીધું છે. માનતા, બાધા-આખડી-, મંત્ર-તંત્ર, ચમત્કારની બોલબાલા છે. ધાર્મિક મઠો પાસે કરોડોની સંપત્તિ એકઠી થઈ ગઈ છે, અને સરકારે વિદેશમાંથી નાણાં ઉછીનાં લેવાં પડે છે.

જવાહર પુત્રી ઈંદિરા તો આવા ધાર્મિક બાબાઓને કરોડોની ગ્રાંટ આપતી હતી. કટોકટી, ભારત-ચીન યુદ્ધ, ભારત-પાક યુદ્ધ, ઓપરેશન બ્લુસ્ટાર, ઈંદિરા અને રાજીવની હત્યા, કેન્દ્રમાં કોંગ્રેસ સરકારોનું પતન, આ બધી ૬૮ વર્ષની યાદગાર ઘટનાઓ ઉપર
એક નજર નાખીને થોડી આત્મખોજ કરીશું તો કદાચ ભવિષ્યની આપત્તિઓમાંથી બચી શકીશું.
ઓગણીસમી સદી અને વીસમી સદીના આરંભમાં રાજા રામમોહન રાયથી માંડીને દલપતરામ જેવા લોકોએે બ્રિટિશ રાજને દેશ માટે આશીર્વાદ સમાન ગણાવ્યું હતું. અંગ્રેજોએ આખા દેશમાં રેલ્વે લાઈન નાંખી. ટપાલ-સેવા દાખલ કરી. કોલેજો ખોલી અને સમગ્ર દેશને રજવાડાંઓથી મુક્ત કરીને એક જ કેન્દ્રિય વહીવટ હેઠળ મૂક્યો. આજે આપણે ૨૫-૩૦ કિલોમીટરની રેલ્વે લાઈનને પણ પહોળી બનાવી શકતા નથી. કોઈ ગામને ભૂગર્ભ ગટર આપવી હોય તો ૨૫-૩૦ વર્ષ સુધી કામ ચાલ્યા કરે છે.

નર્મદા યોજના ૫૦ વર્ષ પહેલાં શરૃ થવાની હતી. એની કેનાલોને બહાને કામ અટકી પડયું છે. રામમોહન રાય અને દલપતરામ સાચા હતા? આપણે સ્વશાસન માટે નિષ્ફળ પુરવાર થયા છીએ? શું દેશનો વહીવટ શિસ્તબદ્ધ ચાલે અને વિકાસના ફળ સૌને મળે એવી વ્યવસ્થા ઉભી કરવા માટે પણ આપણે કોઈ બહુરાષ્ટ્રીય કંપનીને એ કામ સોંપવું પડે?

આઝાદી પછીનાં ૬૮ વર્ષ આપણે આંતરિક ખેંચતાણ, સત્તા, લાલચ અને હોદ્દાની છીનાઝપટીમાં વેડફી નાખ્યા છે? આપણે શું તદ્દન જાડી ચામડીના બની ગયા છીએ? આટલા અધ:પતન પછી પણ આપણી સંસ્કૃતિ અને કહેવાતી આધ્યાત્મિકતાના કેફમાં આપણે કેમ ડૂબેલા છીએ? આ અને આવા અનેક પ્રશ્નો આઝાદી પછીના ૬૮ વર્ષ આપણા જવાબની રાહ જોઈ રહ્યાં છે.

Advertisements

2 comments

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s