અર્જુનનો વિષાદ યોગ મને ‘લાઈક’ કેમ નથી મળતી? -ભવેન કચ્છી હોરાઈઝન ગુજરાત સમાચાર ની રવિપૂર્તિમાં

                   અર્જુનનો વિષાદ યોગ મને ‘લાઈક’ કેમ નથી મળતી?    -ભવેન કચ્છી  હોરાઈઝન  ગુજરાત સમાચાર ની રવિપૂર્તિમાં

 

 

અર્જુનનો વિષાદ યોગ મને લાઈક કેમ નથી મળતી? ] ઃ પાર્થ, તારું કર્મ પોસ્ટકરતા રહેવાનું છે.

લાઈકના ફળની અપેક્ષા ના રાખ કાલે ટેલિગ્રામનો જમાનો હતો આજે વોટ્સએપ છે… આવતીકાલે બીજુ જ કંઈક આવશે. પરિવર્તન એ જ સંસારનો નિયમ છે.
અર્જુનને સોશ્યલ-નેટવર્કમાં પૂરતી ‘લાઈક’ નહીં મળતી હોઈ તેનો ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી સાંત્વના મેળવતા જે સંવાદ સર્જાય છે તે કળિયુગની ૨૧મી સદીનાં વિષાદ યોગનું પ્રકરણ કહી શકાય. અર્જુન ઃ ભગવાન, મેં મહાભારતના યુધ્ધમાં કૌરવની સેનાના મહાયોદ્ધાને એકાદ કલાક પહેલાં આબાદ રીતે નિશાન બનાવી રગદોળી નાખ્યો હતો. યુધ્ધ ગાથાઓમાં ટોપ ટેનમાં સ્થાન પામે તેવી આ ફાઈટ હતી. મેં તેનો ફોટો ફેસબુક પર તરત જ મુકી દીધો હતો. આટલુ મોટુ પરાક્રમ છતાં મને ગણીને પાંચેક ‘લાઈક’ માંડ મળી છે. હું ભારે વિષાદ અનુભવું છું.
ભગવાન શ્રીકૃષ્ણ ઃ મિત્ર પાર્થ, તું પોસ્ટ પર લાગી ગયેલા તારા ફોટા અને કોમેન્ટને કેટલો પ્રતિસાદ મળે છે તેની ચિંતા ના કર. તું અગાઉના પોસ્ટ કરેલા મેસેજ, અત્યારે મોકલેલા મેસેજ કે ભવિષ્યના મેસેજની ચિંતા ના કર. ‘લાઈક’ મળે કે ના મળે તે તારો વિષય નથી. તારું કર્તવ્ય ‘મેસેજ’ મોકલતા રહેવાનું છે. પછી તે ‘વોટ્સએપ’ હોય કે ‘ફેસબુક’. તેં અત્યારે મેસેજ મોકલ્યો છે અને તારુ કર્મ કર્યું છે તે બદલ જ પ્રસન્નતા અનુભવ.

અર્જુન ઃ ભગવાન તમે કહો છો એટલું સહેલું નથી. હવે દુર્યોધનનો વધ કરીશ તો તેનો પણ ‘રેર’ ફોટો હવે ‘શેર’ નહીં કરૃ તેવી ગ્લાની અનુભવું છું.

ભગવાન કૃષ્ણ ઃ હમ્મ્મ્… તો તું એમ માને છે કે આ બધુ પરાક્રમ તું કરે છે? શું તું જ ફોટા કે તેનું વર્ણન કરતી કોમેન્ટ નહીં મોકલે એટલે પૃથ્વીવાળાઓને તેની ઝાંખી નહીં થાય તેમ તું માને છે? મિત્ર, એ ના ભૂલતો કે તું નહતો ત્યારે પણ આ મેસેજ ફોટાઓ મળતા રહેતા હતા. તું હવે પછી જ્યારે નહીં હોય ત્યારે પણ આ મેસેજનો અવિરત પ્રવાહ ચાલુ જ રહેેશે. ઃ

 

અર્જુન  સરખુ જ્ઞાાન આપો ભગવાન હું કંઈ સમજ્યો નહીં…

ભગવાન શ્રીકૃષ્ણ ઃ સીધી વાત છે. જે મેસેજ આજે તારો છે તે ગઈકાલે બીજાનો હતો અને આવતીકાલે ફરી બીજા કોઈનો થઈને વાતાવરણમાં ફરતો રહેશે. તારામાં એવો અહંકાર ક્યારેય ના આવવો જોઈએ કે આ ‘મેસેજ’ મારો પોતાનો છે. તારા તમામ દુઃખોનું કારણ આ મમત્વ અને આસક્તિ જ છે.

અર્જુન ઃ પણ ભગવાન, આપણી સેનામાંથી ‘લાઈક’ ના મળે તો સમજ્યો… પણ, તમને કહેવામાં વાંધો નહીં. કહું? મારા ચાર ભાઈઓ પૈકી ભીમને બાદ કરતા કોઈએ મારા ઐતિહાસિક પરાક્રમ બદલ ‘લાઈક’ નથી કરી. તમે જ કહો કેવી પીડા થાય?

ભગવાન શ્રીકૃષ્ણ ઃ સ્થિતપ્રભ બની જા પાર્થ… સ્થિતપ્રભ. સુખ અને દુઃખમાં સમાન સ્થિતિ ધારણ કરી લે. જગત ભ્રમ છે અને બ્રહ્મ સત્ય છે તે તને કેટલી વખત સમજાવવું. તારા ભાઈ, બહેન, સખા, દુન્યવી સંબંધીઓ, તું જેને માને છે તે મિત્રો-દુશ્મનો બધા જ સંબંધો મારા જ રચેલા છે. તેનાથી હરખશોક ના કર. અરે. આ યુધ્ધ પણ મારા થકી જ ખાસ ધ્યેય પ્રાપ્તિ માટે નિર્માણ પામ્યું છે. નકારાત્મક માનસનું ઘડતર તારી એષણાઓથી ના કર. તને મળતી ‘લાઈક’ના આધારે તારા મિત્રોની સંખ્યાને ના મૂલવીશ. મારા કેટલા મિત્ર છે? એક માત્ર સુદામા. પણ જ્યાં સુધી માનવ અસ્તિત્વ રહેશે ત્યાં સુધી અમારી મિત્રતા અમર રહેશે. તને ખબર છે પાર્થ, હું જ્યારે ફેસબુક કે વ્હોટ્સએપ પર કંઈક મુકુ છું ત્યારે હજારો ‘લાઈક’ મળે છે પણ સુદામાની કે રાધા, મીરાંની ‘લાઈક’ નથી હોતી, છતાં પણ મારે મન તો તેઓ જ ખરા મિત્રો…

અર્જુન ઃ ભગવાન તમે તો ભાવુક બની ગયા. હું જે વાત કરું છું તે બિરદાવવાના સંદર્ભમાં છે. તમને ખબર છે? ચાલુ યુધ્ધે હું ‘લાઈક’માં વધારો થયો કે નહીં તે જોવા માટે વિચલીત થાઉં છું. અડધો કલાકમાં આંગળીના વેેઢે ગણાય તેટલી જ ‘લાઈક’ અને ‘રીટ્વીટ’ મળે છે. ભગવાન હું  પોસ્ટ કરીને અડધી રાત્રે ઊઠીને ‘લાઈક’નો સ્કોરકાર્ડ બેબાકળો બનીને જોતો હોઉં છું. તમે માનો છો એટલું આ સહેલું નથી.

ભગવાન શ્રીકૃષ્ણ ઃ (તેમની આગવી અદાથી સ્મિત કરતા) પાર્થ, હવે મને લાગે છે કે મારે તને સંસારના વ્યવહાર અને કુટનીતિની રીતે સમજાવવું પડશે. પાર્થ, તું કેટલા મિત્રોની પોસ્ટને ‘લાઈક’ કરે છે? ચાલ બીજી રીતે કહું… તને ખબર છે ભીમને તારા કરતાં કેટલાયે ફોલોઅર, ફ્રેન્ડ્સ અને ‘લાઈક’ છે… અરે કર્ણનું પણ મોટું ‘ફેન ફોલોઈંગ’ છે. તું લોકસંપર્ક, ‘જો દીખતા હૈ વો બિકતા હૈ’ કે પછી તારા મિત્ર હોવું તે બહુ મોટી ઉપલબ્ધી છે. તેવી ‘ગુરૃતા’ ઈમેજ ઉભી નથી કરી શક્યો. હું આ બધા ફંડા જાણું છું. પણ તને તે શીખવાડું અને ઢગલાબંધ લાઇફ મળતી જાય તો તમે અભિમાન આવી જાય, તારું લક્ષ્ય જ આ રીતે કેમ છવાયેલા રહેવું તે બની જાય, તું અનંત બ્રહ્માંડનો મહાનાયક છે. ખાબોચિયામાં છબછબિયાના અહેસાસને તું મહાસાગર માનવા મંડે તેમ હું નથી ઈચ્છતો. તને નામ નહીં જણાવું પણ મારા એક મિત્રના એકાઉન્ટમાં બે વર્ષ પહેલાં ‘લાઈક’નો ધોધ ખડકાતો પણ હવે ૧૫-૨૫ ‘લાઈક’ના દિવસો આવ્યા છે. તો ગયા વર્ષે જેને ૧૫-૨૫ ‘લાઈક’ મળતી હતી તેને સેંકડો ‘લાઈક’ પલકારામાં જ મળી જાય છે. માટે જ કહું છું કે આ બધા આંકડાની માયાજાળમાં પડયા વગર ખુશી કે ગમની વેળાને સમાન ગણીને નિષ્કામ ભાવે ‘પોસ્ટ’ કે ‘મેસેજ’ મુકતો જા.

અર્જુન ઃ ભગવાન એક પ્રશ્ન પુછું? તમે સ્થિતપ્રભ બનીને ‘પોસ્ટ’ કરતા રહેવાનો ઉપદેશ આપો છો પણ મને એમ કેમ આદેશ નથી આપતા કે આ નેટ, સ્માર્ટફોન અને ટુ-જી, થ્રી-જીની બબાલ બંધ કરી દે…

ભગવાન શ્રીકૃષ્ણ ઃ (જોરથી હસી પડતા) હવે તું જ્ઞાાન મેળવવાની નજીક આવ્યો. જો સખા, આ બધી મારી જ લીલા છે. પરિવર્તન જ સંસાર છે. પહેલાં પથ્થર પર લખાતું, તે પછી પર્ણ આવ્યા, છાપકામ ધમધમતા થયા, ગણકયંત્રોએ પ્રવેશ કર્યો. તાર, ટપાલ, ટાઈપરાઈટર, પેજર, સંગીતના ઉપકરણો, સંદેશા વ્યવહાર અને માહિતીની આપ-લેની અવિરત દુનિયામાં એક પછી એક નવા વસ્ત્રો ધારણ થતા જ જાય છે ને? એક સમય એવો પણ આવશે કે આ પધ્ધતિ પણ ચાલી જશે. તમે જ તેને સ્થગિત કરીને કંઈક નવું અપનાવશો અથવા તો કાળક્રમે અગાઉની પધ્ધતિ ભલે ધીમી ગતિએ પણ વધુ જીવંત અને લાગણીના સ્પર્શ ધરાવતી હતી તેમ જ્ઞાાન મેળવીને પરત રીવર્સમાં પણ આવી શકો. પણ અત્યારે તો તારે અને સમગ્ર પૃથ્વીવાળાઓએ આ ઘટમાળ, મોહમાયાની લીલામાંથી પસાર થવું જ પડે. આ જ સૃષ્ટિનો ક્રમ છે.

અર્જુન ઃ તો ભગવાન હું ‘પોસ્ટ’ કરવાનું ચાલુ જ રાખું ને?

ભગવાન શ્રીકૃષ્ણ ઃ હા, એટલું કહીશ કે મારી જેમ તેમાં વિવેક રાખજે. તારા સ્ક્રીન પર રોજેરોજ ઠલવાતા પ્રેરક પ્રસંગો, સુવાક્યો, શેર-શાયરી, ટુચકા, ફોટાઓ વગેરે મનોરંજનથી વિશેષ કંઈ નથી. રામાયણ, ગીતા કે સંતોના ચરિત્રો, કથા, પૂજા, પત્નીમાં કર્મકાંડ ગળાડૂબ રહેવાથી પણ કોઈમાં પરિવર્તન આવ્યું છે? વ્યક્તિને પોતાને બદલાવું હોય તો તે પોતે જ આત્મમંથન કે ચિંતન કરીને બદલાઈ શકે. તું જ કહે, એકાદ સુવાક્ય લઈને પણ માનવી આદર્શ જીવન વ્યતીત ના કરી શકે? પાર્થ, મને તો એ માનવી વ્હાલો છે કે જે નિખાલસતાથી એમ કહે કે ”ભગવાન, પાંચ વર્ષ પહેલાં મારામાં આ ખામીઓ હતી. હવે તેના પર કાબુ મેળવ્યો છે. જે નફા-ખોટના હિસાબની જેમ તેના પોતાનું સરવૈયું માંડે છે ખરું ? પાર્થ, સારું થયું તેં ‘લાઈક’વાળી વાત છેડી. તું મારો પ્યારો છે એટલે રહસ્ય ખોલી દઉં છું કે ખરા કર્મનું ફળ સંપત્તિ, સફળતા, સિધ્ધી નથી પણ વ્યક્તિની સોચ કેવી છે તે જ છે. સમાન સંજોગોમાં રહેતી વ્યક્તિની ઘટનાઓ પ્રત્યેની જુદી જુદી પ્રતિક્રિયા જ કર્મનું ફળ છે. વ્યક્તિને સુખી કે દુઃખી આ જ સમજ, સોચ બનાવે છે અને હા… દર રવિવારે તારા આ બધા આધુનિક ઉપકરણો કમસે કમ એક દિવસ પુરતાં ત્યજી દઇશ તો મારી સાથેનો સંપર્ક તને આત્મસાત કરાવશે તેની ગેરટીં આપું છું.

અર્જુન ઃ ભગવાન થોડી ભારે વાત થવા માંડી છે. તમારી જોડે એક સેલ્ફી ખેંચુ? તે પછી તેને ‘પોસ્ટ’ કરી દઉં. (અર્જુન ભગવાન શ્રીકૃષ્ણ જોડે રથ પર બેસેલ મુદ્રામાં સેલ્ફી ખેંચીને ઓનલાઈન અપલોડ કરે છે.) પોસ્ટ કરતા જ ગણતરીની મિનિટોમાં ધડાધડ ‘લાઈક’ આવવા માંડી. અર્જુનથી ખુશીથી ઝૂમી ઉઠતાં બુમ પડાઈ ગઈ કે ”ભગવાન, ‘લાઈક’ના રેકોર્ડબ્રેક આંકડા પર નજર તો નાંખો.” ભગવાન શ્રીકૃષ્ણએ પ્રેમથી અર્જુનને ઠપકો આપતા કહ્યું કે ”પાર્થ, ફરી પાછુ…?” (એપિસોડ કાલ્પનિક છે.)

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s