તમારો ધર્મ તમને ખુવાર કરી શકે અને તારી પણ શકે.ચોઇસ ઈઝ યૉર્સ–સૌરભ શાહ

)

તમારો ધર્મ તમને ખુવાર કરી શકે અને તારી પણ શકે.ચોઇસ ઈઝ યૉર્સ–સૌરભ શાહ

તમારો ધર્મ તમને ખુવાર કરી શકે અને તારી પણ શકે. ચોઈસ ઈઝ યૉર્સ
-સૌરભ શાહ

ધાર્મિક ગણાઈને સમાજમાં માનપાન મેળવવા માટે, આપણે શું શું નથી કરતા. ખોટા-ઢોંગી ધર્મગુરુઓને પોષવાથી લઈને ધર્મની આડશ હેઠળ આપણે પોતે પણ એવાં એવાં કામ કરતાં થઈ જઈએ છીએ, જેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી હોતી.

આ પીસ લખાય છે એ દિવસે સવારે નાગપુર સેન્ટ્રલ જેલમાં યાકુબ મેમણને ફાંસી થઈ ચૂકી છે. ગઈકાલે રાત્રે એટલે કે ગયા બુધવારે રાત્રે અનુરાગ કશ્યપની 1993ના બૉમ્બે બૉમ્બ બ્લાસ્ટ વિશેની ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’ ફરી એક વાર જોઈ અને એ ફિલ્મ જેના પરથી બની તે પુસ્તક પણ ઉપરઉપરથી વાંચ્યું. એસ. હુસૈન ઝૈદી નામના જાણીતા ક્રાઈમ રિપોર્ટરે 2002ની સાલમાં ‘બ્લેક ફ્રાઈડે’ પુસ્તક લખ્યું છે જે પેન્ગવિન જેવી પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાએ પ્રગટ કર્યું છે.

ફિલ્મ અને પુસ્તક જોઈને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યાકુબ મેમણની ફાંસીના સમાચાર સાંભળીને, સૌથી પહેલાં મગજમાં જે વાત શાર્પલી ઘૂસી જાય છે તે આ છે : જીવનમાં ધર્મનું મહત્ત્વ કેટલું? ધર્મ ખાતર જીવન ખુવાર કરી નાખવાનું હોય? હું માત્ર ઈસ્લામની વાત નથી કરતો હિંદુ સહિતના કોઈપણ ધર્મની વાત કરું છું. ધર્મ પાછળ ફના થઈ જવામાં વળી કઈ બહાદુરી છે? તમે જે કોઈ ઈશ્વરમાં માનતા હો, શું એ ઈશ્વર તમારી આવી કુરબાનીથી, તમારા આવા બલિદાનથી કે સેક્રિફાઈસથી ખુશ થવાનો છે?

યાકુબના મોટાભાઈ ટાઈગર મેમણે બાબરી તૂટવાનો બદલો લેવા આ કૃત્ય કર્યું એવું બુકમાં અને ફિલ્મમાં કહેવાયું છે. દાઉદ ઈબ્રાહિમે પણ હિંદુઓને પાઠ ભણાવવા ટાઈગરને આ કામ કરવા તૈયાર કર્યો એવા ઉલ્લેખો છે. આપણે માની લઈએ. અને શંકા પણ ઊભી કરીએ કે માત્ર આ જ એક હેતુ નહીં હોય, ચિક્કાર પૈસા કમાવવાનો અને ભવિષ્યમાં દુબઈ, શારજાહ કે એવી કોઈ જગ્યાએ સેટલ થઈને લકઝુરિયસ લાઈફસ્ટાઈલ મેળવવાનો પણ હેતુ હોઈ શકે છે. અત્યારે જે ફિલ્મ દેખાડવામાં આવ્યું છે અને બુકમાં જે લખવામાં આવ્યું છે તેના પર જ લક્ષ્ય રાખીએ, શંકાને બાજુએ મૂકી દઈએ.

બાબરી તૂટવાને લીધે આ કૃત્ય કરવામાં આવ્યું એ આપણે માની લઈએ તો સવાલ એ થાય કે બાબરી તૂટી શું કામ? કારણ કે એક જમાનામાં ત્યાં રામ મંદિર હતું અને એ તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. 12 માર્ચના બૉમ્બ બ્લાસ્ટમાં 257 લોકો માર્યા ગયા એનો બદલો લેવા માટે શું કોઈ હિંદુ ડૉને ભારતની વિખ્યાત મસ્જિદને તોડીને એના પર હિંદુ મંદિર બનાવવાનું ષડયંત્ર રચ્યું હોત તો તે વાજબી કહેવાત? અફકોર્સ, નહીં.

અહીં મારે ભારતના 60 વર્ષના કોંગ્રેસી રાજકારણે સ્યુડો સેક્યુલરિઝમ વડે કઈ રીતે મુસ્લિમોની આળપંપાળ કરી છે એની વાત નથી કરવી. એ આખો મુદ્દો જુદો છે. મારે ધર્મના ઝનૂનની વાત કરવી છે અને ઈશ્વર માટેની આસ્થાની પણ વાત કરવી છે.

ભગવાનમાં શ્રદ્ધા રાખવી મોટાભાગના લોકોને ગમે છે. આપણા કરતાં, આપણી શક્તિ કરતાં કોઈ વધુ શક્તિશાળી તાકાત આ દુનિયામાં છે જેને આપણે ભગવાનના નામે ઓળખીએ છીએ. જીવનમાં કશુંક અણગમતું થાય ત્યારે આ શ્રદ્ધાને કારણે આશ્વાસન મળી જતું હોય છે : જેણે બગાડ્યું છે તે જ સુધારશે.

આવી નિર્દોષ શ્રદ્ધા ધરાવતા લોકોને તમે ધાર્મિક કહો ત્યાં સુધી વાંધો નથી. પણ આ શ્રદ્ધા એ હદ સુધી આગળ વધી જાય જ્યારે તમારા પોતાના (અને ક્યારેક બીજાઓના પણ) જીવનમાં ગરબડ થવા માંડે ત્યારે એ શ્રદ્ધાને ફરીથી તપાસવી પડે. ધર્મના નામે, ધાર્મિક ગણાઈને, સમાજમાં માનપાન મેળવવા માટે, આપણે શું શું નથી કરતા. ખોટા-ઢોંગી ધર્મગુરુઓને પોષવાથી લઈને ધર્મની આડશ હેઠળ આપણે પોતે પણ એવાં એવાં કામ કરતાં થઈ જઈએ છીએ જેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી હોતી. આ બધામાં બદનામ ધર્મ થાય છે. વગર વાંકે ધર્મ કૂટાઈ જાય છે.

ધર્મમાં (એટલે કે કોઈ પણ ધર્મમાં) પ્રવેશી ગયેલી રાજકારણ, સમાજકારણ કે પૈસાકારણ જેવી તમામ અશુદ્ધિઓને બાદ કરી નાખીએ પછી ધર્મમાં શું બચે છે? શુદ્ધ શ્રદ્ધા અને જીવન જીવવાની સમજ, જેને આપણે તત્ત્વજ્ઞાન કે ફિલસૂફીનું નામ આપીએ છીએ.

રાજકારણ, સમાજ કે ધન (ઈવન ક્રાઈમ) વગેરેને ધર્મમાંથી દૂર કરી નાખ્યા પછી જે બચે છે તેની સાથે જ વ્યક્તિને નિસબત છે. મારે ધાર્મિક હોવું કે અધાર્મિક (નાસ્તિક) હોવું એનો આધાર મારા એકલાના પર છે. બીજાઓ આગળ મારી ધાર્મિકતાનો દેખાડો કરવા ન તો હું ટીલાંટપકાં કરીને મંદિરે જઈશ અને ન તો બીજાઓ આગળ મારી બૌદ્ધિકતાને સાબિત કરવા હું મારી જાતને નાસ્તિક ગણાવીને ધર્મમાં આસ્થા ધરાવનારાઓને મૂરખ ગણાવી એમને ગાળાગાળ કરીશ.
ધર્મ બહુ જ પર્સનલ વસ્તુ છે. સેક્સ કે કુદરતી હાજત જેટલી જ પર્સનલ. મારે મારા ભગવાન સાથે વાત કરવી હોય તો મંદિરમાં જઈને ભજનો નથી ગાવાના કે દરગાહ પર જઈને કવ્વાલી પણ નથી ગાવાની. મારો ધર્મ સાચવવા મારે ટીલાંટપકાં કરવાની જરૂર નથી અને વાટકા ટોપીનું પ્રદર્શન કરવાની પણ જરૂર નથી. ધાર્મિક પુસ્તકમાં લખેલી તમામે તમામ વાતનો મારે સ્વીકાર કરવો જરૂરી નથી. જે વાતો મને ગળે ન ઉતરતી હોય (કે મારી ઓછી સમજને કારણે મારા ભેજામાં ન પ્રવેશતી હોય) એવી વાતોને હું યથાતથ ન સ્વીકારું તો હું કંઈ ઓછો ધાર્મિક થઈ જતો નથી.

મારા જીવનમાં મને આગળ વધવા માટે પ્રેરણા આપે અને મારા માર્ગમાં આવતી અડચણોને સ્વીકારીને એને સહન કરી લેવાની સમજ આપે, શક્તિ આપે એવી જે વાતો ધર્મગ્રંથોમાં મને વાંચવા મળે છે તેને જ હું સ્વીકારીશ. આટલી સ્પષ્ટતાથી જો જીવીએ તો જિંદગી ઘણી આસાન બની જાય. ભગવાનના પણ તમે લાડકા બની જાઓ. ધર્મને નામે થતા દેખાડા અને ઊંધા ધંધાથી તમે દૂર રહી શકો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની બૌદ્ધિક લાયકાત પછી પણ બૉમ્બ બ્લાસ્ટ જેવા કાંડમાં સંડોવાવાથી આઘા રહી શકો. વ્યવહારની જિંદગી શરૂ થતી હોય ત્યારે જ, યુવાનીમાં જ આટલી વાત સમજાઈ જાય તો પાછલી જિંદગીમાં ધર્મના નામે ચાલતા ધતિંગોમાં વર્ષો વેડફાઈ ન જાય.

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in

Advertisements

One comment

  1. ધર્મ સદા તારે જ છે. અથવા કહો કે જે તારે તે ધર્મ છે. પરંતુ જ્યારે ધર્મ તમારો કે મારો એમ વિભાજીત થાય ત્યારે સમજવું કે એ અધર્મ છે અને તે ડુબાડે જ છે. સુર્ય સદા પ્રકાશ આપે પરંતુ મારો કે તમારો સુર્ય કહો તે સુર્ય ન હોય સુર્યની ભ્રમણા હોઈ શકે. બસ ધર્મનુ પણ એવું જ છે. જ્યાં મારો -તમારો આવે તે કેવળ ધર્મની ભ્રમણા જ હોય છે.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s