અવાજ વરદાન, ઘોંઘાટ શાપ (કેલિડોસ્કોપ)

 

અવાજ વરદાન, ઘોંઘાટ શાપ (કેલિડોસ્કોપ)

કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ

‘અવાજ’ ઈશ્વરનું વરદાન છે. અવાજ માણસની એકલતા મિટાવે છે, એના દિલને ભરી દે છે. એના જીવનને આનંદમય બનાવે છે. અવાજ ક્યારેક માણસને ચેતવણી આપે છે, જેને લીધે માણસનું જીવન બચી જાય છે, પરંતુ આધુનિક માનવી એ વરદાનને જાણે શાપમાં બદલી રહ્યો છે. જે રીતે અતિરેક કરીને એણે ‘ગ્લોબલ ર્વોિંમગ’ પેદા કર્યું છે, એ જ રીતે અવાજમાં અતિરેક કરીને એ માનવજાતને નુકસાન કરી રહ્યો છે. ખાસ કરીને શહેરી માનવી અવાજને ઘોંઘાટમાં ફેરવી રહ્યો છે અને કુદરતના એ વરદાનને શાપમાં બદલી રહ્યો છે.

વૈજ્ઞાાનિક રીતે અવાજને ‘ડેસિબલ’થી માપવામાં આવે છે. એંસી-નેવું ડેસિબલથી વધારે ઊંચા એટલે કે એકસો ત્રીસ ડેસિબલથી અવાજનું લેવલ જ્યારે ઊંચું થઈ જાય છે ત્યારે માણસ માટે એ ખતરનાક બની જાય છે અને જ્યારે અવાજનું લેવલ એથી પણ ઊંચું જાય છે ત્યારે એ માણસની સાંભળવાની શક્તિને ઘણું મોટું નુકસાન કરે છે. એવા ઊંચા અવાજથી માણસને કાયમી બહેરાશ આવી જવાનો સંભવ રહે છે. માણસે જો લાંબા સમય સુધી ઘોંઘાટમાં કામ કરવું પડતું હોય તો બહેરાશથી બચવા માટે એણે કાન ઉપર પ્રોટેક્ટર રાખવું જોઈએ, જેથી એના કાન ઘોંઘાટથી બચેલા રહે અને એની સાંભળવાની શક્તિને ક્ષતિ ન પહોંચે, પરંતુ સામાન્ય માનવી આવું કરી શકતો નથી અને સૌથી વધુ નુકસાન એને જ થાય છે.

સામાન્ય વાતચીતમાં આપણા અવાજનું લેવલ ત્રીસેક ડેસિબલ જેટલું રહેતું હોય છે અને ક્યારેક વધીને પચાસેક ડેસિબલ જેટલું પણ પહોંચતું હોય છે. જ્યારે આપણે કાર, ટ્રક કે ટ્રાફિકના ઘોંઘાટમાં રહીએ છીએ ત્યારે આ માપ સોથી વધારે ઊંચા લેવલે જતું હોય છે, જે નિશ્ચિત રીતે આપણને નુકસાન કરે છે. આવો ઘોંઘાટ માત્ર આપણી સાંભળવાની શક્તિને જ નુકસાન નથી કરતો પણ એટલું બધું નુકસાન કરે છે કે, માનવામાં પણ ન આવે.

એક અમેરિકન ડોક્ટરનું વિધાન એવું છે કે અવાજ અને ઘોંઘાટથી માણસના બ્લડપ્રેશરમાં વધારો થાય છે, એના જ્ઞાાનતંતુઓ ઉશ્કેરાયેલા રહે છે. એ કારણે અલ્સરથી માંડીને બીજા અનેક દર્દો થવાની સંભાવનાઓ વધી જાય છે. વધુ પડતા ઘોંઘાટમાં જીવતા માણસોનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને એવા સ્વભાવની અસર એમના કુટુંબજીવન અને સમાજજીવન ઉપર પડે છે. એમનાં જીવનમાં અનેક અણધાર્યા પ્રશ્નો ઊભા થાય છે. કેટલાક લોકો મગજની સમતુલા પણ ગુમાવે છે અને આ બધું કંઈ એક દિવસમાં બનતું નથી, ધીમે ધીમે બને છે. આમ છતાં, ન માની શકીએ એટલા લોકો એનો ભોગ બનતા રહે છે.

અવાજ અને ઘોંઘાટનો ભેદ સમજવાનું આપણે જાણે કે છોડી દીધું છે અને એટલે જ આપણું સંગીત પણ એની મધુરતા ગુમાવીને ઘોંઘાટિયું બની ગયું છે.

અવાજ કેવી ભયંકર અસર કરી શકે છે એનું એક ઉદાહરણ જાણવા જેવું છે. એક રીઢા ગુનેગારને મનાવવા માટે પોલીસે અનેક તરકીબો કરી જોઈ પણ એ માન્યો નહીં, ત્યારે એને સુવડાવીને એના કાન પાસે ધીમે ધીમે પાણીનું એક ટીપું પડયા કરે એવી ગોઠવણ કરવામાં આવી. ગુનેગારને બાંધીને સુવડાવી રાખવામાં આવ્યો હતો અને બીજી કોઈ શિક્ષા કે મારા મારવામાં આવ્યો ન હતો છતાં બીજે દિવસે એણે વિગતો આપીને ગુનાની કબૂલાત કરી લીધી. પાણીનાં ટીપાંનો અવાજ શરૂઆતમાં તો એને સામાન્ય લાગ્યો હતો, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ એ અવાજ એટલો મોટો અને ભયંકર લાગવા માંડયો કે એ સહન કરીને સાચી વાતો છુપાવવાનું એના માટે અશક્ય બની ગયું.

એક ચીની યુદ્ધનિષ્ણાતે લડાઈમાં ઘોંઘાટ અને અવાજને સૌથી ખતરનાક શસ્ત્ર તરીકે વર્ણવેલ છે. સ્ટીવ હાર્વે નામના અમેરિકન લેખકે નોંધ્યું છે કે કોરિયા સામેના યુદ્ધમાં ચીને બ્યૂગલ અને પડઘમના અવાજનો ઉપયોગ કર્યો હતો.

આપણે ત્યાં યુદ્ધનું વર્ણન કરતી વખતે કે વીજળીના ભયાનક કડાકાઓનું વર્ણન કરતી વખતે કવિઓ કહેતા કે એ વખતે એટલો બધો અવાજ થયો કે કેટલીય સ્ત્રીઓને ગર્ભપાત થઈ ગયા. આમ, અવાજના જોખમને માણસ વર્ષોથી પિછાણતો આવ્યો છે. અને એવું જોખમ તો શહેરનો માનવી કાયમ વેઠી રહ્યો છે.

રોમની વાત કરતી વખતે કવિ જ્વેનલ લખે છે કે રોમમાં અનિદ્રાથી કેટલાં મરણ થયાં હશે એ કોઈ જાણતું નથી, પરંતુ રોમમાં માણસને શાંતિથી ઊંઘ આવતી નથી એ બધાં જાણે છે. પણ ઊંઘ ક્યાંથી આવે? વહેલી સવારથી રથો ઘોડાઓ, વાહનો, ફેરિયાઓ, દૂધવાળાઓ અને કંસારાઓના અવાજો શરૂ થઈ જતા હોય છે અને ઊંઘ લીધા વિના માણસ રોગો સામે ટકી શકે એવો તંદુરસ્ત કઈ રીતે રહી શકે? કહે છે કે જુલિયસ સિઝરે એ વખતમાં એટલે કે સદીઓ પહેલાં અમુક લત્તાઓમાં રથ અને ઘોડાઓની હેરફેર બંધ કરાવી હતી.

બર્નાર્ડ શોને એક વાર એક રેસ્ટોરાંમાં જમવાનું હતું. રેસ્ટોરાંના માલિકે અદબથી શોને પૂછયું, “જ્યારે આપ ખાણું લેતા હશો ત્યારે ઓર્કેસ્ટ્રા પર મધુર ધૂન વગાડવામાં આવશે. આપને કઈ ધૂન સપંદ છે?”

“મૌનની.” શોએ ગંભીર થઈને કહ્યું.

સર્જકો, વિચારકો, ચિત્રકારો અવાજથી ખલેલ પામતા હોય છે. વેબ્સ્ટર ડિક્શનરી તૈયાર કરનાર નોઆહ વેબ્સ્ટર મકાનના સૌથી છેવાડાના ઓરડામાં પુરાઈ જતા હતા. મહાન ઇટાલિયન સંગીતકાર જ્યૂસેપ વર્દી જ્યારે બીમાર પડયો ત્યારે મિલાન શહેરના નગરજનોએ એવી વ્યવસ્થા કરી હતી કે સંગીતકારને જરાય અવાજ કે ઘોંઘાટ ન પહોંચે એટલે વર્દીના મકાનના રસ્તે લોકો ગાડીમાં જવાના બદલે પગે ચાલીને જતા. નોબેલ પારિતોષિક વિજેતા લેખક એસ.વાય. એગ્નોનના મકાન પાસે, રસ્તા ઉપર જેરુસલેમના સત્તાવાળાઓએ એક બોર્ડ મૂક્યું હતું, “શાંતિ જાળવો, એગ્નોન સંશોધનમાં વ્યસ્ત છે.”

શાંતિનું મહત્ત્વ માણસ સમજે છે અને અમર્યાદ અવાજ એના માટે કેટલો ખતરનાક છે એ પણ વર્ષોથી એ સમજે છે અને છતાં એ બાબતમાં એ વધુ ને વધુ લાચાર થતો જાય છે.

એમ કહેવાય છે કે સુદાનમાં વસતા અમુક આદિવાસીઓની શ્રવણશક્તિ સૌથી સારી છે. આધુનિક તબીબીશાસ્ત્ર કહે છે કે માણસની શ્રવણેન્દ્રિય એની બીજી ઇન્દ્રિયો કરતાં વહેલી બગડે છે. મોટી ઉંમરે બહેરા બની જનાર અથવા ઓછું સાંભળનાર અસંખ્ય લોકો આપણા સમાજમાં જોવા મળે છે. સુદાનના એ આદિવાસીઓમાં ભાગ્યે જ કોઈ બહેરું બને છે. એ લોકો બહુ ધીમેથી વાતચીત કરે છે એ પણ એનું એક કારણ માનવામાં આવે છે.

અમારે ત્યાં વર્ષો પહેલાં એક મહેમાન આવ્યા હતા. રાત્રે મોડે સુધી બધા વાતો કરતા હતા. એકાએક વચ્ચે એમણે કહ્યું, “ઝાંઝરી વાગતી હોય એવો આ અવાજ શાનો છે?”

મેં ઘણો પ્રયત્ન કર્યો પણ ઝાંઝરીનો અવાજ હું સાંભળી શક્યો નહીં. અચાનક મને ખ્યાલ આવી ગયો. મેં કહ્યું, “એ તો કંસારીનો અવાજ છે.”

“કંસારીનો?” એમણે આશ્ચર્યથી કહ્યું.

એમણે કંસારીનો અવાજ ક્યારેય સાંભળ્યો નહોતો. કંસારી જેવડું નાનકડું જીવડું આવો અવાજ કરે એ જાણીને એમને બહુ આશ્ચર્ય થયું.

આપણે એટલા બધા ઘોંઘાટ વચ્ચે જીવીએ છીએ કે ધીમે ધીમે અવાજની સમજ જાણે ગુમાવી રહ્યા છીએ. ઘોંઘાટ આપણી સંવેદનશક્તિને હણી નાખે છે એ પણ એક ઘણું મોટું નુકસાન છે.

શહેરોના ઘોંઘાટમાં આપણી જિંદગી પસાર થઈ જાય છે અને કેટલાય સૂક્ષ્મ, મધુર અવાજોનું આપણને ક્યારેય ભાન જ નથી થતું. સૂમસામ રાત હોય, નદીની રેતીમાં આપણે સૂતા હોઈએ, તમરાં બોલતાં હોય, આવળ ખખડતી હોય, પવન અવનવા અવાજો કાનમાં ભરી જતો હોય, દૂર વાડીમાં કોઈ પાવો વગાડતું હોય, વાગોળ ઊડતી હોય, ચીબરી બોલતી હોય, અવાજોની એક આખી સૃષ્ટિથી જાણે આપણે સાવ અજાણ થતા જઈએ છીએ.

અને અવાજ કોઈ માણસનો દુશ્મન નથી. અવાજ વિનાની દુનિયા, સંગીત વિનાની દુનિયા, વાતચીત વિનાની દુનિયા તો સ્મશાન જેવી નિષ્પ્રાણ દુનિયા છે. પાસ્કલે એવી જ કોઈક નિઃશબ્દ રાત્રિએ આકાશ સામે જોઈને કહ્યું હશે,The eternal silence fo those infinite spaces terrifice me.આટલા વિશાળ વિશ્વમાં આપણી નાનકડી પૃથ્વી સિવાય કદાચ ક્યાંય અવાજ નથી. (કારણ કે અવાજ ફેલાઈ શકે એવું માધ્યમ નથી.) આપણી પૃથ્વી અવાજથી હરીભરી છે અને એટલે જ કદાચ હરીભરી છે. પણ એ અવાજને ઘોંઘાટમાં ફેરવીને આપણે આપણી જાતને નુકસાન ન કરવું જોઈએ.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s