અનામતનો અ, પ પાટીદારનો પ, હ હિંસાનો હ —-ગુડ મોર્નિંગ —- સૌરભ શાહ

 

 

એક મિત્ર તરફથી મળેલ ઈ-મેલ, પ્રવર્તમાન સમયમાં આપ સૌ મિત્રોને વાંચવી ગમશે

 

અનામતનો અ, પ પાટીદારનો પ, હ હિંસાનો હ —-ગુડ મોર્નિંગ —- સૌરભ શાહ

ગુડ મોર્નિંગ – સૌરભ શાહ

(‘મુંબઈ સમાચાર’ : ગુરુવાર, 27 ઑગસ્ટ 2015)

સૌથી સમૃદ્ધ ગણાતી જાતિઓમાં પણ છેક નીચલા સ્તરે એવા કુટુંબો હોવાના જેમના સુધી પોતાની જાતિની સમૃદ્ધિ પહોંચી ન હોય. આવા લોકોની મદદ કરવાની સૌથી પહેલી ફરજ કોની?

પારસી લઘુમતી પ્રજા છે પણ ક્યારેય પારસીઓએ, મુસ્લિમોની જેમ લઘુમતી તરીકેના હક્ક માગ્યા નથી. એટલું જ નહીં આ સમૃદ્ધ કોમમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો છે એમણે પણ ક્યારેય પોતાની ગણના અધર બૅકવર્ડ ક્લાસ યાને કિ ઓબીસીમાં થાય એવી ઝુંબેશ ચલાવીને પોતાને અનામત આપવાની માગણી કરી નથી. શું કામ? કારણ કે પારસી કોમના અગ્રણીઓ પોતાનાથી યથાશક્તિ ફાળો આપીને પારસી પંચાયત અને એ પ્રકારના ટ્રસ્ટો ચલાવે છે જે એમના સમાજના નબળા વર્ગ માટે ઘરો બાંધે છે, જે નબળા વર્ગને આર્થિક ટેકો આપતી યોજનાઓ બનાવે છે.

સમૃદ્ધ ગણાતી પાટીદાર જ્ઞાતિમાં પણ એક એવો વર્ગ છે જ જેમને આર્થિક મદદ જરૂર છે. આ વર્ગની આવી જરૂરિયાતો પૂરી થાય એ માટે પાટીદાર જ્ઞાતિના સુખી વર્ગે જવાબદારી ઉપાડી લેવાની હોય. કચ્છી, લોહાણા, જૈન વગેરે અનેક સમાજો પોતાનામાંના આર્થિક રીતે નબળા વર્ગ માટે સસ્તા ઘરો, સસ્તું અનાજ, મફત શિક્ષણ વગેરેની વ્યવસ્થા કરે જ છે. કોઈ પોતાની જાતિને પછાત ગણાવીને ઓબીસીમાં મૂકવાની માગણી કરતું નથી.

ઉચ્ચ શિક્ષણના કોર્સમાં અમારાવાળા ૯૫ ટકા હોવા છતાં રહી જાય છે અને ઓબીસીવાળા ૫૦ ટકાએ પ્રવેશ મેળવી જાય છે એવા આંકડાઓમાં માત્ર અતિશયોક્તિ જ નહીં, સરાસર જૂઠ છે. કટ ઑફ લાઈનથી ત્રણ કે પાંચ ટકાની રાહત અનામતવાળાઓને મળતી હોય છે. ૯૫ ટકાવાળું કોઈક રહી ગયું હશે તો એ સીટ ૫૦ ટકાવાળાએ નહીં પણ ૯૨ કે ૯૦ ટકાવાળા, અનામતનો લાભ લેનારા વિદ્યાર્થીને મળી હશે. એટલે ઉચ્ચ શિક્ષણમાં અનામતનો લાભ લેનારાઓ સાવ ડોબા કે નકામા હોય છે એવો પ્રચાર સાંભળી/વાંચીને ખોટો લોહી ઉકાળો કરવો નહીં.

ઓબીસીમાં ઑલરેડી ૧૪૭ જાતિઓ છે તો પછી અમને પણ ઉમેરવામાં શું વાંધો છે, ૧૪૮ થશે એવી આર્ગ્યુમૅન્ટ પણ ખોટી છે. આપણે ખૂન કરતાં પકડાઈએ અને ભારતમાં હજુય ૧૪૭ હત્યાના ગુનેગારો

પકડાયા ન હોય તો પોલીસે આપણી પણ ધરપકડ નહીં કરવાની? પહેેલે ઉસ આદમી કા સાઈન લેકે આઓ જેવી લાઈનો સિનેમામાં તાળી પડાવવા માટે ઠીક છે બાકી દુસરોં કે ગુનાહ ગિનાને સે તુમ્હારી ગલતી કમ નહીં હો જાતી.

અનામત પ્રથા હોવી જોઈએ કે નહીં એ આખો મુદ્દો અલગ છે અને આ વાત પૂરી કર્યા પછી એ વિશે પણ ચોક્કસ લખવાનો છું. અનામત પ્રથાનો લાભ લઈને શિક્ષણ ક્ષેત્રે ઍડમિશન લેનારા વિદ્યાર્થીઓએ પણ બિનઅનામતવાળા વિદ્યાર્થીઓ જેટલી જ મહેનત કરીને ભણવું પડે છે, કારણ કે પરીક્ષામાં આ તમામ વિદ્યાર્થીઓએ એકસરખી કસોટીમાંથી પાર ઉતરવું પડે છે અને રિઝલ્ટ આપતી વખતે કોઈ જોતું નથી કે તમે અનામતવાળા છો કે અનામત વગરના.

આ રીતે ડૉક્ટર – એન્જિનિયર વગેરે થયા પછી સરકારી-અર્ધસરકારી નોકરીઓમાં પણ અનામતનો લાભ મળે તે ખોટું છે. અનામતનો લાભ લઈને ઍડમિશન મળ્યા પછી, ભણી લીધા પછી, ફરી એકવાર અનામતનો લાભ લેવો તદ્દન ગેરવાજબી છે. અનામતનો લાભ એકવાર લઈ લીધા પછી નેક્સ્ટ જનરેશનને પણ એવો જ લાભ મળે તે પણ ગેરવાજબી છે. પણ અનામતપ્રથા વિશે પછી ચર્ચા કરીશું.

જે લોકો અત્યારે પોતાને અનામતનો લાભ મળે એ માટે ઓબીસીમાં ગણાવવાની માગણી કરે છે એ કંઈ બધા જ પટેલો કે પાટીદારો નથી. હાર્દિક પટેલને ચઢજા બેટા સૂલી પર કહીને આગળ કરનારા પાટીદારોના આ એક નાનકડા વર્ગ માટે અનામત આંદોલન તો એક બહાનું છે. તેઓની પાસે નથી કોઈ ભાવિ યોજના, નથી કોઈ સ્પષ્ટતા ક્યાંથી હોય? એમનો ટાર્ગેટ ભાજપ છે, ભાજપની ગુજરાત સરકાર છે અને અલ્ટિમેટ ટાર્ગેટ કેન્દ્રની મોદી સરકાર છે. હાર્દિક પટેલ અરવિંદ કેજરીવાલનો ‘આપ’નો કટ્ટર સમર્થક છે તે તમે સોશ્યલ મીડિયા સાથે સંકળાયેલા હશો તો એના ૨૦૧૪ના ઈલેક્શન વખતના ટ્વિટર અકાઉન્ટના ટ્વિટ્સ પરથી જાણી શકશો. હાર્દિક મોદીનો જબરજસ્ત વિરોધી છે એ પણ તમને એના પરથી ખબર પડશે. હાલાંકિ હાર્દિક-કેજરીવાલની સોશ્યલ મીડિયામાં ફરતી તસવીરો ફોટોશૉપની કમાલ છે. હાર્દિક આણી મંડળીની ભાષા, સ્ટ્રેટેજિ બોડી લૅન્ગવેજ અને ટોપી પર લખાણ લખીને આંદોલન કરવાની રીત આ બધું જ એ વાતનો પુરાવો છે કે આ માણસ કેજરીવાલનું માનસ સંતાન છે.

જ્યાં કોઈ જ ઈશ્યૂ ન હોય ત્યાં મોટો બખેડો ઊભો કરવો એ ‘આપ’નું (અને હવે હાર્દિક પટેલ તથા એની મંડળીનું) સૌથી મોટું લક્ષણ. બેફામ આક્ષેપો કરવા, જુઠ્ઠા આંકડાઓ આપવા, અઘટિત માગણીઓ કરવી અને અપમાનજનક ભાષામાં વાત કરવી – આ બધાં જ એ લોકોનાં લક્ષણો. ટોળાં ભેગાં કરવા એ કોઈ મોટી સિદ્ધિ નથી. મદારી પણ રસ્તામાં ડુગડુગી વગાડીને પાંચ મિનિટમાં દોઢસો લોકો ભેગા કરી શકે. ‘આપે’ દિલ્હીમાં રામલીલા મેદાનમાં, જંતરમંતર પર કેટકેટલી મોટી સભાઓ કરી. અચ્છી અચ્છી સેલિબ્રિટિીઓ પણ ભોળવાઈને સપોર્ટ કરવા પહોંચી ગઈ. ‘આપ’ અને કેજરીવાલ જેમ મીડિયાનું સર્જન હતા એ જ રીતે હાર્દિક અને ગુજરાતનું નુકસાન કરવા માટે શરૂ થયેલું આંદોલન પણ મીડિયાની નીપજ છે.

એક વાત લઈને આજનું પૂરુ કરું. ગુજરાતમાં મંગળવારની રાતથી તોફાનો શરૂ થયાં એનું કારણ શું? ગુજરાતમાં મુખ્ય મંત્રીએ ટીવી સંદેશમાં કહ્યું કે મંગળવાર, ૨૫મી ઑગસ્ટની રાત્રે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર કંઈક એવી ઘટના બની જેને કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ લખાય છે ત્યાં સુધી સરકાર તરફથી આ વિશે કોઈ ખુલાસો થયો નથી.

આઠ વાગ્યે આ બન્યું હતું. હાર્દિકના કોઈ સાથીદારની તબિયત અસ્વસ્થ થતાં યુનિફૉર્મ્ડ પુલિસમૅન મદદ કરવા સ્ટેજ પર ચડ્યો. આ જોઈને એક ટીવી ચૅનલની ઓ.બી. વાન મંચ તરફ ધસી. આઉટડોર બ્રોડકાસ્ટિંગ વાનના ડ્રાઈવરના બેફામ અને બેજવાબદાર ડ્રાયવિંગે સી.આર.પી.એફ.ના એક જવાનને અડફેટે લીધો. આ જોઈને પોલીસો ઉશ્કેરાયા. એ ટીવી ચૅનલની ટીમ સાથે બોલાચાલી થઈ. આ તરફ હાર્દિકે માઈક પરથી પોલીસોને ગાળાગાળ આપવાનું શરૂ કરીને ત્યાં હાજર રહેલા પોતાના બે-એક હજાર સમર્થકોને ઉશ્કેર્યા જેમણે તોફાન શરૂ કરી દીધું. પોલીસે મામલો હાથમાંથી છટકી ન જાય એટલે ટોળાંને વિખેરવાનું શરૂ કર્યું અને હાર્દિકને આ બધામાં કોઈ ધોલધપાટ ન કરી જાય એ માટે પોલીસવાનમાં બેસાડી શાહીબાગના પોલીસ મુખ્યાલયે લઈ જવામાં આવ્યો. આમેય સાંજના છ વાગ્યા પછી ગ્રાઉન્ડ પર રહેવાની પરવાનગી નહોતી એટલે ધરણા (કે ઉપવાસ) ગેરકાયદે જ હતાં. જે ટીવી ચૅનલની હટફટે પોલીસવાળો આવી ગયો તેની ટીમે માફી માગવાને બદલે બાંયો ચડાવી અને ચૅનલે પોલીસનો આતંક, પોલીસનો જુલમ, પોલીસની રાક્ષસી તાકાત વગેરે ઉશ્કેરણીજનક શબ્દપ્રયોગો આપીને એવું ચિત્ર ઊભું કર્યું કે જાણે જીએમડીસી ગ્રાઉન્ડમાં જલિયાંવાલા બાગકાંડ સર્જાયો હોય. ઈન્ફેક્ટ, એક તબક્કે જનરલ ડાયરના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. પોલીસે ત્યાંની તમામ ગાડીઓના કાચ લાઠી વડે તોડી નાખ્યા એવા બેફામ આક્ષેપો થયા. જેના જવાબમાં વસ્ત્રાપુરના જેસીપી રાજીવ રંજન ભગતે એ જ ચૅનલને ઈન્ટરવ્યૂ આપતાં જ્યારે કહ્યું કે કોઈની પાસે એ કૃત્યનું ફૂટેજ હોય તો અમને મોકલજો, અમે જરૂર કાર્યવાહી કરીશું, ત્યારે ચૅનલે ડિકલેર કર્યું કે પોલીસવાળાઓએ અમારા કૅમેરામાંથી ચિપ કાઢીને ડિસ્ટ્રોય કરી નાખી છે! જોકે, આ જ ચૅનલ મોબાઈલ ફોનથી લીધેલા બીજા હિંસક દૃશ્યોના વીડિયો દેખાડતી જ હતી. અન્ય તમામ ઈલેક્ટ્રોનિક મીડિયા આ ઘટના વિશે તટસ્થતાપૂર્વકના અહેવાલો પ્રસારિત કરતા હતા ત્યારે આ જ ચૅનલ ભારે ઉશ્કેરણીજનક ભાષા અને શૈલીમાં પોલીસની પાછળ મંડી પડી હતી. જેમ જેમ આ ઉશ્કેરણીજનક સમાચાર ફેલાતા ગયા તેમ તેમ હિંસાના બનાવો વધતા ગયા અને આમેય હાર્દિક પટેલે ગાંધી ચીંધ્યા માર્ગે કામ નહીં થાય તો ‘ગમે તે ભોગે’ અનામત લઈને જ રહીશું એવી ધમકી ઉચ્ચારી જ હતી જેનું અક્ષરશ: પાલન કરવા અનુયાયીઓ તૈયાર જ હતા.

બુધવારે સવારે આ ચૅનલને કહેવામાં આવ્યા પછી ચૅનલે વારંવાર ‘શાંતિ રાખો, શાંતિ રાખો’ના સંદેશાઓ અને ‘અમે હિંસા નહીં દેખાડીએ’ એવી સૂચનાઓ ટેલિકાસ્ટ કરવી પડી.

ગુજરાતમાં થયેલી હિંસા કમનસીબ છે, જે ઈઝીલી ટાળી શકાઈ હોત.

વધુ કાલે.

આજનો વિચાર

આટલા (પોણા બે લાખ) પટેલો ભેગા થઈને ખાલી બૉર્ડર પર આંટો મારી આવે તો કેવું? પટેલો ઘરે પાછા આવે એ પહેલાં જ કાશ્મીરનો મામલો પતી જાય.

– સત્યમ્ જોષી

એક મિનિટ!

હાર્દિક પટેલ: અમે ગમે તેમ કરીને રિઝર્વેશન લઈને જ રહીશું.

આલિયા ભટ્ટ: ભૈ, રિઝર્વેશન ના મળે તો તત્કાલ લઈ લેજો.

 

Top of Form

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s