મહાસત્તા ? કઈ રીતે, ક્યારે? વિવિધા – ભવેન કચ્છી — ગુજરાત સમાચાર ” શતદલ ” પૂર્તિમાં પ્રસિધ્ધ થયેલ લેખ.

મહાસત્તા ? કઈ રીતે, ક્યારે?       વિવિધા – ભવેન કચ્છી — ગુજરાત સમાચાર ” શતદલ ” પૂર્તિઓમાં પ્રસિધ્ધ થયેલ લેખ.

– મેઇક ઇન ઇન્ડિયા… મેડ ઇન ઇન્ડિયા અને ગ્રાઉન્ડ રિયાલિટી

– ભારત બિઝનેસ કરવાની અનુકૂળતાની રીતે વિશ્વમાં ૧૪૨મા ક્રમાંકે સંશોધન અને ટેકનોલોજીની રીતે વિશ્વની ટોચની કંપનીઓમાં ભારત ૧થી ૪૦માં ક્યાંય નહીં ઃ વિશ્વની શ્રેષ્ઠ ૧૦૦ યુનિવર્સિટીની યાદીમાં પણ ભારતને નો એન્ટ્રી

આપણે તત્ત્વજ્ઞાન, મોટિવેશન અને મોક્ષની વાતોમાં જ એક્કા – આવડો મોટો દેશ પણ વિશ્વમાં એક પણ સંશોધિત પ્રોડક્ટ કે ટેકનોલોજી નહીં! ભારત સરદાર પટેલની જયંતિ નિમિત્તે ‘એકતા દોડ’માં વ્યસ્ત હતું તે અરસામાં ગયા અઠવાડિયે બે એવા આંતરરાષ્ટ્રીય રિપોર્ટ બહાર પડયા જે ભારત ૨૦૨૦ કે ૨૦૩૦ સુધીમાં મહાસત્તા બનશે તેવી ગુલબાંગોના ગુબ્બારામાંથી હવા કાઢી નાખે તેવા છે.

વર્લ્ડ બેંકના રિપોર્ટ પ્રમાણે અન્ય દેશોની નજરે બિઝનેસ કરવાની અનુકૂળતાની રીતે ભારત છેક ૧૪૨મા ક્રમે આવ્યું છે. તે પછીના દિવસે પડતા પર પાટુ લગાવતો બીજો રિપોર્ટ ૨૯ ઓક્ટોબરે બોસ્ટન કન્સલ્ટીંગ ગુ્રપનો બહાર પડયો. તેઓએ વર્ષ ૨૦૧૪ની વિશ્વની ટોચની એવી ૫૦ કંપનીઓની યાદી જાહેર કરી છે જેઓ વિશ્વને ૨૧મી સદીને અનુરૃપ આકાર આપવા માટે સતત નવી ટેકનોલોજી ભેટ આપતા રહે છે. આવી ૫૦ ટોપ ઇનોવેટિવ એન્ડ રિસર્ચ કંપનીઓમાં ભારતની એકમાત્ર ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (ટી.સી.એસ.)ને જ અને તે પણ છેક ૪૩મા ક્રમાંકે સ્થાન મળ્યું છે.

જરા વિચારો ભારતની કઈ પ્રોડક્ટનું વિશ્વમાં બજાર છે ? ઓટોમોબાઇલ, મેડિકલ, ફાર્મા, ફૂડ ચેઇન, ગાર્મેન્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, ઇલેક્ટ્રીક ગેજેટ્સ, કમ્યુનિકેશન્સ, ઓનલાઇન રીટેઇલ ચેન, પેટ્રો- કેમિકલ્સ, ઇ કોમર્સ, શૂઝ, સોફ્ટ ડ્રીંક્સ, હાર્ડવેર, સોફ્ટવેર, બેન્કિંગ, વિમાનો, એરલાઇન્સ, ફાર્મા, ચોકલેટ- કોફીથી માંડીને તમામ ખાદ્ય કે પ્રોસેસ્ડ આઇટમ અને અન્ય લોજીસ્ટીક, સર્વિસીસ અને ઇન્ફ્રા સ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોના સથવારે આપણે વિશ્વ પરોઢનું પહેલું કિરણ રોજેરોજ ઝીલતા  હોઇયે છીએ. જીવનમાં આપણે આરોગ્ય- સુખ- સુવિધા, રોજી રોટી અને અસ્તિત્વનો અહેસાસ આવા સતત સંશોધન અને અપડેટ ટેકનોલોજીની કૃપાથી અનુભવી શકીએ છીએ.

કમનસીબે ભારતમાં માનવીના મૃત્યુ પછી મોક્ષ માટેનો વાણી-વિલાસ કે કર્મકાંડ થાય છે તેટલો પ્રયત્ન વિશ્વને ઉદાત્ત જીવન આપવા માટે નથી થતો. પાણી માટેના બોર, ડેમ, હેવીવેઇટ મશીનો, પુલ, રેલ, એરલાઇન્સનું ઇન્ફ્રા સ્ટ્રક્ચર હોય કે દવા, સર્જરી, ટેકનિકનું અપડેટ સંશોધન હોય બધું જ વિદેશને આભારી છે. પેઇન કિલર, પેનેસિલિન, એક્સ-રે, એમઆરઆઇ જુદા જુદા તબીબી પરીક્ષણો કરવાના સાધનો, એક પછી એક રોગોને નાબૂદ કરવા માટેની દવાઓ અને રસીઓ શોધવાનો યજ્ઞા પણ મહદઅંશે વિદેશી કંપનીઓ અને સંશોધકોને આભારી છે.

સતત નવી ટેકનોલોજીથી સજ્જ કારની ડિઝાઇન પણ વિદેશમાં તૈયાર થતી રહે છે. રોડ, રેલ કે એરની દુનિયાની હરણફાળ  નજર સામે જ છે. મોબાઇલ અને કોમ્પ્યુટર પર નજર માંડો ને કૃષિ અને ઉદ્યોગોને પણ છ અબજથી વધુની વિશ્વ વસ્તી સુધી પહોંચે તે માટે અવનવા સંશોધનો સાંપડયા છે. ઓનલાઇન અને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સના પાયામાં વિદેશી કંપનીઓ છે. આપણે શૃંગાર રસમાં ગળાડૂબ રહીને ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની’ના અતિરેક કરતા રહ્યા.

ભૂતકાળના ભવ્ય વારસાની બડાશમાંથી બહાર નથી આવતા પણ ખરેખર તો તમે સવારે ટુથબ્રશ કરો અને રાત્રે ઇલેક્ટ્રીક બલ્બ કે ટયુબ લાઇટ (હવે તો એલઇડી)ના અજવાળે પંખા કે એ.સી.ની સંગાથ ટી.વી.જુઓ, અભ્યાસ કરો તેવા દિવસથી રાત્રિ ઘેર, ધંધે કે ઓફિસમાં જે પણ નાની- મોટા ચીજ-વસ્તુ, ઉપકરણ કે સેવાનો સહારો લો છો તે પ્રોડક્ટનો સિદ્ધાંત કે સંશોધન કયા દેશનું છે તે વિચારશો તો તેમાં ભારત નહીં હોય. યાદ રહે ભારતની કંપનીની ચીજ-વસ્તુ હોય તે રીતે નથી જોવાનું જે તે સિદ્ધાંતને આધારે સંશોધન કરીને તૈયાર થતી ડિઝાઇન અને પ્રોડક્ટ માટેની વિદેશ વિશ્વને ભેટ આપે છે. આપણે તો તેની ડિઝાઇન અને પૂર્જા પ્રમાણે તે પછી ઉત્પાદિત કરીએ છીએ એટલે કાં તો ભારતની કોઈ કંપની વિદેશની આવી કંપની જોડે જોડાણ કરશે. ઘણા ખરા સંજોગોમાં તો જે તે શોધક વિદેશી કંપની જ તેની રીતે વિશ્વ બજારમાં તેમની પ્રોડક્ટ- સેવા આપતી હશે. આપણે તેના વિતરક ક પ્રોટોટાઇપ ઉત્પાદક હોઈશું. જે તબીબ બાયપાસ સર્જરી કે ઘૂંટણ રીપ્લેમેન્ટની કે જે પણ સર્જરી કરતા હોય તે સૌથી પહેલા કોઈ અમેરિકા, યુરોપ વગેરે દેશોના તબીબી સંશોધકોએ વિશ્વ સમક્ષ ભેટ ધરી હોય છે. તે પછી ભારત સહિત અન્ય દેશોના તબીબો તેની ટ્રેનિંગ લઈને હસ્તગત કરે છે. તે રીતે જોઈએ તો અદ્યતન મેડિકલ સાધન- સરંજામ કે કે ટેકનોલોજી તો ભારત માટે દૂરની વાત છે. થર્મોમિટર, બી.પી. માપવાનું મશીન, બ્લડ યુરિન કે ડાયાબિટીસ ટેસ્ટના શોધક પણ આપણે નથી.

આમ છતાં પશ્ચિમી દેશોને ભાંડતા રહીને આપણે સનાતન સંસ્કૃતિની જ હાંકે રાખીએ તે નર્યો દંભ કહેવાય આવું દવા, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સમજવું. માનવ ઉત્થાન, ભૌતિક જગત અને સુખના સ્રોત્રોની રીતે એમ કહી શકાય કે, ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી છે આપની (વિદેશની)’ હા, અમેરિકા, યુરોપના વગેરે દેશોમાં સ્થાયી થયેલા ભારતીયો આવી ટેકનોલોજી અને સર્વાંગી સંશોધનમાં ઉદાહરણીય યોગદાન આપે છે. હવે ભારતના વડાપ્રધાન મોદીએ ‘મેઇક ઇન ઇન્ડિયા’નો નારો ગૂંજતો કર્યો છે પણ વિશ્વ ભારતની શોધ- સંશોધન કે નોલેજનો ઉપયોગ કરે તે માટેના ‘મેડ ઇન ઇન્ડિયા’નો નારો પણ એટલો જ જરૃરી છે.

એપલ, ગુગલ, આઇબીએમ, ફેસબુક (વોટ્સ એપ), માઇક્રોસોફ્ટ, સેમસંગ, એલજી, સોની જેવા મનોરંજનના ઉપકરણો બનાવતી કંપની, ઓટો કંપની, ઇલેક્ટ્રીક, ફૂડ, કન્ઝ્યુમર પ્રોડક્ટસની કંપની, ફાર્મા કંપની, હેલ્થ, પેટ્રોલિયમ કંપની, વિમાન, ફૂડચેઇન, ઓઇલ કંપનીઓથી આપણું જીવન કેટલું સુખદ, સામાજિક અને ઉન્નત થઈ જાય છે. હા, વ્યક્તિની જરૃરિયાત ઓછી વધતી કે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે પણ ભારતે વિશ્વને એવી પ્રોડક્ટ કે સંશોધન નથી પેદા કર્યું કે તેની વિશ્વ માનવીને માંગ હોય. .(મહેરબાની કરીને અહીં યોગા, મેડિટેશન, વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ,સુખની અનુભૂતિ અને સાક્ષાત્કારની વાત ના છેડવી તમારે લેખનો  મર્મ સમજવાનો છે )

નિશાન આપણી બેકાર શિક્ષણ પદ્ધતિ, નૈતિકતા આપણને શું મળે ? આપણે શું કામ મહેનત કરવી ? વિદેશીઓની શોધ- સંશોધન કરશે તે ફોર્મ્યુલા, ડાય ફ્રેમ કે બીબા કે એસેમ્બલીંગ કરીને પ્રોડક્ટ બનાવવા માંડવું એવી મથરાવટી પર તાકવાનો અહીં પ્રયત્ન છે. આપણો દંભ પણ અહીં એટલો જ જવાબદાર છે ઓલિમ્પિકના મેડલ મેળવવામાં પણ ‘ઢ’ અને શોધ- સંશોધનમાં પણ તેવા જ. આપણે દેશી- વિદેશી કંપનીઓને સ્ટાફ પૂરો પાડતું શિક્ષણ જ ધરાવીએ છીએ. અગાઉના વર્ષોમાં સરકારી બાબુઓ અને હવે ખાનગી કંપનીઓના સોફિસ્ટીકેટેડ બાબુ પેદા કરીએ છીએ.

આપણી શાળા- કોલેજો અને યુનિવર્સિટીઓ માફિયા જેવા તત્ત્વોના હાથમાં સરકતી જાય છે. શિક્ષણ, આરોગ્ય નર્યો ધંધો જ બની ચૂક્યું છે. સંશોધન માટે નાણાં ફાળવવા સાથે તપશ્ચર્યા કરવી પડે. કોર્પોરેટ જગતે અબજોના દાન અને સરકારે બજેટમાં જંગી રકમ સંશોધન માટે  ફાળવવી પડે. માત્ર મોટીવેશનની બડી બડી વાતો કે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના ગીતાજ્ઞાાનની છાયામાંથી આ બધું નથી થતું. દેશમાં ખમીર અને મિજાજ જોઈએ. લઘુતાગ્રંથિથી પીડાઈને તે પછી ગુરૃતા મેળવી શકાય આપણને તો શરમ જ નથી.

આપણે શૂન્ય શોધેલું અને વિમાન ઉડ્ડયન હજારો વર્ષ પહેલાં થયેલું. ભારત સર્જરી ચિકિત્સાનું પ્રણેતા છે તેવા અવશેષોની ફાઇલ બતાવવાથી વર્તમાનનું શું ? ભગવાન રામ, શ્રી કૃષ્ણ કે ફલાણા સંત, ગાંધીજી, સરદાર આવા ઉત્કૃષ્ટ હતા અને તેવા મહાન અને દુરંદેશી હતા તો શું ? આપણે ક્યાં ના પાડીએ છીએ. પણ, આપણે તેનો શું ફાયદો ઉઠાવ્યો, કઈ રીતે પ્રેરણા લીધી તે જ વિચારવું જોઈએ. અમેરિકા, યુરોપ, ચીન વગેરે પાસે આવા તત્ત્વજ્ઞાાની અવતાર, સંતો કે મહાપુરુષો નહતા.

તમે વિદેશની મુલાકાત લઈને આપણા દેશને મૂલવો તો કેવો લાગે ? ‘યુ ટયુબ’ પર જઈને વિદેશના કોઇ શહેર કે સીસ્ટમની વર્ચ્યુઅલ ટુર પણ કરી શકો છો. ભારત શોધ- સંશોધનની રીતે વિશ્વની ૫૦ કંપનીઓમાં કમ સે કમ છ- આઠ કંપનીઓ ધરાવતું હોય અને  બિઝનેસ કરવાની રીતે ૧૪૨મા ક્રમે હોય તેની જગ્યાએ ૪૦ની અંદર હશે ત્યારે જ મહાસત્તા બની શકે તે તમે સમજી શકો છો. યાદ રહે ભારતમાં વિદેશી રોકાણ આવે તો આર્થિક સ્થિતિ સુધરે પણ મહાસત્તા માટે શિક્ષણ, આરોગ્ય, ટેકનોલોજી, કમ્યુનિકેશન, સ્પોર્ટસ ક્ષેત્રે ભારતની ધાક હોવી જોઈએ.

આપણી વસ્તીના મધ્યમ વર્ગીય ૬૦- ૭૦ કરોડ  ગ્રાહકો બનીને તો  વિદેશી કંપનીઓને તગડી કરીશું, ખરેખર તો આપણી પ્રોડક્ટ હોય, વિશ્વના નાગરિકો તેને ખરીદે તે ધ્યેય હોવો જોઈએ. આપણે ટ્રેડિંગ, મેન્યુફેક્ચરીંગ, લેબર અને સર્વિસ પ્રોવાઇડર્સને લગતી પોતિકી વૈશ્વિક પ્રોડક્ટ કે સંશોધન થકી વિશ્વમાં ડંકો વગાડવાનો છે. વ્યક્તિને સંપ્રદાય કે જાતિ, જ્ઞાાતિ કે ધર્મના કરતા રાષ્ટ્રનું ગૌરવ હોય તો જ આ શક્ય બને અમેરિકા, યુરોપ અને ચીન જેવા કડક કાયદાઓ બનાવીને યોગ્ય વ્યક્તિના હાથમાં જ યોગ્ય સંસ્થા કે કાર્ય હોય તેવી સિસ્ટમ નિર્માણ કરવી પડશે. બાય ધ વે વિશ્વની ટોચની ૧૦૦ યુનિવર્સિટીઓમાં પણ ભારતની એક- બેને માંડ સ્થાન મળે છે અને ૨૦૨૦ સુધીની અપકમિંગ કંપનીઓની બહાર પડેલી યાદીમાં ચીન અમેરિકાને પડકારે તેવી મજબૂત સ્થિતિમાં છે.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s