લાભ-ગેરલાભ-ગણતરી – શાપ કે વરદાન ?—- અન્તર્યાત્રા ડો.સર્વેશ પ્ર. વોરા
અધ્યાત્મ જેટલાં જબરદસ્ત ઊંડાણ કે ઊંચાઈને સ્પર્શી શકાય કે નહીં, પણ મનના સામાન્ય ઊંડાણને તાગવાની ટેવ પડે તો પણ જીવન અંગે, પડકારો અંગે, માનવ સંબંધો અંગે ઘણી બધી સ્પષ્ટતા મળે. ગ્રન્થો, ભાષણો, કથાપારાયણો કે મનોરંજક ”સૂડો-આધ્યાત્મિક પ્રવચનો”માંનાં શબ્દ-ચબરાકિયાના છીછરા વિધાનો કંઠસ્થ કરીને માણસ ઉધારી, ખોખલું, બનાવટી વિચારજગત રચે છે, જે વિચાર જગતમાંથી એક પણ ઈંટ એની પોતાની હોતી નથી.
ભગવાન બુદ્ધે ગજબની વાત કહેલી ઃ ”કોનું પણ વિધાન, અરે, મારું પંડનું પણ વિધાન આંધળૂકિયાં કરીને સ્વીકારશો તો એનું પાચન નહીં થાય. તમારે એ વિધાનને તમારી પોતાની જિન્દગી, તમારા પોતાના મંથનને સરાણે ચઢાવવું જ જોઈએ. તે વિના ઉછીના લીધેલા નિરીક્ષણો તમારા માટે સાવ નિરર્થક છે.” દાખલા તરીકે, ”અહમનો નાશ કરવો” (જીવતું પ્રાણી અહમનો નાશ કોઈ કાળે, કોઈ હિસાબે ન કરી શકે) તમે સારા તો દુનિયા સારી – (એવું હરગીઝ ન બને કારણ કે દરેક વ્યક્તિ સાથેના ઋણાનુબંધ જુદા જુદા હોય. અનેક સંબંધોમાં માત્ર ભોગ આપવાનું જ નશીબે લખાયું હોય અને વળતરમાં નફરત, ઉપેક્ષા અને ગેરસમજૂતી હોય, બોનસમાં અપમાન પ્રાપ્ત થાય)
”અનાસકિત રાખવી” (અનાસક્તિ રાખવા કે પાળવાની જણસ નથી. શારીરિક આદત જેમ ”પ્રેક્ટિસ” કરીને અનાસક્તિ ”કેળવાય” નહીં, અનાસક્તિ તો પુષ્પની સુગંધ જેમ પ્રગટે) આવાં તો અનેક વાક્યો લોકો ”બાબા વાક્યમ્ પ્રમાણમ્” કહીને ગોખી નાખતા હોય અને પછી જ્યારે જિન્દગીનાં કુરુક્ષેત્રમાં ગોખેલાં વાક્યો, જે ચોટડૂક વિધાનો પર સભાગૃહમાં વારી જઈને તાળીઓ પાડેલી એ વિધાનો દમ વગરનાં પૂરવાર થાય ત્યારે જાતકની કેવી દશા થાય ખબર છે ? તમે ખૂબ દોડીને ખુરશી પર બેસવા જાવ, ને ખુરશી કોઈ ખેંચી લે, તમે ગબડી પડો ત્યારે કેવી ભોંઠપ અનુભવો છો ?
વારંવાર વપરાતાં કેટલાંક સૂફિયાણાં વાક્યોએ સમાજ અને વ્યક્તિને સ્વચ્છ બનાવવાને બદલે દંભી, સગવડિયો, આત્મવંચક બનાવી દીધો છે. આલિયા-માલિયા બધા ”નિઃસ્વાર્થ” સેવાની વાતો કરતા હોય ! ”લાભની અપેક્ષા, લાભની ગણતરી વિના કામ કરવામાં અમે માનીએ છીએ.” આવાં વાક્યોથી વધુ દંભી જૂઠાણું ક્યાંય નહીં હોય. એક મનોવૈજ્ઞાાનિક સત્ય કદી ભૂલાવું ન જોઈએ કે સ્વાર્થ અને લાભની ગણતરી જ જીન્દગીને ગતિ આપનારી તાકાત છે. માત્ર મડદાંને સ્વાર્થ અને લાભની ગણતરી ના હોય. સ્વાર્થ અને લાભની ગણતરી જ ઊંચી કક્ષાના જીવોને પરમાર્થ તરફ દોરી જાય. જેમ માણસને મગજ, હૃદય, લીવર, ફેફસાં મળેલાં છે એ જ રીતે લાભની ગણતરી મળેલી છે. મહત્ત્વનો મુદ્દો લાભની તમારી ગણતરીની સરહદ ક્યાં પૂરી થાય છે તે છે. તમારી લાભની ગણતરીના ગુણાકારમાં તમારી નજર ક્યાં સુધી પહોંચે છે. તેના પર તમારાં ઉત્થાન કે પતનનો આધાર છે. વાંધો અહંકાર સામે ન હોવો જોઈએ, વાંધો અહંકારને કુંવારો રાખવા સામે હોવો જોઈએ. તમે અહંકારને ઈશ્વરની સાથે જોડો એટલે એ જ અહંકાર તમારાં વ્યક્તિને પાવન બનાવી દે.આ વિશ્વની જંજાળમાંથી મુક્ત થવાની માનસિક અવસ્થાને ”મોક્ષ” કહ્યો છે. ”મોક્ષ” પણ આખરે તો એક ”લાભ” કે ”ફાયદો” જ છે ને ? ઉપનિષદ તો કહે છે કે જેને તમે સૌથી ગાઢ લાગણીના કે પ્રેમના સંબંધ માનો છો એ સંબંધમાં પણ છેવટે તો ”સ્વકીય લાભ” જ કેન્દ્રમાં હોય છે. માણસનાં શરીરમાં રહેલા જીવની માફક ફાયદો કે લાભની ગણતરી સહજ, સ્વાભાવિક છે. તેમાં કોઈ કાળે કશું સારૃં કે નરસું નથી. માણસ એ ગણતરીનો વ્યાપ વધારતાં નજરને ઊંડી અને વિશાળ કરે એ જ મહત્વની વાત છે.