મનુષ્યને મળેલ ઉત્તમ ભેટ—-વિવેકબુદ્ધિ વિચારવિહાર—યાસીનદલાલ

મનુષ્યને મળેલ ઉત્તમ ભેટ—-વિવેકબુદ્ધિ વિચાર વિહાર—યાસીન દલાલ

– સ્વતંત્ર વિચારશક્તિ અને વિવેક બુદ્ધિ એ મનુષ્યને મળેલ ઉત્તમ ભેટ છે પણ આપણે સ્વેચ્છાએ આપણી વિવેકબુદ્ધિ અને વ્યક્તિતાને ધર્મને ચરણે ધરી દઈએ છીએ

આપણે સતત, રાત-દિવસ, ઊઠતાં બેસતાં, સંસ્કૃતિનાં ગુણગાન ગાતાં રહીએ છીએ, આપણી કહેવાતી સિદ્ધિઓ વિશે વારંવાર આપણે આપણી પીઠ થાબડીએ છીએ અને આપણી જાતને પ્રમાણપત્ર આપતા રહીએ છીએ. પશ્ચિમી સંસ્કૃતિ પતિત છે ત્યાં નૈતિક મૂલ્યો નથી, આધ્યાત્મિક સુખ નથી, મનની શાંતિ નથી અને આપણે ત્યાં ધર્મ છે, આધ્યાત્મિકતા છે, મનની શાંતિ છે, એવી ‘થિયરી’નો પ્રચાર આપણે ઢોલ વગાડીને વર્ષોથી કરતા આવ્યા છીએ. આપણા ગામો અને શહેરોમાં સતત નવાં નવાં મંદિરો, દેરાસરો ઊભાં થતાં રહે છે, એના ઉદ્ધાટન સમારંભો યોજાય છે એના ઉપર વિમાનોમાંથી પુષ્પવૃષ્ટિ કરવામાં આવે છે. ધાર્મિક શોભાયાત્રાઓ અને શતાબ્દીઓ અને દ્વિશતાબ્દીઓ પાછળ પણ અઢળક ધન ખર્ચાય છે અને હવે તો સરકાર પણ એમાં જાહેર તંત્ર અને સગવડો આપે છે.

આવી ધાર્મિકતાના જાહેર પ્રદર્શનના પડદા પાછળ આપણે ત્યાં કેવો અધર્મ સતત, બિનરોકટોક, બેશરમ રીતે ચાલે છે? કુરિવાજો ક્રૂરતા, બર્બરતાને ધર્મના નામે આપણે રક્ષણ આપીએ છીએ. દરેક પ્રકારની કુરૃઢિને પરંપરા અને ધર્મના આદેશનું કવચ ઓઢાડી દઈએ છીએ. કોઈ સ્ત્રીના પતિના મૃત્યુ સાથે ધાર્મિક આસ્થાને જોડી દેવાય એટલે પત્યું! કોઈ સ્ત્રીને એનો પતિ ત્યજી દે છતાં એને ભરણપોષણ મળતું હોય તે અમાનવીય રીતે બંધ કરી દેવામાં આવે અને એથી પાછળ ધર્મના આદેશનું બહાનું ધરવામાં આવે. ધર્મને નામે જાહેર જમીન મિલકતો ઉપર પેશકદમી કરવાની છૂટ. ધર્મના નામે રસ્તાની વચ્ચે બધાને નડે એ રીતે કોઈ ધર્મસ્થાન ઉભું કરી શકાય. ધાર્મિક પર્વોની ઉજવણીના નામે ઘોંઘાટ અને કોલાહલ સર્જી શકાય. ઉત્સવોને નિમિત્ત બનાવીને અમૂલ્ય લાકડું અને બળતણનો વ્યય કરી શકાય. આખા રસ્તાઓ બંધ કરી શકાય. એક ધર્મસ્થાનમાં એક મોટા વાસણમાં પકવેલું ભોજન ખાવા લોકો એ વાસણમાં આખા અંદર ઊતરી જાય છે!
આપણે માણસ સિવાય દરેક પ્રાણીને પૂજીએ છીએ. પથ્થરને પણ પૂજીએ છીએ. એક પશુની હત્યા થાય એટલે ગામ આખામાં તંગદિલી ફેલાય એને પગલે જે તોફાનો ફાટી નીકળે એમાં થોડા માણસો મરે ત્યારે એ તંગદિલી હળવી થાય! ધર્મ પ્રગટયો ત્યારે એક વિધાયક ઘટના તરીકે પ્રગટયો હતો. આજના વિશ્વમાં ધર્મ જેવી નકારાત્મક ઘટના કોઈ નથી. ધર્મે માણસમાં રહેલા એના પોતીકા વ્યક્તિત્વને મારી નાખ્યો. એના સ્વત્વને હણી લીધું. એની ખુદ્દારી અને ખુમારીને ખતમ કરી નાખી. કદાચ એટલે જ ગાલિબે કહ્યું હતું, ‘બંદગી મેં મેરા ભલા ન હુઆ.’

આપણે આપણા પડોશીના ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં એનો ધર્મ, જ્ઞાાતિ, પ્રદેશ, બધું બરાબર જાણી લઈએ છીએ. એના ઘરનું પાણી પિવાય એમ છે કે નહિ, એને ધર્મની સરાણ ઉપર ચડાવીને નક્કી કરી લઈએ છીએ. આવા પરિચય, આવા મિલનમાં માત્ર ઔપચારિકતા અને દંભ સિવાય કશું હોતું નથી. ધર્મ માણસને જોડે કે જુદા પાડે? ધર્મ માણસને એના પછાતપણા અને પ્રાકૃતપણાની કેદમાંથી બહાર આવવા દેતો નથી.
જે દેશમાં દરરોજ ક્યાંક ને ક્યાંક ધર્મને નામે બે પાંચ માણસોને મારી નાખવામાં આવે, એ દેશને ધાર્મિક કહેવડાવાનો અધિકાર ખરો? જે દેશમાં દરરોજ કોઈને કોઈ ખૂણે પોલીસ ગોળીબારમાં બે-પાંચ માણસો મરી જતા હોય એ પ્રજાને પોતાને શાંતિપ્રિય તરીકે ઓળખાવવાનો અધિકાર ખરો? આપણી કહેવાતી આધ્યાત્મિકતા તો હવે મશ્કરીનો વિષય બની ગઈ છે. ભારતના લોકો લાખોની સંખ્યામાં અમેરિકા અને અખાતના દેશોમાં જાય એને ભુલાવી દઈને ત્યાંથી બે-પાંચ માથા ફરેલા લોકો આપણા દેશમાં આવીને કોઈ ધર્મગુરુના ચેલા બને ત્યારે આપણે આપણી આધ્યાત્મિકતાનું ગર્વ લેવા માંડીએ છીએ! પણ એ ધર્મગુરુ પોતે એરકન્ડિશન મશીન, રેફ્રિજરેટર અને ટેલિવીઝનની સંસ્કૃતિમાં રાચતા હોય છે! એમને ધર્મનો પ્રચાર કરવા માટે પશ્ચિમનાં બધા ભૌતિક સાધનસગવડોની ગરજ રહે છે! વિડિયો ઉપર કથા સાંભળીને મેળવેલું પુણ્ય કેટલું તકલાદી ગણાય!

દરેક ચીજનો વેપાર કરનાર આપણી પ્રજાએ ધર્મને પણ નથી છોડયો. મંદિરોમાં પ્રભુની આરતી અને પ્રસાદના પણ જુદા જુદા ભાવ નક્કી કરીને એનું પાટિયું મારવામાં આવે છે! પ્રભુના ઘરમાં પણ પૈસાની બોલબાલા! પુણ્યનો પણ ચડાવો થાય અને પૈસાદાર વધુ પૈસા ખરચીને વધુ પુણ્ય ખરીદે. આજના ધાર્મિકસ્થાનો પણ મોટાં સ્થાપિત હિતો બની ગયાં છે. એમની આવક અને મિલકત ઉપરથી એમની મહત્તા નક્કી થાય છે. માણસ માણસ વચ્ચે ધર્મની દીવાલ આવીને ઊભી રહી ગઈ છે. ધર્મનાં સ્થાનો ઉપર અધર્મીઓએ અડ્ડો જમાવ્યો છે. આજના ધર્મ ઉપદેશકો પણ જનસંપર્ક અને પ્રચારના આધુનિક કીમિયા અજમાવે છે અને ધર્મસ્થાનોને ફિલ્મી મનોરંજનની કક્ષાએ લઈ જઈને લોકરંજન કરે છે. આવી કથાઓ સાંભળવા જવું એ ફેશન બન્યું છે. બધા પયગંબરો આજના ધર્મની અવદશા જોઈ શકત તો એકસામટા પોતાના ધર્મગ્રંથોને પાછા ખેંચી લેત. આપણાં દુઃખ-દર્દોનું ઓસડ ધર્મના એજન્ટો પાસે નથી એ સત્ય આપણને ક્યારે સમજાશે?

જો ધર્મસ્થાનો, પૂજાપાઠ અને હોમહવનોથી કલ્યાણ થતું હોય તો આપણા દેશમાં તો સ્વર્ગ ઊતર્યું હોત. સેંકડો સંપ્રદાયો અને પંથોવાળા દેશમાં શેરીએ શેરીએ ધર્મગુરુઓ, સાધુઓ, ફકીરો જોવા મળે છે. ડગલે ને પગલે મંદિર, મસ્જિદ જોવા મળે છે. નીતનવા સ્થળોએ ધૂન-ભજનો થાય છે, કથા થાય છે. દરેક નવું કામ ધાર્મિક વિધિથી થાય છે. ભૂમિપૂજનની સાથે આપણે ચોપડાનું પણ પૂજન કરીએ છીએ! આવા દેશમાં ગરીબી અને ભૂખમરો શા માટે હોય? આવા દેશમાં શા માટે વરસાદ જ ન પડે? શા માટે કુદરત આપણા ઉપર જ રૃઠે? આવા સામાન્ય સવાલો આપણે આપણી જાતને પૂછતા નથી અને જેમ હતાશ થઈએ તેમ વધુ ને વધુ ધાર્મિક ક્રિયાકાંડોને શરણે જઈએ છીએ. મોરબીનાં બધાં ઘરોમાં પ્રવેશતાં પહેલાં લોકોએ ભૂમિપૂજન કર્યું હતું અને ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ એ દિવસે દોઢસો લગ્નનું મુહૂર્ત નક્કી થયું હતું! જન્મકુંડળી મેળવીને થતાં લગ્નો પણ છ માસમાં તૂટી જાય છે!

સ્વતંત્ર વિચારશક્તિ અને વિવેક બુદ્ધિ એ મનુષ્યને મળેલ ઉત્તમ ભેટ છે પણ આપણે સ્વેચ્છાએ આપણી વિવેકબુદ્ધિ અને વ્યક્તિતાને ધર્મને ચરણે ધરી દઈએ છીએ. ગેલેલિયો અને કોપરનિક્સે પોતાની વિવેકબુદ્ધિ અધર્મને ચરણે ધરી દીધી નહોતી. એમ હોત તો ઔદ્યોગિક ક્રાંતિનો પાયો જ ન મંડાત અને આપણે કમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યા ન હોત. ધર્મ કશુંક પ્રાપ્ત કરવાનું સાધન કે માધ્યમ બની શકે, પણ એ સાધ્ય કદી બની શકે નહીં.

રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદની ચિંતા અયોધ્યાવાસીઓને નથી એટલી બહારના લોકોને છે! જ્યારે આ પ્રશ્ને કેટલાંક શહેરોમાં ‘ધર્મયુદ્ધ’ ખેલાઈ રહ્યું હતું ત્યારે અયોધ્યામાં સંપૂર્ણ શાંતિ પ્રવર્તતી હતી! મસ્જિદ અને મંદિરમાં એકસરખો પથ્થર, સિમેન્ટ અને પાણી વપરાય છે… પણ ધર્મના ટેકેદારો જ તે દહાડે મુસ્લિમ પથ્થર અને હિંદુ પથ્થરનું નિર્માણ કરશે! ડૉક્ટરને ત્યાં આવતા દર્દીઓમાં મુસ્લિમ કેન્સર અને હિંદુ કેન્સરનું વર્ગીકરણ હોતું નથી! છતાં, આપણે ‘પારસી મરણ’ અને ‘હિંદુ મરણ’ જેવા લેબલ વડે મરણને પણ ધર્મશુદ્ધ બનાવ્યું છે!
દુષ્કાળગ્રસ્ત દેશમાં ૨૧ લાખ રૃપિયાની રકમ હોમહવનમાં વાપરી શકાય છે અને વડાપ્રધાન જેવી વ્યક્તિ પણ એનો આશ્રય લઈ શકે છે! સુપર કમ્પ્યુટરનો ઉપયોગ કદાચ આવા યજ્ઞાો કઈ જગ્યાએ કરવા અને ક્યારે કરવા જોઈએ એ જાણવા માટે થશે. ધર્મનું વિજ્ઞાાન અને યજ્ઞાની ટેકનોલોજી! આપણે દુનિયાને ઘણું નવું આપી શકીએ તેમ છીએ.
દુનિયાના બે ધાર્મિક દેશો ધર્મના રક્ષણ માટે દસેક વર્ષથી લડાઈ ખેલી ચૂક્યા છે અને લાકો નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલી ચૂક્યા છે. કરસનદાસ મૂળજીએ એકવાર ધર્મને નામે સ્ત્રીના શિયળ ઉપર થતું આક્રમણ રોકવા માટે જેહાદ જગાવવી પડી હતી. પોતાના દંભને ન્યાયી ઠેરવવા માટે ધર્માચાર્યોએ ખોટા શ્લોકો ઘડી કાઢ્યા હતા!

લોકો આવકવેરામાંથી મુક્તિ મેળવવા માટે ધર્મસ્થાનોને દાન આપે છે. પૈસા આપીને પુણ્ય ખરીદીએ એની પાકી પહોંચ મળે છે. ધર્મ ગમે તેવું શક્તિશાળી દૂરબીન બનાવે તો પણ એમાં સ્વર્ગ અને નરક દેખાવાનાં નથી એને માટે તો પરીકથાઓ અને દંતકથાઓનો જ આશરો લેવો પડે.
રોજના નિત્યક્રમમાં ઘડિયાળના કાંટાની સાથે આપણે ત્યાં ધર્મના ક્રિયાકાંડોનું પણ સાયુજ્ય રહ્યું છે. આટલાથી આટલા વાગે પૂજા કરવાની, બરાબર આટલા વાગે આરતી ઉતારવાની. ધર્મ અને આધ્યાત્મિકતા એ સમયના ચોકઠામાં ગોઠવવાની વસ્તુ છે? એને મનુષ્યનાં મન અને મગજની સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી? એ ઓફિસમાં હાજરી આપવા અને સિનેમાનો શૉ શરૃ કરવા જેટલી કૃત્રિમ ચીજ છે?
ધર્મને નામે આપણે કેટલી મોટી માત્રામાં અધર્મ આચરીએ છીએ? બધાં પાપ ધર્મની શેતરંજની હેઠળ છુપાઈને પડયાં છે. આપણી શેતરંજી ઉપરથી બરોબર સાફ-સૂથરી અને ચળકાટવાળી રહે એની આપણને સતત ચિંતા છે. ધર્મના આવા વરવા અસ્તિત્વ છતાં સમાજ ટકી રહ્યો છે એ જ આશ્ચર્ય છે. જૂના મળને સાફ કરવા માટે આંતરડાં સંપૂર્ણ સાફ કરવાં પડે છે. બૌદ્ધિકતા રૃપી એનિમા લઈશું તો વૈચારિક સડો દૂર કરી શકીશું.

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s