મા-બાપ આઇ.સી.યૂ.માં પરિવાર વિદેશમાં અને દરવાજે તાળું ! ત્રિકોણનો ચોથો ખૂણો – ખલીલ ધનતેજવી

મા-બાપ આઇ.સી.યૂ.માં પરિવાર વિદેશમાં અને દરવાજે તાળું ! ત્રિકોણનો ચોથો ખૂણો – ખલીલ ધનતેજવી

 

પ્રત્યેક શહેરમાં દુઝતા અને ગંધાતા ગુમડા જેવા ઘરડાઘરો ઉભા થયા હોય એવા સમાજમાં મધર ડે અને ફાધર ડે ઉજવતાં આપણને શરમ આવવી જોઇએ !

મો સમ બદલાય, એની સાબિતી માટેના પુરાવા શોધવા આપણને ક્યાંય જવું પડયું છે ખરૃં ? પાનખર હોય કે વસંત ! પ્રત્યેક આવનારી મોસમ કેડે ઘૂઘરા બાંધીને જ આવતી હોય છે ! વસતી હોય કે વગડો, સમગ્ર સૃષ્ટિમાં એનો અણિયાળો રણકો પથરાય છે ! વસંતની ગવાહી કૂંપળ આપે અને પાનખરનો પુરાવો ખરી પડતા પાંદડાઓ આપે છે ! સમય બદલાય અને એની અસર સુધ્ધાં ન થાય તો એ જીવતો માણસ પણ મૂવા સમાન જ ગણાય ! પ્રત્યેક પરિવર્તનના પુરાવા હંમેશા આપણી આસપાસ મોજૂદ હોય છે ! ગત સદીના પૂર્વાધ સુધી આપણે ત્યાં દર્શનનો મહિમા હતો. આજે પ્રદર્શનનું મહત્વ વધી ગયું છે ! આ શું મોકા-એ-વારદાત જેવો પુરાવો નથી ? આપણા પૂર્વજો દર્શનમાં સંતોષ માનતા હતા. આપણે દર્શનને બદલે પ્રદર્શન સુધી વિસ્તર્યા છીએ, તો ય સંતોષ આપણને પ્રાપ્ત થતો નથી ! કારણ કે આપણી નજર બીજાના પ્રદર્શન પર હોય છે અને ત્યાં આપણે ટાંચા પડતા હોવાનો એહસાસ આપણને થાય છે અને આપણે કર્યુ કરાવ્યુ ધોવાઇ જાય છે. એ મિજાજ આપણી લઘુતાગ્રંથિનો છે. આપણે બીજાની દેખાદેખીમાં અથવા આસપાસના લોકોમાં શોટ્ટો પાડી દેવા લાંબા થયા, પહોળા થયા – ઉંચાનીચા થયા તો ય માનસિકતામાં ગાંઠ વાળીને બેઠેલી લઘુતાગ્રંથિને આઘીપાછી કરી શક્યા નહિ ! એને છાવરવાનાં જ પ્રયત્નો કરતા રહીએ છીએ ! આપણી તમામ ઉજાણીઓ અને તમામ પ્રદર્શનો લઘુતાગ્રંથિને છાવરવા માટેના જ હોય, એવું નથી લાગતું ?
આપણા સનાતની રીતરિવાજોમાં ધસમસતા આવીને ઉમેરાઇ ગયેલા નવા રિવાજો દેખાડા માટે જ ઉજવાતા હોય એવું કેમ લાગે છે ? મધર ડે, ફાધર ડે, બ્રધર ડે, મૈત્રીડે, શિક્ષક દિન, મહિલા દિવસ, પ્રણયડે (વેલેનટાઇન) પુસ્તક ડે, વિગેરે જાહેરમાં ઉજવીને આપણે શું સાબિત કરવા ઇચ્છીએ છીએ ? મધર ડે અને ફાધર ડે ઉજવીને આપણે શું એ સાબિત કરવું છે કે અમે માબાપને ખૂબ જ વહાલ કરીએ છીએ? માબાપ પ્રત્યેનું વહાલ સાબિત કરવું પડે, એથી વિશેષ આપણા કર્તવ્યની કંગાલિયત બીજી શું હોઇ શકે? પ્રત્યેક શહેરમાં દુઝતા અને ગંધાતા ગુમડા જેવા ઘરડાઘરો ઉભા થયા હોય એવા સમાજમાં મધર ડે અને ફાધર ડે ઉજવતાં આપણને શરમ આવવી જોઇએ ! મધર- ફાધર ડેની ઉજવણીથી ઘરડાઘરોની નામોશી ધોવાઇ જતી નથી ! પૂર્વજોના સમયમાં અસ્તિત્વમાં આવેલા અનાથાલયો અને યતીમખાનાઓ નામોશીભર્યા હોવા છતાં પ્રેરણાદાયી હતા. અનાથ અને નિઃસહાય બાળકોને સહાયરૃપ થવાની પ્રેરણા એમાંથી મળે છે. ઘરડાઘરો પાસેથી આપણે ક્યાં પ્રકારની પ્રેરણા લેવાની હોય ? વધુને વધુ ઘરડા ઘરો ઉભા કરવાની પ્રેરણા લેવી છે આપણે?
મા બાપ પ્રત્યે દુર્લક્ષ, એ વર્તમાન યુગની નિયતિ હોય એમ લાગે છે. પણ એ માટે સંતાનોને ગાળો દેવાથી આપણું ડહાપણ સિધ્ધ થતું નથી! સંતાનોને પણ એમની પોતાની સમસ્યા હોય છે! દીકરાઓ પરણી ગયા હોય, અને એમના ખોળે પણ સંતાનો આવી ગયા હોય ત્યારે સંતાનોને ભણાવવાથી માંડીને પત્ની અને બાળકોની ખ્વાહિશો પણ એને પુરી કરવાની હોય છે! નોકરી ધંધાની સમસ્યા પણ એને કાયમી વેઠવાની હોય છે! નોકરી ધંધા માટે અપડાઉનની પળોજણમાંથી એને પસાર થવાનું હોય છે. સવારે છ વાગ્યે ઘરેથી નિકળે તો રાતના અગિયાર વાગે ઘરે પાછો ફરનાર માણસ કોની કેટલી ખ્વાહિશો પુરી કરી શકતો હશે? વાત અહીં પતી જતી નથી, મધ્યમવર્ગની આ સમસ્યાને આપણે સમજી શકીએ છીએ. પણ સમાજમાં રીચેસ્ટ ગણાતા ઉપલા વર્ગના લોકોમાં પણ માબાપ પ્રત્યે પૂરતું લક્ષ કેળવી શકાયું નથી! આ ઉપલા વર્ગમાં માબાપની સાર સંભાળ ઘરના માણસો દ્વારા થતી નથી. પગારદારો નોકરો સાર સંભાળ લેતા હોય છે. એમાં માબાપને આત્મીયતાનો અભાવ તો વેઠવાનો જ હોય છે! સમાજમાં ઉપલા વર્ગના લોકોમાં ઘરડાઘરની પ્રથા શરમજનક ગણાય છે. છતાં બીજી રીતે બેશર્મી કરવામાં પણ સંકોચાતા નથી! ઉપલા વર્ગમાં ઘરડાઘર નથી પણ માબાપ ઘરમાંથી તો જાય છે જ! એ લોકો ઘરમાં ને ઘરમાં નોકરો દ્વારા માબાપની સેવા કરાવે ત્યાં સુધી તો ઠીક, પણ માબાપને કોઇ બીમારી ન હોય છતાં ફાઇવસ્ટાર હોસ્પિટલની આઇ.સી.યુ. રૃમમાં નાખી દઇને પોતાનું કર્તવ્ય પુરૃં કરતા હોય છે! કેટલીક જગ્યાએ માબાપને આઇ.સી.યુ. માં નાખીને ઘરે તાળુ ંમારીને આખું ઘર વિદેશ આંટો મારી આવતું હોય છે! અને પછી મધર-ફાધર ડે ઉજવવાનાં માંડવા પણ એમના ઘરે રોપાતા હોય છે!
હમણા બે ચાર દિવસ ઉપર જ આપણે પુસ્તક ડેની ઉજવણી કરી નાખી! માંડવા રોપાયા, તોરણો બંધાયા, પ્રવચનો થયા. પણ પુસ્તકો કેટલા ખરીદાયા ને કેટલા વેચાયા, એ તરફ કોઇએ ધ્યાન આપ્યું ખરૃં? પુસ્તકો વાંચવાના હોય કેે ઉજવવાના હોય? પુસ્તક ડે ઉજવનારનાં ઘરમાં લાયબ્રેરી છે ખરી? એના ઘરમાં નહિ તો ગામમાં અને એના વિસ્તારમાં લાયબ્રેરી છે ખરીં? ના હોય તો લાયબ્રેરીની સ્થાપના માટે એ કાંઇ કરે છે ખરો? આવું જો ના થઇ શકે તો પુસ્તક ડે ઉજવવાનો કોઇ અર્થ ખરો? વાંચે ગુજરાત, નામે એક આખું અભિયાન ઠઠારી માર્યું, કોઇએ વાંચ્યું ખરું? હમણાં જ અખાતરી ગઇ. અખાતરીના સપરમાં દિવસે લોકોએ કરોડો રૃપિયાનું સોનું એકજ દિવસમાં ખરીદી પાડયું! કોઇએ લેપટોપ ખરીદયું. કોઇએ કોમ્પ્યુટર ખરીદયું. કોઇએ ટેબલેટ ખરીદયું કોઇએ આઠદસ લાખ રૃપિયાની કાર ખરીદી હોવાના સમાચારો છાપાઓમાં વાંચવા મળ્યા. પણ આવા અખાતરીના સપરમાં દિવસે કેટલા પુસ્તકો વેચાયા ? કેટલા પુસ્તકો ખરીદાયા, એ વિશેની ભાળ ક્યાંય મળતી નથી! એક પણ પુસ્તક એ સપરમા દિવસે કોઇએ ખરીદયું નથી! એટલે જ કહેવું પડે કે આપણે જે કાંઇ કરીએ તે દેખાડો કરવા માટે જ કરતા હોઇએ છીએ! એમાં આત્મીય લાગણીનો ક્યાંય સ્પર્શ થતો નથી! ઉત્સવો અને ઉજાણીઓ પાછળ પોતાના વૈભવનો દેખાડો કરવાનો જ હેતુ હોય છે! લક્ષ્મીના તો દર્શન હોય, આપણે પ્રદર્શન કરીએ છીએ! આપણે વૈભવના ચાહકો છીએ. સંસ્કારના નહીં! ધનવાન હોય એ સંસ્કારી જ હોય એવું નિર્વિવાદપણે માની લેવામાં આવ્યું છે!

કાચના મહેલોમાં કાગારોળ છે,

પથ્થરોની આંખ પણ તરબોળ છે! –

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s