આપણી ઘણી બધી માન્યતાઓ આધાર વગરની હોય છે ?—વિચાર વિહાર–યાસીન દલાલ

આપણી ઘણી બધી માન્યતાઓ આધાર વગરની હોય છે ?

 

કોઈપણ માન્યતા રેશનલ એટલે કે બુદ્ધિગમ્ય ન હોય ત્યાં સુધી એને માનવી જોઈએ નહીં

મધ્યપ્રદેશના ઓડરમાં નામનું ગામ જંગલ વિસ્તારમાં આવેલું છે અને તાલુકા મથક છે. આ ગામમાં કેટલાક અધિકારીઓના સરકારી બંગલા આવેલા છે. લાખો કરોડોના ખર્ચે બંધાયેલા આ બંગલાઓમાં કોઈ અધિકારી રહેવા જતું નથી. ગામમાં વરસોથી એવી વાયકા ચાલે છે કે આ બધા બંગલાઓમાં ભૂત થાય છે. આ બંગલાઓમાં ભૂતકાળમાં જે સાહેબો રહેતા હતા એમનું પણ કહેવું આ જ છે. એમના નોકરો પણ કહે છે કે રાત્રે આ વિસ્તારમાં ભૂતપ્રેત દેખાય છે અને દૂર દૂરથી ડરામણા અવાજો સંભળાય છે. આ વિસ્તારમાં આદિવાસી અને ગ્રામ્ય અશિક્ષિત વર્ગની બહુમતી છે. વરસોથી આ બંગલાઓ ખાલી રહેતા હતા. એક ટી.વી. ચેનલે આના મૂળમાં જવાનું નક્કી કર્યું. દિવસોની તપાસ પછી એમને જાણવા મળ્યું કે આ વિસ્તારમાં વરસોથી નકસલવાદીઓના અડ્ડા ચાલે છે. એ લોકો અવારનવાર આ બંગલાઓની આસપાસ વેશપલ્ટો કરીને ભૂત થઈને આવે છે અને જાત જાતની ચિચિયારીઓ પાડીને આખા વિસ્તારમાં ભય ફેલાવે છે. જેથી અહીંના અધિકારીઓ દૂર ભાગી જાય અને નકસલવાદીઓ મોકળાશથી પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકે.આમ ચકાસણીના અંતે કંઈક જુદું જ રહસ્ય જાણવા મળ્યું.
આવી અનેક દંતકથાઓ દેશ અને દુનિયામાં ફરતી રહે છે. થોડા સમય પહેલાં હિમાચલ પ્રદેશમાં ચીનની સરહદે આવેલા એક બૌદ્ધ મઠમાં એક લામાની મમી મુકાઈ હતી. આ મમીને કાચના બોક્સમાં મૂકવામાં આવી છે. લોકવાયકા એવી છે કે ૧૯૭૫માં પુરાતત્વ ખાતું ખોદકામ કરતું હતું ત્યારે જમીનમાંથી આ મમી મળી આવેલી. પુરાતત્વ ખાતાએ એને આ મઠ સુધી પહોંચાડી. પછી મઠના અનુયાયીઓએ આ શબને એક કાચની પેટીમાં મૂકી દીધું. અને મઠમાં દર્શન માટે રાખ્યું. દરરોજ હજારો લોકો અહીં દર્શને આવે છે. ધીમે ધીમે એવી અફવા ફેવાઇ કે આ મમીના નખ અને વાળ વધે છે. દરરોજ જોનારા લોકો આ વાતની સાક્ષી પૂરે છે.ધીમે ધીમે આ ઘટના અને એનું કુતૂહલ દૂર સુધી ફેલાતું ગયું. એક ઈતિહાસકારે એમ કહ્યું કે આમ થવું શક્ય જ નથી. મરેલા માણસનાં બધાં અંગો મરી જાય છે. કોઈ અંગ એ પછી વિકસી શકે જ નહીં. જો એ માણસ જીવતો હોય તો જ એના અંગો વિકસી શકે.
ઈતિહાસમાં અત્યાર સુધી આવી કોઈ ઘટના નોંધાઈ જ નથી. એ જ રીતે એક પુરાતત્વવિદ પણ કહે છે કે ઈજિપ્તમાં હજારો વર્ષ પહેલાંની મમી મળી આવે છે પણ એને સાચવવા માટે એ લોકો જુદાં જુદાં રસાયણો એના શરીરમાં ભરી દે છે. પરિણામે એનું શબ મૂળ હાલતમાં આજે પણ સચવાય છે પણ એનું શરીરનું કોઈ અંગ વિકસતું નથી. આ મઠમાં રાખેલું શબ કોઈ જાતનાં રસાયણો વિનાનું છે અને રસાયણોવાળું હોય તો પણ એના અંગ વિકસે છે એ વાત માત્ર અફવા છે.
હિમાલયમાં વારંવાર એવી અફવા ઊડે છે કે ત્યાં હિમ માનવ ઉર્ફે યતિ વસે છે. નેપાળમાં અનેક લોકો એવું માને છે કે હિમ માનવનાં પગલાં ઘણા લોકોએ જોયાં છે. ૧૯૨૫માં આવાં પગલાં પહેલીવાર જોવા મળ્યાં હતાં. એ પછી એવરેસ્ટ ઉપર ચડનાર તેનસિંઘ અને હિલેરી જેવા અનેક સાહસવીરોને આ પગલાં દેખાયેલાં. આ પછી તો આખી દુનિયામાં આ લોકવાયકા ફેલાઈ ગઈ. પણ હજી સુધી હિમ માનવને કોઈએ નજરે જોયો નથી. પ્રશ્ન એ છે કે હિમ માનવ હોય તો એકલદોકલ ન હોય. એની વસ્તી સારા એવા પ્રમાણમાં હોવી જોઈએ. બીજો પ્રશ્ન એ છે કે હિમાલય ઉપર માત્ર બરફ જ હોય છે. તો આ હિમ માનવ ખોરાક ક્યાંથી મેળવતો હશે? તાજેતરમાં અમેરિકાની એક સંશોધક ટીમ સંશોધન માટે ત્યાં ગઈ અને ટીમના કેટલાક સભ્યોને દૂરથી હિમ માનવ દેખાયો એવો એમનો દાવો છે. એ લોકો કહે છે કે અમે દૂરથી એક આકૃતિ ટેકરી ઉપરથી સરકતી જોઈ. એ બરફ ઉપરથી સરકી ગઈ. એ ચાલતી નહોતી. પ્રશ્ન એ છે કે ચાલતી નહોતી તો પછી અવારનવાર હિમ માનવનાં મોટાં પગલાં કેમ દેખાય છે? સાચી વાત એ છે કે જે સાહસવીરો એવરેસ્ટ ચડવા જાય છે એમનાં પગલાં બરફમાં પડે જ. પછી બરફ હોવાથી એ થોડા રેલાઈ જાય અને પગલાં થોડાં મોટાં થઈ જાય. વાસ્તવમાં આ એક ભ્રમણા જ છે. કેટલાક અંધશ્રદ્ધાળુઓ એમ માને છે કે આ પગલાં ઉપરથી હિમ માનવની ઊંચાઈ આઠ ફૂટ હોવી જોઈએ પણ ફરીથી પ્રશ્ન એ થાય કે હિમ માનવનાં પગલાં દેખાય તો એ પોતે આખેઆખો કેમ ન દેખાય? તાજેતરમાં કેરળમાં પણ આવી જ એક ઘટના બની. ત્યાં ક્રિષ્નામૂર્તિ નામના એક નાગરિકનો દાવો છે કે મેં એક ગુફાની બહાર હિમ માનવ જેવાં વિશાળ પ્રાણીનાં પગલાં જોયાં છે. એના ફોટા એણે પાડયા. પણ પગનાં નિશાન તાજાં નહોતાં અને પત્થર ઉપર પડેલાં હતા. એ કોઈ પ્રાણીનાં છે કે વિશાળકાય માણસનાં છે કે ગોરીલાનાં છે એ કેમ નક્કી થાય?
આવી જ એક અફવા વરસોથી ઊડતી રહે છે. એ અફવા યુ.એફ.ઓ. એટલે કે અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટની છે. ગુજરાતીમાં એને ઊડતી રકાબી કહી શકાય. અમેરિકામાં અવારનવાર આવી અફવા ફેલાતી રહે છે. લોકવાયકા એવી છે કે અવારનવાર બીજા ગ્રહોના લોકો ઊડતી રકાબીમાં ઊડીને પૃથ્વી ઉપર આવે છે. આવી કેટલીક ઘટનાઓ ઈતિહાસમાં નોંધાયેલી છે. ૧૯૪૧માં આરકેલ ખાતે ફેનેટ નામના નાગરિકે આવી રકાબી જોઈ હોવાનો દાવો કર્યો હતો. એવી જ રીતે ૪-૭-૧૯૪૭ના રોજ ન્યુ મેક્સિકોમાં એક ધડાકો થયો એનો ભંગાર જમીન ઉપર વેરાયો. ધડાકામાં બે જણ ઘાયલ થયા. એમાંથી એકનું મૃત્યુ થયું. ઈ.સ. ૨૦૦૩માં ફરીથી ધડાકો થયો. જે બસ્સો લોકોએ જોયો. પણ આવા ધડાકાઓ વાસ્તવમાં અમેરિકા અને બીજી મહાસત્તાઓ દ્વારા સંરક્ષણ માટે થતાં વિમાની ઉડ્ડયનોના હોય છે. યુદ્ધ વિમાનો ઊડે છે ત્યારે પાછળ લાંબા લિસોટા છોડતા જાય છે. અવાજની ગતિથી વધુ ઝડપવાળાં વિમાનોના ધડાકા થોડીવાર પછી સંભળાતા હોય છે. આવી જ એક ઘટના ઈંગ્લેન્ડની બાજુમાં આવેલા સ્કૉટલેન્ડ ખાતે બની હતી. એના એક વૈજ્ઞાાનિકે વિધિસર ખુલાસો પણ કર્યો હતો. ઝારખંડના એક ગામડાના લોકો માને છે કે મહાભારતના અશ્વત્થામાનો આત્મા હજી ભટકે છે અને એમના ગામમાં જ વસે છે. ં કેટલાક લોકો કહે છે કે દરરોજ સાંજે અશ્વત્થામાનો આત્મા ગામના મુખ્ય બજારમાં ફરતો હોય છે. ગામની બહાર એક પહાડ ઉપર મંદિર છે. લોકો કહે છે કે અશ્વત્થામા રોજ રાત્રે મંદિરમાં ધરાવેલી વાનગીઓ આરોગવા આવે છે. સવારે મંદિર ખોલે ત્યારે ભોજનનો થાળ ખાલી હોય છે.  એક ટી.વી. ચેનલના પત્રકારોએ નક્કી કર્યું કે આનું રહસ્ય ઉકેલવું. એ મંદિરની આસપાસ કર્મચારીઓ આખી રાત ગોઠવાઈ ગયા. મંદિરમાં કોઈ પ્રવેશ્યું નહીં. સવારે મંદિર ખોલીને જોયું તો ભોજનના થાળમાંની વાનગીઓ એમ ને એમ પડી હતી. મતલબ કે આ પણ એક અફવા પુરવાર થઈ.
અમેરિકામાં જેમ બીગ ફૂટની અફવા ઊડેલી એમ ઈન્ડોનેશિયામાં અને મલેશિયામાં લિટલ ફૂટની અફવા ઊડી હતી. અમેરિકામાં અફવા પાછળ એક તરંગી માણસનું કાવતરું હતું. એણે એક બેકાર મિત્રને આ માટે તૈયાર કર્યો. આ મિત્ર માટે ખાસ બખ્તર બનાવડાવ્યું જે ચિમ્પાન્ઝીને મળતું આવતું. એના બૂટ મોટા બનાવડાવ્યા. એ માણસ દરરોજ નિર્જન સ્થળોમાં આંટા મારીને ભાગી જતો. પરિણામે આસપાસના વિસ્તારોમાં એની ધાક બેસી ગઈ. વૈજ્ઞાાનિકોએ એના પગનાં નિશાનનો અભ્યાસ કર્યો અને એમાંથી એ માંડ છટક્યો. પછી એણે છેતરપિંડી બંધ કરી દીધી. એણે સ્વીકાર્યું કે એ મિત્ર પૈસા આપીને મારી પાસે આ કામ કરાવતો હતો. ઈન્ડોનેશિયામાં આનાથી વિરુધ્ધ લિટલ ફૂટની દંતકથા ચાલે છે. કેટલાક લોકો આવા નાનકડા પંજાનાં નિશાન જોયા હોવાનો દાવો કરે છે. પણ હજી સુધી આ અંગેના કોઈ પાકા પુરાવા હાથ લાગ્યા નથી.
જાણીતા ચિંતક બટ્રૉન્ડ રસેલ કહે છે કે કોઈપણ બાબતમાં સંપૂર્ણ સુનિશ્ચિત માન્યતા સેવવી નહીં. હંમેશાં સંશય કરવો. પુરાવાઓ મળે નહીં ત્યાં સુધી કોઈપણ તારણ ઉપર આવવું નહીં. અંતે પુરાવો મળવાનો જ છે. એ ન મળે ત્યાં સુધી એમ માનવું નહીં કે દંતકથા સાચી જ છે. કોઈપણ વ્યક્તિ કે ગ્રંથ અમુક વાત કહે છે. એટલે એને આંખો મીંચીને માનવી નહીં. થોડીક બુદ્ધિ કે તર્ક ચલાવવાથી ભલભલા કોયડા ઊકલી જશે. અબ્રાહમ કવુરે કહ્યું છે કે દુનિયામાં ચમત્કાર જેવી કોઈ વસ્તુ જ નથી.
જે લોકો ચમત્કારી હોવાનો દાવો કરે છે. અને પોતાના ચમત્કારો ચકાસવા દેતા નથી. જે લોકો ચકાસણી વગર ચમત્કારને માની લે છે તેઓ મૂર્ખ છે. ૨૧મી સદીમાં જ્ઞાાન અને ટેકનોલોજીનો વિસ્ફોટ થયો છે. કોઈપણ વસ્તુની યથાર્થતા ચકાસણી સહેલાઈથી થઈ શકે છે. પણ એને માટે વૈજ્ઞાાનિક અભિગમ અપનાવવો અનિવાર્ય છે. એની જગ્યાએ અંધશ્રદ્ધામાં રાચવાથી પુરુષાર્થનો છેદ ઊડી જાય છે. આખી દુનિયામાં અંધશ્રદ્ધાની માયાજાળ ફેલાયેલી છે પણ આપણા દેશમાં એ વિશેષ ફેલાયેલી છે.
મનુષ્યની કુતૂહલવૃત્તિ અને જિજ્ઞાાસા આવી વાતોને કોઈ જાતની ચકાસણી કે આધાર વિના સાચું માની લેવા પ્રેરે છે. ચકાસણીમાં મોટે ભાગે આવી વાતો ખોટી પુરવાર થાય છે. પણ બાળપણથી ગળથૂથીમાં આપણને શિખવાડવામાં આવ્યું છે કે જીવનની કેટલીક ઘટનાઓ રહસ્યમય છે. આ રહસ્યમાંથી ભયની લાગણી પેદા થાય છે. કોઈપણ માન્યતા રેશનલ એટલે કે બુદ્ધિગમ્ય ન હોય ત્યાં સુધી એને માનવી જોઈએ નહીં.  આઈન્સ્ટાઈને કહ્યું હતું કે, ”કશુંક અગોચર તત્વ જ સર્વોચ્ચ પ્રબુદ્ધતારૃપે તથા ઉજ્જવલતમ સૌંદર્યરૃપે પ્રગટે છે. અને જેને આપણી નિર્બળ ઈન્દ્રિયો કેવલ પ્રાથમિક સ્વરૃપે જ પામી શકે છે. એ ખરેખર અસ્તિત્વ ધરાવે છે એમ સમજવું ખોટું છે.”

 

Advertisements

3 comments

 1. દરેક બુધ્ધ પુરુષો કહે છે કે “માનો મત, જાનો” તેમ છત્તાં આપણે ઘણી બધી બાબતો માની લઈએ છીએ. પછી તે ભુત-પ્રેત, આત્મા-પરમાત્મા, હિમમાનવ કે એલીઅન્સ, સ્વર્ગ કે નર્ક કે અન્ય અનેક બાબતો હોય.
  આ માનવા પાછળના કારણો શું છે? મારે દેખ્યે, આના મૂળભુત કારણોમાં છે, આપણી આળશ, ભય,સંસ્કાર, બુધ્ધીમતાનો અને વિવેકબુધ્ધીનો અભાવ, મૃતપ્રાય સંશય વૃત્તિ, જુઠનું વારંવાર પુનરાવર્તન થતાં તેને સત્ય સમજવાની વૃતિ, ઘેટાં વૃત્તિ અને નબળી માનસિકદશા.
  માણસજાતને જોઈએ તો જણાશે કે ૯૯% ઉપરાંત લોકો એક યા બીજી માન્યતાઓ ધરાવે છે. અને માનવું એ માનસિક રોગ છે તેની ભાગ્યેજ કોઈને ખબર પડે છે. તમે ભુત પ્રેત કે આત્મા-પરમાત્મા “છે” તેના પક્ષમાં માનો કે “નથી” તેના પક્ષમાં માનો તેનાથી કોઇ ફરક નથી પડતો. બુનિયાદી રોગ છે માનવું. પરંતુ એક વર્ગ જે વિપક્ષ મતમાં માને છે તે પાછો પોતાને રેશનાલીસ્ટ તરીકે ઓળખાવે ત્યારે મુર્ખતાની બધી સીમા વટાવી દે છે. આ રેશનાલીસ્ટ વર્ગની બીજી એક ખાસિયત છે કે તેઓ પહેલેથી નક્કી કરી લે છે કે ભુત-પ્રેત કે આત્મા-પરમાત્મા જેવું કાંઈ નથી અને પછી તેના સમર્થનમાં દલિલો અને પુરાવાઓ એકઠા કરે છે અને સાબિત કરવા જાત જાતના હથકંડા અજમાવે છે ત્યારે તેઓ વધુ દયાપાત્ર પરિસ્થિતિમાં મુકાય છે. વળી તેમની દલીલ એ છે કે દરેક વસ્તુ વૈજ્ઞાનિક પ્રમાણ વગર અમે ન માનીએ. વાત આખરે પાછી માનવાની જ કરે છે અને તેમને ખબર નથી પડતી કે તેઓ શું કહી રહ્યા છે. વિજ્ઞાનની એક મર્યાદા છે તેની પણ તેમને જાણ નથી કે સ્વિકાર નથી કરી શક્તા. શા માટે માનવું છે? આ માનો કે તે માનો તેનાથી ફરક શું છે? આપણે આપણા સશાધનોનો, અંગ ઉપાંગોનો, બુધ્ધીનો, વિવેકનો ઉપયોગ કરી જ્યારે જાણી શકીએ છીએ તો માનવું છે શા માટે? મહાવીર, બુધ્ધ, કબીર કે કૃષ્ણ જો જાણી શકતા હોય તો આપણે શા માટે માનવું છે? બુધ્ધ પુરુષોની અગાઊ બીજા બુધ્ધો થયા છે. કોઈ બુધ્ધે ક્યારેય એવું નથી કહ્યું કે અગાઊના બુધ્ધે કહ્યું તે હું માનુ છું.દરેકે પોતાનુ સત્ય પોતે સ્વાધ્યાય અને સ્વપરિશ્રમથી મેળવ્યું છે તે દેખાતું નથી? પરંતુ જાણવા માટે તો અતિ પરિશ્રમ, વર્ષોની તપશ્ચર્યા અને કષ્ટ ઉઠાવવા પડે જે આપણે નથી ઊઠાવવા. સરળ છે કૃષ્ણને માની લેવું કે કાર્લ માર્ક્સને. સરળ છે બુધ્ધને માનવું કે બર્ટ્રાન્ડ રસેલને. સરળ છે ચાર્વાકને કે કોઈ ચંદુને માનવું. માનવામાં કઈ રેશનાલીટી છે? તે જ મને આજ સુધી નથી સમજાતું. પ્રકાશમાં માનવાના બદલે આંખ ઊઘાડી પ્રકાશ શું છે તે જાણી ન લઈએ, જેથી સ્વાનુભવે કહી શકીએ કે હા, પ્રકાશ છે અને તે મારા સ્વાનુભવે કહું છું. ભલે પછી બધા શાસ્ત્રો કહેતાં હોય કે આખી દુનિયાના બધા લોકો કહેતાં હોય કે પ્રકાશ નથી તો ય મારો સ્વાનુભવ કરોડો માન્યતાઓ કરતાં વધુ સત્ય છે.

  Like

 2. “કોઈપણ માન્યતા રેશનલ એટલે કે બુદ્ધિગમ્ય ન હોય ત્યાં સુધી એને માનવી જોઈએ નહીં”
  સાચી વાત તો પણ સૃષ્ટિ પરના અનેક સર્જનો,સૌંદર્યો વગેરેનારહ્સ્ય જોતા કોઇ અદ્રષ્ટ (અગોચર)તત્વનો સ્વીકાર તો થઈ જે જાય!!!!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s