ફુલટાઈમ વાલીઓનું અરજીપત્રક…જીવનના હકારની કવિતા – અંકિત ત્રિવેદી

જીવનના હકારની કવિતા – અંકિત ત્રિવેદી

ફુલટાઈમ વાલીઓનું અરજીપત્રક…

જોઈએ છે… એક ફુલટાઈમ વાલી !

લાયકાત  જે બાળકને ‘બાળક’ તરીકે જ જોઈ શકે, વાંચી શકે, સાંભળી શકે અને સમજી શકે. વિશેષ કૌશલ્ય ઃ જો કાળજી લેવાની આવડત હોય તો અગ્રતા અપાશે. ઉંમર ઃ ઉંમરનો કોઈ બાધ નથી, માત્ર બાળક સાથે હોય ત્યારે તેની ઉંમરનાં લાગવા જોઈએ. અનુભવ ઃ જીવનમાં બાળપણની મોજનો અનુભવ આવશ્યક છે. પગાર ધોરણ ઃ ઘર અને જીવન છલોછલ ભરાઈ જાય તેટલો આનંદ મળશે. ખાસ નોંધ ઃ લાગણીની લાયકાત ધરાવતા ન હોય તેવા લોકોએ અરજી કરવી નહીં. અરજી મોકલવાનું સરનામું ઃ તમારાં ઘરનું જ લખી નાખો…!?

– નીતિન ઢાઢોદરા
આજકાલનો બાળક બાળપણ સાથે નથી જન્મતો! પરંતુ જવાબદારી સાથે જન્મે છે. એને એનાં માતા-પિતાની ઈચ્છાઓ, મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવાની છે! એ એના માટે નથી જીવતો, પરંતુ સારા માર્ક્સ લાવવા માટે જીવે છે. એણે સચીન તેંડુલકર, હેમામાલિની સાથે સ્પર્ધા કરવાની છે. બાળકે સચીન કે હેમામાલિની બનીને બતાડવાનું છે સહેજ વિચાર કરો કે સચીન તેંડુલકર કે હેમામાલિની કોને ધ્યાનમાં રાખીને બાળપણમાં જીવ્યાં છે? બાળક જેવો છે એવો જીવવા દેવાડવામાં આવે તો એની અમાપ સર્જનશક્તિ સોળે કળાએ ખીલી ઊઠે એમ છે. આપણે બાળકને રોબોટની જેમ ટ્રીટ કરીએ છીએ. એના બાળપણને વધુ પડતા ભણતરને કારણે ટ્વીસ્ટ કરીએ છીએ. ક્યારેય બાળપણને તમે પાછું ફરીને બોલાવ્યું છે? યાદ કર્યું છે? એ બાળપણની વાતો તમને આજે પણ યાદ છે. ઉશ્કેરાઈને ઉતાવળા થઈને વાગોળતા હોઈએ છીએ બાળપણની આપણી વાતોને! એવી વાતો આપણાં બાળકોને પણ યાદ રાખવી હોય છે, પરંતુ આપણે એમને એવું જીવવા જ ક્યાં દઈએ છીએ?

બાળકને આપણે સગવડો આપીએ છીએ અને એને સગવડોની જગ્યાએ સ્નેહ જોઈએ છે! આપણે એના ફુલટાઈમ વાલી બનવાની જગ્યાએ ફુલ ટાઈમ રીંગમાસ્ટર બની ગયા છીએ! હવે સર્કસમાં પણ પ્રાણીઓ ઓછાં થઈ ગયાં છે. રીંગ માસ્ટર ભૂંસાતો ચાલ્યો છે! અને આપણે માતા-પિતાની જગ્યાએ રીંગમાસ્ટર ક્યારે બની ગયા એની ખબર જ નથી પડતી? બાળકો સાથે છેલ્લે આપણે વાત કરી હતી ત્યારે સ્કૂલ સિવાયની કે ભણવા સિવાયની વાત યાદ છે? આપણા બાળકને આપણી જોડે વાતો કરવી છે એવી વાતો આપણે સાંભળવા તૈયાર છીએ? બાળકને સંભાળકની જરૃર છે અને આપણે એના વ્યવસ્થાપક બની ગયા છીએ.

એનું ટાઈમટેબલ સાચવવામાં આપણું વર્તમાનપણું પણ બગડે છે. એની આંખોને વાંચવા માટે તમારે તમારા બાળપણને પાછું બોલાવવું પડે! એની કાળજી અપેક્ષા નહીં, એકાગ્રતા ઝંખે છે, એની આગળ આપણી ઉંમર પણ એના જેટલી જ થઈ જવી જોઈએ, આપણા અનુભવમાં બાળપણની મોજ બાળક જોડે દરરોજ ઊજવાવવી જોઈએ! પછી આનંદની સાર્થકતાનો અનુભવ બળવત્તર થશે! બાળકને ગણીગણીને લાગણીથી ના તોલાય! એને તો આપણા ટેન્શનને અવગણીને લાગણીથી લથબથ ભીંજાવવા દેવાનો હોય! આવું ઘર આપણું પણ બની શકે છે. નીતિન ઢાઢોદરાની આ કવિતા ફુલટાઈમ વાલીઓનું અરજીપત્રક જ નથી, બાળક ઈચ્છે છે એવું મરજીપત્રક પણ છે.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s