ધ્યાન-ભક્તિમાં ”એડવાન્સ” કોર્સનું ચાલેલું ડીંડવાણું—અન્તર્યાત્રા— ડો.સર્વેશ પ્ર. વોરા

ધ્યાન-ભક્તિમાં ”એડવાન્સ” કોર્સનું ચાલેલું ડીંડવાણું—- ડો.સર્વેશ પ્ર. વોરા

 

ભક્તિ, અધ્યાત્મ, ધ્યાનને એક ફિલસુફે પંથવિહોણો પંથ કહ્યો છે. એ ”નોન-ટ્રાન્સફરેબલ” છે, એની આપ-લે, એના એવી ધ્યાન-ભક્તિ-અધ્યાત્મની પરબો ન હોય. તમે કાગળનાં ફૂલને ગુલાબનો રંગ આપી શકો, એના પર ગુલાબનું સિન્થેટિક કૃત્રિમ અત્તર લગાડી શકો, પણ એને ગુલાબ બનાવી શકો ખરા ? હા, ગુલાબનો છોડ કે બીજ હોય તો એને ખાતર, પાણી- અન્ય સાર-સંભાળ મદદરૃપ બને. અધ્યાત્મ, ધ્યાન, જીવન પ્રત્યે જોવાના અભિગમને – ”કોર્સ”, ક્રમબદ્ધ ફોર્મ્યુલાના રૃપમાં મુકવાની આખી સંકલ્પના જ તૂત લાગે, ડીંડવાણું લાગે, ભારે ચતુરાઈ સાથેની માર્કેટિંગ- ટેકનિક લાગે. આ ક્ષેત્રમાં ભેલાણ કરવાની અમાપ, વિશાળ તકો રહેલી છે, કારણ કે આ ક્ષેત્રનાં પરિણામ જાણવાનાં થર્મોમીટર શક્ય જ નથી. યોગનાં ક્ષેત્રમાં તૂત બહુ લાંબું ન ચાલે કારણ કે યોગના સપાટીના સ્તર (પ્રાણાયામ, આસનો વગેરે)ને શરીરના સપાટીના સ્તર સાથે સંબંધ છે, એનાં પરિણામો માપી શકાય.
યોગ, કોમ્પ્યુટર, ક્રિકેટ, ખિસ્સાંકાતરૃ વિદ્યા, ફૂટબોલ, ટેનિસ, રસોઈ-કળા, અને હા, ધ્યાન-ભક્તિમાં પણ ગુરુનું – ભારે મહત્ત્વ, પણ આ બધાં ક્ષેત્રોમાં ‘ગુરુ’ના સંદર્ભ બદલાઈ જાય એટલા સૂક્ષ્મ છત્તાં જબરદસ્ત તફાવતની મોટાભાગનાને ખબર નથી હોતી. આ તફાવત ”ઊંડાણ”નો છે. આ તફાવત – ”અભિગમ”નો છે, અને આ તફાવત માણસના છઠ્ઠીના લેખ કરતાંયે વહેલો લખાઈ ચુક્યો હોય છે. એક ગુરુ ક્રિકેટના દાવપેચ શીખવે અને એક ગુરુ શાસ્ત્રીય સંગીત શીખવે એ બન્ને પ્રશિક્ષણ વચ્ચે જબ્બર ફરક છે. શાસ્ત્રીય સંગીત વ્યક્તિત્વનાં ઊંડાણના એ સ્તરથી ઊઠતું હોય છે કે જે સ્તર ક્રિકેટ કે રમત-ગમત માટે જરૃરી નથી. ક્રિકેટમાં કે ખિસ્સા કાતરૃ વિદ્યા – બન્નેમાં આંતરિક બક્ષિસની જરૃર હોય છે. એ વાત સાચી, પણ દરેક ક્ષેત્રને હૈયાંનાં અલગ અલગ – ઊંડાણોની સાથે સંબંધ હોય છે. સંગીત જ્ઞાાતાઓ જાણતા હશે કે ગઝલ કે ભજનમાં પણ સિદ્ધિ માટે ખાસ પ્રકારનાં વ્યક્તિત્વની જરૃર હોય છે. જેનામાં વ્યક્તિત્વનો એ જન્મજાત રંગ હોય એનો એક સૂર પણ સહૃદયને હલબલાવી દે !
જુદી જુદી વિદ્યાઓને વ્યક્તિત્વનાં ઊંડાણોના અલગ અલગ સ્તર સાથે સંબંધ હોય છે. અને ધ્યાન તો અધ્યાત્મપંથે સહજ રીતે નીકળી ચુકેલા યાત્રીને સ્વયંભૂ રીતે મુખરિત થયેલું પુષ્પ છે. અધ્યાત્મનો પંથ જ એવો છે કે એનો યાત્રી સહજ રીતે ધ્યાનસ્થ બની જાય. આ માર્ગમાં તમે કેટલા આગળ વધ્યા એની કોને ખબર પડે ? કેટલી ખબર પડે ?

આલિયામાલિયા વાપરી શકે એવી કોઈ બજારૃ ફૂટપટ્ટી હોય ખરી કે જેથી છગન-મગન અન્તર્યાત્રામાં ”એડવાન્સ” થયા, આટલા કિલોમીટર આગળ ચાલ્યા એનું માપ લઈ શકાય ? પરંતુ ના, તમે ત્રણ હજાર કે ચાર હજાર રૃપિયા ભરીને એનું છાપેલું સર્ટિફિકેટ લઈ શકો ખરા. તમે કોઈ યુવતી સગર્ભા છે કે નહીં એ અમુક ટેસ્ટ દ્વારા – લેબોરેટરીમાં નક્કી કરી શકો. ગર્ભ કેટલા મહિનાનો થયો એ નક્કી કરી શકો, પણ એ યુવતીનો હૈયાંનો પતિ-પ્રેમ માપવાની કોઈ ફોર્મ્યુલા શક્ય છે ખરી ?
હકીકત તો એ છે કે તમે ધ્યાન-ભક્તિમાં કેટલા- ”એડવાન્સ” થયા એની તમને પોતાને થોડીક ઝાંખી માત્ર તમારી અંગત કટોકટીમાં થાય. ભલા માણસ, આ તો સાધનાનો પંથ છે. આ પંથ કોઈ જન-સંપર્ક (પબ્લિક રિલેશન્સ) શીખવાનો કોર્સ નથી. જીવન જીવવાની કળા તમે જેને કહો છો એની મોટી કટોકટી સૌથી મોટું ભયસ્થાન એ છે કે આ કહેવાતી કળાની પૂર્વ ધારણા જ ”અન્યલક્ષી” છે. અન્ય પાસેથી સર્ટિફિકેટ મેળવવાની ઘેલછા દૂર થાય એ જ તો એકડો છે ને બાકી બધાં મીંડાં છે.
આવી આધ્યાત્મિક પ્રગતિ, આવા ધ્યાન-કોર્સનું સૌથી- મોટું સુખ એ છે કે એમાં મૂંડાયા પછી કોઈ ફરિયાદ કરે નહીં. રિઝર્વ બેન્કનો ચેક બાઉન્સ થાય તો ફરિયાદ કરી શકાય, આ ચેક તો ક્યાં વટાવવાનો છે ? આ ચેક તો ઘરનાં – ”શો-કેસ”માં રખાય તો બહુ થયું.

 

Advertisements

2 comments

  1. “અધ્યાત્મ, ધ્યાન, જીવન પ્રત્યે જોવાના અભિગમને – ”કોર્સ”, ક્રમબદ્ધ ફોર્મ્યુલાના રૃપમાં મુકવાની આખી સંકલ્પના જ તૂત લાગે, ડીંડવાણું લાગે, ભારે ચતુરાઈ સાથેની માર્કેટિંગ- ટેકનિક લાગે. આ તો સાધનાનો પંથ છે. આ પંથ કોઈ જન-સંપર્ક (પબ્લિક રિલેશન્સ) શીખવાનો કોર્સ નથી.:”
    સાવ સાચી વાત. આવા પ્રમાણ્પત્રો લેવા જતા લોકોની સમજ કઈ હોતી હશે તે સમજમાં બેસતું નથી.
    અને ઍટલે જ શ્રી શરદભાઇ કહે છે તેમ:”આ પ્રજાને તેમની નિયતિ પર છોડી દેવી એ જ કદાચ સમજણ ભર્યું લાગે છે.

    Like

  2. ડો. સર્વેશભાઈનો ઈશારો ધર્મ અને અધ્યાત્મના નામે ખોલેલી હાટડીઓ પરત્વે છે અને આવી હાટડીઓ પાછા જાત જાતના કોર્સ ચલાવી સાધનાના નામે સર્ટિફીકેટો આપતા હોય છે. જ્યારે અસલી સાધના કે સાધકને આવા કોઈ સર્ટિફીકેટની જરુર નથી. સાધકનો સ્વાનુભવ જ મોટું સર્ટિફીકેટ છે. પણ સાધનાના નામે ધંધો ચાલે છે જે હકિકત છે અને કેટલાંય લોકો આવી જાળમાં ફસાય છેઆ લેખ લોક ચતવણી રુપ છે. આ અને આવા અનેક લેખ લખાતાં હોવા છતાં પણ લોકો આવિ જાળમાં ફસાતા જોવા મળે છે ત્યારે આ ફસાતા લોકો માટે શું કહેવું? આવા લોકોને માટે ભોળા શબ્દ વપરાતો હોય છે પણ આ તો ભોળા શબ્દનુ અપમાન છે. મુર્ખ કે લોભી કહી આવા લોકોનુ અપમાન કરવું તે પણ શોભાસ્પદ નથી. આ પ્રજાને તેમની નિયતિ પર છોડી દેવી એ જ કદાચ સમજણ ભર્યું લાગે છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s