પાટીદાર અનામત આંદોલન : એક સામાજિક પોખરણ પરીક્ષણ –પ્રોજેક્ટર — ડૉ. કૌશિક ચૌધરી, ગુજરાત સમાચાર રવિ પૂર્તિમાંથી


પાટીદાર અનામત આંદોલન : એક સામાજિક પોખરણ પરીક્ષણ –પ્રોજેક્ટર — ડૉ. કૌશિક ચૌધરી, ગુજરાત સમાચાર રવિ પૂર્તિમાંથી

રાજ્યમાં બહુમતી ધરાવતા, દેશ-વિદેશોમાં દશકોથી મોટેલો અને મોટા ધંધા ધરાવતા સમૃદ્ધ પાટીદારોની અઢળક સંપત્તિ અનામત આંદોલન રૃપે જાણે અજાણે એક મહાન યુગનું એંધાણ કરવામાં વપરાઈ રહી છે. પરંતુ દરેક મહાન યુગનો ઉદય એક ભયાનક અશાંતિ પછી જ થયો છે. શું આ દેશ એના માટે તૈયાર છે ?

સરકારને અનામતને પોતાની જાગીર સમજી બેઠેલા સમાજના ઠેકેદારો તથા સત્તા લાલચુ રાજકીય પક્ષોના સ્વાર્થથી ટકરાવું પડશે.

જેમની વસ્તી રાજ્યમાં ૩૦ થી ૪૦ ટકા વચ્ચે છે. જેઓ સદીઓથી પોતાના સાહસ અને મહેનત વડે મોટા ઉદ્યોગોના ધણી છે. જેમની પ્રગતિ અને સમૃદ્ધિથી ડરીને અમેરીકાની સરકારે પણ તેમના અમેરીકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાડી દીધો છે. જેમની સમૃદ્ધિ અને આંતરીક એકતાના કારણે બાકીનો સમાજ એક સમયે પછાત દેખાવા લાગેલો અને સામાજીક સંતુલન માટે OBC કેટેગરીમાં ઘણી ઉંચી કહેવાતી ક્ષત્રિય કોમોને પણ સમાવવી પડેલી તેવા પાટીદાર સમાજે હવે અનામતની માંગ કરી છે. અને એ પણ કરોડોના ખર્ચા કરીને કાઢેલી વિશાળ રેલીઓની ચકાચાંદ વચ્ચે. આ ઘટનાએ સમાજમાં બે વાતો ફરીથી સાબિત કરી દીધી છે. એક કે પાટીદાર સમાજ પાસે જેટલી સંપત્તિ છે તેટલી બીજા કોઈના પાસે નથી. અને બીજી તેમના જેવી આંતરીક એકતા બીજા કોઈ સમાજમાં નથી. આ આંદોલન એટલું બધું આક્રમક અને ઝનૂની બનાવી દેવામાં આવ્યું છે કે જાતિવાદ તો તેની ચરમસીમાએ છે જ પણ સાથેસાથે ફેસબુક અને વોટસ અપ પર OBC અને SC, ST જાતિઓના સ્વમાનને ભારે ઠેસ પહોંચાડતા હોય એવા મેસેજ પણ ખુલેઆમ ફરતા થયા છે. ત્રીસ ત્રીસ હજારના એન્ડ્રોઈડ ફોન રાખનારા ફેસબુક પર પોતાને પછાત ગણાવી અનામત માગી રહ્યા છે. સરકાર કે સુપ્રીમ કોર્ટ તો દૂર એક સામાન્ય બાળક પણ સમજી શકે તેવો આ દુરાગ્રહ છે જે પોતાની આર્થિક શક્તિ અને સામાજીક બહુમતીના દુરઉપયોગ દ્વારા શરૃ થયો છે.
પરંતુ, આ બધુ હોવા છતાંય આ દુરાગ્રહમાં સત્યનો એક દબાયેલો અવાજ પણ છે જેને વર્ષોથી સાંભળવામાં નથી આવ્યો. માની લઈએ કે ૯૦ ટકા પાટીદારો સમૃદ્ધ છે અને કરોડોની સંપત્તિ ધરાવે છે. પરંતુ એમાંના ૧૦ ટકા પણ જો ગરીબ છે અને પોતાની ક્ષમતા હોવા છતાં પોતાને લાયક સ્થાન નથી મેળવી શક્યા – એવા લોકો જેમને ખરેખર સરકાર તરફથી મદદની જરૃર છે પરંતુ સરકાર તેમને મદદ નથી કરી શકી કારણ કે તેમના સુધી પહોંચવા માટે કાયદા કે અનામતની કોઈ પાઈપલાઈન સરકાર પાસે નથી- તો ખરેખર આ એક ભયંકર સવાલ છે. આખરે, આપણા એ દેશવાસી ભાઈનો શો દોષ છે જેને એના જન્મની સજા મળી રહી છે ? એક રીતે જોવા જઈએ તો આ આખા અનામત આંદોલન રૃપી સમુદ્ર મંથનમાંથી જાતિવાદ અને શક્તિના ગેરજવાબદાર પ્રદર્શન જેવા વિષ પાછળ કોઈ અમૃત નીકળી શકે એમ હોય તો તે આ જ છે. એટલે જ શીર્ષક ઉપરની પંચ લાઈનમાં લખ્યું છે કે પાટીદારોની સંપત્તિ કદાચ પહેલીવાર એક મહાન અને અતિ જરૃરી સમાધાન માટે કામ આવી રહી છે. બ્રાહ્મણ સમાજમાં તો આવા પરીવારોની સંખ્યા અનેક ગણી વધારે છે. સદીઓથી જ્ઞાાન અને વિધા આપવાને જ પોતાનું કર્મ ગણીને સંપત્તિ કમાવવાની વૃત્તિથી વિમુખ રહેલું બ્રહ્મસમાજનું DNA છે. અને એ જ કારણે આજે પણ ઘણા બ્રાહ્મણ પરીવારો મંદિરમાં પ્રસાદના બદલે મુકાતા પૈસા પર પોતાનું ઘર ચલાવે છે. અનામત મેળવવા માટે આવી જંગી રેલીઓ કરવાનું કાર્ય તો આખા બ્રહ્મોસમાજ માટે એક સ્વપ્ન સમાન છે. સમાજની આ અન્યાયી સ્થિતિ આપણી મનુષ્ય તરીકેની નાકામી છે કારણ કે આપણા સ્વાર્થો એ જ એને નિમંત્રણ આપ્યું છે.
આઝાદી સમયે દલીતો અને આદીવાસીઓને એક પછાત અને શોષિત જાતિ તરીકે અનામત આપવામાં આવ્યું. ગરીબી અને શોષણ હટાવવાનો તે એક શ્રેષ્ઠ વિચાર હતો. પરંતુ એનો દુરઉપયોગ ત્યારે શરૃ થયો જ્યારે ગાંધી, સરદાર, આંબેડકર અને નહેરુના ગયા પછી કોંગ્રેસે દલિતો પાસે જઈને એમ કહેવાનું શરૃ કર્યું કે ”જુઓ, અમે તમને અનામત આપ્યું છે. એટલે તેનો લાભ લેવો હોય તો અમને વોટ આપો. બીજા કોઈ આવશે તો અનામત છીનવી લેશે.” અને આ રીતે અનામતના મહાન મક્સદનું રાજનીતીકરણ શરૃ થયું. તમને કરવામાં આવતી મદદને તમે જ્યારે તમારો હક માની લો છો ત્યારે તમે દુનિયાનું સંતુલન બગાડો છો. દલિતો અને આદીવાસીઓએ પણ ત્યાર પછી અનામતની આ મદદને તેમનો હક માની લીધો અને એ હક સદીઓ સુધી જળવાઈ રહે તે માટે એક સાથે મળીને ”કોંગ્રેસ તો અમારી માઈ-બાપ છે” કહીને વોટ આપવાનું શરૃ કર્યું. અને આ રીતે અનામતમાંથી વોટબેંક ઉભી થઈ. પરંતુ ૧૯૮૯-૯૦માં વી.પી. સિંહે કોંગ્રેસનું આ હથિયાર કોંગ્રેસ પર જ ચલાવ્યું અને મંડળ કમિશન દ્વારા OBC નામની નવી કેટેગરી ઉત્પન્ન કરી પોતાની વોટબેંક ઉભી કરવાની કોશિશ કરી. અને ત્યારબાદ તો જાણે અનામત રાજનીતીનું મુખ્ય સાધન બની ગયું હોય તેમ ભિન્ન ભિન્ન જાતિઓને વોટબેંક બનાવવા માટે અનામત આપવામાં આવ્યું અને પોતાની સત્તા ટકાવી રાખવા માટે નેતાઓ અને રાજકીય પક્ષો દ્વારા એને સતત પોષણ અપાતું રહ્યું. પરંતુ પાટીદારોની અનામત રેલી સાથે પહેલીવાર રાજકીય પક્ષોનો દાવ એમના ઉપર જ ઉધો પડયો છે. રાજ્યના સામાજીક અને આર્થિક રીતે સૌથી સંપન્ન અને શક્તિશાળી તબક્કાએ જ અનામતની જીદ પકડી છે.
હવે, પાટીદારો જેવી વિશાળ જનસંખ્યા, ભારે આર્થિક સંપન્નતા અને શૈક્ષણિક જાગૃતિ ધરાવતા સમાજને જો OBC માં નાખવામાં આવે તો OBC નો અર્થ જ ખતમ થઈ જાય. કારણ કે અનામતનો લાભ લઈને ઉચ્ચ સવલતો અને સાધનો ધરાવતા ૯૦ ટકા સંપન્ન પાટીદારો બાકીની OBC જાતિઓ તો દૂર તેમના જ પેલા ૧૦ ટકા ગરીબ પાટીદારો માટે કોઈ સ્થાન ખાલી નહીં છોડે. ફરી પાછી બાકીની જાતિઓ એ જ પછાતતા તરફ ધકેલાશે અને ફરીથી એ જ અસંતુલન ઉભુ થશે જેને દૂર કરવા માટે અનામત શરૃ થયું હતું. અને આવો તો આંશિક વિચાર માત્ર પણ રાજ્યમાં મોટા વર્ગ વિગ્રહને ઉભો કરી દે તેમ છે. આમ, એક બાજુ પાટીદારોની આક્રમક માંગ અને બીજી બાજુ સત્યના પાલન વચ્ચે આપણી સરકાર અને બંને રાજકીય પક્ષો સારા એવા ફસાયા છે. અને રાજકીય પક્ષોને પોતાની જાતિવાદી રાજનીતિ છોડવા મજબૂર કરે તેવી આ એક ઉત્તમ તક છે. પાટીદાર, બ્રાહ્મણ અને અન્ય બિનઅનામત સમાજોના ગરીબ પરીવારોને થતા અન્યાય અને OBC જાતિઓના સમૃદ્ધ પરીવારોને અનામત મળવાથી થતા પક્ષપાતને દૂર કરવા અનામતની વ્યવસ્થાને સંપૂર્ણ રીતે ગરીબીના ધારાધોરણ હેઠળ જ લાવી દેવી પડે તેમ છે. જરૃર છે અનેક ટુકડાઓમાં વહેંચાયેલા ભારતીય સમાજને ફક્ત બે જ મુખ્ય વિભાગોમાં વહેંચી દેવાની, એક ગરીબ અને બીજા સંપન્ન. આ રીતે જ આપણે ગરીબીના દૂષણને જાતિ અને ધર્મના પડદાથી ઉપર ઉઠીને ઓળખી શકીશું અને તેને દૂર કરવાની નિર્ણાયક નિતિઓ બનાવી શકીશું.
પરંતુ, આ બધું થતા પહેલા સરકારને અનામતને પોતાની જાગીર સમજી બેઠેલા સમાજના ઠેકેદારો તથા સત્તા લાલચુ રાજકીય પક્ષોના સ્વાર્થથી ટકરાવું પડશે. અને એ ટકરાવની ધુ્રજારી એટલી જ તીવ્ર હશે જેટલી પોખરણના અણુ ધડાકાની હતી. તો, અસલમાં આ આંદોલન એક પરિક્ષણ છે કે શું ક્યારેય આપણે આરક્ષણને જાતિઓથી હટાવીને ગરીબના પાયા પર લાવી શકીશું કે નહીં ? જો હા, તો તેમાં આપણે કેટલો અને કેવા પ્રકારનો સંઘર્ષ ખેલવો પડશે ? અને આ પરીક્ષણનું પરીણામ કોઈ એક જાતિ નહીં સીધુ દેશના ભવિષ્ય સાથે જોડાયેલું છે. કારણ કે જો આપણું આ સામાજીક પોખરણ પરીક્ષણ સફળ થઈ ગયું તો ભારતીય સમાજને અખંડિતતાની એક નવી જ ઉંચાઈ સુધી લઈ જવાના દ્વાર ખુલી જશે. એ અખંડિતતા જે આપણો સમાજ મોગલો અને અંગ્રેજોના આક્રમણો વખતે પણ ધારણ નહોતો કરી શક્યો. આમ, પાટીદારોનું આ આંદોલન જો વ્યવહારીક સ્થિતિને સમજીને જાતિગત સ્વાર્થથી ઉપર ઉઠી શક્યું તો અનામતના નામે ચાલતી નેતાઓની રાજનીતિને ખતમ કરતા યુગનું એંધાણ ચોક્કસ કરી શકશે. અને જો આ શક્ય બન્યું તો પાટીદારોએ ક્માયેલી સંપત્તિ સાચા અર્થમાં રાષ્ટ્ર નિર્માણના મહાન કાર્યમાં કામ આવેલી ગણાશે અને તે પાટીદાર સમાજ તરફથી રાજ્ય અને દેશને મળેલું એક ઉત્તમ પ્રદાન હશે.

Advertisements

3 comments

 1. શ્રી પ્રવીણભાઈ, સમાજમાં રહેલી વાસ્તવિકતા વિષે વધુ અને વધુ લોકો જાણતા થાય તે જ ઉદેશ સાથે આ લેખ મારાં બ્લોગ ઉપર ગુ.સ.ની રવિ પૂર્તિમાંથી સાભાર મૂકેલ છે, જે આપ આપના બ્લોગ ઉપર મૂકો તે તો રાજી થવા જેવી વાત છે. આભાર !

  Like

 2. કૌશીકભાઈની વાત સાચી છે. પાટીદારો સિવાય બીજી ઘણી જ ઉચ્ચ જાતિઓના નાના નાના સમૂહ છે જેમનું કોઈ સાંભળનાર નથી, એમની પાસે કોઈ ખાસ મિલકત નથી કે એમની સંખ્યાને લઈને કોઈ રાજકીય પક્ષને એમનામાં રસ નથી. હકીકતમાં આ જે બાકીના ઉચ્ચવર્ણના લોકો છે તેમની હાલત તો પછાત કરતા પણ ખરાબ છે. પાટીદારોને જો પૈસાદાર ગણવામાં આવતા હોય તો જૈન લોકો શું ગરીબ છે? હકીકતમાં તો પાટીદારો કરતા તો જૈન લોકો ખુબ જ પૈસાદાર હોવા છતાં એમને અનામતનો લાભ આપવામાં આવ્યો છે. અનામતનો લાભ આપવો હોય તો પૈસાની મદદ કરો પરંતુ તે કોઈ પણ રીતે ક્ષમતાના ભોગે નહિ હોવો જોઈએ. છતાં જો એ નાં કરી શકાય તો એક માપદંડ નક્કી કરો કે મેડીકલમાં અનામતનો લાભ લેનારના ઓછામાં ઓછા ૭૫/૮૦ ટકા હોવા જરૂરી છે એજ રીતે બીજી બધી શાખાઓ માટે માપ દંડ નક્કી કરો. એમાંથી જે બેઠકો બચે તે જનરલ કેટેગરીવાળા ઇકોનોમિકલી બેકવર્ડ લોકોને આપવામાં આવે.
  અમેરિકામાં ક્ષમતાના ભોગે કોઈને પણ લાભ આપવામાં નથી આવતો. અનામતનો લાભ લેનારા કેટલાય લોકો કરોડોપતિ છે છતાં અનામતનો લાભ તેમને મળે છે. એ ઉપરાંત આ લોકો મારા ખ્યાલ મુજબ જનરલ કેટેગરીમાં પણ એપ્લાય કરી શકે છે. અનામતની સીસ્ટમ આજ રહેશે કારણ કે વોટ બેન્કનો સવાલ છે. એટલે એમાં પણ ઇકોનોમિકલી બેકવર્ડને જ એનો લાભ મળે અને બચે તે સીટો જનરલ કેટેગરીવાળાઓને આપી દેવાની એવું કરવું જોઈએ.
  જો આવું ને આવું ચાલ્યું તો વર્ગ વિગ્રહ ફાટી નીકળવાનો ભય છે અને મારા હિસાબે તો ૧૫/૨૦ વરસમાં ભારત એક કમ્યુંનીષ્ટ દેશ બની જશે.

  Like

 3. ભાઈશ્રી અરવિંદભાઈ,
  નમસ્કાર. મેં નીચે મુજબની વાત મારા બ્લોગમાં મૂકી છે. વાંધો નથીને?…આપ કૂશળ હશો.
  પાટીદાર સમાજ પાસે જેટલી સંપત્તિ છે તેટલી બીજા કોઈના પાસે નથી. અને બીજી તેમના જેવી આંતરીક એકતા બીજા કોઈ સમાજમાં નથી. આ આંદોલન એટલું બધું આક્રમક અને ઝનૂની બનાવી દેવામાં આવ્યું છે કે જાતિવાદ તો તેની ચરમસીમાએ છે જ પણ સાથેસાથે ફેસબુક અને વોટસ અપ પર OBC અને SC, ST જાતિઓના સ્વમાનને ભારે ઠેસ પહોંચાડતા હોય એવા મેસેજ પણ ખુલેઆમ ફરતા થયા છે. ત્રીસ ત્રીસ હજારના એન્ડ્રોઈડ ફોન રાખનારા ફેસબુક પર પોતાને પછાત ગણાવી અનામત માગી રહ્યા છે. સરકાર કે સુપ્રીમ કોર્ટ તો દૂર એક સામાન્ય બાળક પણ સમજી શકે તેવો આ દુરાગ્રહ છે જે પોતાની આર્થિક શક્તિ અને સામાજીક બહુમતીના દુરઉપયોગ દ્વારા શરૃ થયો છે.
  ******************
  આ પણ મારું નથી. .arvindadalja.wordpress.com
  માંથી તફડાવ્યું છે. એમણે પણ આ લેખ પાટીદાર અનામત આંદોલન : એક સામાજિક પોખરણ પરીક્ષણ –પ્રોજેક્ટર — ડૉ. કૌશિક ચૌધરી, ગુજરાત સમાચાર રવિ પૂર્તિમાંથી જ બ્લોગમાં લીધો છે.
  કૌશિકભાઈ, અરવિંદભાઈ અનેગુજરાત સમાચારનો આભાર.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s