નિરર્થક સમારંભો કે નિરર્થક તમાશા…?—–વિચાર વિહાર —-યાસીન દલાલ

નિરર્થક સમારંભો કે નિરર્થક તમાશા…?—–વિચાર વિહાર —-યાસીન દલાલ

– જે રૃઢિઓનો આજના યુગમાં કોઇ અર્થ નથી, જે રિવાજો માત્ર નિરર્થક ખર્ચા કરાવે છે અને સમય બગાડે છે, જે પરંપરાઓ માત્ર બંધન લાદે છે એને તો ફેંકી જ દેવા ઘટ

લાંબા સમય સુધી અમદાવાદ-દિલ્હી રેલવેલાઇન તૈયાર થઇને પડી રહી અને છતાં માત્ર ઉદ્ધાટનની વિધિને લીધે ચાલુ ન થઇ. એ સમય દરમિયાન રેલવેને કરોડો રૃપિયાની ખોટ ગઇ અને હજારો પ્રવાસીઓ દિવસો સુધી ખૂબ જ પરેશાન થયા. પ્રશ્ન એ છે કે ઉદ્ધાટનની વિધિ કર્યા વિના આ રેલવેલાઇનનો પ્રારંભ કરી દેવામાં આખર શું વાંધો હતો ? આ કોઇ નવી રેલવેલાઇન તો હતી નહી. માત્ર એના ગેજમાં જ પરિવર્તન આવ્યું હતું.

પણ વિધિવિધાન અને ક્રિયાકાંડોમાં અટવાઇ ગયેલું આપણું પરંપરાવાદી માનસ આપણને આવું વિચારવા દેતું જ નથી. આ રેલવેલાઇનના પરિવર્તનમાં કરોડો રૃપિયા ખર્ચાયા હશે, પણ આ એક દિવસના ઉદ્ધાટનસમારંભ પાછળ કેટલા ખર્ચાયા ? ખુદ વડાપ્રધાન એને માટે આવે, એટલે એમનો વિશાળ સલામતી સ્ટાફ આવે, રેલવે બોર્ડના અધિકારીઓનો રસાલો આવે. સંસદસભ્યો આવે, એ બધાના પ્રવાસ, ભોજન, વાહનવ્યવહાર અને સલામતી પાછળ પણ બે-પાંચ કરોડ રૃપિયા ખર્ચાયા જ હશે. આપણી રેલવે પાસે તો નાણાં પણ નથી અને કંઇ કેટલી સગવડો એ નાણાંને અભાવે એ પ્રવાસીઓને પૂરી પાડી શકતી નથી. આ સ્થિતિ હોય ત્યારે ઉદ્ધાટન જેવા તમાશા પાછળ કરોડો રૃપિયા શા માટે વેડફી દેવા જોઇએ ?પણ ઉદ્ધાટન, વિમોચન, મંગળ પ્રારંભ જેવા પ્રસંગો વિના આપણને ચેન પડતું નથી. બેએક વર્ષ પહેલા સુરતના એક અખબારમાં વાંચ્યું હતું કે ત્યાંની મ્યુનિસિપલ કોર્પોરેશને કોઇ લતામાં થોડા સંડાસ બનાવ્યા તો એના પણ ઉદ્ધાટન માટે એક મોટો સમારંભ યોજાયો.

આપણું કોઇ પણ કામ શુભ મુહૂર્ત કે ચોઘડિયું નક્કી કર્યા વિના થતું નથી. મકાન બાંધવું હોય, મકાન પૂરું થયા પછી એમાં રહેવા જવાનું હોય, સંતાન અવતરે ત્યારે એનું નામ પાડવાનું હોય, લગ્ન નક્કી કરવાના હોય, નોકરીમાં જોડાવાનું હોય કે પ્રવાસ કરવાનો હોય આ બધામાં આપણે બુદ્ધિ કે તર્કને બિલકુલ કોરાણે મૂકીને બસ પરંપરા કે વિધિવિધાનને જ શરણે જઇએ છીએ. પરિણામે અમુક ચોક્કસ દિવસોમાં શહેરમાં એકસાથે સેકડો લગ્નો યોજાય. લગ્ન માટે હોલ ન મળે, કંકોત્રી છપાવવા માટે પ્રેસ ન મળે, કેટરર પણ મન ફાવતા ભાવ પડાવે, ફોટોગ્રાફર ઇન્ટિરિયર ડેકોરેટર બધાની તંગી થાય થાય અને બધા તકનો પૂરો લાભ લઇ લે અને એક જ દિવસે અનેક પરિચિતોને ત્યાં લગ્ન પ્રસંગ હોય એટલે એમાં હાજરી આપનાર માણસ પણ પરેશાન થઇ જાય. એક સ્થળે ઔપચારિક રીતે માત્ર હાજરી પુરાવીને એણે ફટાફટ બીજે સ્થળે દોડવું પડે. બધે ટ્રાફિક જામ થઇ જાય. રસ્તાઓ બંધ થઇ જાય. પેટ્રોલ અને ડીઝલનો બગાડ થાય. અનાજનો તો મોટા પાયે બગાડ થાય. આ બધું જ પરંપરાના નામે ચાલ્યા કરે. હવે તો કેન્દ્ર અને રાજ્યોમાં પ્રધાનમંડળની સોગંદવિધિમાં પણ આ જ તાસીરો થાય છે. બધાની અનુકુળતા જોઇને ચોક્કસ સમયે સમારંભ ગોઠવાય, પણ અચાનક ચોઘડિયું અનુકુળ નથી, એવી સલાહ મળે એટલે બધુ જ ખોરવાઇ જાય. ફરીથી નવસેર બધુ આયોજન કરવું પડે, એમાં બધાનો સમય બગડે. પણ એની કોને પડી છે ?

મનુષ્ય જેમ જેમ બૌદ્ધિક બને એમ સદીઓ જૂની, અર્થહીન રૃઢિઓ અને પરંપરાઓમાંથી બહાર આવતો જાય. પણ, આપણે તો ઘડિયાળના કાંટા ઊંધા ફેરવવાના શોખીન છીએ. આજે તો સાદાઇથી લગ્ન થવા એ લગભગ નહીવત અપવાદ જેવું થઇ ગયું છે અને ઠાઠમાઠ અને આડંબર જ છવાઇ ગયા છે. ઉપરથી એક દિવસનો લગ્નપ્રસંગે હવે તો ત્રણચાર દિવસ લંબાવાય છે. એક દિવસ ભોજનસમારંભ થાય, બીજે દિવસે દાંડિયા રાસ રમાય, ત્રીજે દિવસે લગ્નની વિધિ થાય, એમ તમાશો ચાલતો રહે. ભોજનમાં પણ કોઇને જમવું હોય તો એ થાળી લે, કોઇને નાસ્તો કરવો હોય તો એ પણ મળે, કોઇને મોટી હોટલની જેમ પંજાબી કે ચાઇનીઝ વાનગીઓ જોઇતી હોય તો એ પણ હાજર, અને ઉપરથી ચા, પાન, આઇસ્ક્રીમ એ લટકામા…આવા લગ્નપ્રસંગોમાં દર વર્ષે રૃા.૧૦થી ૧૫ હજાર કરોડની રકમ વેડફાય છે એમ એક વાર બાબુભાઇ જશભાઇ પટેલે આંકડો કાઢીને કહ્યું હતું અને આ બધું જ પરંપરાના ચુસ્ત ઢાંચામાં રહીને જ થાય. આજના લગ્નમાં યુવક-યુવતીના લોહીનું પરીક્ષણ કરવું જોઇએ. એને બદલે કુંડળીઓ સરખાવવામાં આવે અને બધી જ વિધિઓ રૃઢિ, માન્યતા, ગ્રહોના દાયરામાં જ જકડાયેલી રહે.અને આપણા સમારંભો પણ કેટલા બધા સ્ટીરિયોટાઇપ બીબાઢાળ બની ગયા છે ! દરેક સમારંભ એકાદ કલાક મોડો શરૃ થાય. એ પછી પ્રાર્થના ગવાય. પછી ફૂલહારથી મહેમાનોનું સ્વાગત થાય. મંચ પર બે- પાંચ નહી, પણ પંદર- વીસ મહાનુભાવો સવાર થઇ ગયા હોય. બધાને અલગ અલગ માણસો હાર પહેરાવે. હાર પહેરાવનારા પ્રેક્ષકોમાં વેરવિખેર બેઠા હોય એટલે એમને મંચ પર આવવા અને જવામાં ઘણો બધો સમય બગડે. એ પછી ફલાણાભાઇ ફલાણાભાઇનો પરિચય આપશે, ફલાણાભાઇ આર્શીવચન ઉચ્ચારશે, ફલાણા મહાનુભાવ ઉદ્બોધન કરશે, એમ અર્થહીન ભાષણોનો સિલસિલો શરૃ થાય અને કલાકો સુધી ચાલ્યા કરે. છેવટે લાંબુ લાંબુ આભારદર્શન આવે અને જો કોઇ વ્યક્તિના સન્માનનો સમારંભ હોય તો તો થઇ જ રહ્યું. બસો-પાંચસો વ્યક્તિઓ એને હાર પહેરાવે અને એ વિધિમાં ખૂબ લાંબો સમય જાય. આને બદલે પ્રતીક રૃપે બે-ચાર માણસો દ્વારા એ કામ કરાવી શકાય, જેથી સમય બચે અને ફૂલહારનો પણ દુર્વ્યય અટકે. છેલ્લી ઘડીએ કોઇક ભાઇ પ્રેક્ષકોમાંથી હારતોરા લઇને મંચ પર ચડી જાય, તો કોઇ મારે પણ બોલવું છે. એમ કહીને ધસી આવે. આવા સમારંભના આમંત્રણ કાર્ડ જોવા જેવા હોય છે. હમણાં આવું એક કાર્ડ જોયું તો એમાં પૂરા ૧૯ જણાનાં નામ અતિથિવિશેષ પ્રમુખ અતિથિ, ખાસ મહેમાન, વગેરે અલગ અલગ શીર્ષક હેઠળ છાપ્યાં હતા ! અતિથિવિશેષ અને મુખ્ય મહેમાન કે ખાસ મહેમાનમાં શો ફરક ? આટલું અધૂરું હોય એમ હવે ક્યાંક વિશેષ ઉપસ્થિતિ એવો શબ્દપ્રયોગ કરીને પણ પાંચ- પંદર માણસોની યાદી છાપી મારવામાં આવે છે ! કોઇ વ્યક્તિ કોઇ નાનકડા હોદ્દા પર નિમાય એમાં તો દિવસો સુધી એના અભિવાદનના સમારંભો ચાલ્યા કરે છે આપણને તો કંઇ પણ કામ કરવાને બદલે પ્રચાર અને ભાષણબાજીના ઢોઇ પીટવાની આદત જ પડી ગઇ છે. કોઇ શાળા કે કોલેજનું નવું વર્ષ શરૃ થાય એટલે તરત મંગળ પ્રારંભના સમારંભો શરૃ થઇ જાય. કોઇ ધર્માદા સંસ્થા કંઇક નવી સગવડ શરૃ કરે કે કંઇક નવું મશીન વસાવે એટલે એને માટે મોટા બધા સમારંભો કરે, ફોટા પડાવે અને જાત જાતના ક્રિયાકાંડો કરે. આવા બધા પ્રસંગોએ જે શબ્દરમતો આચરાય છે. જે ભાષણો થાય છે. જે વચનો અપાય છે અને જે જાહેરાતો થાય છે. એમાં સચ્ચાઇ કેટલી એનો અભ્યાસ થાય તો બધો દંભ બહાર આવે.

અલબત્ત, કેટલીક સંસ્થઓ અપવાદ કરીને પરંપરાથી જુદા પડીને કશુંક નવું કરી બતાવવાનો પ્રયત્ન કરે છે. એની પણ નોંધ લેવી જોઇએ. નડિયાદમાં ગોવર્ધનરાયે સ્થાપેલી એક લાઇબ્રેરી છે, જેનું નામ ‘ડાહી-લક્ષ્મી પુસ્તકાલય’ છે. આ પુસ્તકાલયે બે-એક વર્ષથી નવો ચીલો પડયો છે. દર વર્ષે એ ત્રણચાર સાહિત્યકારો,ચિંતકોના વ્યાખ્યાન યોજે છે. એની ટિકિટ રાખે છે અને કોનાં વ્યાખ્યાન યોજવા એ વાચકોને પૂછીને નક્કી કરે છે ! ખૂબીની વાત એ છે કે સાહિત્યકારોના વ્યાખ્યાનની ટિકિટો અગાઉથી વેચાઇ જાય છે અને આખો હોલ ભરાઇ જાય છે ! એ પછી જે વ્યાખ્યાન યોજાય એમાં મંચ પર માત્ર વક્તા સિવાય કોઇ નહી, કોઇ લાંબી ભાષણબાજી નહી, ક્રિયાકાંડો નહી બધો સમય વક્તા અને શ્રોતાઓને જ આપી દેવાનો. પ્રવચન પૂરું થાય એ પછી સંસ્થાના મંત્રી વાચકોના પ્રશ્નોમાંથી પસંદગીના પ્રશ્નો પૂછતા જાય અને વક્તા જવાબ આપતા જાય ! આ બધી પ્રક્રિયામાં રહેલી નવીનતા, તાજગી અને પરંપરા છોડીને નવું કરી બતાવવાના ઉત્સાહને લીધે આખો કાર્યક્રમ અત્યંત રસપ્રદ બની રહે છે. વર્ષો પહેલા રાજકોટમાં સુરેશ જોષીનો ઓપન યુનિવર્સિટી કાર્યક્રમ યોજાયો હતો, એમાં પણ કંઇક આવું કરી બતાવવાની ધગશ જોવા મળી હતી, પણ આ તો બહું જૂજ અપવાદો છે. એ સિવાય તો આપણે ક્યાંય રૃઢિને તોડી જ શકતા નથી.

કહેવાનો અર્થ એ નથી કે ક્રાંતિ ખાતર ક્રાંતિ કરી નાખવી અને બધા જ રીતરિવાજો અને પરંપરાઓને ફેંકી દેવા પણ આપણે સારાસારનો વિવેક તો જરૃર કરી શકીએ. જીવન તદ્દન નીતિનિયમો વિનાનું હોઇ શકે નહી અને કેટલાક પ્રોટોકોલ જીવનવ્યવસ્થા ટકાવવા માટે અનિવાર્ય છે. પણ જે પરંપરાઓ સમયની કસોટીમાં તદ્દન નિષ્ફળ નીવડી છે, જે રૃઢિઓનો આજના યુગમાં કોઇ અર્થ નથી, જે રિવાજો માત્ર નિરર્થક ખર્ચા કરાવે છે અને સમય બગાડે છે, જે પરંપરાઓ માત્ર બંધન લાદે છે એને તો ફેંકી જ દેવા ઘટે. મકાન બાંધવું. નોકરીમાં જોડાવું. નિવૃત્ત થવું, કોઇ નવી સામગ્રી વસાવવી, વગેરે તદ્દન રાબેતા મુજબની ક્રિયાઓને પણ આપણે શા માટે યાંત્રિક ઢાંચામાં ગોળીને એના તમાશા યોજીએ છીએ ? જીવનની તદ્દન સાહજિક ગતિવિધિઓને શા માટે આટલી હદે અસહજ ક્રિયાકાંડમાં ફેરવી નાખીએ છીએ ? આજનો યુગ તો કામ કરવાનો, ઉત્પાદન વધારવાનો અને પુરુષાર્થનો યુગ છે. જે કામ કરીએ એની જાણ ચોક્કસ સમાજને કરીએ. પણ કામ કરવાનું મોકૂફ રાખીને માત્ર પ્રચાર, સ્ટંટ ભાષણબાજી અને વિધિવિધાનો જ કરતા રહીશું તો એનાથી કોને શું લાભ થવાનો છે ?

ધાર્મિકતા સામે વિરોધ નથી. વિરોધ ધાર્મિકતાને નામે ચાલતી વ્યક્તિ પૂજા અને સંપત્તિસંચયનો છે. સાચી ધાર્મિકતા કદી નિષ્ક્રિયતા અને અકર્મણ્યતાનો ઉપદેશ ન આપે. આપણે આપણી શેરીની ગંદકીની ઉપેક્ષા કરીએ, મચ્છરથી થતા રોગોની ચિંતા પણ ન કરીએ, અડધી પ્રજા અભણ છે એ સત્ય તરફ આંખમીંચામણાં કરીએ, બે કરોડ બાળકો શાળાએ જવાને બદલે ફટાકડા અને માચીસના કારખાનામાં મજૂરી કરવા જાય છે એ આઘાતજનક માહિતીને જાજમ નીચે દાબી દઇએ અને પછી કહેવાતી ધાર્મિકતાના ઢગલામાં શાહમૃગની જેમ માથું નાખી દઇએ એની સામે વિરોધ છે. જે ચાલતો રહે એને સત્ય મળે. મૂર્છાવસ્થામાં સૂતો રહે એને સત્ય મળે નહી. વિચારની યાત્રામાં જે એક કદમ ચાલવા તૈયાર હોય એ માણસ આજે નહી તો કાલે સત્યને પામવાની અપેક્ષા રાખી શકે.

Advertisements

One comment

  1. ધાર્મિકતા સામે વિરોધ નથી. વિરોધ ધાર્મિકતાને નામે ચાલતી વ્યક્તિ પૂજા અને સંપત્તિસંચયનો છે. સાચી ધાર્મિકતા કદી નિષ્ક્રિયતા અને અકર્મણ્યતાનો ઉપદેશ ન આપે.

    ‘ડાહી-લક્ષ્મી પુસ્તકાલય’ નો ” નવો ચીલો”પ્રશશ્ય….

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s