રિલેશનનાં રિ-લેસન : રવિ ઇલા ભટ્ટ

મહિને એક વખત ઈ-ઉપવાસ કરીએ તો કેવું? સંદેશ દૈનિક્માં રવિવાર 23,નવેમ્બર,2015 સંસ્કાર પૂર્તિમાંથી સાભાર

રિલેશનનાં રિ-લેસન : રવિ ઇલા ભટ્ટ

વર્ષ ૨૦૨૫ની વાત છે, એક ધનિક પરિવાર હતો. અભિષેક નામનો યુવાન વેપારી અને પ્રિયાંશી નામની ર્વિંકગ વુમન. ઈશ્વર કૃપાથી તેમને ત્યાં પૈસાની રેલમછેલ હતી. સંતાનો પણ સુંદર અને કહ્યાગરા હતા. બધુ જ સરસ હતું, પણ બધાને એકબીજા માટે સમય નહોતો. જેને વધારાનો સમય મળતો તે ફોન, લેપટોપ, ટેબ્લેટ, ટીવી વગેરેમાં વ્યસ્ત રહેતા. આ સ્થિતિ વધુ વણસવા લાગી. આખરે એક દિવસ પ્રિયાંશીને સ્વપ્નમાં ભગવાન આવ્યા અને કહ્યું, ‘પુત્રી તું બાર ઈ-ઊપવાસ કર તારી તમામ સમસ્યાઓનો ઊકેલ આવી જશે. આ ઊપવાસ ખૂબ જ સરસ છે. તારે દર મહિને એક દિવસ એમ બાર મહિનામાં બાર દિવસ ઇન્ટરનેટ અને ઈલેક્ટ્રોનિક્સની દૂનિયાથી દૂર થઇ જવાનું. આ ઊપવાસ કરવા સરળ છે. તારે માત્ર તારા પરિવાર અને સંતાનોને સમય આપવાનો છે. મોબાઇલ, લેપટોપ, ટીવી વગેરેને એક દિવસ માટે દૂર રાખવાના છે. બસ આટલું કર તારા જીવનમાં શાંતિ અને સુખચેન પાછા આવી જશે.’

વાત થોડી વિચિત્ર લાગે પણ આગામી દાયકા પછી આવી જ લોકવાર્તાઓ અને પુરાણ કથાઓ કદાચ આવશે, જેમાં ફેસબુકિયાં સોમવારની કથા, વોટ્સેપિયો મહિનો, ઈન્સ્ટાગ્રામ અઠ્ઠઈનું વ્રત વગેરે કરવાનું સુચવવામાં આવશે.

તેનું સ્પષ્ટ કારણ છે કે, આપણે વાસ્તવિક દુનિયા છોડીને વર્ચ્યુઅલ વર્લ્ડને પોતાનું કરી લીધું છે. કામ કરતા-કરતા થોડા ફ્રી પડયા કે ફેસબુક જોઇ લીધું, વોટ્સએપ પર મેસેજ ચેક કરી લીધા. કંઇક નવું કર્યું હોય તો તેના ફોટા પાડી ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક પર ચઢાવી દીધા. આ સિવાય આપણે કંઈ કરતા જ નથી. ઘણી વખત પતિ-પત્ની સાથે બેઠા હોય પણ બંનેનું ધ્યાન ફોનમાં હોય. સ્માર્ટ ફોનની લ્હાયમાં આપણે ડફોળ થતા ગયા છીએ. પહેલાં માણસો હોંશિયાર હતા. ઘરમાં લેન્ડ લાઇન ફોન હતા એટલે ડાયરી બનાવતા છતાં ઘણાં લોકોના ફોનનંબર, એડ્રેસ બધું મોઢે યાદ રાખતા. અરે એસટિડીમાં જઈને ફોન કરવાનું પણ યાદ રહેતું. હવે ફોન સ્માર્ટ થઇ ગયો છે અને આપણે ડફોળ થવા લાગ્યા છીએ. ઘણા પાછા દલીલ કરે કે કેમ, આધુનિક જમાના સાથે તાલ મિલાવીએ તેમાં ખોટું શું છે? અરે, ભાઈ ખોટું કંઇ નથી પણ આધુનિકતાની ઘેલછામાં આપણે કેટલું બધું ગુમાવીએ છીએ તેના પર કોઇની નજર પડતી નથી.

મહેમાન આવે કે આપણે ક્યાંક જઇએ તો કોઇના ખબર અંતર પૂછવાનું બાજુએ રહ્યું પહેલાં એમ પૂછીએ છીએ કે ચાર્જર છે? હવે તો સંશોધકોએ તેમાંથી પણ મુક્તિ આપી દેવા પાવરબેંક શરૂ કરી છે. સાથે લઇને ફરો અને જરૂર પડે ત્યારે ચાર્જ કરો. આ પાવરબેંકના ચક્કરમાં જ જીવનની અસલી મૂડી ગુમાવી રહ્યા છીએ. માત્ર દોઢ દાયકા પહેલાં આપણી દુનિયામાં પ્રવેશ કરનાર મોબાઇલ ફોન આજે જીવનના અભિન્ન અંગ જેવા થઇ ગયા છે. તેમાંય ૨૦૦૫ની સાલ પછી જન્મેલા બાળકો તો એમ જ માનતા હશે કે જીવવા માટે હવા-પાણી કે ખોરાક નહીં પણ સેલફોન જરૂરી છે. એક દિવસ ફોન બંધ રહે અથવા તો ક્યાંક જઇએ અને ફોન ઘરે ભુલી જઇએ તો આપણું અસ્તિત્વ જોખમમાં આવી ગયું હોય તેમ લાગ્યા કરે. પાંચ વર્ષના બાળકથી માંડીને ૫૦ વર્ષના આધેડો કાનમાં ભુંગળા ભરાવીને ફર્યા કરે. ફોન પર વાત કરતા હોય તેમ છતાં મોઢા અને હાથના હાવભાવ ચાલુ હોય. આપણને એમ લાગે કે ચસકી ગયું હશે પણ ના ભાઈ તે આધુનિકતાની નિશાની છે.

તેમાંય છેલ્લાં કેટલાક સમયથી ‘સેલ્ફિ’નો વાઇસર ફેલાયો છે. દરેક વાતે સેલ્ફિ લેવાની. કોઇને મળ્યા તો સેલ્ફિ, કોઇ જાય છે તો તેની સાથે સેલ્ફિ, કંઇક નવું કરો તો સેલ્ફિ, કંઇક જૂની વસ્તુ ફરીથી કરો તો આફ્ટર લોન્ગ ટાઇમના નામે એક સેલ્ફિ.

વાત એટલી જ છે કે, આપણે ટેક્નોલોજીનો સંયમપૂર્વક ઉપયોગ કરતા નથી. અહીં ટેક્નોલોજી કે મોબાઇલનો વિરોધ નથી. સ્માર્ટફોન ઘણા ઉપયોગી છે પણ દરેક વસ્તુની અતિ નુકસાનકારક હોય છે. ટેક્નોલોજીએ આજે એવું જીવન આપ્યું છે જેની આજથી બે દાયકા પહેલાં કલ્પના નહોતી. તેમ છતાં તેનો સંયમપૂર્વક ઉપયોગ કરવો જ જોઇએ. થોડા સમય પહેલાં અમેરિકામાં એક સરવે થયો જેમાં જાણવા મળ્યું કે, ત્યાં જેટલા પણ ડાયવોર્સ થાય છે તેમાંથી ૩૭ ટકા ડાયવોર્સ મોબાઇલ ફોનના કારણે થાય છે.

વાત સાચી છે કારણ કે આપણને મોબાઇલ પર વાતો કરવી ગમે છે, સ્ટેટસ અપડેટ કરવા ગમે છે પણ જીવનસાથી કે સંતાનો સાથે સંવાદ કરવો ગમતો નથી. પિતા ઓફિસથી આવે કે માતા ઘરમાં હોય બધા મોબાઇલમાં જ વ્યસ્ત હોય છે. સંતાનો હેરાન કરે તો થોડા સમય માટે ફોન પકડાવી દેવાની બચાવ પ્રયુક્તિ પણ કારગર સાબિત થઇ રહી છે. નાનું છોકરું રડે તો પણ મોબાઇલમાં કંઈક બતાવીને ચુપ કરાવી દેવાનું. ત્યારથી બાળકને ખ્યાલ આવી જાય કે તમામ સમસ્યાનું સમાધાન અહીં છે.

આપણે ખરેખર મહિને એકાદ દિવસ ઈ-ઉપવાસ કરવા જેવા છે. ઈન્ટરનેટ, મોબાઇલ, ટીવી કે લેપટોપથી સાવ દૂર જઇને સ્વ અને સ્વજન સાથે વાત કરવી, સમય પસાર કરવો, પિકનિક પર જવું અને કંઇ નહીં તો ઘરમાં રહીને પણ તોફાન મસ્તી કરવા જેવા છે. વાઈફાઈના મજબૂત સિગ્નલ લેવાના ચક્કરમાં વાઇફ અને લાઇફ બંનેના સિગ્નલ ઓછા થઇ ગયા છે. વાત સાચી કે ગ્રેહામ બેલે બે લોકોને જોયા વગર અને જોજનો દૂરથી વાત કરાવવાનું સ્વપ્ન જોયું હતું પણ તેણે ક્યારેય પરિવારના સભ્યો વચ્ચે અંતર વધી જશે તેવું વિચાર્યું નહોતું.

આ નવા વર્ષમાં આપણે સંકલ્પ લઇએ કે દર મહિને ઈ-ઉપવાસ કરીશું, જેથી સ્વ અને સ્વજન માટે સમય મળતો રહે અને સંબંધોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે.

 

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s