આપણે અંધશ્રદ્ધામાંથી બહાર ક્યારે નીકળશું ? વિચાર વિહાર–યાસીન દલાલ

આપણે અંધશ્રદ્ધામાંથી બહાર ક્યારે નીકળશું ?વિચાર વિહાર–યાસીન દલાલ

– ધર્મને તો એક સ્થાપિત હિત બનાવી દેવાયું છે. એને નામે બધાં દૂષણો ચલાવી શકાય છે

સૌરાષ્ટ્રમાં તાજેતરમાં ત્રણ કંપારી છૂટે તેવી ઘટનાઓ બની ગઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતે મેલડીમાતાને નામે એક મહિલાએ પોતાના પતિને મારી નાખ્યો. જામનગરના ઘૂનડા ગામે ૧૮ વર્ષના જેસંગનું ગળું એના જ બાપ નાગજીએ કાપી નાખ્યું. જેસંગ કમળપૂજા કરવા માંગતો હતો. એની હત્યા પછી ઘણીવાર સુધી બાપ ત્યાં જ બેઠો રહ્યો. એને એમ હતું કે દૈવી ચમત્કારથી હમણાં દીકરો ફરી સજીવન થશે. હળવદ તાલુકાના સાપકડા ગામે વશરામ નામના માણસે નવ વર્ષની પુત્રી રંજનની હત્યા કરીને ખોડિયાર માતાને ચરણે ધરી દીધી. એ પછી વઢવાણ પાસે મેલડીમાતાના મંદિરે એક બાપે માસૂમ ફૂલ જેવાં ત્રણ સંતાનોનો બલિ ધરી દીધો અને પછી પોતે આપઘાત કરી લીધો. માતાજીને રીઝવવા કે એનો કોપ શમાવવા માટે આ બધું થયું હતું.

આ અતિ શરમજનક, ઘૃણાજનક ઘટનાઓ બની અને ભુલાઈ પણ ગઈ. સમાજે એને સામાન્ય ઘટનાઓ ગણીને સ્મૃતિમાંથી કાઢી નાખી. કોઈ રાજકીય નેતાએ કોઈ પ્રત્યાઘાત ન આપ્યા. કોઈ સામાજિક કાર્યકરોના પેટનું પાણી હલ્યું નહીં. અને કોઈ કહેવાતા ધર્મગુરુ કે કથાકારોનું રૃંવાડું ફરક્યું નહીં. કોઈ પણ સભ્ય સમાજને માટે મોટી કલંકરૃપ ઘટનાઓ બની, પણ ક્યાંય એની ગંભીર નોંધ લેવાઈ નહીં.

એક બાપ પોતાના સગા દીકરાને દેવીની મૂર્તિ સમક્ષ વધેરી નાખે, એના ધડથી ડોકું અલગ કરી નાખે, બીજો બાપુ, કુમળી વયનાં બાળકોને ક્રૂરતાથી રહેંસી નાખે, એનાથી વધુ ઘાતકી બનાવ શો હોઈ શકે ? ધર્મ અને શ્રદ્ધા તો માણસને મૃદુ, કોમળ, કરૃણામય અને દયાળુ બનાવે. એને બદલે અહીં તો માણસ અત્યંત ક્રૂર અને ઘાતકી બની જાય છે. ધર્મને નામે આટલી હદે બર્બરતા આચરી શકાય એ તથ્ય જ દર્શાવે છે કે ધર્મ કે ધાર્મિક શ્રદ્ધા બહુ ઝડપથી અંધશ્રદ્ધા અને અસહિષ્ણુતામાં ફેરવાઈ જાય છે અને પરિણામે માણસ તદ્દન અધાર્મિક કહી શકાય એવું આચરણ કરી બેસે છે.

આપણે ત્યાં અંધશ્રદ્ધા કે ધર્મને નામે ધતિંગના આ પ્રથમ કિસ્સા નથી. આવું તો રોજ બન્યા કરે છે ગુજરાતમાં ગાંધીનગર પાસે રૃપાલ ગામે દર વર્ષે ધાર્મિક માન્યતાને નામે હજારો મણ ઘી વેડફી દેવામાં આવે છે. અને ત્યાં કોઈ દૈવી શક્તિના આશીર્વાદ લેવા માટે હજારોની ભીડમાં લોકો પોતાનાં નાનાં બાળકોને ફંગોળે છે અને માતાની મૂર્તિ તરફ લગભગ ફેંકે છે. ભીડમાં અથડાતું કુટાતું એ બાળક અધમૂઆ જેવું થઈ જાય છે. અમેરિકામાં કોઈ માબાપ પોતાના બાળક પ્રત્યે આટલી ક્રૂરતા આચરે તો એણે જેલમાં જ જવું પડે. પણ આપણે ત્યાં ધર્મને નામે આવું ઘણું બધું ચાલ્યું જાય છે.

આપણી ગરીબી અને પછાતપણાનાં અનેક કારણો છે. એમાં કામચોરી છે. આળસ છે, ભ્રષ્ટાચાર છે. પણ સાથે સાથે આ અંધશ્રદ્ધા પણ છે. વૈજ્ઞાાનિક દ્રષ્ટિબિંદુનો અભાવ પણ છે. આપણે આપણો મોટાભાગનો કીંમતી સમય ધાર્મિક ક્રિયાકાંડો, કથાઓ, યજ્ઞાો, ઓચ્છવો, અને મહોત્સવોમાં વેડફી દઈએ છીએ. પછી, નક્કર કામ માટે અને દેશના નવનિર્માણ માટેનો સમય ક્યાંથી બચે ? સૌરાષ્ટ્રમાં હમણાં એક મોટો યજ્ઞા યોજાઈ ગયો, જેની પાછળ કરોડો રૃપિયા ખર્ચાયા, દિવસો સુધી તૈયારીઓ થઇ. ચાર-પાંચ દિવસ તો શાળા-કોલેજો એને માટે બંધ રહી ! રસ્તાઓ બંધ થઈ ગયા. અંતે ફળશ્રુતિ શું ? એ યજ્ઞાના થોડા સમય પછી જ આ ત્રણ માનવ બલિદાનોની ઘટના બની ગઈ. ગામડાં અને શહેરો ગંદકીથી ખદબદે છે. પણ એની કોને પડી છે ? મચ્છરના ત્રાસથી ઝેરી મલેરિયા ફેલાય છે અને લોકો મરે પણ છે. પણ, એની કોને પડી છે ? લોકો ખુલ્લામાં જાજરૃ કરે છે. ગટર પર ઊભા રહીને ભેળપુરી ખાય છે. માનતાઓ માને છે, બાધા આખડી કરે છે, લોટરી રમે છે. જુગાર રમે છે. બધાને કોઈ ચમત્કાર કે મંત્રતંત્રથી સુખી, સમૃદ્ધ થઈ જવું છે. કોઈને મહેનત કરવી નથી. સૌરાષ્ટ્રમાં તો ઘરફોડી, ચોરી અને લૂંટફાટ જ જેમનો ધંધો છે એવા વાઘરી અને બીજી જ્ઞાાતિના લોકો ચોરી કરવા નીકળે એની આગલી રાતે પોતાના આરાધ્ય દેવની પૂજા કરે છે અને ચોરીમાં સારો માલ મળે એ માટે આશીર્વાદ માંગે છે ! ભ્રષ્ટાચારથી લાખો-કરોડો રૃપિયા બનાવનારા રાજકારણીઓ લક્ષ્યાંક મુજબનું ધન એકઠું થઈ જાય એટલે આભાર માનવા ધર્મસ્થળોએ જઈને ફૂલહાર ચડાવે છે ! ધર્મને તો એક સ્થાપિત હિત બનાવી દેવાયું છે. એને નામે બધાં દૂષણો ચલાવી શકાય છે.

આપણાં ગામડાં હજી અંધશ્રદ્ધામાં ખૂંપેલાં છે. સાપ કરડે ત્યારે હજી લોકો મંત્રતંત્રનો આશરો લે છે. યુવાન સ્ત્રીઓ ધૂણે કે હિસ્ટીરિયાનો ભોગ બને ત્યારે મનૌવૈજ્ઞાાનિક સારવારને બદલે એમને ભૂવાભારાડી પાસે લઈ જવાય છે. દર વર્ષે આવી અનેક નિર્દોષ મહિલાઓ આવી ક્રૂરતાથી મોતને ભેટે છે. ડાકણ, ભૂત, પિશાચની બોલબાલા છે. ફલાણા ઘરમાં ભૂત થાય છે એવી માન્યતા ફેલાવો એટલે એ ઘર કોઈ ખરીદે નહીં અને ભાડે પણ લે નહીં. ઢોંગી ધુતારાઓ ગામડામાં જઈને બરોબરનો ધંધો જમાવે છે અને દોરાધાગાનું તૂત ચલાવીને આર્થિક અને સાથે જાતીય શોષણ પણ કરી લે છે. આપણા બંધારણમાં વૈજ્ઞાાનિક દ્રષ્ટિબિંદુની મૂળભૂત ફરજ ઉમેરાઈ છે, અને દંડસંહિતા મુજબ આ રીતે લોકોને છેતરવા એ ગુનો છે પણ પોલીસ કે સરકાર કોઈ કશું જ કરતું નથી. પ્રધાનો પોતે જ અંધશ્રદ્ધાળુ હોય અને પોલીસ પણ બાધાઆખડીમાં માનતી હોય પછી પણ કોણ કોના ઉપર પગલાં લે ? આ દેશમાં કોઈ પણ ધંધો ન ચાલે, ક્યાંય નોકરી ન મળે અથવા તમારે કંઈ મહેનત ન કરવી હોય અને બેઠાં બેઠાં કમાણી કરવીહોય તો આ એક જ રસ્તો છે – કોઈ સાધુ, બાવા કે ફકીરનો વેશ બદલીને ગામડામાં પહોંચી જાવ, તમારા થોડા મિત્રોને કહો કે તમારા વિશે લોકવાયકાઓ ફેલાવે. બાબા બહુ પહોંચેલા છે. સિદ્ધપુરૃષ છે. પાંચસો વર્ષની ઉંમર છે. બીજાના રોગ પોતે લઈ લે છે. બસ ખલાસ. બીજે દિવસે છેતરાવા માટે તલપાપડ એવા લોકોની લાઈન લાગશે. તમારે રંગીન પાણી આપવું. લોકો ખુશ થઈને પૈસા, ભેટસોગાદો આપશે. અને મોટે પાયે સુધરેલા બાવા બનો તો તમને ગાડી, બંગલા, બધું જ મળી જશે. થોડું વાકચાતુર્ય કેળવી લેવાનું અને લોકો અંજાઈ જાય તેવું બોલતા રહેવાનું.

લોકો થોડી સામાન્ય બુદ્ધિ વાપરે તો મંત્રતંત્ર, ચમત્કાર, હિપ્નોટિઝમ, ગ્રહ, રાશિ, આ બધાં તૂતમાંથી બહાર આવી જાય. માણસ આ પૃથ્વી પર લાખો વર્ષોથી વસવાટ કરે છે. પણ આજનો સભ્ય અને સુસંસ્કૃત મનુષ્ય તો એ માંડ પાંચ હજાર વર્ષ પહેલાં બન્યો. એ પહેલાં તો એ જંગલોમાં ફરતો, ગુફાઓમાં પડયો રહેતો, ટોળીઓ લઈને શિકાર કરતો અને બીજાં પશુપક્ષીની જેમ જીવતો રહેતો. ત્યારે એની પાસે ભાષા નહોતી, ધર્મ નહોતો, ધર્મગ્રંથો નહોતા. ભાષા નહોતી માટે જ્યોતિષના નિયમો પણ નહોતા. આમ, લાખો વર્ષ માણસ ધર્મ વિના, ભાષા વિના, ગ્રહોની જાણકારી વિના જીવ્યો છે. એ બધા માણસો નરકમાં ગયા હશે, એમ માની લેવાની જરૃર નથી. એ પછી માણસે ભાષા વિકસાવી, જ્ઞાાન-વિકાસનો વિકાસ થયો, ધર્મગ્રંથો રચ્યા. માણસ સામાજિક બન્યો. કુટુંબપ્રથા વિકસી. લગ્નનો રિવાજ આવ્યો, ચલણ આવ્યું, નોકરી-ધંધા વિકસ્યાં. આમ, આ બધું માણસે પોતાની સગવડ માટે, સુવિધા માટે, આનંદ માટે વિકસાવ્યું. પશુપંખીઓમાં જીવ છે પણ ત્યાં લગ્ન નથી, ધર્મ નથી, નોકરી-ધંધા નથી. માણસે પણ આ બધું હજી હમણાં જ ઊભું કર્યું છે. આ બધી રચના કુદરતી નથી, કૃત્રિમ છે.

માણસ સુધર્યો એટલે એણે સ્વચ્છતાના નિયમ અપનાવ્યા. એ નહાતો થયો. કપડાં પહેરવા માંડયો સારો ખોરાક ખાવા લાગ્યો. વિજ્ઞાાન અને તબીબી વિજ્ઞાાનની મદદથી દવાઓ બનાવી, રોગ સામે લડાઈ આદરી અને લાંબું જીવવા માંડયો. યુરોપના લોકો સ્વચ્છતા જાળવે છે, સારી હવામાં રહે છે, સારું ખાય છે, તો એ લોકો ૮૦-૯૦ વર્ષ જીવે છે. એશિયા, આફ્રિકાના લોકો ગંદકી અને પછાતપણામાં સબડે છે અને નિશ્ચિત છે, વિધાતાએ બધું લખી રાખ્યું છે, તો એમાં કોનો દોષ ? એક બાજુ ઇચ્છિત બાળક માટે સાધુબાવાઓ પાસે લોકો જાય છે અને બીજી બાજુ મોટી હોસ્પિટલો અને સોનોગ્રાફીની પ્રયોગશાળાઓ ઊભી થાય છે. આ વિરોધાભાસમાંથી આપણો નાગરિક ક્યારે નીકળશે ?

આ અંધશ્રદ્ધાથી લોકો પ્રમાદી બન્યા છે. પ્રારબ્ધવાદી બન્યા છે. કામ કરવામાં કે મહેનતમાં કોઈને રસ નથી. આખો દિવસ ક્રિયાકાંડો કરવા, અનુષ્ઠાનો કરવા અને ઓફિસોમાં કે ધંધામાં ભ્રષ્ટાચાર કે કરચોરી કરવી અને પછી જે બંગલો બને એનું નામ દેવીકૃપા રાખવું ! દુનિયાના જે દેશો આગળ આવ્યા છે એ પ્રબળ પુરૃષાર્થથી આવ્યા છે. માત્ર આર્થિક ઉદારીકરણથી કે વિદેશી મૂડી લાવવાથી દેશ આગળ નહીં વધી જાય.

આપણી પાસે વિજ્ઞાાન છે, ટેક્નોલોજી છે, પ્રયોગશાળાઓ છે, અગ્નિ અને રોહિણી જેવાં પ્રક્ષેપાસ્ત્રો છે, પણ વૈજ્ઞાાનિક દ્રષ્ટિબિંદુ નથી. વિજ્ઞાાનનો મૂળ હેતુ જીવનમાં આપણો અભિગમ વૈજ્ઞાાનિક બનાવવાનો છે. મારા ઘરમાં બેસીને થોડી સિલિકન અને ડાયોડ એકઠાં કરીને હું રેડિયોસેટ બનાવું અને પછી તરત કોઈ દેવી-દેવતા કે ઓલિયા પીરની માનતા પૂરી કરવા જાત્રાએ નીકળી જાઉં તો એ બંને વર્તન વચ્ચે પાયાનો વિરોધાભાસ છે. વિજ્ઞાાનની અદ્ભૂત પ્રગતિ એક જ વાત ઉપર ભાર મૂકે છે કે મનુષ્ય સૃષ્ટિનાં રહસ્યોને પ્રચંડ પુરૃષાર્થથી ઉકેલી શકે છે. વિજ્ઞાાનના નિયમોમાં જો અને તો કે અપવાદ હોતો નથી. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા કરો તો પાણી જ થાય, દૂધ ન થાય. જમીન પર ગોલેકસની ટીકડીનો ભૂકો નાખીને ઉપર પાણીવાળા પગે ચાલો એટલે કંકુ પગલાં પડે ! ઢોંગી સાધુબાવાઓ આવા કહેવાતા ચમત્કારોથી ભોળા લોકોને છેતરી જાય છે.

સુરતમાં એક જ્યોતિષીઓ એક ડેમ તૂટવાની આગાહી કરી ત્યારે લાખો લોકો ગભરાઈને ભાગી ગયા હતા. આશા રાખીએ કે હવે પછી સરકાર અગાઉ જેવી મૂર્ખાઈ આચરીને લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલશે નહીં.

Advertisements

2 comments

 1. શ્રદ્ધા ના ઑઠા હેઠળ થતા અંધ્ધશ્રદ્ધા ના સર્વે ધતીન્ગો પાછળ પંડીતો, મુલ્લાઓ, પાસ્ટરો વગેરે નો જબરદસ્ત ફાળો છે, અને તૅઓ આ ધતીન્ગો થી અઢળક કમાણી કરે છે. જ્યાં સુધી તેઓનું અસ્તિત્વ છે, ત્યાં સુધી ધતીન્ગો ચાલતા રહેશે અને આપણે લખતા રહેશું.

  જેમ ફીરોઝભાઈઍ ઉપર લખેલ છે તેમ ની જેમ હું પણ કેનેડાના ઉર્દૂ પ્રકાશનોમાં મુસ્લિમોની આંખો ખોલવા માટે છેલ્લા કેટલાઍ વર્ષોથી લખી રહયો છું અને લખતો રહીશ…………….. હું લખી રહયો છું અને લખતો રહીશ…………….. હું લખી રહયો છું અને લખતો રહીશ…………….. અને અંધ્ધશ્રદ્ધા ના સર્વે ધતીન્ગો ચાલતા રહેશે……………… અને આપણે બધા લખતા રહેશું.

  કાસીમ અબ્બાસ

  Liked by 1 person

 2. Blind Faith is an integral part of our day today life. Any amount of education also doesn’t help us. The biggest proof, if needed at all, is the presence of well educated people of our society found attending Kathas, bayaans and other so called religious gatherings. this section of our society is more responsible for making human beings ‘Bhagwans,’ ‘Acharyas’ and dhongis as Yogis. This blind faith is not limited to a particular religion, place or community.

  We think the West and Europe are ‘Enlightened’ ones. What will you say when you find number of shops of Tarrot Reading, Palm Reading and ‘Guaranteeing’ cure from Cancer? There are hundreds of magazines found here fully devoted to Black Magic.

  From Narmad to Dr. Dabholkar to Com. Pansare and countless ‘Unsung heroes’ have worked’are toiling to educate the people but to no avail. Pansare and Dabolkar were mercilessly murdered by hooligans promoting Blind Faith. Many more will lay their lives but sorry to say all will be in vain. The forces promoting it are very strong and those who fight are weak and very less.

  Blind Faith is number One enemy of the society in 21st century. but who cares? Here in Toronto (Canada) I have a friend Qasim Abbas who tirelessly has been educating Muslims by writing letters to the editors of Urdu newspapers. I do it in writing articles in Gujarati, Hindi and English. Many of our friends are telling us ‘Not to waste our time.’ Not only this there are some time even intimidation.

  Yes, Yasinbhai,I am with you. Come what may but we have to educate people.And we can only educate them we can’t change their thinking and attitudes. This kind of Blind Faith has been ingrained deep into their hearts and mind for thousands of years.

  Firoz Khan
  Journalist, Columnist and Community Activist.
  Toronto, Canada.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s