વિશ્વની સાથે કદમ મિલાવવા હોય તો…..વિચાર વિહાર—યાસીન દલાલ

વિશ્વની સાથે કદમ મિલાવવા હોય તો…..વિચાર વિહાર—યાસીન દલાલ

વ્યવસ્થિત આયોજન હોય તો આ નવી શોધખોળોની મદદથી દેશની કાયાપલટ કરી શકીએ.

આ સહસ્ત્રાબ્દીની સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિ વિજ્ઞાાન અને ટેકનોલોજીની છે. ખગોળ વિજ્ઞાાનથી માંડીને તબીબી ક્ષેત્ર સુધી આધુનિક વિજ્ઞાાને જે પ્રગતિ કરી છે એ પ્રગતિ ન થઈ હોત તો આપણામાંથી મોટા ભાગના તો આ નવી સદી જોવા માટે જીવતા પણ ન રહ્યા હોત. એક જમાનામાં સરેરાશ આયુષ્ય જ ૪૦ થી ૪૫ વર્ષનું હતું. આજે સુધરેલા દેશોમાં તો એ વધીને ૯૦-૯૫ વર્ષે પહોંચ્યું છે અને હજી આ પ્રગતિની કૂચ સતત ચાલુ જ છે. આવતી સદીમાં મનુષ્યનું વૃદ્ધત્વ રોકવા અને એને કાયમ માટે યુવાન રાખવાના પ્રયોગો પણ સફળ થાય એવી પૂરી શક્યતા છે. એટલું જ નહીં, હૃદયથી કિડની સુધીના શરીરના મોટાભાગનાં અંગઉપાંગોની અદલાબદલી પણ હવે શક્ય બનવાની છે. કૃત્રિમ લોહી બનાવવાના પ્રયોગો ચાલુ છે અને જીવશાસ્ત્રની મદદથી એવા બીજા અવનવા પ્રયોગો ચાલી રહ્યા છે. જેની વાતો પણ અત્યારે અત્યંત રોમાંચક લાગે છે અને ઈન્ટરનેટ ઉપર લોકો પોતાની શારીરિક તકલીફનું વર્ણન કરે છે અને દુનિયાભરમાં ડોક્ટરો એના ઉપચાર બતાવે છે. આપણા માટે તો છેલ્લા બે-ત્રણ વર્ષમાં કમ્પ્યૂટર અને ઈન્ટરનેટ આપણા ઘરઆંગણે આવ્યાં, એ જ આ સદીની કે સહસ્ત્રાબ્દીની સૌથી મોટી ઉપલબ્ધિ છે. આપણામાં જો થોડી દીર્ઘદ્રષ્ટિ, સૂઝ અને થોડું વ્યવસ્થિત આયોજન હોય તો આ નવી શોધખોળોની મદદથી દેશની કાયાપલટ કરી શકીએ. પણ, આપણે હજી એક બાજુ ઈન્ટરનેટ અને બીજી બાજુ ધાર્મિક શ્રદ્ધા, અંધશ્રદ્ધા, કથાઓ અને ધાર્મિક વિખવાદોમાં રાચનારી પ્રજા છીએ.

એક સામયિક સહસ્ત્રાબ્દીની શ્રેષ્ઠ પ્રતિભાનું સર્વેક્ષણ કર્યું તો એમાં મુદ્રણ વિદ્યાની શોધ કરનાર જ્હોન ગુટેનબર્ગનું નામ નીકળ્યું! અને વાત પણ સાચી છે. ગુટેનબર્ગે જો મુદ્રણકળાની શોધ ન કરી હોત તો આ લેખ વાચકોને વાંચવા ન મળી શકત અને આટલાં બધાં દૈનિકો અને સામયિકોની અજાયબ દુનિયા આપણી નજર સામે ઊઘડી જ ન હોત. વાસ્તવમાં ગુટેનબર્ગની આ એક શોધ પછી જ માનવજાતિની પ્રગતિનાં ધ્વાર ખૂલ્યાં છે, એમ કહી શકાય. ૧૪૫૦માં મુદ્રણકળાની શોધ થઈ, એ પહેલાં માણસ કાગળ ઉપર સાદી શાહીથી લખી શકતો એટલું જ. ગુટેનબર્ગને વિચાર આવ્યો કે, આ રીતે લહિયાઓ બાઈબલની નકલો તૈયાર કરે એમાં ખૂબ સમય લાગે છે. એના કરતાં લખાણની એકસરખી અનેક નકલો છાપી શકાય એવું કંઇક વિચારવું જોઈએ. એમાંથી મુદ્રણની કળા વિકસી. પહેલાં પુસ્તકો છપાયાં, પછી દૈનિકો શરૃ થયાં અને ૧૮૯૫માં લુમિયેર ભાઈઓએ સિનેમાની શોધ કરી અને માધ્યમોની દુનિયામાં એક ક્રાંતિ આવી ગઈ. એ પછી વીસમી સદી આવી અને રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, ગ્રામોફોન, ગ્રામોફોન રેકર્ડ, એવી અવનવી શોધો થતી જ રહી અને સદીઓ સુધી ગુફાઓમાં રહેનાર માણસ એકાએક હવામાં ઊડવા લાગ્યો અને દરિયાના પાણી ઉપર સ્ટીમરમાં તરવા લાગ્યો. બધી રીતે વિચારીએ તો આ સહસ્ત્રાબ્દી વિજ્ઞાાન અને ટેકનોલોજીને ફાળે જ જાય છે. એમાં પણ છેલ્લાં ૪૦૦ વર્ષમાં એવી જબરદસ્ત શોધખોળો એટલી ઝડપથી થઈ છે કે, એ પહેલાંના લાખો વર્ષ માણસે કઈ રીતે વિતાવ્યાં હશે એની કલ્પનાથી ગ્લાનિ થઈ આવે.

૧૯૦૧માં માર્કોનીએ રેડિયો બનાવ્યો. ૧૯૦૩માં રાઈટ બંધુઓએ વિમાનની શોધ કરી. ૧૯૦૭માં આર્થર ડોને ફેક્સિમિલ મશીન બનાવ્યું. ૧૯૨૬માં ગોડાર્ડે રોકેટ તૈયાર કર્યું અને ચંદ્ર ઉપર પહોંચવા માટેના કાર્યક્રમનું શિલારોપણ થઈ ગયું. ૧૯૩૩માં રડારની શોધ થઈ. ૧૯૩૮માં ઝેરોક્ષ મશીન આવ્યું. એ જ વર્ષે બોલ-પેન બની. ૩૯માં હેલિકોપ્ટર આવી ગયું. ૪૦માં લોહીને સંઘરવાની પદ્ધતિ વિકસતાં બ્લડ બેંકો અસ્તિત્વમાં આવી. ૧૯૪૬માં જ્હોન મેકલીએ પહેલું ડિજિટલ કમ્પ્યુટર વિકસાવ્યું. ૧૯૪૭માં પોલોરોઈડ કેમેરા બન્યા. ૫૬માં વી.સી.આર. આવી ગયું. ૧૯૬૨માં આર્થર ક્લાર્કની કલ્પના સાકાર થઈ, અને પહેલું કોમ્યુનિકેશન સેટેલાઈટ ‘ટેલસ્ટાર’ બન્યું. ૧૯૭૨માં પોકેટ કેલ્ક્યુલેટર બન્યાં. ૧૯૭૫માં પર્સનલ કમ્પ્યૂટર આવ્યું. ૧૯૭૬માં નાસાએ પ્રથમ સ્પેસ શટલ બનાવ્યું. ૧૯૭૯માં વોકમેન બન્યું.

અને, વિજ્ઞાાનની આ શોધ-સિલસિલાની સમાંતરે તબીબી વિજ્ઞાાને પણ અવનવી તરક્કી ચાલુ જ રાખી, ૧૯૨૧માં ડાયાબિટીસના દર્દીઓ માટે ઈન્સ્યુલિન વિકસાવ્યું. ૧૯૫૨માં પોલિયોની રસી શોધાઈ ગઈ. ૧૯૫૬માં ગર્ભ નિરોધક ગોળી બની. ૧૯૭૮માં પ્રથમ ટેસ્ટ ટયૂબ બેબીનો જન્મ થયો. એ પહેલાં છેક ૧૯૪૩માં કિડનીની બીમારી માટે ડાયાલિસીસ મશીન બની ચૂક્યું હતું. આ થોડા દાખલા છે. આ ઉપરાંત તબીબી વિજ્ઞાાને શીતળાના રોગ પર વિજય મેળવ્યો અને ક્ષયને કાબૂમાં લઈ લીધો. ડૉ. એરહોર્ડે હૃદયનું પ્રત્યારોપણ કર્યું. કિડનીની પણ અદલાબદલી થવા માંડી.

અને, આ બધી જ શોધખોળો અમેરિકા, જર્મની, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ અને ઓસ્ટ્રિયામાં થઈ છે. એમાં ભારત, ચીન, પાકિસ્તાન કે ઈન્ડોનેશિયા ક્યાંય આવતા નથી. ‘હમદોનો’ નામની ફિલ્મમાં એક ગીત હતું, ‘બરબાદિયોં કા શોગ મનાના ફઝૂલ થા, બરબાદિયોં કા જશ્ન મનાતા ચલા ગયા…’ આપણી સ્થિતિ પણ કંઈક આ પ્રકારની છે. આપણો છેલ્લા એક હજાર વર્ષનો ઈતિહાસ વિદેશી આક્રમણો અને ગુલામીનો ઈતિહાસ છે. આપણે પ્રજા તરીકે એટલા બધા વિભાજીત હતા અને એટલા બધા વિખવાદોમાં પડેલા હતા કે કોઈનો પણ મુકાબલો કરી શક્યા નહીં. પચાસ અંગ્રેજો કેરળના કાંઠે ઊતર્યા અને જોયું કે અહીં તો કેશવિહીન વિપ્ર વનિતાનું કૃષિ ક્ષેત્ર પડેલું છે. પરિણામે, ધીમે ધીમે બે-પાંચ હજાર અંગ્રેજોએ પચાસ કરોડની પ્રજાને ગુલામીની જંજીરમાં જકડી લીધી. અંગ્રેજો આપણા નાગરિકોને ચાપલૂસી બદલ રાયબહાદુર કે સરનો ઈલકાબ આપતા અને આપણે હરખાઈ જતા. ચર્ચિલ જેવા અંગ્રેજો આપણી નબળાઇઓને બરોબર ઓળખી ગયા હતા. પરિણામે, એમણે આઝાદી આપતી વખતે આપણા નેતાઓ વિશે જે આગાહીઓ કરી, એ બધી સાચી પડી છે. આટલી હદે પરાજિત પ્રજા જ્યારે ભૂતકાળનું વિશ્લેષણ કરવા બેસે ત્યારે એમાંથી બોધપાઠ લેવા જોઈએ અને ભવિષ્યમાં એનું પુનરાવર્તન ન થાય એનાં પગલાં વિચારવાં જોઈએ. પણ, આપણે તો આપણી સંસ્કૃતિની પોકળ મહાનતાનાં ગુણગાન ગાવામાં જ મશગૂલ છીએ.

૨૧મી સદીની ઉજવણીને પૃથ્વી પર વસતા કરોડો ગરીબ, બેકાર અને ઘરબાર વિનાના લોકોને શી લેવાદેવા છે? મુંબઈ કે અમદાવાદની હોટલોમાં કરોડોના ઉજવણીના તમાશા યોજાયા ત્યારે એ શહેરની ઝૂંપડપટ્ટીમાં રહેનારા અને ઠંડીથી ધૂ્રજતા વંચિતોને માટે તે એમની એ એક વધુ ક્રૂર મશ્કરી જ છે. નવી સદીમાં દરેક સુખી માણસ બીજા દસ દુઃખી માણસોનો ઉદ્ધાર કરવાની પ્રતિજ્ઞાા લેશે ખરો? વૈભવી બંગલામાં રહેનાર ધનાઢ્ય દસ-વીસ ઝૂંપડાંવાસીઓને નાનું રહેવાનું ઘર અપાવવામાં મદદરૃપ થશે ખરો? દર વર્ષે વાવાઝોડામાં ઘરબાર ગુમાવતા લાખો કાંઠાવાસીઓનો ઉદ્ધાર થશે ખરો? રસ્તા પર અકસ્માતમાં જાન ગુમાવનારા અને ઘાયલ થનારા હાજરો રાહદારીઓને સારા રસ્તા મળશે? નળમાં દાખલ થઈ જતું ગટરનું પાણી બંધ થશે? ટાઢમાં કપડાં વિના અને તડકામાં છત્ર વિના ટળવળતા વંચિતોને ૨૧મી સદી શું ભેટમાં આપવાની છે? દેશની સડકો પર અને કારખાનાઓમાં મજૂરી કરનારા ૩ કરોડ બાળમજૂરોનો ઉદ્ધાર આપણે આ સદીમાં કરવાનો સંકલ્પ કરી શકવાની સ્થિતિમાં છીએ? મુંબઈ અને કલકત્તાની ઝૂંપડપટ્ટીમાં શરીર વેચતી લાખો વેશ્યાઓને માટે આ સદી શું લાવી છે? આ વિકરાળ પ્રશ્નોનો જવાબ નવી સદી માંગી રહી છે. આ સમસ્યાઓ ઊકલી શકે તેમ છે, જરૃર છે થોડી સંવેદનાની અને થોડા શ્રમની અંગત સ્વાર્થ અને સત્તાની લાલચમાંથી બહાર આવીને વિચારીશું તો નવી સદીમાં કંઈક નક્કર કરી બતાવવાનું સાહસ મળશે.

આપણે ત્યાં હેલિકોપ્ટર પણ ઊડે છે અને બળદગાડાં પણ ચાલે છે. મુખ્ય પ્રધાનો એક બાજુ ઈન્ફર્મેશન ટેકનોલોજીનાં સપનાં જુએ છે અને બીજી બાજુ દિવસો સુધી બેઠાં બેઠાં કથા સાંભળે છે. દાળઢોકળીની સાથે ઈટાલિયન પિઝા પણ ગોઠવાઈ ગયા છે. કમ્પ્યૂટર આવી ગયું છે, પણ લોકો એના પર કુંડળી કઢાવે છે. વિડિયો દ્વારા કથાશ્રવણ ચાલે છે અને ઝેરોક્ષનો ઉપયોગ પરીક્ષાનાં પ્રશ્નપત્રો ફોડવામાં થાય છે. શાંતિમય સહઅસ્તિત્વનો આપણો આ તદ્દન નવો મૌલિક અભિગમ છે. એક બાજુ દરરોજ ડઝનબંધ નવવધૂઓને સળગાવી દેવાય છે અને બીજી બાજુ સંસદમાં ૩૩ ટકા મહિલા આરક્ષણના ખરડા રજૂ થાય છે. એક તરફ લોકો નળમાં ભળી ગયેલા ગટરનાં પ્રદૂષિત પાણી પીને ઝાડા-ઊલટી અને કોલેરાના શિકાર બને છે અને બીજી બાજુ ઊંચી હોટલોમાં મિનરલ વોટરની બોટલો પીરસાય છે. ઓરિસ્સામાં દસ હજારો માણસો વાવાઝોડાથી મરી રહ્યા હતા. ત્યારે આપણા સંસદસભ્યો પોતાને મળતા મફત વિમાનપ્રવાસ વધારવાના ઠરાવ પર મતદાન કરી રહ્યા હતા. એક બાજુ પર્સનલ કમ્પ્યૂટરની બોલબાલા છે, અને બીજી બાજુ ખેતરમાં આપણો ખેડૂત હજી જાતે હળ ચલાવીને વાવણી કરે છે. ૨૧મી સદીના આરંભે આપણે આવા હજારો ભવ્ય વિરોધાભાસોમાં રાચી રહ્યા છીએ. આપણી પાસે ભવિષ્યનું કોઈ વિઝન નથી, દ્રષ્ટિ નથી, આયોજન નથી. નેતાઓ સત્તા ટકાવવા માટે હવામાં બાચકા ભરી રહ્યા છે. વૈજ્ઞાાનિકોને ઝડપી ટ્રેન બનાવવામાં નહીં, પણ બોમ્બ અને મિસાઈલ બનાવવામાં વધુ રસ પડી રહ્યો છે.

૨૧મી સદીમાં વિશ્વની સાથે કદમ મિલાવવા હોય તો એક સ્પષ્ટ અને સીધી વિકાસરેખા દોરવી પડશે, ભૂતકાળના સાંસ્કૃતિક વળગણ અને મિથ્યાભિમાનમાંથી બહાર આવવું પડશે. મધરાતે શેરીઓમાં ફટાકડા ફોડવાથી ૨૧મી સદી આવી જશે નહીં, એને માટે નજર ભવિષ્ય તરફ ફેરવવી પડશે. આવતી સદી ‘ક્લોનિંગ’ની સદી છે. આવતી સદી ઈન્ટરનેટ ઉપર તબીબી સલાહ મેળવવાની સદી છે. આવતી સદી ઈશાક આસીમોવ અને આર્થર ક્લાર્કની અને કાર્લ સેગનની કલ્પનાઓ સાકાર કરવાની સદી છે. વિજ્ઞાાન અને ટેકનોલોજી ઉપરછલ્લા સુશોભન માટેનાં આભૂષણો નથી, પણ જીવનના દરેક નિર્ણયમાં અપનાવવાની ચીજ છે. પાણીની અછત નિવારવી હોય કે વાવાઝોડાં રોકવા હોય તો ટેકનોલોજી પાસે ઉપાય પડયા છે. આપણી પાસે એ ટેકનોલોજીના ઉપયોગની સૂઝ અને ઈચ્છાશક્તિ જોઈએ.

Advertisements

One comment

  1. ” આપણે હજી એક બાજુ ઈન્ટરનેટ અને બીજી બાજુ ધાર્મિક શ્રદ્ધા, અંધશ્રદ્ધા, કથાઓ અને ધાર્મિક વિખવાદોમાં રાચનારી પ્રજા છીએ”
    . “૨૧મી સદીમાં વિશ્વની સાથે કદમ મિલાવવા હોય તો એક સ્પષ્ટ અને સીધી વિકાસરેખા દોરવી પડશે, ભૂતકાળના સાંસ્કૃતિક વળગણ અને મિથ્યાભિમાનમાંથી બહાર આવવું પડશે”

    .સાચી વાત,સાંસ્કૃતીનુ ગૌરવ જરૂરરાખીે પણ મિથ્યાભિમાન છોડી આગડ વધીે

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s